‘પંખીપદારથ’ અધ્યાત્મ અને કવિતાનો અનોખો સંગમ ધરાવતું કાવ્યગુચ્છ
કવિ હરીશ મીનાશ્રુ હાલમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત કવિઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ્રિબાંગ સુંદર એણી પેર ડોલ્યા’ છે. ત્યારબાદ તેમની પાસેથી ‘તાંબુલ’, ‘તાંદુલ’, ‘પર્જન્યસૂક્ત’, ‘સુનો ભાઈ સાધુ’, ‘પંખીપદારથ’, ‘શબદમાં જિનકું ખાસ ખબરાં પડી’, વગેરે જેવા કાવ્યસંગ્રહો મળ્યા છે. ‘પંખીપદારથ’ તેમનો અછાંદસ કાવ્યરચનાઓનો સંગ્રહ છે. આ સંગ્રહમાં કુલ નવ અછાંદસ કાવ્યગુચ્છ છે.
કાવ્યસંગ્રહનું પ્રથમ કાવ્યગુચ્છ ‘પંખીપદારથ’ છે. આ કાવ્યસંગ્રહ ના ચૌદ(૧૪) કાવ્યો છે. તે બધા જ કાવ્યો આગવું ચૈતસિક પરિમાણ ધરાવે છે. કાવ્યશીર્ષકની શબ્દપસંદગી પરથી જ તેના વિષય વિશેનો તાગ મળે છે. ‘પંખીપદારથ’ શીર્ષકમાં ‘પંખી’ અને ‘પદારથ’ એમ બે શબ્દોનું જોડાણ થયેલું છે. કાવ્યગુચ્છના કાવ્યોમાંથી પસાર થતાં કવિએ પ્રતિકાત્મકતા દ્વારા પોતાના સંવેદનની રજૂઆત છે. કાવ્યોમાં ‘પંખી’ એ જીવાત્માના પ્રતિકરૂપે અને ‘પદારથ’ પરમાત્મા-અલૌકિક ચેતનતત્વના અનુસંધાનમાં મૂક્યાં છે. કવિએ પોતાની આધ્યાત્મિકતાને સાહિત્યિકતામાં ઢાળીને વ્યંજનાત્મક રીતે રજૂ કરી છે.
“એક અટપટું પંખી
બેઠું છે સરળ વૃક્ષ
અથવા
એક સરળ પંખી
ઊડતું ઊડતું જ્યાં જાય છે
ત્યાં
અટપટું વૃક્ષ ફેલાવે છે એની ડાળીઓ” (પૃ-૧૭)
“અટપટું હોય કે સરળ
બેમાંથી કશું ય
ઝટ સમજાય તેવું હોતું નથી
આપણી વાત જુદી છે:
પંખી અને વૃક્ષના જુગલરૂપથી
આપણને તો
ધીરે ધીરે સમજાઈ રહ્યું છે
વિશેષણ વિનાનું એક પંખી, નિ:શેષ
વિશેષણ વિનાનું એક વૃક્ષ, નિ:શેષ” (પૃ-૧૮)
પ્રતિકાત્મકતા દ્વારા જીવનની રજૂઆત કરી છે. સહજ રીતે પરમચેતનતત્વને જાણવાની ઈચ્છા માનવસ્વભાવ હોય છે. પણ વાસ્તવમાં માનવજીવન અને પરમતત્વ બંને જેટલાં સરળ છે એટલાં સંકુલ પણ છે. બંનેમાં અગાધ શક્યતાઓ પડેલી છે. ક્યારેક જીવન સરળ હોય ત્યારે ચેતનતત્વને પામવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે તે અધિક સંકુલ ભાસે છે. જ્યારે જીવન અટપટું હોય છે ત્યારે પરમતત્વ સરળ લાગે છે. પણ આશરે લેનાર અને આપનાર બંનેના સ્વભાવમાં સરળતા વ્યાપે ત્યારે બધી જ અસંદિગ્ધતાઓ દૂર થાય છે. અને નિ:શેષ રૂપે તેમનું દર્શન શક્ય બને છે. અને તેથી જ કહ્યું છે કે “પંખી અને વૃક્ષ જ્યારે જીવનમાં સરળ સ્વભાવ ધારણ કરી લે છે ત્યારે કવિચેતનામાં વિશેષણ વિનાનું એક પંખી અને વૃક્ષ જ નિ:શેષ બચે છે. અટપટો અને સરળતાનો સ્વભાવ પંખી એટલે કે માનવીની અધ્યાત્મિક ચેતનાનો છે અને તેને જ્યારે સરળ વૃક્ષનો આશરો પ્રાપ્ત થાય છે ત્યારે કોઈ પણ વિશેષણ વિનાની નિ:શેષતા.” આમ, પોતાના આધ્યાત્મિક સંવેદનની વ્યંજનાસભર રજૂઆત આ કાવ્ય દ્વારા થઈ છે.
