ઓગણીસમી સદીના સંશોધક વ્રજલાલ શાસ્ત્રી : ભાષાશાસ્ત્રના વિશેષ સંદર્ભે
ગુજરાતી ભાષા-સાહિત્યનો પાયો નાખનારા ઓગણીસમી સદીના સંશોધક તરીકે વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રીનું નામ ઘણું જાણીતું છે. ઈ.સ. ૧૮૨૫માં તેમનો જન્મ આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના મલાતજ ગામમાં પિતા કાળિદાસ ત્રવાડી(ત્રિવેદી) અને માતા ઉમિયાલક્ષ્મીના ઘરે થયો હતો. મલાતજની ગામઠી શાળામાં અભ્યાસ પૂર્ણ કરી પેટલાદ, દભોઈ, વડોદરા, નાંદોલ, ચણોદ વગેરે જેવા સ્થળે જઈ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો. પરિણામે તેઓ પિતાની ‘ત્રવાડી’ અટકને સંપાદિત કરી ‘શાસ્ત્રી’ તરીકે ખ્યાત બને છે. અભ્યાસ બાદ સારસા(જિ. આણંદ)માં કરુણાસાગરના મંદિરમાં કેટલોક સમય આચાર્ય રહ્યા. ધાર્મિક ખટપટ લગતા ઈ.સ. ૧૮૫૯માં અમદાવાદના જૈન મંદિરમાં શિક્ષાગુરુ તરીકે કાર્યરત્ત બને છે. ત્યાં તેઓ અર્ધમાગધી, અપભ્રંશ અને જૂની ગુજરાતીના વિશેષ સંપર્કમાં આવે છે. ઈ.સ. ૧૮૬૫થી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હાલની ગુજરાત વિદ્યાસભા)માં આસિસ્ટન્ટ સેક્રેટરી રહ્યા. ઈ.સ. ૧૮૬૮માં ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી પણ બન્યા. આ કારણોસર તેમની સર્જન સાથે સંશોધનપ્રવૃત્તિને પણ વેગ મળે છે.
ઈ.સ. ૧૮૬૮માં વડોદરા વર્નાક્યુલર કૉલેજ ઑફ સાયન્સમાં અધ્યાપક રહે છે. એ પછી ઈ.સ. ૧૮૭૯માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકેની કામગીરી બજાવી. આ જ અરસામાં દલપતરામ નિવૃત્ત થતા ફરી તેમની વરણી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના કામચલાઉ આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે કરવામાં આવી. ઈ.સ. ૧૮૮૧માં અમદાવાદ છોડી મલાતજમાં રહે છે અને હોપબૂક કમિટીમાંથી રાજીનામું આપી છૂટા થાય છે. ઈ.સ. ૧૮૮૫માં કાયમ માટે મલાતજમાં સ્થાયી થાય છે. મલાતજમાં તેમનો સંશોધન યજ્ઞ પ્રદીપ્ત રહે છે અને ૧૪મી નવેમ્બર ઈ.સ.ના રોજ ૬૭ વર્ષની વયે ટૂંકી માંદગીને અંતે તેઓનું અવસાન થાય છે.
વ્રજલાલ શાસ્ત્રી ઈ.સ. ૧૮૫૮માં ‘ચંદ્રહાસાખ્યાન’ નામક પ્રથમ કૃતિના લેખનથી સાહિત્યિક પ્રવૃત્તિનો પ્રારંભ કરે છે. તે સાથે ‘ધર્મપ્રકાશ’, ‘વ્રજવાણી’, ‘બુદ્ધિપ્રકાશ’ જેવા સામયિકોમાં તેમના લેખો પ્રગટ થવા લાગે છે. પછીથી વેગ પકડતી તેમની સર્જક-સંશોધન પ્રતિભાને પરિણામે તેમની પાસેથી પ્રગટ-પ્રગટ પંદરેક પુસ્તકો પ્રાપ્ત થયાં છે. જેમાં પાંચ ભાષાસંબંધી છે: ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ (૧૮૬૬), ‘ઉત્સર્ગમાળા’ (૧૮૭૦), ‘ધાતુસંગ્રહ’ (૧૮૭૦), ‘ગૂર્જર-ભાષાપ્રકાશ’ (૧૮૯૨થી ‘ચંદ્ર’ સામાયિકમાં પ્રકાશન થયું.) અને ‘ઉક્તિસંગ્રહ’(‘સમાલોચક’ સામયિકમાં પ્રકાશન થયું.). આ ઉપરાંત ‘હિતોપદેશ શબ્દાર્થ’ અને બીજા કેટલાક છૂટક લેખો દ્વારા પણ તેમણે ભાષાવિચારણા કરી છે. ‘ચંદ્રહાસાખ્યાન’(પ્રકાશન ૧૮૮૪ ડાકોરથી) જેવા સર્જનાત્મક લેખનની સાથે ‘રસગંગા’(મરણોત્તર ૧૯૩૪) જેવી રસમીમાંસા વિષયક પ્રવેશ પુસ્તિકાની રચના કરી છે. ‘નાગરઉદય’ માસિકમાં ‘નાગરસંકીર્તન’ અને ‘કેળવણી’ માસિકમાં ‘સ્ત્રીશિક્ષા’ વિષયક લેખમાળા પ્રસિદ્ધ થઈ. તેમનો અપ્રસિદ્ધ ગ્રંથ ‘નાગરપરાવૃત્ત’ નાગરોત્પત્તિ અને ઇતિહાસ વિષયક છે. ‘ગૂર્જરદેશભૂપચરિત’ સંસ્કૃતમાં લખાયેલ અભ્યાસ-સામગ્રીનો ગ્રંથ છે. ‘વિશ્વપ્રબોધ’ એ વેદાંત અને ‘વૈશેષિક તર્કસાર’ (૧૮૯૮) એ તત્વજ્ઞાન વિષયક મૌલિક ગ્રંથો છે. ‘યજ્ઞવલ્ક્યચરિત’ સાવંદાત્મક અપૂર્ણ ગદ્યરચના છે.
