Download this page in

યમુનાપર્યટન નવલકથામાં મરાઠી સમાજનું આલેખન

ઓગણીસમી સદીમાં ભારતીય નવજાગરણની મથામણ ચાલતી હતી. ભારતના લગભગ બધા જ રાજ્યોમાં તે નિમિત્તે અનેક ભાષાઓમાં સાહિત્ય સ્વરૂપોનો ઉદ્દભવ થાય છે. તેમાં નવલકથા દ્વારા લોકો સમક્ષ સમાજનું આલેખન વધારે સરળતાથી કરી શકાતું હોવાથી નવલકથા મોખરે રહે છે. ગુજરાતીમાં ‘સાસુવહૂની લડાઈ’, હિન્દીમાં ‘પરીક્ષા ગુરુ’, ‘ભાગ્યવતી’, બંગાળીમાં ‘આનંદમઠ’, તેલુગુમાં ‘મહાશ્વેતા’ તેમજ મરાઠીમાં ‘યમુના પર્યટન’ નવલકથામાં એ સમયના સમાજનું આલેખન જોવા મળે છે. ઓગણીસમી સદીની છેલ્લી પચીસીના વર્ષો મહારાષ્ટ્ર માટે વૈચારિક અને ભાવનાત્મક ઊથલપાથલના વર્ષો હતા. પશ્ચિમી કેળવણીના પહેલાં પરિણામો નજર સમક્ષ આવવા લાગ્યા હતા. અને તેમાંના કેટલાક અનુકૂળ જણાયા નહોતાં. નવું શિક્ષણ પામેલા કેટલાક લોકોએ પશ્ચિમી રહેણી-કરણી અપનાવી હતી. જેમાં મદ્યપાન જેવી કેટલીક અનિચ્છનિય બાબતોનો પણ સમાવેશ થતો હતો. તો કેટલાક લોકો પોતાની સામાજિક જવાબદારી પ્રત્યે બેદરકાર બન્યા હતા; તો વળી કેટલાક યેનકેન પ્રકારેણ માત્ર પૈસો એકઠો કરવા પાછળ જ મંડી પડ્યા હતા. અલબત્ત, જેઓ પશ્ચિમનું આંધળુ અને વિવેકહીન અનુકરણ કરતાં હતા. તેઓ જ આવે રવાડે ચડ્યા હતા. પણ બદલાતી જતી પરિસ્થિતી પ્રત્યે વિચારકોનો વિધેયાત્મક પ્રત્યાઘાત બે પ્રકારનો હતો. એક વર્ગ પશ્ચિમી કેળવણીને તથા તેના આનુસંગિક લાભોને આવકારતો હતો પણ તત્કાલિન સમાજવ્યવસ્થા અને ધાર્મિક માન્યતાઓની ફેરચકાસણી કરવાનું તેમને જરૂરી લાગતું નહોતું. તો બીજી બાજુ બીજો વિચારપ્રવાહ પણ દેખાઈ રહ્યો હતો. આ જૂથના લોકોનું માનવું હતું કે આપણી પરાધીનતા માટે આપણી રહેણી-કરણી અને પરંપરાગત માન્યતાઓમાં રહેલા દૂષણો અને ખામીઓ જવાબદાર છે તે દૂર નહિ થાય ત્યાં સુધી દેશના લોકો બળવાન, સ્વસ્થ અને પ્રગતિશીલ નહી બની શકે. આવા પરિબળોનો આધાર રાખીને સાહિત્યસર્જન થવા લાગે છે.

બાબા પદમનજીનો જન્મ કાસાર જ્ઞાતિમાં ઈ.સ.૧૮૩૧ ના મે મહિનામાં થયો હતો. એમના પિતા માણિક પદમનજી દક્ષિણ કોંકણમાં સબ-આસિસ્ટંટ સર્વેયરની જગ્યાએ કાર્યરત હતાં. બાબા પદમનજીએ પ્રાથમિક શિક્ષણ સરકારી મરાઠી શાળામાં લીધું અને બેલગામ જઈ મિશનની શાળામાં અંગ્રેજી શિક્ષણનો આરંભ કર્યો. આ સમયગાળા દરમિયાન જ એમણે કાનડી અને સંસ્કૃતનો અભ્યાસ પણ હાથ ધર્યો. અહીંની હાઇસ્કૂલમાં આવતાં જ તેઓ ધર્મવિષયક પ્રશ્નોનો વિચાર કરવા લાગ્યા અને મંત્ર, તંત્ર, પંચાક્ષરી ભૂત બાધા-ઈત્યાદીથી ભરેલા હિંન્દુધર્મ તરફ એમના મનમાં પ્રશ્નો ઊભા થવા લાગ્યા. હિન્દુ ધર્મમાં વ્યાપ્ત અંધશ્રદ્ધાળુઓનો તેમને કંટાળો આવવા લાગ્યો. અંતે ઈ.સ.૧૮૫૪ના સપ્ટેમ્બર માસમાં તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. બાબા પદમનજીએ ઘણા પુસ્તકો લખ્યા છે એમાં હાલ આડત્રીસ જેટલાં જ પુસ્તકો ઉપલબ્ધ છે. ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કરવાથી તેમની પત્નીએ એમની સાથે રહેવાનો અસ્વીકાર કર્યો અને કેસ કર્યો. કેસ કોર્ટમાં જતાં એમણે ઘણાં રૂપિયા ગુમાવ્યાં, આ ખર્ચને પહોંચી વળવા બાબા પદમનજીએ ‘યમુનાપર્યટન’(ઈ.સ.૧૮૫૭)ની રચના કરી. સાદગીપૂર્ણ જીવન જીવવામાં માનતા બાબા પદમનજી સ્વભાવે ધાર્મિક હતાં. ૨૯ઓગષ્ટ ૧૯૦૬ના રોજ એમનું અવસાન થયું. એમની સ્મૃતિમાં ઇંડિયન ક્રિશ્ચિયન એસોસીએસને એક વાર્ષિક ઈનામ જાહેર કર્યું છે.