બીજા કાવ્યને કવિ ‘નીતિન મહેતાનું મરસિયું’ ગણાવે છે. તેમાં નીતિન મહેતાના જીવન અને સાહિત્ય જગતમાં અર્પણની કલ્પનાત્મક રજૂઆત કરી છે.
“હું એ પંખીની વાત કરું છું
જેણે પોતાની બન્ને પાંખો ખેરવી નાખી છે ને
હવે એનો કેવળ સાદડી તરીકે ઉપયોગ કરે છે
લક્કડખોડ કંસારા અને દરજીડા જેવું જ
આમ તો દેખાય છે
પણ નાગરોએ એને નાત બહાર મૂકેલું છે” (પૃ-૧૯)
“હું કવિ છું : સૂર્યચંદ્રની હીનોપમા તો
નહીં જ આપું
એ પંખીની આંખોને” (પૃ-૧૯)
નીતિન મહેતાનું જીવનસમર્પણને કાવ્યાત્મક ઢબે કવિએ આલેખન કર્યું છે. તેમાં નાગરનાત દ્વારા નાત બહાર મૂકવાનો સંદર્ભ નરસિંહ અને નીતિન મહેતા બંને સંદર્ભોને ઉજાગર કરતો હોવાથી કવિએ કાવ્યાન્તે સ્પષ્ટતા આપી છે કે આ કાવ્ય નીતિન ભાઈને સમર્પિત છે. કવિની સૃષ્ટિ તો ઈશ્વરની સૃષ્ટિથી નિરાળી છે અને તે ભાવે જ નીતિન મહેતાની તેજસ્વિતાને સૂર્યચંદ્રની રોશની કરતાં પણ અદકેરી બતાવી છે. નીતિન મહેતાની ન હોવાથી ઉણપ ગુજરાતી કવિતામાં વર્તાઈ રહી છે. આવી કવિની યાદગીરી દર્શાવતી કાવ્યરચના કવિના વિષયવૈવિધ્યને દર્શાવે છે. ત્રીજી કાવ્યરચનામાં માનવજીવનનું પ્રતિબિંબ પ્રતિકાત્મક કલ્પનાઓથી પડતું દેખાય છે. ‘વીજળીનાં તણખલાં’, ‘લંબગોળ સૂર્ય જેવડું ઈંડું’, ‘અગ્નિહોત્રીની ઉપાસના’, ‘હુંફાળી રાખ’ વગેરે પ્રતિકો દ્વારા મનુષ્યની કર્મશીલતા, જીવનચક્ર, લખચોર્યાસી યોનિના ફેરા જેવી આધ્યાત્મિક સંવેદના રજૂ કરી છે.
