Download this page in

‘સ્વ’થી સમષ્ટિની દિશામાં...શિરીષ પંચાલની વાર્તાઓ

‘અંચઈ’ સંગ્રહમાં કુલ છ વાર્તાઓ સમાવાઈ છે. પ્રથમ આવૃત્તિમાં હતી તે પૈકી બે વાર્તાઓ ( ‘કુલાર્થેત્યજેત પૃથિવી’ અને ‘કૉશેટો’) બીજી આવૃત્તિ વેળાએ રદ કરવામાં આવી. રદ કરવાના કારણો લેખકે આપ્યાં નથી. આ વાર્તાઓ અગાઉ વિવિધ સામયિકોમાં ‘રજની મહેતા’ના છદ્મ નામે પ્રગટ થઈ હતી. એવું કેમ કર્યું ?- એના ખુલાસા પણ લેખકે આપ્યાં નથી. ‘વાર્તા એ સંગોપનની કલા છે’ - એમણે વાર્તા ઉપરાન્ત વાર્તાના લેખક સંદર્ભે પણ આ વલણ દાખવ્યું...!!

આ વાર્તાઓ વિશે વિગતે વાત કરું એ પહેલાં મોટી મોટી રીતે કહું તો- આ વાર્તાના જે મોટા વિશેષો છે, તે છે ગાઢ સંવેદનોને ગૂંથતું બારીક વર્ણન, જે એમના ગુરુ સુરેશ જોષી સાથે આપણને સન્ધાન કરાવે. બારીક વર્ણન, વૈયક્તિક સંવેદનની ઝીણી નકશી અહીં ઉપસી આવે છે. આ પ્રકારનું આલેખન આપણી ગુજરાતી વાર્તાઓમાં ઓછું જોવા મળે. એક ગરવાઈ, ઠાવકાઈ અને સાથો સાથ પંચેન્દ્રિયોથી સભર એવું જીવનભાથુ આ લેખક પાસે ભારોભાર હોવાની ખાતરી આ વાર્તાઓમાંથી પ્રગટી રહે છે. રોજ-બરોજની જિંદગીને, દાંપત્યને વૈયક્તિક સ્તરે જે શ્રદ્ધાથી, જે લગાવથી જીવનને અનુભવ્યું છે તે આ વાર્તાઓમાં બ-ખુબી ઝીલાયું છે.

શિરીષભાઈનાઆ પહેલા વાર્તાસંગ્રહમાં નોંધી શકીએ કે નિરૂપણની ધાટી આધુનિકગાળાની વાર્તાઓ સાથે સન્ધાન સાધે પણ વાર્તા અંદરની સમૃદ્ધિ બદલાઈ છે, એક પણ વાર્તામાં આધુનિક ગાળામાં પ્રચલિત એવી અશ્રદ્ધા નથી, પ્રયોગખોરી નથી. અકારણ ટેક્નિકનો આશ્રય પણ લીધો નથી. કશેય એ સમયગાળામાં હતી એવી તાણ કે યાંત્રિકતાના કે એ અર્થમાં જન્મેલી એકલતાનો ભાર નથી. હા, પહેલી બે વાર્તાઓ- ‘અંચઈ અને ભીંત’ અને ‘કૂંપળ’- બંનેમાં પત્નીની ગેરહાજરી, સ્વજનની ગેરહાજરીમાં હિજરાતો નાયક આલેખાયો છે- એની અદ્ભુત એવી એકલતા સાથે આલેખાયો છે પણ એનામાં જે પ્રબળ શ્રદ્ધા અનુભવાય છે તે આ વાર્તાનો મોટો વિશેષ બની રહે. પત્નીની ગેરહાજરી અને એના સ્મરણો તો ગજબના આલેખાયાં જ છે પણ એથીએ વિશેષ તો નાયકનું સ્થળ, સમય અને પરિવેશ સાથેનું જોડાણ જે રીતે આલેખાયું છે તે તો બહુ ઓછી ગુજરાતી વાર્તાઓમાં મળે એવું વિરલ છે.