‘મુક્તમાલા’(૧૮૬૮) મરાઠી નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ છે. ‘કમંદકીય નીતિસાર’માં કૌટિલ્યના રાજનીતિ શાસ્ત્રનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર છે. સંશોધક ઉપરાંત સંપાદક તરીકે શાસ્ત્રીજીએ તેમના જયેષ્ઠ બંધુ છોટાલાલ ત્રવાડી ઉર્ફે કવિ છોટમની કૃતિઓ પ્રકાશિત કરી છે. ‘છોટમકૃત અક્ષરમાળા’(૨૮૭૧), ‘ભક્તિભાસ્કર’(૧૮૮૧), 'છોટમકીર્તનસંગ્રહ’ વગેરે. આમ, શાસ્ત્રીજી પાસેથી મુખ્યત્વે ભાષાસંશોધનનું કાર્ય ઉપરાંત કેટલુંક રસલક્ષી અને બીજું શોધિત-મૌલિક-અનુવાદિત-સંપાદિત કાર્ય આપણને પ્રાપ્ત થયું છે. આ શોધપત્રમાં ખાસ કરીને શાસ્ત્રીજીએ કરેલા ભાષાશાસ્ત્રના કાર્યની નોંધ લેવાનો મુખ્ય આશય છે.
શાસ્ત્રીજી પાસેથી પ્રાપ્ત થયેલું ભાષાશાસ્ત્ર વિષયક સંશોધન આગળ વાત કરી એ પ્રમાણે મુખ્ય પાંચ સંશોધને લગતા ગ્રંથો આપ્યાં છે. એ સાથે ‘હિતોપદેશ શબ્દાર્થ’ તૈયાર કર્યો છે તેમાં શબ્દોની વિગતવાર નોંધ લીધી છે. અહીં પ્રસ્તુત છે વ્રજલાલ શાસ્ત્રીના ભાષાવિષયક શોધકાર્યની કેટલીક અગત્યની બાબતો...
૧. ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’:
ભાષાઅભ્યાસની નવી કેડી કંડારતું, ગુજરાતી ભાષાના ઇતિહાસને પ્રગટ કરતું આ પ્રકારનું પ્રથમ શંશોધનાત્મક પુસ્તક શાસ્ત્રીજી પાસેથી મળે છે. ઈ.સ. ૧૮૬૪માં ‘બુદ્ધિપ્રકાશના’ આઠમાં અંકમાં શેઠ શોરબજી જમશેદજીએ ગુજરાતી ભાષાના ઇતિહાસ વિશે ઉત્તમ નિબંધ લખી આપનારને ૧૦૦ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી તેના ફળ સ્વરૂપે આ પુસ્તક ઈ.સ. ૧૮૬૪માં લખાયું હતું અને તેને ઈ.સ. ૧૮૬૬માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રગટ કરવામાં આવ્યું. વાસ્તવમાં ૯૨ પૃષ્ઠ(પ્રકાશન સમયે) અને ૧૬ પ્રકરણમાં ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ એવા નામે શાસ્ત્રીજીએ નિબંધ લખ્યો છે. આ નિબંધના શરૂઆતના બાર પ્રકરણમાં ગુજરાતી ભાષાની ઉત્પત્તિની અને અંતિમ ચાર પ્રકરણમાં વર્તમાન ગુજરાતીની સ્થિતિ, પારસી શબ્દો, સંસ્કૃત પરથી થતી ગુજરાતી વાક્યરચના, ગુજરાતી લિપિ વગેરેની વિગતે વાત કરી છે.
સંસ્કૃત ભાષાની સાથે તેને બોલનારી આર્યપ્રજાની વિગતે નોંધ આપવામાં આવી છે. એ મુજબ જોવા જતાં આર્યો પંજાબમાં સિંધુ નદીને કિનારે રહેતા હતા. તે ‘સિંધુ’ પરથી ‘હિન્દુ’ શબ્દ આવ્યો. આર્યપ્રજામાં કેટલાક સંસ્કૃત બોલતા હતા જ્યારે કેટલાક શુદ્ધ ઉચ્ચારણ નોહતા કરી શકતા તેમને ‘મ્લેચ્છ’ કહ્યા છે. શાસ્ત્રીજી સંસ્કૃત ભાષાને સર્વગુણ સંપૂર્ણ, દેવભાષા અને દેવાંગના સમી ગણાવે છે. વ્યાકરણ, તર્ક, શિક્ષા અને કોશને સંસ્કૃતના સેવકો ગણાવ્યા છે. સંસ્કૃત ભાષામાં વ્યાકરણ-કોષના ગ્રંથ હોવાથી તે શુદ્ધ રહી શકી છે તેમ જણાવ્યું છે. કાલાંતરે સંસ્કૃત નહીં બોલી શકનારી પ્રજાના કારણ તરીકે તેઓ પ્રજાનું અજ્ઞાન, વેગપૂર્વકનું ઉચ્ચારણ, અનભ્યાસ અને જિહ્વાદોષને ગણાવે છે. સંસ્કૃતના પુષ્કળ શબ્દો(તત્સમ) ગુજરાતીમાં પ્રવેશ્યા છે તેવી નોંધ સાથે તેમણે ૫૨૫ જેટલા શબ્દોને પણ ઉદાહરણ સાથે મૂક્યા છે.
પ્રાકૃત ભાષાને મૂળ પ્રકૃતિમાંથી વિકૃત તે પ્રાકૃત એમ કહી સમજાવે છે. એ સાથે જે ભાષાકીય પરિવર્તનો આવ્યા તેને પણ નોંધ્યા છે જેમકે, સંસ્કૃતમાં હતું તે દ્વિવચન પ્રાકૃતમાં નથી. વળી કેટલાક શબ્દના લિંગ પણ બદલાયાની નોંધ લીધી છે. અપભ્રંશને સિંધ, મારવાડ, મેવાડ, અવંતિ, સૌરાષ્ટ્ર, લાટ, કચ્છની ભાષાઓને મળતી આવે છે. પંજાબથી કેટલીક આર્યપ્રજા મરવાડ અને ગુજરાત ગઈ, તેમની પ્રાકૃતમાંથી અપભ્રંશ થઈ એમ જણાવ્યું છે. અપભ્રંશ ગુજરાતી ભાષાને વિશેષ મળતી હોય ‘ઢોલા મઈં તુહું વારિયા’ જેવા હેમચંદ્રાચાર્યના વ્યાકરણના નમૂના પણ નોંધ્યા છે.
