વ્યાવસાયિક ભૂમિકાના કારણે સ્ત્રીઓના જીવનમાં આવેલ પરિવર્તનો
સ્ત્રીની બેવડી ભૂમિકાની સ્ત્રીના જીવન પર કેટલીક હકારાત્મક કે ઇચ્છનીય અસરો પડી છે. જુના સમયમાં જ્યારે સ્ત્રીની ભૂમિકા ગૃહકાર્ય પૂરતી માર્યાદિત હતી, ત્યારે સ્ત્રીએ આર્થિક રીતે માત્ર પુરુષો પરજ આધારિત રહેવું પડતું. પરંતુ સ્ત્રીઓ વ્યવસાયમાં કે નોકરીમાં પ્રવેશતા તે પોતાની સ્વતંત્ર કમાણી મેળવતી થઇ છે. એટલે કે, સ્ત્રી આર્થિક રીતે પગભર બની છે, આત્મનિર્ભર બની છે. આના પરિણામે સ્ત્રીને આર્થિક સ્વાતન્ત્રતા મળી છે. સ્ત્રીના સામાજિક શોષણનું એક મહત્વનું કારણ તેની આર્થિક પરાધીનતા હતી. પરંતુ હવે નોકરી કરતી સ્ત્રીઓપોતાની કમાણીથી પોતાનું ભરણ પોષણ કરવા સમર્થ બની છે. તેથી પુરુષની તાબેદારીમાંથી મુક્ત થવાનું તેના માટે સરળ બન્યું છે. સ્વતંત્ર કમાણી કરતી સ્ત્રી સ્વમાનભેર પોતાનું જીવન જીવી શકે છે. પોતાને થતા અન્યાયોનો મુકાબલો કરવા સમર્થ બની શકે છે. પોતાની સ્વતંત્ર કમાણીને કારણે સ્ત્રીને આર્થિક સલામતી પ્રાપ્ત થઇ છે. પહેલા તે જ્યારે કમાતી નહોતી ત્યારે તેના જીવનનો સમગ્ર આધાર પતિ પર રહેતો. તેણે દબાયેલા અને શોષાયેલા રહેવું પડતું પોતાના સ્વમાનનો ભોગ આપવો પડતો, નોકરી કે વ્યવસાય દ્વારા સ્ત્રીને મળતી આર્થિક આત્મનિર્ભયતાએ તેને ભાવી જીવનની ચિંતામાંથી મુક્ત કરી છે. તેનો આર્થિક, કૌટુંબિક અને સામાજિક દરજ્જો ઊંચો આવ્યો છે.
સ્ત્રીની વ્યવસાયિક ભૂમિકાનો વિકાસ થતાં સ્ત્રી પ્રત્યનો સમાજનો પરંપરાગત દ્રષ્ટિકોણ બદલાવવા લાગ્યો છે. જોકે આ પ્રકારનું પરિવર્તન હજી સંક્રાંતિકાળમાં છે, પણ તેનો પ્રારંભ થઇ ચૂક્યો છે. એ ભૂલવું જોઈએ નહિ. પરંપરાથી એમ મનાતું આવ્યું છે કે સ્ત્રીનું કાર્ય માત્ર ઘરની ચાર દીવાલો પુરતુજ છે, તેથી તેને શિક્ષણ આપવાની જરૂર નથી. વળી સ્ત્રીને શક્તિ અને બુધ્ધિની બાબતમાં પુરૂષ કરતાં ઉતરતી માનવામાં આવતી આઠે તે બુધ્ધિ અને શ્રમપૂર્ણ કાર્યો કરી શકે નહિ. સ્ત્રી નિર્બળ છે, તેને સ્વતંત્રતા ન આપવી જોઈએ. તેને પુરુષના નિયંત્રણ હેઠળ રાખવી જોઈએ. સ્ત્રીએ આદર્શ પત્ની અને આદર્શ માતા બનવાનું હોય છે વગેરે માન્યતાઓ પ્રચલિત હતી. સ્ત્રીઓ પ્રત્યેનો આવો દ્રષ્ટિકોણ આવી માન્યતાઓ સ્ત્રીનાં વ્યવસાય પ્રવેશને કારણે બદલાવવા લાગી છે. આજે પુરુષ જે જે વ્યવસાયિક ક્ષેત્રોમાં કામ કરે છે, તે લગભગ બધાજ ક્ષેત્રોમાં સ્ત્રીઓએ પ્રવેશ કર્યો છે. અને બધાજ ક્ષેત્રોમાં દક્ષતા અને કુશળતા પૂર્વક પોતાની ભૂમિકા ભજવે છે. લાગી છે.સ્ત્રીની ભૂમિકા ઘરની અંદર જ સીમિત રાખવી જોઈએ એવો ખ્યાલ બદલાવવા લાગ્યો છે. શિક્ષિત મધ્યમ વર્ગના કુટુંબોમાં સ્ત્રીઓને સ્વતંત્ર આપવું જોઈએ એવો દ્રષ્ટિકોણ વિકસવા લાગ્યો છે.