પહેલી વાર્તાના નાયકનું નામ છે રસિકલાલ અને બીજી વાર્તાના નાયક છે રમણિકલાલ. પાત્રોના નામ જૂદા છે, સંવેદન વિશ્વ અને વ્યક્તિત્વની રેખાઓ સમાન ભાસે. પહેલી વાર્તામાં ગાઢ દાંપત્ય જીવતા રસિકલાલ અને શારદા- જે હવે સદેહે હાજર નથી પણ પળભર પણ દૂર નથી-નું પ્રગાઢ, સ્નેહભર્યું અને એકદમ આદર્શ લાગે એવા લગાવથી ભર્યું ભર્યું દાંપત્ય, ઘરની નાની નાની રોજિંદી ઘટનાઓ સાથે જોડાયેલ સંદર્ભો, પત્ની સાથેના એ સંવાદો, બંનેએ સાથે જીવેલી સભર પળો અદભુત રીતે અહીં ઝીલાઈ છે. દિકરો વિદેશમાં છે, રસિકલાલને સાથે લઈ જવા ઇચ્છે છે પણ રસિકલાલ આ ઘર સાથે, મધુર સ્મૃતિઓ સાથે એટલા તો ગાઢ રીતે જોડાયેલાં છે કે કશુંય છોડી શકે એમ નથી, એમને પત્નીના અવસાનને વર્ષ- દોઢ વર્ષ વિતી જવા છતાં હજી એ સમજાયું નથી કે શા માટે આ રીતે અચાનક ‘અંચઇ’ કરીને એકાએક છોડી ગઈ ? -એના સવાલમાં જ અટવાયેલા છે. ‘રસિકલાલ બેસી પડ્યા – ખુરશી હતી, પલંગ હતો તો પમ તેઓ જમીન પર બેસી પડ્યા. હા, બરાબર અહીં જ શારદા પણ બેસતી હતી, શાક સુધારતી હતી, ટોળટપ્પાં મારતી હતી, સગાંવહાલાં મિત્રોના સમાચાર એક પછી એક સંભળાવતી હતી, ક્યારેક ખીજવતી હતી- કેમ આજે કામધંધો નથી...કલાકથી અહીં ચોંટી રહ્યા છો, તમે તો નવરા છો. વિક્રમને નિશાળેથી આવવાનો સમય થઈ ગયો. ધૂધ ગરમ કરવું છે, સેવો તળવી છે, અને બોલો, સુખડી ખાવી છે કે તલકોપરાની ચીકી..’ (પૃ.6 અંચઈ)અને મજા તો એ વાતની છે કે, એમાં વિયોગનું દુઃખ ભાગ્યે જ કળાય, સ્મૃતિઓમાં એ એવા તો રમમાણ છે કે જાણે હજી પણ એવું જ ભર્યુંભર્યું દાંપત્ય ભોગવી રહ્યા છે !- ગુજરાતી વાર્તાઓમાં દાંપત્યને પ્રગટાવતી આવી વાર્તાઓ ભાગ્યે જ રચાઈ હશે-એમ જરૂર કહી શકાય.

બીજી વાર્તા ‘ભીંત અને કૂંપળ’- જાણે આગળની અધૂરી છૂટેલી વાર્તા છે, પહેલી વાર્તાનું એક્સટેન્શનરૂપે પણ આ રચનાને જોઈ શકીએ. જો કે, પાત્રોના નામ અને વિગતો થોડી જૂદી હોવાથી એમણે સ્વતંત્ર રચના લેખે જ રાખી છે, પણ એમ છે નહીં. આ વાર્તાના નાયક છે રમણિકલાલ, એ પણ પત્નીના અવસાન પછી એકલા છે, રસિકલાલની જેમ જ ઘર સાથે, એમાં તૈયાર કરેલા બગીચા સાથે, સ્થળ સાથે, ભૂતકાળની ઘટનાઓ સાથે એવી જ ગાઢ રીતે જોડાયેલાં છે, આ વાર્તામાં જે ઉમેરો છે તે છે દીકરો અને વહુ સ્વદેશ આવે છે અને રમણિકલાલના સંવેદન વિશ્વમાં ક્રમશઃ કઈ રીતે ભળે છે-એની કલાત્મક ગૂંથણી એટલે આ વાર્તા ‘ભીંત અને કૂંપળ’- વિદેશી વહુ- જે આ ગામડિયાપણાને કોઈ કાળે સહન કરી શકે એમ જ નથી. એ હકીકતની ભીંતમાં વાર્તાના અંતે જે સહજ રીતે કૂંપળની જેમ વિશિષ્ટ પાસુ પ્રગટે છે-એવી નાજૂક પળનું જતન કરતી આ વાર્તા પણ નોંધપાત્ર નીવડે. જૂઓ- ‘તે તમને છોકરાં નથી ગમતાં? તરલા ઘડીભર તો ચોંકી પડી. આવો પ્રશ્ન કોઈ પૂછે એની તો તેને કલ્પના ન હતી. આ જ તો આપણું એકાંત હોય છે- કેટલી સહજ રીતે આ એકાંત ઉપર આક્રમણ થયું હતું ? એણે પણ એટલી જ સહજતાથી સ્વીકારી લીધું. પણ રૂપાના પ્રશ્નથી તે બીજી વાર ચોંકી. આજે..આજે કઈ તારીખ થઈ ? બારમી થઈ ગઈ ? વર્ષોથી ચાલી આવતો ક્રમ કેમ તૂટી ગયો..?! તેણે ફરી રૂપા સામે જોયું તે જરા છોભીલી પડી ગઈ હોય એમ લાગ્યું. તેની કાયામાં જાણે શોભાની પ્રસન્નતા સેલારા મારતી હતી. પેટ પર હાથ દાબ્યો. રૂપા કશું બોલે તે પહેલાં એનો હાથ પકડીને પોતાના ઓરડામાં ઘસડી ગઈ-અને સાથે એણે આણેલી સોનાની એક સેર રૂપાના ગળામાં પહેરાવી દીધી અને સૂટકેસમાંથી પોતાની પાછા જવાની ટિકિટ કાઢી અને તેની સામે થોડી વાર તાક્યા કર્યું અને પછી એક કવરમાં મૂકી દીધી. નવીન આવે ત્યારે એ કેન્સલ કરાવી નાંખવાની.’ (પૃ.48)

