ઘોડિયું
મેઘા,લઇ જાને આ ઘોડિયું. અમારે તેનું શું કામ છે? ઉપરવાળા એ જાણે ક્યાં ભવની રીસ કાઢી છે અમારા પર તેની ખબર પડતી નથી”. ભાવિની દાદરો ઉતરતા મેઘાને કહેવા લાગી.
“ના, પણ એ તો તારા સપનાનું પ્રવેશદ્વાર છે. તે હું ન લઈ જઇ શકું.” ઘોડિયાને જોતા ડૂમો ભરાઈ ગયો હતો તેથી મેઘા આટલું જ બોલી.
વિવેક અને વિશાલ બંને બાળપણના મિત્રો. સંયોગવશાત વિવેક ગામડામાં રહ્યો અને ખેતીમાં પડ્યો. વિશાલ શહેરમાં એક પ્રતિષ્ઠિત કંપનીમાં સ્થાયી થયો.
‘જોઈ આવ્યા જમીન? કેવી છે? મેઘા એ સ્વસ્થ થઈને પૂછ્યું.
‘હા, સોદો ફાઇનલ છે બસ, થોડા સમયમાં એ જમીન આપણી..’
વિશાલ વાક્ય પૂરું કરે ત્યાં જ અધ્ધવચ્ચે ભાવિની બોલી, “અને આ ઘોડિયું પણ...”
વિવેક અને વિશાલ અવાચક બની ભાવિનીની આંખો વાંચવા લાગ્યા.
“હા, આમ પણ આ ઘોડિયું ધૂળથી મેલું થયા કરે છે. તમારે ઘેર તેમાં બાળક આળોટશે.” મેઘા એ આંખોને વાચામાં પલટાવી નાખી.
પત્નીના ખભે હાથ રાખી વિવેકે બેસતા કહ્યું , “હા વિશાલ , લઇ જા તારા ઘેર આવનાર બાળક આમાં જ હીંચશે. અમે પણ અહીં લયના હિલોળે ચડશું. મને બે વ સંતાન સુખ મળ્યું પણ અમે તો એનું મોઢું પણ જોવા ન પામ્યા. રણમાં વાગતી રેતીની થપાટો, આ દુકાળ અને વાંઝિયાપણું અમને મારે છે, પણ સદી ગયુંછે.” ધ્રૂજતી રકાબીમાં પડેલી અર્ધીચા પી તેને ટેબલ પર મૂકી.
લગ્નને વીસ વર્ષ થયા, પણ ભાવિનીને વિવેકના ઘર એક પણ બાળક ન આવ્યું. તમામ ઉપાયો, ઇલાજો, દોરા-ધાગા, માનતા… પણ દેખાતી સફળતાનો સૂરજ સંધ્યા બની આથમી જ જતો.
મૌનનો પુલ તોડતા મેઘા બોલી , “પણ એક શરત છે કે ઘોડિયાંને ઝુલાવવાનો પહેલો હક્ક તમારો.”
આટલું સાંભળતા જ ભાવિનીની આંખોમાંથી ધૂળમાં ધરબાયેલી નિરાશાનો પડદો ખસી ગયો.
“હા, ચોક્કસ એ તો અમારો જ હક્ક છે.” ભાવિની અને વિવેક એકસાથે બોલી ઉઠ્યા.
ઉમરની મર્યાદા વટાવી દિવસ-રાતની બાદબાકી થતી રહી. એક દિવસ ચંદ્રમાની શીતળતાને લઈને આવી હોય એવી દીકરી મેઘાને ત્યાં જન્મી. આખું ઘર નામકારણનો પ્રસંગ અને હવનની તૈયારીઓમાં પડ્યું હતું. વર્ષોના સેવેલ સ્વપ્નનાં બીજનું વાવેતર બે મા-બાપના આંખમાં તરવરતું હતું.
બજારેથી ઘેર જતી મેઘા ભાવિનીને મળવા ઉતાવળી હતી, મનોમન દીકરી સાથે વાતો કરતી મેઘા બોલે છે. “આજે તને બે માવતર મળશે. ભાવિનીને આપેલ વચનની પાળ આજ તૂટશે.”
વિચાર મગ્ન મેઘા અચાનક બાળકી નું રુદન સાંભળે છે અને ઉતાવળે પગથિયાં ચડે છે. તેને સામે જ કોર પર રાખેલ ઘોડિયું દેખાય છે, અને તેમાં સુતેલ બાળકીના રુદનનો અવાજ સાંભળી ભાવિની પણ સામેથી દોડતી આવે છે.
ઉતાવળમાં જમીન પર પડેલ શેતરંજીમાં પગ ભરાય છે અને મેઘાનો પગ અટવાય છે. મેઘા ગોથું ખાઈ જાય છે. અને ઉથલી પડે છે. તે કશુંક પકડવા હાથ વીંઝે છે. પણ કશું હોતું નથી. તે જોરથી ઘોડિયાં સાથે અથડાય છે. ઘોડિયું કોર પરથી ઉછળે છે અને બાળકને બાથમાં લઈ જોરથી પછડાય છે. બાળક તેના નીચે કચડાય છે.
ભૂતકાળની વાતને ભુલાવી દેવાની આશા રાખતી બે મા માટે ઘોડિયું પુનઃભૂતકાળ બની જાય છે.