સ્ત્રીઓ નોકરીકે વ્યવસાયમાં દાખલ થતાં તેની સામાજિક અને રાજકીય જાગૃતિનો વિકાસ થયો છે. સ્ત્રીઓ પોતાના હક્કો અને અધિકારો વિષે સભાન બની છે. તે જ્યારે ઘરની ચાર દીવાલો પુરતીજ સીમિત રહેતી ત્યારે તેનું જીવન બંધિયાર હતું. પરંતુ વ્યવસાયના કારણે હવે સ્ત્રીઓ બાહ્ય જગતના સંપર્કમાં આવી છે. પોતાના સહ કાર્યકરો સાથેના સંપર્કોથી સ્ત્રીઓને ઘણું નવું શીખવાનું મળે છે. અનેક વ્યક્તિઓ સાથે આંતરક્રિયા કરવાની તક પ્રાપ્ત થઇ છે અને દરેક આંતરક્રિયાથી તેને કઈક નવું શીખવાનું મળે છે. બહારના લોકો સાથેની ચર્ચા વિચારણા, વિચાર-વિનિમય અને આદાન પ્રદાનથી નોકરી કરતી સ્ત્રીઓની સામાજિક અને રાજકીય જાગૃતિનો વિકાસ તણાયો છે. વિશાળ વિશ્વના પ્રવાહોની જાણકારી તેને પ્રાપ્ત થવા લાગી છે.
વ્યવાસાય કે નોકરી કરતી સ્ત્રી આર્થિક રીતે પગભર બને, સ્વાવલંબી બને એટલે સ્વાભાવિક રીતે જ તેનામાં નવો આત્મ વિશ્વાસ પ્રગટે છે. તેન્વ પોતાની શક્તિ અને સામર્થ્યનો સાચો પરિચય મળે છે. પહેલા સ્ત્રી પોતાની જાતને અબળા, અશક્ત અને પરાધીન માનતી, તેને પોતાની જાતમાં વિશ્વાસ ન હતો, તેનું વ્યક્તિત્વ દબાયેલું રહેતું, તેનામાં લઘુતાગ્રંથિ બંધાતી, પણ હવે નોકરી કરતી સ્ત્રીઓ સ્વમાની બનવા લાગી છે. તેમ પોતાના સ્વતંત્ર અને વિકસિત વ્યક્તિત્વનો અહેસાસ થાય છે. ગમે તેવી કઠિન પરિસ્થિતિનો મુકાબલો કરવાનું સામર્થ્ય ધરાવે છે એવો આત્મવિસ્વાસ તેનામાં જાગૃત થાય છે.