એ પછીની વાર્તાઓ- ‘મજૂસ’ અને ‘હવેલી’- ને એક ગૂચ્છ તરીકે જોઈ શકીએ. એમાં વસ્તુ- મજૂસ (પટારો) અને હવેલી (પૂષ્ઠીમાર્ગી હવેલી-ઠાકરજીનું મંદીર) સાથેનું એના નાયકોનું જોડાણ આલેખાયું છે. માધવ અને એની પત્ની દીવાળી-ની આસપાસ રચાયેલી આ વાર્તાનું કથાનક તો ઘૂમકેતુના કાળનું છે. ગામડું છોડીને શહેરમાં ધસમસતા યુવાનો અને યુગલો પછીથી કેવી જિંદગીમાં અટવાય છે તેનું આલેખન આ વાર્તામાં છે, પણ વાર્તા નોંખી પડે છે એની માવજતથી. માધવે ગામડાનું બધું છોડી દીધું-ઘર, ખેતર-વાડી ને શહેરની ચાલમાં ખોલી બનાવવામાં જે સંતોષ અનુભવે છે, શહેરના કળણમાં સપડાતા જતાં આ કુટુંબથી થોડો અલગ પડે છે માધવ. એ ગામડેથી મોટું મજૂસ સાથે લઈ આવેલો ને એની સાથેનું માધવનું જોડાણ ગજબનું છે.-‘જા જા, એવા બધા ઓરતા તો તું ક્યાં પૂરા નથી કરતી? જે કંઈ બીજા અભાવા હોય છે તે બધા મારી આ મજૂસ ભૂલાવી દે છે. અભાવા કંઈ એકલા શરીરના ઓછા હાય છે..? આ મજૂસ ખોલું છું ત્યારે...? ત્યારે તને શું એમ લાગે છે કે હું આ મજૂસ ખોલું છું...? ખેતરમાં એકલાં બી વાવીએ અને જમીન વરાપ મારે એટલે બી તો ફૂટી નીકળે છે પણ એકલાં બી ઓછાં ફૂટી નીકળે છે...? અંદર જે કંઈ દટાયેલું હોય- જે કંઈ ભંડારાયેલું હોય એ બદ્ધું ફૂટી નીકળતું નથી...? આ મજૂસ પછી મજૂસ મટી જાય છે, ક્યારેક મને એમ લાગે છે કે આ કોઈ સાત આઠ ઓરડાનું મોટું મકાન છે. એના એક પછી એક ઓરડા ઊઘડે છે. ક્યારેક એમ લાગે છે કે આ એક સાત માળનો મહેલ છે. પહેલે માળે એક પેઢી-બીજે માળે બીજી પેઢી-એમ સાતમા માળે સાતમી પેઢી...’(પૃ.91, એજન)પણ વાર્તાના અંતભાગે પત્નીની જીદ સામે એય છૂટી જાય છે સાવ સામાન્ય એવી ચીજ જૂના ટી.વી.ના બદલામાં...!! એને ઘૂંટવા માટે લેખકે જે પ્રકારે સમગ્ર પરિવેશ જિવન્ત કર્યો છે, જે રીતે વાર્તા-સમયની સેળભેળ કરતા જઈને લગાવનું ઘીંગું રૂપ આકારિત કર્યું છે તે મોટો વિશેષ બની રહે.