‘યમુનાપર્યટન’ નવલકથા લખવા પાછળનો લેખકનો ઉદ્દેશ ખ્રિસ્તી ધર્મનો પ્રસાર તેમજ હિન્દુ ધર્મમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા, રૂઢિઓથી સમાજને વાકેફ કરવાનો હતો. ખ્રિસ્તી ધર્મનો પ્રસાર અને હિન્દુ ધર્મની ત્રુટીઓના આલેખન સાથે તત્કાલીન ઉચ્ચવર્ગીય સમાજમાં વિધવાઓની દૂ:ખદ સ્થિતિનું નિરૂપણ વાસ્તવદર્શી છે. સ્વતંત્ર વિચારસરણી ધરાવતા હોવાનો દાવો કરનારા આપણા સમાજમાં અનેક ઉચ્ચવર્ગની જ્ઞાતિઓ દ્વારા કેવા કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, ઢોંગ, ધતિંગ ચાલે છે તે ‘યમુનાપર્યટન’માં દર્શાવ્યું છે. યમુના મિશનરી શાળામાં ભણેલી ગરીબ પિતાની પુત્રી છે. યમુનાનું લગ્ન સાધન સંપન્ન કુટુંબના શિક્ષિત યુવક વિનાયકરાવ સાથે થાય છે. લગ્ન પછી યમુનાના જીવનમાં આવતા બદલાવ અને સાસરીયાં દ્વારા શરૂઆતમાં પ્રેમ અને વિનાયકરાવના અવસાન બાદ મળતો અણગમો, મહેણાંટોણાં વગેરેની શરૂઆત થાય છે. યમુનાના લગ્ન અને વિનાયકરાવના અકાળે અવસાન વચ્ચે બંનેના પ્રવાસ દરમિયાન કેટલાય સમાજની વિધવાઓ સાથે વાર્તાલાપ થાય છે અને તેના દ્વારા મરાઠી સમાજમાં કેવા વહેમ, અંધશ્રદ્ધા, રીતરીવાજો ઘર કરી ગયા છે તેની વાત છે અને તેમાં બિચારી બાળવિધવાઓની કેવી દુર્દશા થાય છે તેનું પ્રસંગોચિત આલેખન થયેલું છે. યમુના પર્યટનનો અનુવાદ મેનકા જાધવે કર્યો છે તેમનો જન્મ વડોદરામાં થયો હતો, માતૃભાષા મરાઠી હોવાથી તેઓ ગુજરાતી અને મરાઠી બંને ભાષાના જાણકાર હતા. તેમણે એમ.એ ના અંતિમ વર્ષોમાં યમુના પર્યટનનો અનુવાદ કર્યો હતો.

‘યમુનાપર્યટન’ નવલકથામાં પ્રથમ પ્રકરણ ‘લગ્ન’માં યમુના અને વિનાયકરાવના લગ્નજીવનની શરૂઆત અને અંતિમ પ્રકરણ ‘શિવરામ’માં યમુના વિધવા બનતાં ખ્રિસ્તી ધર્મ પ્રમાણે ફરીથી લગ્ન કરે છે એના વચ્ચેના પ્રકરણોમાં પર્યટન સમયે આલેખાયેલો સમાજ કેવો છે તેનો નિર્દેશ કરીશું. યમુનાના ઘરની પરિસ્થિતિની વાત કરીએ તો યમુના વાંચવા-લખવાની સાથે સીવણ-ગુંથણની કળા પણ જાણતી હતી. તે સમયમાં ખ્રિસ્તીઓ દ્વારા મિશનરી શાળાઓ ચાલતી. આ શાળાઓમાં પૈસા અને કપડાંની વ્યવસ્થાઓ થઈ જતી. યમુના ગરીબ કુટુંબમાં જન્મેલી હોવાથી ત્યાં ભણવામાં સરળતા રહે છે. યમુના અને વિનાયકરાવ ભટ્ટ જ્ઞાતિમાં ઉછરેલા સંતાનો છે. બંનેના લગ્ન થવાના છે યમુનાના પિતા વિઠ્ઠલ ભટ્ટ વેવાઈના ઘરે લગ્નની તિથી જોવા જાય છે વિનાયકરાવના પિતા ગણેશપંત તે બાબતે ચિંતા ન કરવા જણાવે છે. યમુનાના લગ્ન અને તે સમયના મરાઠી સમાજના રીતરિવાજો અહીં જોવા મળે છે. દીકરી માટે દાગીના કેટલા ઘડાવ્યા, કંઠી કેટલા તોલાની ઘડાવી વગેરે વાત થાય છે. આ સમાજમાં યમુનાના જ્ઞાનનું મૂલ્ય આંકનાર તેના પતિ સિવાય કોઈ ન હતું. યમુનાના લગ્ન કરવા પિતા તે સમયના રીતરીવાજ મુજબ વેવાઈના બરોબરીયા થવા કર્જે રૂપિયા લઈ પત્નીના દાગીનામાંથી નવા દાગીના ઘડાવે છે. આમ છસો રૂપિયા પૂરા કરીને લગ્નનો ખર્ચ ઉઠાવે છે. અને લગ્ન થઈ ગયા બાદ વહુ માટે સાસરેથી કેરી, ફણસ, બરફી વગેરે મોકલવા, વહુને કિંમતી દાગીના પહેરાવવા, ચોટલો ફૂલોથી શણગારવો, સાસુ સાથે સગાવ્હાલામાં જવું, ત્યાં બધા ભેટસોગાદો આપતા તેમાં કોઈ તેને ખડીસાકરનો પૂડો આપતું, તો કોઈક પાકા અંજીર, ક્યાંક જરીનો ખણ (નારિયેળ અને સ્વચ્છ વસ્ત્ર : શુકનરૂપ સ્ત્રીઓને શુભ પ્રસંગમાં આપવાની મહારાષ્ટમાં પ્રથા છે) તો ક્યારેક પેંડા મળતા. આમ, લગ્ન પછી સાસરીમાં યમુનાને માન મળતું.

યમુનાના લગ્ન પછીના ઘરસંસારની વાત કરીએ તો પરણ્યા પછી રીવાજ મુજબ સબંધીઓને ત્યાં હળદીકંકુ માટે જવામાં જ મોટા ભાગનો સમય વ્યતીત થતો. ઘરમાં દીવાબત્તી માટે હાથે રૂ પિંજવામાં આવતું. નવરાશના સમયે પણ સાસુ-નણંદ તેને વાંચવા ન દેતા. તેમની વાતો અજ્ઞાની અને મૂર્ખતાપૂર્ણ જ રહેતી. યમુના બહારના લોકો જોડે જુઠ્ઠું ન બોલતાં સાસુ-નણંદ ઠપકો આપે છે. વનભોજનમાં સમગ્ર પરિવાર જાય છે ત્યારે સવારમાં નાસ્તા પેટે દહીં ભાત જમવામાં આવે છે. મરાઠી સમાજના રીવાજ મુજબ પતિ સાથે પત્નીને દિવસ દરમિયાન બેસવાનું મળતું જ નહીં.