ભાષા ફેરફારના કારણે થયેલા રૂપપરિવર્તન આમ સમજાવે છે : સંસ્કૃત વ્યંજનમાંથી એક વ્યંજનનો લોપ થાય છે અને બાકી રહેલા બીજા વ્યંજન બેવડાય છે; બે વ્યંજનમાંથી એકનો લોપ થાય છે અને પૂર્વસ્વર દીર્ઘ બને છે: અર્ક, અક્કા, આક ; સર્પ, સપ્પો, સાપ.
સ્વર સાથેના ‘ન’કારનો ‘ણ’કાર થાય છે: વચનં, વયણ, વયણ.
સ્વરની પાસેના ખ, ઘ, થ, ધ, ભ વર્ણોનો ‘હ’ થાય છે: મુખ, મુહ, મુહ ; મેઘ, મેઘો, મેહ.
ક્રિયાપદની વાત કરતાં કહ્યું છે કે સંસ્કૃતમાં રહેલું ‘અસ્તિ’ ક્રિયાપદ પ્રકૃતમાં ‘છે’ બોલાય છે. જોકે પછીથી આપણાં ભાષાશાસ્ત્રીઓએ ‘અસ્તિ’નું પ્રાકૃત ‘અચ્છ’ જણાવ્યું છે.
ગુજરાતીમાં આવેલા દેશ્ય શબ્દોની નોંધ ઉદાહરણ સાથે કરી છે. જે શબ્દનું મૂળ સંસ્કૃત કે પ્રાકૃતમાં જડે નહીં તે દેશ્ય એમ તેઓ જણાવે છે. સંસ્કૃત ન જાણનારી પ્રજા(મ્લેચ્છ)માંથી વધુ પ્રમાણમા દેશ્ય શબ્દો આવ્યા છે. આ પ્રજા પોતાના વ્યવહારમાં રોડું, ઝાંખરું, દાથરી, ટીપું, ખોળિયું, પોચકું, બાચકો, ધાગો જેવા શબ્દપ્રયોગ કરતી હોવાનું નોંધ્યું છે.
ગુજરાતી ઉપરાંત ગુજરાતની આસપાસના પ્રદેશમાં રહેલાં ભાષાસામ્યની પણ આ નિબંધમાં નોંધ લેવાઈ છે. બે પ્રદેશનું જોડાણ થતું હોય ત્યાં મિશ્રભાષા બોલાય છે જેમકે, દમણમાં ગુજરાતી અને કોંકણી ભાષા, ડુંગરપુર અને વાંસવાડામાં ગુજરાતીના મિશ્રાશબ્દો બોલાય છે. કચ્છમાં સિંધિ શબ્દોનું મિશ્રણ થયું છે.
ગુજરાતી ભાષાના જૂના સ્વરૂપને સંવત ૧૦૦ના આરંભથી સંવત ૧૫૦૦ના અંત સુધીનું ગણાવ્યું છે. ભાષાનું આ સ્વરૂપ આવવા પાછળ વિધર્મી પ્રજાનું આક્રમણ, પ્રજામાં પ્રવેશેલો ભય અને પરિણામે તૂટેલો સંસ્કૃત ભાષાનો વિદ્યાભ્યાસ ગણાવે છે. અપભ્રંશમાંથી છૂટું પડતું ગુજરાતી ભાષાનું સ્વરૂપ અપભ્રંશ સાથે ઘણું સામ્ય ધરાવે છે એ બાબતની પુષ્ટિ માટે શાસ્ત્રીજી ‘મુગ્ધાવબોધ ઔક્તિક’ જેવા જૈન ગ્રંથોના કેટલાંક વાક્યો પણ ટાંકયા છે. ગુજરાતીમાં થયેલી શબ્દરચનાને સમજાવા કેટલાંક મહત્ત્વના ધ્વનિવિકારોની નોંધ કરવી યોગ્ય રહેશે:
સંસ્કૃતના ‘ણ’કારણો ‘ન’કાર થાય છે: ચૂર્ણ-ચૂણો-ચૂનો.
સંસ્કૃતમાંથી પ્રાકૃત થયેલા કેટલાક શબ્દો ગુજરાતીમાં યથાવત રહ્યા છે:
સં. નમામિ, પ્રા. નમુ, અપભ્રંશ. નમુ, જૂની ગુજરાતી. નમુ, ગુજરાતી નમું
સં. પત, પ્રા. પડ, અપભ્રંશ. પડ, જૂની ગુજરાતી. પડ, ગુજરાતી પડ વગેરે.
આવી રીતે થતાં વર્ણવિકારના કારણ તરીકે તેઓ શિક્ષણના અભાવને ગણાવે છે. વળી અંગ્રેજી જેવી ભાષાઓના પગપેસારાથી મિશ્ર શબ્દવાળી ભાષાની થઈ. પારસી ભાષા તેમના મતે સંસ્કૃત જેવી જ મોટી છે.
વર્ણવિકાર અને ભાષાસંબંધી બાબતોમાં ગુજરાત પ્રદેશની વાતને પણ વણી લેવામાં આવી છે. જે અંતર્ગત લાટ, સૌરાષ્ટ્ર, કચ્છ જેવા પ્રદેશોની ઐતિહાસિક પરિપ્રેક્ષમાં નોંધ લેવામાં આવી છે. દેવનાગરીમાંથી ઉતરી આવેલી ગુજરાતી લિપિમાં આવેલું વર્ણપરિવર્તન પણ શાસ્ત્રીજી સમજાવે છે. લખવાની ઝડપ અને વાણિયાશાઈમાં વેપારીઓ વડે થતાં અર્ધા અક્ષરના લેખનને પરિણામે ગુજરાતી લિપિ બગડી હોવાનું કહ્યું છે. અંતે સંસ્કૃત પરથી થતા ગુજરાતી વાક્યો મૂકીને ભાષામાં આવેલા બદલાવને તુલનાત્મક રીતે રજૂ કરીને ભાષાપરિવર્તનના પથને વિશેષ રૂપમાં સમજાવે છે.
ગુજરાતી ભાષાના દૃઢિકરણ માટે તેમણે સૂચવેલા ઉપાયો જાણવા જેવા છે: કોષ અને વ્યાકરણની રચના યોગ્ય અધિકારી વિદ્વાન પાસે કરાવવી, પદશુદ્ધિ અને વાક્યશુદ્ધિને સાંકળતી વાક્યરચનાની નિશ્ચિત પદ્ધત્તિ, રસ-અલંકાર-છંદ સંબંધી ગ્રંથો રચવા, સંસ્કૃતના શબ્ધભંડોળનો વિનિમય, ભારતીય અન્ય ભાષાઓના શબ્દો આવશ્યકતા અનુસાર લેવા, બિનજરૂરી પરભાષાના શબ્દોનો તિરસ્કાર, જૂની ગુજરાતીમાંથી રમણીય શબ્દોનો વિનિયોગ, પ્રદેશિક બોલીઓના શબ્દોનો ઉપયોગ, ઉપરના કાર્યને અભ્યાસનિષ્ટ વિદ્વાનોને સોપવામાં આવે -એવાં રચનાત્મક-સર્જનાત્મક સૂચનો શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવ્યાં છે.