એ જ રીતે ‘હવેલી’ વાર્તા પણ પરંપરાઓ પર ફરી રહેલા ભૌતિકવાદી માનસના રોલરને અદભુત ટેક્નિકથી ઉપસાવી આપ્યું છે. પુરાતત્ત્વમાં રસ ધરાવતો યુવાન પોતાની પૈતૃક હવેલીને બચાવવા પોતાના જ કુટુંબના સભ્યો સામે જે રીતે પડે છે તે આ વાર્તાનું મુખ્ય બળ છે. પણ આ વાર્તાની ખુબી છે, આવું કરવા પાછળ નાયકચિત્તમાં પડેલા ભૂતકાળની છબિઓ અને બાળપણથી જ જોડાયેલી એની સ્મૃતિઓ- એના એક પછી એક પડળ જે રીતે આપણી સામે ખુલતા જાય છે તે અસામાન્ય છે. આ વાર્તામાં પુષ્ટિમાર્ગી હવેલી, હવેલીની ખાસિયતો, ત્યાંના ઉત્સવો, ત્યાંના પ્રસંગો ને એની સાથે સંકળાયેલા અનેકવિધ વિધિ-વિધાનો આપણી સામે ઉભરતા જાય છે. વાર્તાનાયકની જેમ આપણે પણ આપણી નજર સામે જ ક્રમશઃ ખવાતી જતી આપણી પરંપરાઓનો બિહામણો સમય અહીં ઝીલાયો છે. પરિવર્તનની ઊધઈ, ભૌતિકવાદી માનસ અને ખાસ તો આપણા-પણાનો જ અભાવ છવાતો જાય છે-એ બાબતનું વિશિષ્ટ આલેખન આ વાર્તાનો વિશેષ છે. આ ચારેય વાર્તાઓનું સર્વસામાન્ય ચાલકબળ હોય તો એ છે ભૂતકાળ અને એ સાથેનો નાયકોનો લગાવ.‘દરવાજો એની કોતરણી વડે ભવ્ય લાગતો હતો. દરવાજાને વીંધીને મારી નજર હવેલીના મુખ્ય દ્વારા પર ગઈ. અહીં કોતરણી વધારે ઝીણી હતી. લાકડું જાણે મીણમાં ફેરવાઈ ગયું હતું. એ દરવાજો તો બંધ હતો પણ તો પછી એના પહેલા માળે પરસાળમાં કોણ આંટા મારે છે? એ જ ધોતિયું અને એ જ જરાક વાંકી વળેલી કાયા. હાથમાં આરતીની થાળી અને આશકા આપવા આ કોણ નીકળ્યું છે..? મારા હોઠ ફફડ્યા વિના રહી ન શક્યા-વૈકુંઠકાકા, વૈકુંઠકાકા. તેમના કાને મારો ફફડાટ પહોંચ્યો કે શું...?! પાછા ફરીને તેમણે મારી સામે જોયું. એકીટશે જોયા જ કર્યું. આરતીના પ્રકાશમાં તેમનું મોં સ્પષ્ટ દેખાતું હતું. અણિયાળું નાક દીવાના પ્રકાશમાં ઝળહળતું હતું. અને ત્યાં પ્રકાશ થયો, વીજળીનો મોટો ચમકારો થયો. એ ચમકારમાં આરતી, વૈકુંઠકાકા સાવ ઓગળી ગયા અને હવેલી, તેની પરસાળો, એના છાપરાં, તેના કોતરણીઓવાળા ઝરુખા સ્પષ્ટ નજરે ચઢ્યા’(પૃ.104, એજન)

પછીની બે વાર્તાઓનું કેન્દ્રબળ બીમારી સાથે સંકળાયેલું છે. અસાધ્ય બીમારીના કારણે જન્મતા સંચલનો, વિવિધ ભાવોના પલટાઓ અને અંદરનો સંઘર્ષ – જોયેલા સ્વપ્નોની અસહાય એવી અવસ્થામાં રાખ થતી જોવાની લાચારી, જીવવાની લાચારી અને એમાંથી છૂટવાના વલખાં- આ બંને વાર્તાઓ શિરીષભાઈને ભવિષ્યમાં આવનારાં બીજા વાર્તા સંગ્રહની દિશા પણ ચીંધી આપનારી નીવડે. પહેલી ચાર વાર્તાઓથી ફંટાઈને – વ્યક્તિચેતનાથી વિસ્તરીને સર્વાશ્લેષી થવા-ની દિશામાં જતા જોઈ શકાય એમ છે.