યમુના અને વિનાયકરાવ નાગપુરના પ્રવાસે નીકળે છે. રસ્તામાં ગાડું બગડતાં એક બ્રામ્હણના ઘરે બે-ચાર દિવસ રહેવાનું થાય છે બ્રામ્હણના પરિવારમાં ત્રણ દીકરીઓ, દીકરાની વિધવા વહુ વેણુ, તેની સાસુ વગેરે રહે છે. મહારાષ્ટ્રમાં ગામડાઓમાં અને શહેરોમાં રથયાત્રા નીકળતી હોય છે તેના સંદર્ભે ઘરના બધા સભ્યો રથયાત્રા જોવા ગામમાં ગયા છે ત્યારે યમુના અને વિધવા વેણુ સાથે વાર્તાલાપ થાય છે. અને વેણુની પરિસ્થિતી, રીતરિવાજો અને અંધશ્રદ્ધા જાણવા મળે છે. વેણુને નાનપણમાં પરણાવેલી અને મા ગુજરી ગયેલી, પિતા સરકારી કર્મચારી હોવાથી ગામે ગામ ફરતા હોય છે. વડસાસુ હતી ત્યાં સુધી લાડકોડમાં ઉછરે છે. પતિ બીમાર પડતાં તેમના રોગનો કોઈ ઈલાજ મળતો નથી. તેથી ખોટી માન્યતા અનુસાર વેણુએ અનેક વ્રતો કરવા પડે છે. વહેલા ઉઠી તુલસીની પ્રદક્ષિણા કરતાં કલાક થાય, પછી હનુમાનજીના મંદિરે પીપળાની પ્રદક્ષિણા કરવી પડતી. ઘરે આવી મોરિયો રાંધી છાણથી લીપેલી જમીન ઉપર મૂકીને ખાવો પડે, અને સાંજે પણ ગૌમુત્ર સાથે રોટલો ખાવો પડતો, તોપણ ફેર ન પડતાં જ્યોતિષી પાસે ગ્રહદશા જોવડાવી આ બધું જ સહન કરવા છતાં પતિની માંદગીમાં કોઈ ફેર પડતો નથી અને અંતે મૃત્યુ પામે છે. પતિ મૃત્યુ પામતાં વેણુના સાસુ, સસરા અને નણંદો મોઘી સાડીઓ, દાગીના, પેટી, અરીસા, કાંસકો, કંકણ વગેરે લઈ લે છે. પાંચ નણંદો બે-બે મહિના સુધી રહેવા આવે એટલે તેમની અને તેમના છોકરાઓની સેવા કરવાની. વધેલું ઘટેલું ખાવાનું વાસી થઈ ગયા પછી વેણુએ ખાવું પડતું. ના ખાય તો મેણાં સાંભળવા પડે. વેણુ આવી હકીકત યમુનાને સંભળાવે છે અને આમાંથી છુટવા કોઈ તાવીજ કે મંત્રેલો દોરો માગે છે જે તેની અંધશ્રદ્ધા બતાવે છે. આગળ યમુના અને વિનાયકરાવ નાગપુર પહોંચે છે. ત્યાં તેઓને નવી ઓળખાણો થાય છે. વિનાયકરાવ અને દોલતરાવના સંવાદો દ્વારા જાણવા મળે છે કે મરાઠાઓમાં વિધવાના પુનર્વિવાહ ગરીબ કુટુંબોમા થાય છે પણ ઉચ્ચ કુળના પ્રતિષ્ઠિત લોકો બ્રામ્હણોનું જ અનુકરણ કરે છે. દૌલતરાવના મામાની દીકરી વિધવા થતાં પિતાના ઘરે રહે છે, પૈસાદાર ખાનદાન હોવા છતાં શુભ પ્રસંગે દીકરીને ગંદા વસ્ર પહેરી ખૂણામાં બેસવું પડે છે તેથી તે ખૂબ જ દુખી થાય છે. કોઇની સલાહ પ્રમાણે દીકરીને વૈરાગી બનાવવા ‘દશમસ્કંધ’ની કથા કરાય છે. બાવના દર્શન કરવા રાત્રે લઈ જાય છે. પછી આ જ ઢોંગી બાવા સાથે તે દીકરી ઘરમાંથી પૈસા લઈ પલાયન થાય છે. આમ, વિધવાઓ દુરાચાર તરફ વળતી જાય છે. જ્ઞાતિ દ્વારા દોલતરાવના મામાને પાંચસો રૂપિયાનો દંડ કરાય છે અને તે ન સ્વીકારતાં તેમના મામા અને તેમની સાથે સબંધ રાખનારાઓને જ્ઞાતિએ ન બોલાવવા એવો નિર્ણય લેવાય છે. આમ, જ્ઞાતીના બે ભાગ પડે છે. બીજી વાત કરતાં કહે છે કે શેણવી જાતિના લોકો પણ બ્રામ્હણોને અનુસરીને પુનર્વિવાહને માન્ય ગણતાં નથી. પંઢરપુર આગળ એક ગામમાં કુલકર્ણીને ત્યાં રોકાય છે અને ત્યાં એક વિધવા બાઈ ભિક્ષા માંગવા આવે છે જેની સાથે યમુનાનો ગાડાવાળો અપશબ્દો બોલે છે. યમુના ભટ્ટીણીની આ સ્થિતિનું કારણ જાણવા પ્રયત્ન કરે છે જેના જવાબમાં ભટ્ટીણી પોતાની આપબિતી કહે છે. ભટ્ટીણીનો પતિ મૃત્યુ પામતાં તે બિચારીના ભાગમાં આવેલી જમીન પણ જેઠ લાંચ આપીને સરકારી ખાતાના માણસો કારકુન, કર્મચારીઓ, મુનશી વગેરેને ખરીદી લે છે અને તેને જમીન પચાવી પાડી ઘરમાંથી કાઢી મુકે છે. ભટ્ટીણી કહે છે કે કંપની સરકારે સતી પ્રથા પર પ્રતિબંધ મુક્યો એટલે વિધવાઓ વધારે વ્યભિચાર કરવા લાગે છે. પેશવાઓના રાજમાં આવું કામ કરનારને ગરમ તવા પર ઉભી કરાતી હતી. ભટ્ટીણી દ્વારા તે સમયમાં બ્રામ્હણ સમાજમાં ભિક્ષા માંગવાનો જે મહિમા હતો તે રજૂ કરે છે. ભિક્ષાથી તૃપ્તિનો ભાવ જન્મે છે સાથે ભિક્ષાનું અન્ન ઉત્તમ અન્ન હોય છે એમ કહે છે. ભિક્ષા માંગવાથી જે-તે પ્રદેશની સામાજિક તેમજ ધાર્મિક સ્થિતિનો બ્રામ્હણને ખ્યાલ આવે છે. આમ કહી ભટ્ટીણી ત્યાંથી ચાલી જાય છે.