આમ, માત્ર ૯૨ પૃષ્ઠમાં શાસ્ત્રીજી દ્વારા ગુજરાતી ભાષાનો મૂળગામી અભ્યાસ કરવામાં આવ્યો છે. શાસ્ત્રીજી પછી ઘણાં ભાષામીમાંસકોએ ગુજરાતી ભાષાની આ રીતની તપાસ કરીને આ ગ્રંથની ખામીઓ પણ બતાવી છે. પરંતુ શાસ્ત્રીજીએ કરેલું આ કાર્ય પ્રારંભિક કક્ષાએ જોવા જતાં પ્રશંસનીય છે. ખાસ કરીને આ પુસ્તક દ્વારા સંસ્કૃત ભાષાને આધાર બનાવી તેમાંથી પ્રગટેલી પ્રાકૃતને ભરતખંડના ઘણા પ્રદેશોની ભાષાની જનની તરીકે સ્થાપી છે. એ જ રીતે પ્રાકૃતમાંથી ઉદ્ભવેલી અપભ્રંશના લક્ષણો તારવીને તે અર્વાચીન ભાષાઓમાં કઈ રીતે જુદી પડે છે એ દર્શાવ્યું છે. તેઓ ધારત તો આ નિબંધને ઘણો લંબાવી શક્યા હોત પરંતુ નિબંધશૈલીમાં થયેલાં, માર્મિકતાભર્યાં આ શોધકાર્યમાં તેમની વિષયનિષ્ઠા દેખાય છે. વળી આ સઘળી રજૂઆતમાં પ્રગટ થતી તેમની ભાષા, સાહિત્ય, વ્યાકરણ, ઇતિહાસ જેવા વિષયોની વિદ્વત્તા તેમને ગુજરાતી ભાષાના આદ્યભાષા શાસ્ત્રીનું બહુમાન આપવા પ્રેરે તેમ છે.
૨. ઉત્સર્ગમાળા:
ઈ.સ. ૧૮૬૭માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ગુજરાતી ભાષાના શબ્દો સંસ્કૃતમાંથી કેવી રીતે અપભ્રંશ થયા અને ગુજરાતી વાક્યરચનામાં કેમ પ્રયોજાયા તે વિશે સારો નિબંધ લખી આપનારને ૨૦૦ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. તે વખતે શાસ્ત્રીજી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં સેક્રેટરી હતા. નિબંધ લખવા માટે તેઓ ત્યાંથી છ મહિનાની રજા લઈને નિબંધના જવાબ સ્વરૂપે ‘ઉત્સર્ગમાળા’ની રચના કરે છે. જે અંતર્ગત વિષયને વળગી રહીને તેમણે આપણી ગૂર્જર દેશની ભાષા સંસ્કૃત ભાષાનો વિકાર છે એવું સિદ્ધ કર્યું છે. એ માટે તેઓએ સૌપ્રથમ સંસ્કૃત-પ્રકૃતના ઘણાં ગ્રંથો વાંચી, ભારતીય ભાષાઓના અભ્યાસ પછી પોતાનો મત પ્રગટ કર્યાનું ઉપોદ્ઘાતમાં જણાવ્યું છે. ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ ગ્રંથમાં આરંભે જે સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ અંગે વિગતો આપી છે તેનું ઘણું અહીં પુનરાવર્તન થયું છે. ઉત્સર્ગ બાબતે હેમચંદ્રાચાર્યે રચેલા પંચભાષાના વ્યાકરણમાં જે ઉત્સર્ગો ગૂર્જર ભાષાને લાગુ પડે છે તેને નિબંધમાં લીધાનું તેઓ સ્વીકારે છે. કુલ મળીને ૧૯૩ ઉત્સર્ગો દ્વારા તેમણે સ્વર-વ્યંજનવિકાર, શબ્દલિંગવિકાર, વ્યંજનલોપ, જોડાક્ષરવિકાર, પ્રત્યય-વિભક્તિ-ક્રિયાપદવિકાર, શબ્દવિકાર વગેરે વિકાર દ્વારા સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી એવા ભાષા ક્રમે શબ્દરૂપમાં આવેલા ફેરફારને દર્શાવ્યો છે. એમનું આ કાર્ય ભાષાશાસ્ત્રીય દૃષ્ટિથી થયું છે.
૧૯૩ ઉત્સર્ગનું વર્ગીકરણ કરીએ તો તેમણે કરેલા કાર્યનો વધુ ખ્યાલ આવશે. શરૂઆતમાં પ્રાકૃત ભાષાની લાક્ષણિકતા બતાવી છે. સંસ્કૃત-પ્રાકૃતમાં સંધિકાર્ય સમાન ન હોવાનું જાણવા મળે છે તથા અંત્યવ્યંજનનો થતો લોપ ‘કુંભકાર’(સંસ્કૃત), ‘કુંભારો’(પ્રાકૃત), ‘કુંભાર(ગુજરાતી)’ -એવા ઉપસર્ગથી બતાવ્યો છે. એ પછી અનુસ્વાર વિષયક ઉપસર્ગ છે. આટલી ચર્ચાના પાંચ ઉપસર્ગ આપ્યા છે. એ પછીના ચાર ઉપસર્ગ શબ્દજાતિવિકારના છે : યશસ, જન્મન, છંદસ વગેરે સંસ્કૃતના નપુંસકલિંગ શબ્દો પ્રાકૃતમાં પુલ્લિંગ થાય છે. ‘અક્ષિ’ સં. નપુંસકલિંગ પ્રાકૃતમાં સ્ત્રીલિંગ થાય છે વગેરે. સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી એવા ક્રમે આપેલ બીજા ઉત્સર્ગો આ મુજબના છે:
૪૪ ઉપસર્ગમાં સ્વરલોપ અને સ્વરપરિવર્તનથી આવતા સ્વરવિકારની સમજ સ્પષ્ટ કરી છે:
અરણ્ય-રણ-રાન -માં ‘અ’નો લોપ;
‘ઈ’કારનો ‘એ’કાર: કિશ્રુક-કેસઅં-કેસૂડું વગેરે.