વ્યવસાયિક ભૂમિકા એ સ્ત્રીના કૌટુંબિક અને સામાજિક દરજ્જામાં સુધારો કરવામાં ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. પહેલાના સમયમાં જ્યારે સ્ત્રીની ભૂમિકા ગૃહિણી પૂરતી મર્યાદિત હતી ત્યારે કુટુંબમાં એનો દરજ્જો ઘણો નીચો હતો. તેને ઘરમાં પૂરાઈ રહેવું પડતું, મૂંગા મોઢે અપમાનો સહન કરવા પડતા, તેના વિચારોની અવગણના થતી. પરંતુ સ્ત્રીઓના વ્યવસાય પ્રવેશને કારણે હવે તે કુટુંબની અર્થવ્યવસ્થામાં એક મહત્વના અંગ તરીકે ગણાવા લાગી છે. કુટુંબના સભ્યો તેના તરફ માં અને આદરથી જોવા લાગ્યા છે. તેની કમાણીથી કુટુંબને ભૌતિક દ્રષ્ટીએ અનેક લાભો થયા છે. આમાં કોઈક અપવાદ હોઈ શકે, પરંતુ એકંદરે કમાતી સ્ત્રીઓનો દરજ્જો કુટુંબમાં ઊંચો આવ્યો છે. સ્ત્રીની પરંપરાગત ભૂમિકા વિશેનાં મૂલ્યો ધીમેધીમે બદલાવવા લાગ્યા છે. તેને કુટુંબમાં વધારે સ્વતંત્ર મળ્યું છે, સ્વાયત્યતા મળી છે. કુટુંબમાં સમાનતાવાદી વલણોનો વિકાસ થવા લાગ્યો છે. કમાતી સ્ત્રીના વિચારોને કુટુંબના સભ્યો મહત્વ આપતા થયા છે. તે વધુ સારી રીતે પોતાની જંદગી જીવી શકે છે, વધુ સારા કપડાં, દાગીના, સારો ખોરાક અને પોતાના બાળકો માટે પુસ્તકો રમકડાં વગેરે તેને ઉપલબ્ધ બન્યા છે. તેની કમાણી કૌટુંબિક ખર્ચમાં ઉપયોગી બને છે, આથી કુટુંબમાં તેને માનપાન મળે છે. એજ રીતે સમાજમાં પણ નોકરી કરતી સ્ત્રીઓનો દરજ્જો ઊંચો આવ્યો છે. સમાજમાં, પોતાના સમુદાયમાં, જ્ઞાતિ સમૂહમાં, સગાસંબધીઓમાં અનેપદોષ સમૂહમાં કમાતી સ્ત્રીના વિચારોને મહત્વ અપાય છે. તેના અભિપ્રાયનું વજન પડે છે. મહીલા-સંઘોમાં પણ તેને વધુ મોભો અને પ્રતિષ્ઠા આપવામાં આવે છે. આમ વ્યવસાયિક ભૂમિકા ભજવતી સ્ત્રીઓનો કૌટુંબિક અને સામાજિક દરજ્જો સારી રીતે ઊંચો આવ્યો છે, જે આધુનિકયુગના મહિલા જગતમાં વિકસેલી એક નવી ઘટના છે.
નોકરી કરતી છોકરીઓ નાની ઉંમરે લગ્ન કરવાનું પસંદ કરતી નથી, કારણકે લગ્ન અને બાળકો તેમની વ્યવસાયિક કારકિર્દીના ઘડતરમાં બાધારૂપ બનશે એવો ભય તેમના મનમાં રહે છે. આથી તેઓ મોટી ઉંમરે લગ્ન કરવાનું ઈચ્છે છે.
વ્યવાસાય કે નોકરી કરતી સ્ત્રીઓ પોતાના આર્થિક–વ્યાવસાયિક હિતોના રક્ષણ માટે સંગઠનો રચે છે. સંગઠનોની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. આવા સંગઠનો નોકરી કરતી સ્ત્રીઓને અન્યાય તથા શોષણ સામે લડવાની નૈતિક શક્તિ પૂરી પાડે છે. સ્ત્રીઓમાં વિકસતી આવી નૈતિક શક્તિ અને જાગૃતિ સમાજના અન્ય ક્ષેત્રોમાં તેઓને થતા અન્યાય સામે અવાજ રજુ કરવાનું બળ અને જુસ્સો પૂરો પાડે છે.
નોકરી કરતી સ્ત્રીઓ આર્થિક આત્મનિર્ભયતાને કારણે સ્વમાની બની છે. અને તેઓ જૂના રૂઢીવાદી મૂલ્યો છોડીને આધુનિક નવા મૂલ્યો સ્વીકારતી થઇ છે. તેઓ પુરુષની તાબેદારી, પતી સેવા એટલે દેવસેવા, વધુ સંતાનોની ઇચ્છનીયતા, ધર્માંધતા, સંકુચિતતા, નીરક્ષરતા, અંધવિશ્વાસ જેવા રૂઢીવાદી મૂલ્યોનો ત્યાગ કરી રહી છે. અને તેને સ્થાને હવે નોકરી કરતી સ્ત્રીઓમાં સ્વતંત્રતા, સમાનતા, ઉદારતા, નાનું કુટુંબ, સ્વપસંદગીના લગ્ન, વિજ્ઞાન અને બુધ્ધિવાદીતા જેવા નવા આધુનિક મૂલ્યો અપનાવવા લાગી છે. ખાસ કરીને શહેરી માધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગની સ્ત્રીઓમાં આ પરિવર્તન સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. નોકરી કરતી સ્ત્રીઓ પોતાના હક્કો વિષે જાગૃત બની છે અને પુરુષ વર્ગને તેમના તમામ હક્કો માન્ય રાખવા પડે છે.