વિનાયકરાવ પત્ર વાંચીને જણાવે છે કે સરકારી નોકરી કરતા ગૃહસ્થના ઘરે દીકરી વિધવા થાય છે ફરી લગ્ન ન થતાં ટ્યુશન કરાવવા આવતા અર્જુન નામના યુવકથી ગર્ભ રહે છે જે દવાથી પડાવી નાખે છે અને તે જેલમાં જાય છે પણ યુવક માનવા દેતો નથી. દક્ષિણ મહારાષ્ટ્રમાં જાગીરદાર બ્રામ્હણ અને મરાઠાઓના પ્રભુત્વ હેઠળ ગરીબ ગામડાની વિધવાઓ પર હિન્દુ ધર્માધિકારીઓ દ્વારા ઘણા જુલમ ગુજારવામાં આવે છે. આથી વિધવાઓ કેશવમુંડનથી અને ઘરના લોકોના જુલમોથી કંટાળી ઘર છોડી ચાલી જાય છે અને કુમાર્ગે વળે છે. તો વ્યભિચાર પણ કરતી થાય છે. સોની, પરભૂ, વાણી, કાસાર, તાંબટ, મરાઠા વગેરેને બ્રામ્હણો સાથે સારા સબંધ હોવાને કારણે બ્રામ્હણોના રિતરિવાજ અપનાવ્યા છે. ગરીબ વિધવાઓની સ્થિતિની વાત કરીએ તો લોકોના ઘરે મહેનતમજૂરી કરવા જવું પડે છે, એ પણ પાછલા બારણે-ઘરમાં યજમાનોની ખુશામત કરીને કામ કરવું પડે છે. રસ્તામાંથી પસાર થતાં પણ એણે આસપાસના લોકોનો વિચાર કરવો પડે છે, કોઈ બહાર જતું હોય અને એ સામે આવે તો અપશુકન થવાના ભયે એણે પોતાનું મોઢું સંતાડીને ફરવું પડે છે. (પેજ-૧૧૬)

મરાઠી સમાજમાં પુત્રજન્મથી કેવા લાભ થાય છે અને દીકરીના જન્મથી ગેરલાભ થાય છે તે અજ્ઞાનતા દર્શાવી છે. મોરશાસ્ત્રી કહે છે કે “એનો અર્થ એ કે, પુત્રજન્મથી મનુષ્ય ત્રણે લોક ઉપર જય પ્રાપ્ત કરે છે, પૌત્રથી એને અમરત્વ પ્રાપ્ત થાય છે અને પૌત્રના પુત્રથી એને આદિત્યલોક એટલે સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે.” આ છે પુત્ર પ્રાપ્તિના લાભ. (પેજ-૧૦૫) તો દફતરદાર દ્વારા સ્ત્રીના દોષ ગણાવાય છે. “મિથ્યાભિમાન કરવું, અવિચારી કર્મ કરવા, કપટ, મૂર્ખતા, બહુલોભ, અમંગળ તેમજ નિર્દયતા આ સાત સ્ત્રીના સ્વાભાવિક દોષ છે.” (પેજ-૧૦૭) આમ સમગ્ર સભા પૂરી થતાં વિનાયકરાવ અને બીજા આગેવાનો દ્વારા પુનર્વિવાહ કરવા કે નહીં તેના વિશે ચર્ચાઓ થાય છે. અને અંતે વિનાયકરાવ પત્ર વાંચી સંભળાવવા ઊભા થાય છે.

યમુનાના ઘરની આસપાસના સમાજ અને વાતાવરણની વાત કરીએ તો બધા ઘરોની આજુબાજુ વાડાઓ હતા. ત્યાં વૃક્ષો અને ફૂલછોડ થતાં. નવરાશની પળોમાં ત્યાં લોકો બેસતા. તો મોભાદાર ઘરોના આંગણામાં કુવા પણ હતા. જેથી ઘરની સ્ત્રીઓને પાણી ભરવા દૂર ના જવું પડે. યમુનાના ઘરની બાજુમાં રહેતી ગોદાવરી તેની સખી હતી. પતિનું મૃત્યુ થતાં તે કુવામાં પડીને આપઘાત કરે છે, નહિતર પતિ મૃત્યુ પામતાં સ્ત્રીઓના જણાવ્યા મુજબ એના વાળ, મંગળસૂત્ર, કંકુ-કંકણ વગેરે કાઢી નાખવું. આ બધાની વિધવા સ્ત્રીને શી જરૂર છે એવી સમાજમાં માન્યતા છે. પતિ મૃત્યુ પામતાં જ જેઠાણી દ્વારા મુંડનની વાત કરાય છે આ સાંભળીને જ રાત્રે કુવામાં પડી આપઘાત કરે છે. જ્યારે સવારમાં પંચ બેસાડી નક્કી કરવામાં આવ્યું કે, છોકરીએ કેશવમુંડનના ભયે કુવામાં પડતું મુકી જીવ આપ્યો.

ત્યારબાદ યમુના તથા વિનાયકરાવ કુલકર્ણીના જે ઘરે રોકાયા હતા તેનું વર્ણન કરે છે. એક નાની ઓરડીમાં બે કેળના પાન સુંદર રીતે ગોઠવેલા હતાં. ગ્રામીણ પરંપરા મુજબ તેની સર્વ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓરડીને એક જ બારણું હતું. બારણું ફણસના લાકડાનું બનેલું હોવાથી ઘણું મજબુત અને સારું એવું જાડું હતું. એની અડસરને પણ ઉબડ-ખાબડ લોખંડનો ખીલો હતો. જમીન છાણથી લીંપીને સ્વચ્છ-ચકમકતી કરેલી હતી. છાપરામાંથી સૂર્યકિરણો પીળી ધમક પૂતળીઓની જેમ જ્યાં-ત્યાં વિખરાયેલા હતાં અને એના પ્રકાશરૂપી સ્તંભમાંથી રજકણો ઉપર-નીચે નાચતાં નજરે પડતાં હતાં. સમગ્ર ઓરડીમાં એનો જ પ્રકાશ ફેલાયેલો હતો. ભીંત તાંબડા રંગના ગેરુથી લીપેલી હતી અને માથા ઉપર મોટી ફળિયો લગાવેલી હતી. એની ઉપર ચોખાના કરંડિયા અને લાકડાં અને પત્રાવળી માટે પલાશના સુકાયેલા પર્ણ ગોઠવીને ઘાસના જાડા દોરથી બાંધીને મુક્યા હતાં. ડાંગર છડવાની ખાયણીઓ અને ભીંતને અડીને સાંબેલું મુકેલા હતાં. (પેજ-૧૦૦) સાથોસાથ યજમાનના ઘરે ખાવા-પીવાની વાત કરીએ તો કેળાના પાન ઉપર રીંગણાનો ઓળો, ભીંડાનું શાક, તળેલા પાપડ, તળેલા કોળું-કાકડી, અથાણું વગેરે હતું. ત્યારબાદ દાળ, ભાત અને ગરમ ઘી પીરસ્યું. વડના લીલા પાનના બે પડિયા ભરીને છાસ મૂકી અને આગ્રહ કરી જમવાનું કીધું. બંને શાંતિથી જમીને સાંજ પડતાં આગળ નીકળે છે.