૩૩ ઉપસર્ગમાં ક, ટ, ત, પ, ય, શ, વ, વગેરે વર્ગના શબ્દોમાં આવતો વર્ણવિકાર છે:
અનાદિ અસંયુક્ત ‘ટ’નો ‘દ’: ઘટ-ઘડો-ઘડો;
‘ક’નો ‘ખ’: કર્પર-ખપ્પરા-ખપ્પર;
‘ત’નો ‘ર’: સપ્તતિ:-સલરી-સિતેર;
‘પ’નો ‘ફ’: પારયતિ-ફાડઈ-ફાડે;
‘ય’નો ‘જ’: યશ-જસો-જસ વગેરે.
૧૨ ઉપસર્ગમાં વર્ણવિકાર વિશેના ઉદાહરણ છે:
જે વ્યંજનમાં ‘લ’ મળેલો હોય તેમાં ‘ઈ’કાર ભળે છે: શ્લોક-સિલોક-સિલોગ.
‘રણ’નો વ્યત્યય: વારાણસી-વાણારસી.
મલિનં-માઈલં-મેલું -માં ‘ન’ને સ્થાને ‘લ’ અને ‘ન’નો લોપ.વગેરે.
૧૬ ઉત્સર્ગ વ્યંજનલોપ માટેના છે:
‘જ’નો લોપ: ભાજનં-ભાણું-ભાણું;
‘દુ’નો લોપ: ઉદુમ્બરક-ઉમ્બરડો-ઉમરડો.
વ્યાઘ્ર-વગ્ઘોં-વાઘ વગેરે.
૩૧ ઉપસર્ગ જોડાક્ષર વિકારના આપ્યા છે:
‘સ્ત’નો ‘ખ’: સ્તંભ-ખંભો-ખંભ;
‘ત્ય’નો ‘ચ’: નૃત્યં-નચ્ચં-નાચ;
‘ષ્ઠ’નો ‘ઠ’: યષ્ઠિ-લઠ્ઠિ-લાઠી વગેરે.
૮ ઉપસર્ગમાં પ્રત્યયવિકાર દર્શાવ્યો છે:
‘ત્વા’નો લોપ અને તેને સ્થાને ‘ઈસ’ આદેશ છ: ભમિત્વા-ભમીઅ-ભમી;
‘ત્વ’ના સ્થાને ‘ઈમા’: નિલત્વં-લીલિમા-લીલમ;
‘મત’ પ્રત્યયના સ્થાને ‘આલ’ આદેશ સ્નેહવાન ‘હાલૂ’નું હાલ વગેરે.
૧૩ ઉપસર્ગમાં વિભક્તિમાં આવેલો વિકાર છે:
પંચમીના પ્રત્યક્ષ સ્થાને ‘તો’ થાય છે : ગ્રામાત-ગમતો-ગામથો;
સપ્તમી એકવચન સ્થાને ‘મ્મિં’ થાય : દેવે-દેવેમ્મિં-દેવમાં વગેરે.
સંસ્કૃત જેટલા ક્રિયાપદો પ્રાકૃતમાં નથી એમ જણાવીને ૪ ઉપસર્ગો ક્રિયાપદને લગતા આપ્યા છે અને એ પછી ૨૧ ઉપસર્ગમાં શબ્દવિકારને સમજાવ્યો છે:
‘કિમ્’નું ‘કવણ’; અસ્મદનું હ્ઉં-અમ્હે-અમ્હઈ; ઇયતનું એવડું વગેરે.
આ મુજબની મળતી ઉત્સર્ગચર્ચા ઉપરાંત કૃતિને અંતે ગુજરાતીમાં ઉતરી આવેલી સંસ્કૃત કહેવતોના ઉદાહરણ પણ આપ્યા છે : ‘જેને કોઈ ન પરણે તેને ક્ષેત્રપાલ પરણે’, ‘સુરજથી રૂઠયો શિયાળ કહિ જાય?’ વગેરે. આમ મુખ્ય ૧૯૩ ઉપસર્ગમાં શાસ્ત્રીજીએ સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતીના શબ્દવ્યુત્ક્રમને ઝીણવટપૂર્વકની શોધ પછી પ્રાકૃત ભાષાના વ્યાકરણ પરથી સમજાવ્યો છે. શાસ્ત્રીજીનું આ કાર્ય પછીથી વિદ્વાનોને કામમાં પણ લાગ્યું છે. જોકે નરસિંહરાવે કેટલાક ઉત્સર્ગનું અનુસંધાન કર્યા પછી ભૂલો પણ દર્શાવી છે છતાં સંસ્કૃત ધાતુઓ અંગે થયેલું આ કાર્ય પ્રશંસનીય છે અને શાસ્ત્રીજી કહે છે તેમ ધાતુમાં રસધરાવનાર એ જાણીલે કે સંસ્કૃત પરથી ગૂર્જરભાષા આવા પરિવર્તનોથી થઈ છે તો તેને શબ્દ ઘડવાની ટંકશાળ હાથ લાગશે.
૩. ધાતુસંગ્રહ:
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા શાસ્ત્રીજીને ગુજરાતી ભાષાના સંસ્કૃત ધાતુઓનો કોશ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું તેનું શોધકાર્ય ઈ.સ. ૧૮૬૯માં પૂર્ણ થયેલું. ઈ.સ. ૧૮૭૦માં કેળવણી ખાતા દ્વારા તેનું ‘ધાતુસંગ્રહ’ નામે પ્રકાશન કરવામાં આવ્યું. આ સંગ્રહની રચનામાં શાસ્ત્રીજીને રેવરંડ ટેલરની મદદ મળેલી છે માટે સંયુક્ત શંશોધનવાળી કૃતિ બને છે. કૃતિના અંતમાં મળતો આ શ્લોક તેની સાક્ષી પૂરે છે:
“શ્રી ટેલર સહાયેન વ્રજલાલેન ધીમતા ꞁ
અમદાવાદ નગરે રચિતો ધાતુસંગ્રહ ꞁꞁ
આથી એ જાણી શકાય કે શાસ્ત્રીજીનું કાર્ય મુખ્ય છે, ટેલરે સહાય કરી છે. બંને શંશોધકોએ મળીને આ સંગ્રહના ૧૯૦ પૃષ્ઠમાં ૨૪૦૦ જેટલા ધાતુઓ નોંધ્યા છે. સંસ્કૃતમાં કેટલા ધાતુ છે, તેના ક્રિયાપદ અને નામ કેવાં થાય છે તથા તેનો ગૂર્જરભાષામાં કેવો વિકાર થાય છે એ મુખ્ય આશય સાથે આ કોશ તેઓએ આપ્યો છે. તેની રચના માટે પાણિનીય વ્યાકરણ, હૈમ વ્યાકરણ અને બોપદેવના વ્યાકરણના ધાતુઓ જોઈ તેના આધારે ધાતુઓ આપ્યા છે.