ચોથી કાવ્યરચનામાં પુરાકલ્પનના વિનિયોગ દ્વારા આધ્યાત્મિકતાને દર્શાવી છે. આ સકળ વિશ્વનો સંચાલક પરમાત્માની લીલા અપરંપાર છે. તેને પામવા પંખીરૂપ મનુષ્ય પ્રયાસ કરે છે પણ તેની શક્તિ મુજબની સફળતા તે પામે છે.
“હજાર પાન
હજાર ફૂલ હજાર ફળ
હજાર હાથવાળું વૃક્ષ ઊંભું છે
ને એની એકાદ હથેળીમાં હાજર છે
એક પંખી” (પૃ-૨૧)
હજાર પાન, ફૂલ, ફળ, હાથ વાળું વૃક્ષ પરમકૃપાળુના વિશ્વરૂપને ઉજાગર કરે છે. અને તેની આગળ મનુષ્ય માત્ર એક પંખી છે. તેવી કલ્પનોત્થ રજૂઆત કવિની અધ્યાત્મભાવનાને દર્શાવે છે. તેમની આ ભાવસબલતાની સાથે ‘મહાભારત’ નો બાણવિદ્યાની પરીક્ષાનો પ્રસંગ ગૂંથ્યો છે. આ પંખીરૂપી માનવી કેટલા પ્રમાણમાં સિદ્ધિ હાંસલ કરશે તે માટે શરસંધાનથી વિશેષ પરીક્ષા કઈ હોઈ શકે? અને તેની નિશાનને જોવાની દ્રષ્ટિ પરથી તેના જીવનની દિશા નક્કી થાય છે. જે પક્ષી સાથે આખું વૃક્ષ જુએ તે પારધી, જુએ તે વ્યાપારી, ફળ જુએ તે ગૃહસ્થ, પુષ્પ જુએ તે પ્રણયી, માત્ર પક્ષી જુએ તે એકાકી થશે પરંતુ જેને માત્ર પક્ષીની આંખ જ દેખાય છે તે શરસંધાન કરી શકશે અને જોગી બનશે. અહીં પરમતત્ત્વને પામવા માટે એકાગ્રતા, ધીરજ, વગેરે જેવા ગુણોની આવશ્યકતા હોવી જરૂરી છે અને આવો સંત વિશ્વરૂપ પરમાત્માની ઉપાસનામાં સદાય હાજરાહજૂર રહે છે. આવા અધ્યાત્મરૂપ વિષયની રજૂઆત કવિએ ગદ્યકાવ્યમાં કરી છે. પાંચમા કાવ્યમાં માનવજીવનની વાસ્તવિકતા પ્રકટ કરી છે. સમાજ, રીતિરિવાજ, સંબંધોની જાળવણી જેવા કાર્યોમાં સતત વ્યસ્ત રહેતા મનુષ્યને જીવનની આ માયાજાળની નિરર્થકતા રજૂ કરી છે.
છઠ્ઠા કાવ્યમાં અધ્યાત્મનો રસ્તો બધા જ મનુષ્યો માટે સરળ નથી. આ વિષયની અભિવ્યક્તિ તેમણે ઋષિ અને પંખી દ્વારા કરી છે. જે જ્ઞાની છે તેને પોતાના જ્ઞાનનું ભાથું સામાન્યજન પણ સમજી જશે તેવી આશા હોય છે. પણ આવી આશા સદા સફળ થતી નથી.
“ઋષિએ ઈશારો કર્યો પંખીને
પરંતું
આ પંખી ઉચ્છિષ્ટ અને ઉપનિષદનો ભેદ જાણે છે.