યમુના અને વિનાયકરાવ દક્ષિણ મહારાષ્ટ્રના પંઢરપુર આવે છે ત્યાં યમુનાની તબિયત વધારે બગડે છે. ગામ બહાર એક બ્રામ્હણ સ્ત્રી ને ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા થઈ. આ સ્ત્રીને અગિયાર વર્ષનો દિકરો શિવરામ હતો, જે ગામમાંથી ભિક્ષા પેટે ચોખા, દાળ,લોટ, લાકડાં, ઘી, પૈસા, જૂના કપડાં વગેરે લાવતો હતો અને કંઈ ના મળે તો ચોરી પણ કરતો. દિવસો વિતતા આ સ્ત્રી ઉપર જ બંનેને શંકા જવા લાગે છે. તે રાત્રે ચોરીછૂપીથી ક્યાંક જતી હોય એમ લાગે છે, પણ તેને પૂછતાં સંતોષકારક જવાબ મળતો નથી. જ્યારે શિવરામ વિઠોબાની રથયાત્રામાં જોડાવા માથે ફેંટો બાંધીને તૈયાર થાય છે. અહીં એક શાહુકારે મહાપૂજાનું આયોજન કરેલું છે. બીજે દિવસે સવારે વિનાયકરાવ શંકાનું સમાધાન કરવા ઘરને તાળું મારે છે ત્યારે વાડામાં પશુઓના કોઢમાં તે સ્ત્રી બનાવટી વાળ સંતાડે છે. બંને વચ્ચે વાતચીત થાય છે અને તે સ્ત્રીએ પોતે આવું દુષ્કૃત્ય કરવા કેમ તૈયાર થઈ એની હકીકત જણાવે છે. તે સ્ત્રીના મુખે લગ્ન સમયના રીતરિવાજો અને પોતાની આવી સ્થિતિ કેવી રીતે થઈ તે સાંભળવા મળે છે. તે પોતાને ઉચ્ચકુળમાં જન્મેલી બતાવે છે. તેના પિતા સરકારી કર્મચારી હતા. તેમણે સિંધિયાના લશ્કરમાંથી દેખાવડા અને ગુણવાન યુવક જોડે લગ્ન નક્કી કર્યા. તે સમયના રિવાજ મુજબ સગાસબંધીઓને કંકોતરી મોકલાવી સાથોસાથ આવવા જવા માટેનું ભાડું પણ આપ્યું. એક મહિના સુધી આખા ગામને જમાડવામાં આવ્યું અને જાનના બસો માણસોની પણ રહેવા જમવાની વ્યવસ્થા કરાઇ. તે વખતે બુંદીના લાડુના જમણ વખણાતાં હતા, તેથી પાંચ વખત રખાયા. તેને તેડવા સસરા, નોકર-ચાકર, તેમની સ્ત્રીઓ, સગાસબંધીઓ, ખાસ મિત્રો બધા મળીને બસો માણસ ગ્વાલિયર જવા નીકળ્યા. શહેરમાં પ્રવેશતાં મુહૂર્ત કઢાવ્યું અને કમુહૂર્ત હોવાથી ત્રણ દિવસ જંગલમાં જ રહેવું પડ્યું. લગ્નમાં જે સગા હાજર ન રહી શક્યા હોય તેમને મિજબાની માટે બોલાવવામાં આવે છે. એજ રાત્રે પતિ બીમાર પડતાં મૃત્યુ પામે છે. સસરાનો સ્વભાવ સારો હોવાથી એક વર્ષ સુધી સારું ચાલે છે. સેનાપતિને ત્યાં લગ્નપ્રસંગે સ્ત્રીવર્ગના મનોરંજન માટે નર્તકીનું વૃંદ ત્યાં બોલાવાયું હતું. ત્યાં સ્ત્રી અને તેની નણંદ જોવા ગયા હતાં. લગ્ન સમયે પિતાએ તેની સાથે વૃદ્ધ નોકરડી મોકલી હતી એ નોકરડી તેને ભરમાવે છે કે તારા વાળ કાઢી વિરૂપ કરશે અને ઘરેણાં લઈ લેશે પછી કાઢી મુકશે. આમ ભવિષ્યનું વિચાર્યા વગર તેને બતાવેલી રાહ અપનાવવાનો વિચાર કર્યો. ત્યારબાદ વૃદ્ધ નોકરડી મીઠાઈ અને દૂધમાં બેહોશીની દવા ભેળવી પાઈ દે છે. અને ઘરેણાં લઈ ત્યાંથી ભાગી જાય છે. અને આ સ્ત્રીને નર્તકીઓના કોઠા પર મૂકી જાય છે. ત્યાં યુવાન બ્રામ્હણ સાથે ભેટો થાય છે અને તે નિમિત્તે બે વર્ષ પછી પુત્ર શિવરામનો જન્મ થાય છે અહીં પણ પતિ મૃત્યુ પામતાં કેશમુંડન કરવાનું કહેવામાં આવે છે તેમાં એ સમયના લોકોની અંધશ્રદ્ધા હતી કે કેશમુંડન કરતાં જેટલો સમય વધુ લાગે, મૃતકને પૃથ્વી પર એટલા વર્ષ અધોગતિ પ્રાપ્ત થાય છે આમ કહી એના વાળ ઉતરાવી નાખ્યા. દિવસ દરમ્યાન સાંજનું જ ભોજન મળતું તેમાં પણ ફણગાવેલાં કઠોળ કે પૌઆ મળતાં ત્યાંથી સ્ત્રી ભાગે છે અને એક વિધ્વાન પુરાણિક કે જે મહાકાળીનો ઉપાસક હતો તેના સકંજામાં આવે છે. મધ-માંસનો નૈવેધ પણ લે છે. તે જ તેના માટે વાળની વીક લાવે છે. અને ખાવા-પીવાની બાબતમાં લીલા લહેર કરે છે. ત્યાંથી અંતે સ્ત્રી પંઢરપુર આવે છે. અંતે રાત્રે તે સ્ત્રી ક્યાં જાય છે તેનો જવાબ આપે છે. તેને પુજારીના ભત્રીજા સાથે આડસબંધો છે અને રાત્રે વિઠોબાના મંદિર પાસે એક ઓરડીમાં બંને મળે છે. આ સ્ત્રીના મુખે જ સુધારકોની ઠેકડી ઉડાવવામાં આવી છે. સુધારકો પણ ખાલી-ખાલી વિધવાના પુનર્વિવાહની મોટી મોટી વાતો કરે છે પણ કોઈ પહેલ કરવા તૈયાર નથી, આમ વિધવાનો પ્રસંગ પૂરો થાય છે. અહીં વિધવા સ્ત્રીની અવદશા અને તે માટે તત્કાલિન સમાજના રૂઢ કુરિવાજો, નીતિનિયમો, અંધશ્રદ્ધાઓ વગેરેની વાત કરવામાં આવી છે. એક સ્ત્રી યુવાન વયે વિધવા થાય છે ત્યારે પુરુષોનો સહવાસ મેળવવા તે કુમાર્ગે વળે છે. અને એક બાજુ પુરુષો પણ આવી વિધવા સ્ત્રીઓનો પોતાની પત્નીઓ હોવા છતાં ફાયદો ઉઠાવે છે.