ધાતુઓની ચર્ચા પૂર્વે ૧૨૩ ઉત્સર્ગનું એક પ્રકરણ આપ્યું છે. તે ધાતુઓની સમજ દૃઢ કરવા માટે છે. એ બધાજ ઉત્સર્ગો ગુજરાતીના છે અને તેને ‘ઉત્સર્ગમાળા’માંથી લઈને અત્યંત સંક્ષેપમાં, અલ્પ ઉદાહરણો સાથે મૂકી આપ્યા છે જેમકે,
સંસ્કૃત ‘ઐ’કારનો ‘એ’કાર પ્રાકૃતમાં તેમજ ગૂર્જરભાષામાં પણ રહ્યો છે: વૈર-વેર-વેર.
‘ક્ષ’નો ‘ખ’: લાક્ષા-લાક્ખા-લાખ.
‘ત’નો ‘ટ્ઠ’: મૃત્તિક-મટ્ટિઆ-માટી.
‘જ્ઞ’નો ‘ણ’: રાજ્ઞી-રાણ્ણી-રાણી.
‘સ્ત’નો ‘ત્થ’: હસ્ત-હત્થો-હાથ વગેરે.
ઉપસર્ગની ચર્ચા પછી તમામ ધાતુઓને સળંગ ક્રમમાં મુકવામાં આવ્યા છે. આ ધાતુઓને શબ્દરચના આધારિત મુકાયા છે. अ, इ, કે ई વગેરે જેવા ધાતુઓથી બનતા શબ્દો કે બે-ત્રણ અક્ષરના ધાતુઓથી બનતાં રૂપોને દર્શાવ્યા છે. ડૉ. વિનોદ પંડ્યાએ તેમના શોધકાર્ય(‘ગુજરાતીના આદ્યભાષા શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી’)માં કરેલા વર્ગીકરણ અનુસાર જોવા જઈએ તો ખ્યાલ આવે છે કે અહીં अप्, इ, कट्ट, मध, જેવા અનેકાર્થી અને ‘જવું’ એવા એક જ અર્થમાં પ્રયોજાયેલા अग्, अंग, अघ જેવા ૧૦૦ જેટલા ધાતુઓ જોવા મળે છે. અનુબંધ અનુસાર ધાતુતપાસ કરતાં એ જાણવા મળે છે કે ‘अ’ અનુબંધવાળા ૧૦૮૮, ‘इ’ અનુબંધવાળા ૨૫૩, ‘ई’ અનુબંધવાળા ૬૫, ‘उ’ અનુબંધવાળા ૧૨૩ એમ વિભિન્ન ધાતુઓ આપેલા છે. કેટલાક ધાતુઓ અનુબંધ વગરના પણ છે જેમકે, अगद, अंग, अंध, इल, उरस, एला, कत्र, कथ વગેરે ૧૩૫ ધાતુઓ થાય છે. પરસ્મૈપદ, આત્મનૈપદ અને ઉભયપદાનુસાર જોવા જતા ધાતુસંખ્યા અનુક્રમે ૧૨૭૪, ૪૯૨ અને ૫૮૫ થાય છે. પ્રેરણાર્થ(णौ)માં બદલાતા ધાતુરૂપને આમ દર્શાવ્યું છે:
कखति (હસે છે.) णौ कख्यति
कणति (જાય છે.) णौ कण्यति
कदते (કામણ કરે છે) णौ कद्यति વગેરે.
लत्वे/डत्वे દ્વારા સાધિત ધાતુરૂપો આ પ્રમાણે આપ્યા છે:
कडम् लत्वे कलम / रिक्षा लत्वे लिक्षा
जल डत्वे जड / तरूणी डत्वे तडुणी વગેરે.
ગાણિતિક રીતે જોવા જઇયે તો વધુ વ્યંજનવાળા(कुटुंब, कुमार, संग्राम), ઓછા વ્યંજનવાળા(प्री, प्रा), નાના ધાતુ(क, कु, गा, ग), મોટા ધાતુ(गदगद, चरम, तरण) એ મુજબના ધાતુ પણ મળે છે.
આમ વિવિધઆયામી ધાતુચર્ચા થઈ છે. બંને સંશોધકોએ શક્ય તેટલી નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે. જે સંસ્કૃત અને ગુજરાતી ભાષાના અભ્યાસુને ઘણે અંશે ઉપયોગી બને તેમ છે.
૪. ‘ગૂર્જર ભાષાપ્રકાશ’:
શાસ્ત્રીજી પાસેથી પ્રાપ્ત થયેલી આ એક લેખમાળા છે. શ્રી હરિલાલ હર્ષદરાય ધ્રુવના તંત્રી પદે શરૂ થયેલા ‘ચંદ્ર’ માસિક માટે ઈ.સ. ૧૮૯૨માં મોકલવામાં આવેલી. ચંદ્રના પ્રથમ અંકમાં તેનો પ્રથમ અંશ પ્રગટ થયો તે જ માસમાં શાસ્ત્રીજીનું અવસાન થાય છે. પછીથી લેખમાળા પ્રગટ થતી રહે છે. શાસ્ત્રીજીના કાર્યની નોંધ સાથે શ્રી હરિલાલ ‘ચંદ્ર’ના ત્રીજા અંકમાં શાસ્ત્રીજીને ‘ગુજરાતી ભાષાના અપૂર્વ સાક્ષર’ તરીકે બિરદાવે છે. આ લેખમાળાની રચના શાસ્ત્રીજીના જીવનના અંતિમ સમય દરમિયાન થયેલી તેથી તેમની પરિપક્વ પ્રજ્ઞાનો લાભ મળે છે. જોકે ‘ચંદ્ર’ સામયિકના બધા અંકો હાલ ઉપલબ્ધ ના હોવાથી તેમના બધા લેખ સુધી પહોંચી શકાતું નથી. શરૂઆતના જે લેખ મળે છે તેમાં રજૂ થયેલી વિગતો જેવીકે, સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ, આર્ય પ્રજા, ભરતખંડની ભાષાઓ
પણ અહીં તેમના સમગ્ર કાર્યનો નિચોડ જણાય આવે છે. વધુ લેખો પ્રાપ્ત થતાં નથી પણ જે પ્રાપ્ત થયા છે તેમાં તેમનું વર્ણાત્મક કાર્ય જણાય છે.