એણે ડોકું ધૂણાવ્યું
ને ઊડી ગયું
નિજના નિરંતર ઉપવાસમાં” (પૃ-૨૫)
આમ, સામાન્યજન ઉપનિષદના ભેદને જાણવા કરતાં સામાન્ય જગતની જાણકારી ઉપર વધું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અહીં સામાન્યજનની કુઠિત દ્રષ્ટિનાં દર્શન થાય છે. ગુચ્છના સાતમા કાવ્યમાં જીવે આડંબરરૂપ ધારણ કરી લીધેલાં વિશેષણોથી ઢાંકવાનો પ્રયાસ થાય છે પણ તે તો બધાની પર મૂળત: પોતાના નિજી સ્વરૂપથી જ ઓળખાય છે.પક્ષીને જટાયું, લિવિન્ગસ્ટન સીગલ, કાકભુશુંડી, ડોનાલ્ડ ડક, જેવી ઉપમાઓ આપવા છતાં તે મૂળત: એક પક્ષી જ છે તેવી વિષયવસ્તુની સાથે અધ્યાત્મની ગૂંથણી ગૂઢ વિષયને પણ રસાત્મક રીતે રજૂ કરે છે. આઠમી કાવ્ય રચનામાં કવિ માનવ-જગતની આ વિશ્વના સર્જનહારને ઓળખવાની ક્ષુધા સદીઓથી છે. તે અને તે માટે તે પ્રયાસ કરી રહ્યો છે તદવિષયક છણાવટ થઈ છે.
આમ, સામાન્યજન ઉપનિષદના ભેદને જાણવા કરતાં સામાન્ય જગતની જાણકારી ઉપર વધું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અહીં સામાન્યજનની કુઠિત દ્રષ્ટિનાં દર્શન થાય છે. ગુચ્છના સાતમા કાવ્યમાં જીવે આડંબરરૂપ ધારણ કરી લીધેલાં વિશેષણોથી ઢાંકવાનો પ્રયાસ થાય છે પણ તે તો બધાની પર મૂળત: પોતાના નિજી સ્વરૂપથી જ ઓળખાય છે.પક્ષીને જટાયું, લિવિન્ગસ્ટન સીગલ, કાકભુશુંડી, ડોનાલ્ડ ડક, જેવી ઉપમાઓ આપવા છતાં તે મૂળત: એક પક્ષી જ છે તેવી વિષયવસ્તુની સાથે અધ્યાત્મની ગૂંથણી ગૂઢ વિષયને પણ રસાત્મક રીતે રજૂ કરે છે. આઠમી કાવ્ય રચનામાં કવિ માનવ-જગતની આ વિશ્વના સર્જનહારને ઓળખવાની ક્ષુધા સદીઓથી છે. તે અને તે માટે તે પ્રયાસ કરી રહ્યો છે તદવિષયક છણાવટ થઈ છે.
નવમા કાવ્યમાં જીવનની ભાગદોડથી હાકી-થાકી ચૂકેલા મનુષ્યની સ્થિતિ ઉજાગર કરી છે. વૃદ્ધ થયેલા મનુષ્યની શારીરિક નિર્ણતા પણ કવિએ આસપાસના જગતના ઉદાહરણો દ્વારા ઉજાગર કરી છે.
“આ તે પંખી છે
કે પડી ગયેલો પવન?