યમુના અને વિનાયકરાવ દ્વારા વિધવાઓની સ્થિતિ વિશે ચર્ચા થાય છે તેમાં નાશિક, કાશી, કોલ્હાપુર, જેજૂરી, પંઢરપુર, તુળજાપુર, દ્વારકા જેવા અનેક તીર્થસ્થળોએ બહારગામથી આવતા અજ્ઞાની અને ભોળા લોકોને છેતરવામાં આવે છે અને ત્યાં જ ગંદકી અને વ્યભિચાર જોવા મળે છે જ્યાં ધર્મના નામે કેટલાય કુકર્મ થતાં હોય છે.

આગળ વિનાયકરાવને પુત્રોત્સવ નિમિત્તે ભરાયેલી સભામાં જવાનું આમંત્રણ મળે છે આ સભામાં અનેક મોટા લોકો આવવાના છે. સતારામાં વિનાયકરાવ તેમના મુંબઈના સોની મિત્ર જગન્નાથજીના ઘરે રહ્યા હતાં. જગન્નાથજીની ટેવ-કુટેવ વિશે જાણીએ તો પિતા સાથે પ્રતિષ્ઠિત લોકોને મળવું, મિજબાની કરવી, નાચ તમાશા જોવા, નાટ્યગૃહે જવું, ઘોડાની સ્પર્ધાઓ જોવી, ગંજીફા અને ઉખાણાં રમવામાં જ તેમનો સમય જતો. તે પિતાનો આજ્ઞાકારી પુત્ર હતો અને અંગ્રેજી ભાષાની ગાઢ અસર હતી. તેથી તે સરકારી યુરોપીયન કામદારને “યસ સર, યસ સર, યુ આર રાઈટ” કહી માથું હલાવતો. અહીં તે સમયમાં અંગ્રેજોનું શાસન હતું. અને તેમના હાથ નીચે નોકરી કરનારા લોકો થોડુઘણું પણ અંગ્રેજી બોલી આપણાં જ લોકો પર રૂઆબ બતાવતા હતા તે જોવા મળે છે. તે પુનર્વિવાહના કટ્ટર વિરોધી એક ગૃહસ્થની લાગવગથી નોકરી લાગ્યો હતો. પુત્રોત્સવમાં હાજરી આપવા કેટલાક શાલજોડીવાળા શાસ્ત્રી, ધાબલીવાળા ભટ્ટજી, મામલતદાર, જિલ્લા અધિકારી, કારકુન, દફતરદાર, મુનશી વગેરે હોદ્દેદારો આવે છે. આ બધાને જગન્નાથે નારિયેળ, પેંડા, પાનસોપારી, ફૂલહાર, વેણી-ગજરા અને અત્તર ગુલાબ આપીને ખુશ કર્યા. સભામાં નર્તકીઓને બોલાવી હતી પણ કોઈક કારણસર આવી શકતી નથી. સભામાં મોરશાસ્ત્રી મામલતદાર અને કૃષ્ણશાસ્ત્રીને ચપટી છીંકણી પણ આપે છે. “પુનર્વિવાહ સબંધી કાયદો ઘડવા લેજિસ્લેટિવ કાઉન્સિલની કલકત્તામાં ઇ.સ ૧૮૫૬માં સભા ભરાઈ હતી. એમાં મુંબઈના મિ. લિજેટેએ જે ભાષણ આપ્યું તેમાં પણ એક દક્ષિણ મહારાષ્ટ્રમાં શ્રીમંત હિન્દુ ગૃહસ્થના ઘરે વિધવા હતી તે કિસ્સો કહે છે. અંતે વિધવાના પુનર્વિચાર કરવા એવો કોઈ નિર્ણય લેવાતો નથી અને આરોપ પ્રત્યારોપ મુકાય છે.

યમુના અને વિનાયકરાવ ઘર તરફ પાછા વળે છે રસ્તામાં છત્રી ખોલવાથી ગાડાનો બળદ ભળકે છે અને ભાગતાં અકસ્માત થાય છે તેમાં વિનાયકરાવને છાતીમાં કચ્ચરમાર વાગે છે, અનેક દિવસો સુધી પથારીવશ રહે છે. તે સમયે તબીબી ક્ષેત્રે આધુનિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. એ સમયની માન્યતા મુજબ માંદગીમાં ઉત્તમ પુસ્તકો વાંચી સંભળાવાતા. અંતે વિનાયકરાવ પોતે સમાજસુધારા કરવા પડયો અને ઈશ્વરની ઉપાસના, ભક્તિ ન કરી તેનો વસવસો જણાવે છે અને યમુનાને પોતે હિન્દુ હોવા છતાં ખ્રિસ્તી ધર્મ પ્રમાણે બાપ્તિસ્મા આપવા જણાવે છે. અંતે વિનાયકરાવનું મૃત્યુ થાય છે પતિના આગ્રહથી યમુના બાપ્તિસ્મા આપે છે.