‘ચંદ્ર’ ઉપરાંત વડોદરાથી પ્રગટ થતા ‘સ્વદેશ હિતેચ્છુ’ નામના શિક્ષણ-સુધારાના માસિકમાં વિવિધ વિષયોના લેખ લખતા હતા. વળી આ માસિકના તંત્રી બનેલા એથી ઘણું પોતાના નામ વગર પણ છપાવ્યું છે. જેમાં સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી વગેરે ભાષાવિષયક ચર્ચા કરતાં લેખ જોવા મળ્યા છે. કેટલાક લેખમાં રસલક્ષી ચર્ચા પણ કરી છે.
૫. ઉક્તિસંગ્રહ:
આ ગ્રંથની રચના શાસ્ત્રીજીએ ઈ.સ. ૧૮૮૫માં મલાતજમાં કાયમી વસવાટ કર્યો તે અરસામાં કરી છે. જેમાં શબ્દ અને ભાષાની ઉત્પત્તિ વિષેની સુદીર્ઘ રજૂઆત કરવામાં આવી છે. આ ગ્રંથની ૪૭૧ પૃષ્ઠની હસ્તપ્રત ડૉ. વિનોદ પંડ્યાને નડિયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીમાંથી મળેલી. તે હસ્તપ્રતના છેલ્લા પાને સમાસની અધૂરી રહેલી ચર્ચા આ ગ્રંથ અધૂરો હોવાનું કે પાછળના પાના અપ્રાપ્ય હોવાનું સૂચવે છે. શાસ્ત્રીજીએ શરૂઆતના ૯૮ જેટલા પાના ‘સમાલોચક’ સામયિકમાં પ્રકાશન માટે મન:સુખરામને મોકલી આપેલાં. મન:સુખરામએ છૂટક પાંચ અંકમાં માંડ ૪૫ પાના છાપેલાં. શાસ્ત્રીજીના અવસાન પછીના બહુ સમયબાદ મન:સુખરામએ ‘સમાલોચક’માં ‘ઉક્તિસંગ્રહ’ છાપવો ચાલુ કર્યો પણ ઈ.સ. ૧૯૦૭માં તેમનું જ અવસાન થતાં એ કાર્ય અધૂરું રહ્યું છે. હાલ ‘સમાલોચક’ના તમામ અંકો અપ્રાપ્ય છે. તેથી ‘ઉક્તિસંગ્રહ’ સંપૂર્ણ મળવો મુશ્કેલ છે. હવે એકમાત્ર આધાર તેમની અત્યંત જર્જરિત હસ્તપ્રત છે.
ગ્રંથારંભે આપેલા એક સંસ્કૃત શ્લોકમાં શાસ્ત્રીજી ઉક્તિ એટલે વાક્ય, તેનો જે સંગ્રહ તેને ઉક્તિસંગ્રહ કહેવાય એમ કહીને શિક્ષકની જેમ વિસ્તારપૂર્વકના વિષયલેખનથી ભાષાકીય ચર્ચા કરી છે. તેમના બીજા ગ્રંથોની જેમ અહીં પણ સંસ્કૃતભાષા, આર્યોત્પત્તિ, ભરતખંડની ભાષાઓ, ગુર્જરોનું નિવાસસ્થાન વગેરેની વિગતે વાત રજૂ કરી છે. સંસ્કૃતને વેદભાષા અને દેવભાષા કહી છે. વાણીના પરા, પશ્યંતિ, મધ્યમાં અને વૈખરી એવા ચાર ભેદ બતાવ્યા છે. વાણી કે વાક્યમાં ત્રણ સ્ફોટ થાય છે : વર્ણસ્ફોટ, પદસ્ફોટ અને વાક્યસ્ફોટ. ઉક્તિ એટલે વાક્ય એમ કહી ઉક્તિના પાધરોક્તિ અને વક્રોક્તિ એવા બે પ્રકાર જણાવ્યા છે. સાથેસાથે કર્તરિ-કર્મણિ વાક્યોની ચર્ચા પણ કરી છે. વાક્યરચના થવા માટે તેઓ નામ અને ક્રિયાપદના અન્વયને મહત્વના ગણાવે છે. સંસ્કૃત, પ્રાકૃત અને દેશ્ય એવા ત્રણ પ્રકારના શબ્દોના અર્થ ગ્રહણને તેઓ શક્તિગ્રહણ ગણાવે છે. આવી ચર્ચા સાથે ૩૦૦થી વધુ ઉપસર્ગો પણ આપ્યા છે. આમ, પૂરો ગ્રંથ જોતાં જાણી શકાય કે તેમાં વાક્યસમજ અને વાકયના પ્રકાર, ઉક્તિના પ્રકાર, નામ, ક્રિયાપદ, વિશેષણ, કૃદંતો, અવ્યય, સમાસ, શબ્દોત્પત્તિ, શબ્દશક્તિ, તત્સમ, તદ્ભવ અને દેશ્ય શબ્દો, શબ્દજાતિના રૂપાખ્યાન, ઉચ્ચારણપ્રક્રિયા વગેરે જેવા મુદ્દાઓની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. શાસ્ત્રીજીના આ સમગ્ર લેખનમાં સંક્ષેપ લાવવાની જરૂર ખરી. તેમણે કરેલું આ સંશોધન વિદ્યાર્થિની સમજને કેળવવા ઉપયોગી બને તેમ છે. -મુખ્યત્વે આ પાંચ ગ્રંથમાં શાસ્ત્રીજીનું ભાષાશાસ્ત્રીય શોધકાર્ય ઘણું મૂલ્યનિષ્ઠ હોય એમ ખ્યાલ આવે છે. આ ઉપરાંત એક શબ્દકોષ પણ મળે છે તેને અહીં જોવો અનિવાર્ય છે.