ખરેલા જાસુદના ફૂલ જેવડી ડોકી
ને કરમાયેલી પાંખો, -એની પર ફડફડ થતી પાનખર પણ
તમે જોઈ શકો નરી આંખે” (પૃ-૨૯)
વૃદ્ધાવસ્થાએ પહોચેલા મનુષ્યને દર્શાવવા કવિએ પડી ગયેલો પવન, ખરી પડેલું જાસુદનું ફૂલ, કરમાયેલી પાંખો, ફડફડ થતી પાનખર વગેરે જેવા આસપાસના જગતનાં રૂપકોને તાદ્રશ્ય રીતે રજૂ કર્યા છે. તેની આ અવદશા થઈ ત્યારે જ તેને જગતનિયંતાનું ધ્યાન ધરવાનું ભાન પડે છે. જો કે આ તત્વ સંપર્કમાં આવતાં જ તે પંખીપણું એટલે કે જીવનનો ઉદ્દેશ્ય સફળ થતો લાગે છે. દશમા કાવ્યમાં મનુષ્યયુગલના નિરૂપણ થકી જીવન અને કવિતારચનાની પ્રક્રિયાનું સામંજસ્ય સાધ્યું છે. શરૂઆતમાં જીવ ઈશ્વરની સર્વવ્યાપકતાથી પરિચિત હોય છે પરંતુ સમાજની માયાજાળ તેને ગૂંચવી નાખે અને તેમાં તે ફસાતો જાય છે. અંતે આ જાળ તેને કંઈ કરી શકતી નથી કારણ કે જીવને પણ કોઈ બંધન બાંધી શકતું નથી. આવી ઉચ્ચ અધ્યાત્મ ભાવના અગિયારમાં કાવ્યમાં રજૂ થઈ છે. ‘આકાશમાંથી ધસમસતુ...’ કાવ્યમાં પંખી સ્વરૂપે જીવની યાત્રાને કવિએ વિષયરૂપે આલેખી છે. તેની પડછાયા રૂપે બદલાતી જતી સ્થિતિને વિવિધ સીરો સાથે વ્યક્ત કરી છે. જુઓ,
“જોતજોતામાં
પંખી બની જાય છે પ્રકાશની પોટલી
જોતજોતામાં કિરણની ગાંઠ
જોતજોતામાં તેજનું ટપકું
ને
એક ઝપટ મારે છે
નિજના ઝળહળાટ પર” (પૃ-૪૧)
અહીં જીવની વિવિધ અવસ્થાઓ પ્રકાશની પોટલી, કિરણની ગાંઠ, તેજનું ટપકું અને છેલ્લે સ્વમાં રૂપાંતર દ્વારા વ્યક્ત થઈ છે. ક્રમશ: આત્મજ્ઞાન તરફથી ગતિ પણ સૂચક રીતે વ્યક્ત કરી છે. તેરમી (૧૩) કાવ્યરચના ગુજરાતી કવિતામાં નવિનતમ શક્યતાઓ પ્રકટાવનાર બની રહે તેવી છે. પંખી-વડવાઓ અને વારતા જેવી નવિનરિતિઓથી રચાયેલી આ કાવ્યરચના છે. આ કાવ્યમાં ગુજરાતી કવિતાની ગતિવિધિ અનોખી રજૂઆત છે. કવિતા રચનામાં ભાષા, વ્યાકરણ, વિરામચિહનો અને અભિવ્યક્તિ છંદનિરૂપણ, વાચકવર્ગ, વિવેચકવર્ગ વગેરેના સંદર્ભો પહેલાંની કવિતામાં પણ તે જ ધોરણો લાગું પડે છે. આમ, પંખીના સંદર્ભે કવિતાવિષયક રજૂઆત આ ગદ્યકાવ્યમાં કરી છે. અંતિમ કાવ્યરચના ‘રમેશ પારેખનું મરસિયું’ નામે કવિ વિશેની તેમની સંવેદના કાવ્યમય રીતે અભિવ્યક્ત કરી છે.
આમ, ‘પંખીપદારથ’ એ હરીશ મીનાશ્રુનો અધ્યાત્મ અને કાવ્યકળાનો અનોખો સંગમ ધરાવતો કાવ્યસંગ્રહ છે. તેમાં વિષયવસ્તુ અને રચના નિરૂપણની નવીન દિશાઓ ખુલતી જણાઇ છે. જે અનુઆધુનિક ગુજરાતી કવિતાની નવીન દિશાઓ દર્શાવે છે
સંદર્ભ પુસ્તકો –
- ‘પંખીપદારથ’ લે. હરીશ મિનાશ્રુ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્ર. આ. ૨૦૧૧
- અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, પ્રસાદ બ્રહ્મભટ્ટ પ્ર. આ. ૨૦૧૦
- શબ્દસૃષ્ટિ, ઓક્ટોબર –નવેમ્બર ૨૦૧૧, પૃ. ૨૫૦