યમુના વિધવા થતાં સાસુ અને સસરા વચ્ચે વાદવિવાદ થાય છે ત્યાં જ મોરભટ્ટ આવે છે, તેઓ વિધવાએ કેવા નિયમો પાળવા એના અંગે વાત કરે છે. વિધવાએ ક્યારેય પલંગ ઉપર ન બેસવું, સુગંધી દ્રવ્યોનો ઉપયોગ ન કરવો, દેહમર્દન ન કરવું, અત્તર-ચંદન જેવા દ્રવ્યોનો ઉપયોગ ન કરવો, અને પાન આદિ પણ ન ખાવા, એને પુષ્પોના શણગાર પણ કરવા નહિ. બ્રામ્હણોએ પોતાના સ્વાર્થ માટે જ વિધવાને પાળવાના નિયમો બનાવ્યા હોય તેવું લાગે છે. વિધવાએ બ્રામ્હણને જળકુંભ(ઘડો), ઘી, ગાય, બ્રામ્હણના ઘરે પાણી ભરવું, અન્નનું દાન આપવું, બ્રામ્હણને સુવા માટે પલંગ અને વિધવાએ જે જે વસ્તુઓનો ત્યાગ કર્યો હોય તે તમામ બ્રામ્હણને આપવી, તે ઉપરાંત તલખજૂરના લાડુ, ઠંડીમાં ઓઢવા ગરમ વસ્રો, કાંબળી, લાકડાં, ગરમ ઔષધ, કપુરના પાન વગેરે દાનમાં આપવું. આમ કહી બ્રામ્હણો જણાવે છે કે વિધવા વૈધવ્ય ધર્મનું યથાયોગ્ય રીતે આચરણ કરી મૃત્યુ પછી પોતાની સાથે સાથે પતિને પણ નરકમાંથી મુક્ત કરાવી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આમ મોરભટ્ટ દ્વારા ઘરના લોકોને યમુનાના કેશવમુંડન કરાવવા સમજાવાય છે.

મોરભટ્ટ બધુ ગોઠવે છે અને વિધિ જણાવે છે. ગંગા તટે લઈ જઈ એની પુજા કરવી, કપાળે કંકુનો ચાંદલો કરવો અને તેનો ખોળો ભરવો, એના મસ્તક ઉપર દર્ભ મુકી બ્રામ્હણ કહે એ પ્રમાણે એના વાળ કાઢવા અને શરીરે જે અલંકારો એને ધારણ કર્યા હોય એનો અડધો ભાગ અને બંગડીઓ સ્મશાનમાં લઈ જઈ બાળવા. ત્યારબાદ એની પાસે ઘટશ્રાદ્ધ કરાવવું, ત્રણ દિવસ સૂતક રાખી બધુ સમેટી લેવું. આમ વિનાયકરાવના મૃત્યુ પછી અંતે બીજી બધી વિધવાઓની જેમ યમુનાની પણ એજ પરિસ્થિતી થવાની છે તે યમુના બરાબર સમજી જાય છે. ત્યારબાદ શિવરામ દ્વારા યમુનાને વિનાયકરાવના ખ્રિસ્તી મિત્રનો પત્ર મળે છે અને વાંચીને તે મનોમન ખુશ થાય છે અને તેમના જ શરણમાં જવું એમ વિચાર કરે છે. યમુનાના કેશવમુંડનની તિથિ નક્કી થાય છે. પણ યમુના ઓરડીમાંથી બહાર ન નીકળતાં તેની સાસુ સાવરણીથી મારે છે અને વાડામાં મુકી આવે છે. પછી શિવરામ વિનાયકરાવના મિત્ર ખ્રિસ્તી ધર્મ ઉપદેશક દાજીબાના ઘરે યમુનાને લઈ જાય છે રાત્રે દાજીબા સત્કાર કરે છે અને સવારમાં આખો સમાજ બ્રામ્હણ યુવતી ખ્રિસ્તીના ઘરે રહેવા લાગી એમ વાતો કરવા લાગ્યો પણ વિનાયકરાવના પિતા ગણેશપંત યમુનાને મળે છે અને ઘરેથી તેની વસ્તુઓ અને પુસ્તકો આપે છે. અહીં શિવરામ તેની માં અને યમુના દાજીબનો ઉપદેશ ખુશીથી સાંભળે છે.

યમુનાના પછીના દિવસો સુખમાં પસાર થવા લાગે છે તેથી વૈધવ્યનું દુખ ભુલી જાય છે અને એક સુશિક્ષિત યુવાન સાથે લગ્ન કરે છે ત્યારે ગણેશપંત વિનાયકરાવના બેંક ખાતામાં જે પૈસા હતા તે બધા જ યમુનાને આપે છે. વર્ષોબાદ શિવરામનો પત્ર આવે છે જે મુંબઈ જઈને સ્થિર થયો છે તે પહેલા તો યમુના અને વિનાયકરાવના ગુણગાન કરે છે જેના કારણે તે આ અવસ્થાએ પહોંચ્યો છે. શિવરામ પત્રમાં જણાવે છે કે હવે આપણા દેશની સ્થિતિ બદલવી પડશે યુવાનોએ એકઠાં થઈને સભાઓ ભરી નવી સંસ્થાઓ ઊભી કરવી તે માટે ફાળો ઉઘરાવવો અને વિધવાવિવાહ થાય એ માટેના પુરા પ્રયાસો કરવા. ‘વિધવાપુનર્વિવાહ’ પત્રિકા છપાવી ગામે ગામ વહેંચવી અને સભાઓ ભરી લોકોને જાગૃત કરવા. જેથી વિધવાઓ અને તેમના મારા જેવા રખડતાં બાળકો આશીર્વાદ આપશે અને તેઓ પણ જીવનમાં બીજાને મદદ કરવા આગળ આવશે. આમ અહીં યમુનાના બીજા લગ્નની સાથે નવલકથાનો અંત આવે છે.