‘હિતોપદેશ શબ્દાર્થ’:
સરકારી ગુજરાતી શાળાઓમાં સંસ્કૃત શિક્ષણ આપવા માટે શાસ્ત્રીજીએ રણછોડભાઈ ઉદયરામ સાથે મળીને કર્ટિસ સાહેબની પ્રેરણાથી ઈ.સ. ૧૮૬૪માં ‘હિતોપદેશ શબ્દાર્થ’નું શોધકાર્ય પૂર્ણ કર્યું. ડૉ. ચં. પૂ. વ્યાસના ભાષાવિચારણા વિષયક શોધપ્રબંધમાં નામોલ્લેખ સિવાય બીજા કોઈ સ્થાને આ શબ્દકોશની ખાસ નોંધ લેવામાં આવી નથી.
૧૬૭ પૃષ્ઠના આ શબ્દકોશમાં ૫૩૧૬ જેટલા શબ્દોને અર્થ ઉપરાંત તેની મૂળ ઓળખ સાથે રજૂ કર્યા છે. એટલેકે શબ્દની લિંગ, કાળ, સમાસ, વગેરે જેવી શબ્દઓળખને ચિહ્નો સહિત મૂક્યા છે. કેવળ કંઠ્ય ‘ઑ’કાર અને ‘ઍૅ’કારના ચિહ્ન પણ ગૉર-કૅરી એવા વિવૃત્તની ઢબે વ્યવસ્થિત રીતે કરે છે. આ કોશમાં તેઓને મળેલા નાના-મોટા પ્રત્યેક શબ્દનો અર્થ આપવા સાથે શબ્દની વ્યાકરણગત લાક્ષણિકતાઓ જેવીકે કર્તા, કર્મ, નામ, વિશેષણ, ક્રિયાપદ, અવ્યય, જાતિ, વચન વગેરે દર્શાવી છે. કેટલાક શબ્દોમાં સમાસ, સંધિ અને શબ્દવ્યુત્પત્તિનો ખ્યાલ પણ સ્પષ્ટ કર્યો છે. આમ શબ્દકોશ બહુઆયામી બની શક્યો છે. અહીં તેના કેટલાંક ઉદારહણ જોઈએ:
અંશ : પુ. ભાગ, હિસ્સો, વાંટો, વિભાગ, અંશને, તૃ. એ.વ.
અકથયત્ : કથ ધા. તૃ. પુ. એ. , પ્ર. ભૂત. બોલ્યું, કહ્યું.
અકરવ : કૃ. ધા. પ્ર. પુ. એ. પ્ર. ભૂ. કર્યું. કીધું.
અકસ્માત્ : અ. ઓચિંતું, એકાએક.
અકાલ : વિ. સમય ન થવો છતાં થાય તે, કવેળાનું પુ. કસમો.
ઉપરાંત એ પણ જોઈ શકાય કે એક શબ્દના ઘણા બધા પારિભાષિક શબ્દો તેઓ આપે છે જેમકે, કુલ : જાતિ, ગોત્ર, કુટુંબ, વંશ, કુળ ; દેવ : રાજા, મેઘ, દેવતા, ઈશ્વર, બેવકુફ, દિયર વગેરે. તેમણે અર્થભેદક શબ્દો પણ મૂકી આપ્યા છે : દ્વિપ-હાથી, દ્વીપ-બેટ, નિધનતા-ગરીબાઈ, નિધનમ્-મૃત્યુ. કેટલાક શબ્દો વ્યુત્પત્તિ કે વ્યાખ્યાત્મક રીતે પણ વ્યક્ત કર્યા છે : ‘અંડજા’ : ઇંડામાંથી જન્મેલ પક્ષી વગેરે. પરભાષી શબ્દોની પણ નોંધ લેવાય છે : દસ્તક, જલદ, વખ્ત, દીનાર, તતબીર, મીરર વગેરે. વાંટો, ભેઠ, બાયડી, ધુંગું, પદર(પાદર), ટીમર વગેરે જેવા તળપદા શબ્દો પણ નોંધ્યા છે. આ રીતે મર્યાદિત વિસ્તારમાં પણ સંશોધકોએ એક નાનો સરખો શબ્દકોશ તૈયાર કરી આપ્યો. જોકે તેમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાના શબ્દો વિશેષ હોય ગુજરાતી ભાષાના શબ્દો ઓછા જોવા મળે છે.
આમ, આપણને વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રી પાસેથી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી અને ગુજરાતી ભાષા અંગેનું જે કઈ શોધકાર્ય પ્રાપ્ત થયું છે. તેમાં શાસ્ત્રીજીની નિષ્ઠા અને ઊંડું અધ્યયન કરવાની નિસબત જણાય આવે છે. તેમનું શોધકાર્ય ભાષાઇતિહાસ, વ્યાકરણ, ધાતુકોશ, ઉત્સર્ગ અને શબ્દકોષમાં ફેલાયેલું છે. આ સમગ્ર કાર્યમાં બહુ ઓછી જગ્યાએ વિગત દોષ રહી ગયો છે અને જે બાકી રહ્યું છે તે શાસ્ત્રીજી પછીના ભાષામીમાંસકોએ કરેલા પૂર્તિ કરવાના પ્રયાસોમાં પૂર્ણ બને છે. એ રીતે જોતા શાસ્ત્રીજી તેમની પશ્ચાત થયેલા ભાષામીમાંસકોના માર્ગદર્શક બની રહે છે. જ્યારે ગુજરાતી ભાષાના અસ્તિત્વ અંગે માત્ર વિચારવામાં આવતું હતું ત્યારે શાસ્ત્રીજીએ ખંતપૂર્વક કાર્ય કરીને જે સત્ય પ્રગટ કર્યું છે તે ચિરસ્મરણીય રહેશે.
ꞁꞁ સંદર્ભગ્રંથ ꞁꞁ
- પંડ્યા વિનોદ, ‘ગુજરાતીના આદ્યભાષાશાસ્ત્રી વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રી’, પ્ર. ચરોતર સાહિત્ય પરિષદ આણંદ.
- દિવેટીયા નરસિંહરાવ, ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’, પ્ર. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
- ‘ગુજરાતી સાહિત્યત્યનો ઇતિહાસ’ ગ્રંથ-૩, પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.