આમ, યમુનાપર્યટન નવલકથામાં સમગ્ર ભારતીયતાનું દર્શન થાય છે. યમુના અને વિનાયકરાવ બંને સુશિક્ષિત યુગલ છે. તે પ્રવાસ કરવા ગાડામાં પોતાનો સામાન અને નોકર સાથે લઈ નીકળે છે. રસ્તામાં અનેક જગ્યાએ રાત પડતાં રોકાવું પડતું. અહીં યમુના અને વિનાયકરાવ રસ્તામાં જે જે જગ્યાએ રોકાય છે ત્યાં વિધવાઓ જોવા મળે છે. કોઇની દીકરી, બહેન, માં કે અન્ય કોઈ સ્ત્રી વિધવા હોય તેની સ્થિતિ સરખી જ જોવા મળે છે. આ નવલકથામાં યમુના અને વિનાયકરાવ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ અનેક પ્રકરણોમાં વિધવાઓની કરૂણ પરિસ્થિતિનું નિરૂપણ વિધવાઓના મુખે જ કરવામાં આવ્યું છે. વિધવાઓની આ પરિસ્થિતિનો જવાબદાર આપણો સમાજ છે સમાજના કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, વહેમો, ઢોંગ-ધતિંગો વગેરેને કારણે વિધવાના પુનર્વિવાહ પણ થતાં નથી અને કેટલીય વિધવાઓ પોતાની જરૂરિયાતો સંતોષવા કુમાર્ગે વળે છે એની સ્પષ્ટ વાત કરવામાં આવી છે. મોટા મોટા વિદ્વાનો વિધવાના પુનર્વિવાહ થવા જોઈએ એ માટે સભાઓ ભરે છે અને કલાકો સુધી ચર્ચાઓ ચાલે છે પણ અંતે એનું કશું પાલન થતું નથી. અને શ્રીમંત ઘરના લોકો પણ વિધવાઓ સાથે વ્યભિચાર કરે છે આમ વિધવાઓની સ્થિતિ કરૂણ જ રહે છે. અંતે યમુના વિધવા થતાં પુનર્લગ્ન કરે છે અને લેખકનો ઉપદેશ કે વિધવાઓએ પુનર્વિવાહ કરવા જોઈએ તે સિદ્ધ થાય છે.

આ નવલકથામાં બાબા પદમનજીએ તે સમયના નવજાગરણ કાળમાં પોતાની આસપાસના મરાઠી સમાજનું આલેખન કરેલું છે. સાથોસાથ તે સમયે ખ્રિસ્તી મિશનરીઓ અને ખ્રિસ્તી ધર્મગુરુઓ દ્વારા હિન્દુ લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે ઉપદેશો અપાતાં અને હિન્દુ લોકો તે પ્રમાણે કરતાં પણ ખરા, એ અમુક પ્રસંગોએ નવલકથામાં દ્રષ્ટિગોચર થાય છે. જેમ કે વિનાયકરાવ હિન્દુ હોવા છતાં પોતાના મૃત્યુ પછી બાપ્તિસ્મા મળે એવું ઇચ્છે છે. તેથી યમુના તેમની ઈચ્છા પૂર્ણ કરે છે. યમુના પણ અંતે ખ્રિસ્તી ધર્મગુરુના સાનિદ્યમાં રહે છે તેઓ ઉપદેશ પણ આપે છે. યમુનાની સાથે શિવરામ અને તેની માં પણ દાજીબના ઘરે રહે છે. તત્કાલિન સમાજસુધારકો સમક્ષ વિધવાનું હદયવિદારક, અનુકંપાશીલ ચિત્ર રજૂ કરી, સમાજને એથી વાકેફ કરાવવા અને એમને જોવાનો દ્રષ્ટિકોણ બદલવા તેમજ એમના હિતનો વિચાર કરી, એમના નૈતિક અને માનસિક વિકાસ તરફ ધ્યાન દોરવાના આશયથી બાબા પદમનજીએ નવલકથાની રચના કરી છે. ઉપરાંત ખ્રિસ્તી ધર્મનો એમાં વારંવાર ઉલ્લેખ કરી તેનું જે ગૌરવ કરાયું છે, એ પાછળ બાબા પદમનજીનો આશય એ ધર્મની ઉદાર માનસિકતાની જાણ કરાવી, તેમજ પરંપરાના નામે માનવધર્મને વિસારે પાડી કુમળી મનોવૃત્તિઓ નાશ પામી હોવાથી આપણા સમાજની તરૂણ પણ અસહાય, અનાથ ત્રસ્ત વિધવા સાથે અમાનુષી, આસુરી વૃત્તિ ધરાવતા સમાજને તેની જાણ કરાવવાનો હતો. તેઓ પોતે ખ્રિસ્તી હોવાથી તેઓ એ ધર્મ પ્રત્યે આદરભાવ રાખે, તેની સ્તુતિ ગાય એ સ્વાભાવિક છે. પણ એટલા પરથી લોકોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવો જોઈએ એ એમનો આશય હતો એમ કહેવું યોગ્ય નથી. ખ્રિસ્તી ધર્મમાં માનવ પ્રત્યે પ્રેમ, દયા, અનુકંપા, સર્વને સ્વતંત્રતા અને સમાન દરજ્જો આપવામાં આવે છે. આવા તમામ તત્વો હિન્દુ ધર્મમાં પણ છે, પરંતુ ધાર્મિક ક્લેશને કારણે મૃતાવસ્થા પામ્યા છે. જેના કારણે હિન્દુ ધર્મ પ્રત્યે લોકો ઉદાસીનતા દાખવવા લાગ્યા છે. આમ ઓગણીસમી સદીની ભારતીય ભાષાની મરાઠીની પ્રથમ નવલકથા ‘યમુનાપર્યટન’ એ સાચે જ હિંદુસ્તાનની વિધવાઓની સ્થિતિનું નિરૂપણ કરે છે અને લેખક બાબા પદમનજી મરાઠી ભાષાના ઉત્તમ નવલકથાકાર સાબિત થાય છે.

સંદર્ભ ગ્રંથ :::

  1. યમુના પર્યટન : અનુવાદ - મેનકા જાધવ, પ્રકાશક – લજ્જા પબ્લિકેશન્સ, વલ્લભ વિદ્યાનગર, પ્રથમ આવૃતિ – ૨૦૧૧
  2. હરિ નારાયણ આપ્ટે, અનુવાદ – દિપક મહેતા, સાહિત્ય અકાદમી, ન્યુ દિલ્લી – ૧૧૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ – ૧૯૮૬
  3. ભારતીય નવલકથા ભાગ-૧, લેખક – રમણલાલ જોશી, પ્રકાશક-જે.બી. સેંડિલ અધ્યક્ષ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬, પ્રથમ આવૃત્તિ-૧૯૭૪

સુનિલકુમાર જે. પરમાર, પીએચ.ડી રિસર્ચ ફેલો,અનુસ્નાતક ગુજરાતી વિભાગ,માનવવિદ્યા ભવન,સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર,આણંદ, પિન-૩૮૮૧૨૦ મો-૯૫૮૬૬૮૭૮૫૦ Sunilparmar1709@gmail.com