‘ઇચ્છામૃત્યુ’-માં કુસુમનું ચસકી ગયું છે- એવું સામાન્ય રીતે જણાય પણ એવું થવાના કારણો એની લવરીમાં, એના ચિત્તમાં ચાલતા વિચારો, એની અસબદ્ધ લાગતી આછી-અમથી ક્રિયાઓમાંથી સરસ રીતે ઉપસી આવે છે. ભાઈનું લગ્ન છે ઘરમાં, પોતાની દીકરી ગાંડી થઈ ગઈ હોવાથી માને ચિન્તા છે પણ કુસુમના આગ્રહથી એને શણગારવામાં આવી છે, એના ચિત્તમાં ભાઇના લગ્નનો ઉજમ છે પણ લગ્ન કરાવવા આવેલ બ્રાહ્મણની હાજરી, પછીથી મળવા આવતો એનો પતિ, અન્ય સગા-વહાલાઓની હાજરીમાં એનું ચિત્ત સતત પોતાના લગ્નસમયમાં, પતિના એણે જોયેલ રૂપની સાથે બધું વિરોધાય છે ને છટકે છે...! માની પ્રાર્થના-‘પ્રસંગ બગાડે નહીં’- નો જાણે અસ્વીકાર થયો છે. તો બીજી વાર્તા ‘કલ્યાણી અને રાક્ષસમાં’ –કોડભરી કન્યાને બાળપણથી જ જીવનનો જાણે ઉત્સવ છે, ઉપવાસ-એકટાણા અને પરંપારાએ આપેલ મુલ્યો મુજબ જીવવાના એના કોડ-પાપ-પૂણ્યની આપણી વિચારસરણી અને કર્મફળની વિચારણાને જ સ્વધર્મ માનતી કલ્યાણીને નસીબમાં એવું કશું જ થતું નથી. નબળો ને ક્ષયગ્રસ્ત પતિ- જીવનઉલ્લાસ તો દૂરની વાત મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી ન શકે એવો, પોતાના સંસ્કારોને બદલે પતિની બધી જ મર્યાદાઓનો વારસો લઇને આવતા સંતાનો- એક શ્રદ્ધાવાન યુવતી પોતાના જ હાથે પોતાના રોગગ્રસ્ત પુત્રમાં સર્જાઈ રહેલા રોગોના રાક્ષસને હણવા જે પ્રકારનું પગલું ભરે છે એ આ વાર્તાને અનોખી બનાવે છે. માતાનું, એની શ્રદ્ધાનું આ ભયાનક રૂપ માનસશાસ્ત્રીય નિરૂપણ પામ્યું છે. એના નિર્વહનથી માંડી સંયોજનમાં શિરીષ પંચાલની વાર્તાકલાનો એક વિશિષ્ટ વિશેષ પ્રગટી આવે છે.

0000

શિરીષ પંચાલનો બીજો વાર્તાસંગ્રહ ‘આયનો’દસ વર્ષના અંતરાલ પછી પ્રકાશિત થયો. આ સંગ્રહમાં કુલ આઠ વાર્તાઓ સમાવાઈ છે. સૌથી પહેલું નોંધપાત્ર લક્ષણ પ્રગટે છે તે છે લેખકનું સામાજિક સન્ધાન. સમાજમાં જન્મેલાં હિંસક આંદોલનોથી આ સર્જકનું ચિત્ત આંદોલિત છે. જો કે, કળાત્મક કૃતિના આરાધક એવા આ લેખક એમની આ નિસબતને પૂરી કળાનિસબત સાથે પ્રગટાવે છે. એટલે કે, સામગ્રીનું રૂપાન્તરણ તેઓ બરાબર જાણે છે. એની અનુભૂતિ આ વાર્તાઓમાંથી પસાર થતી વખતે અનુભવાય છે. પ્રથમ સંગ્રહની વાર્તાઓથી આ વાર્તાઓ ભીન્ન છે. એ સર્જકનો વિકાસ દર્શાવે છે. પહેલા સંગ્રહની વાર્તાઓમાં સંવેદનવિશ્વ વધારે આંતરિક છે, વધારે સર્જકસંવિત્-ને પ્રગટાવનારી છે, જ્યારે આ વાર્તાઓમાં સામાજિક નિસબત, સમાજમાં ઘટેલી ઘટનાઓની પશ્ચાદ્ભૂ અહીં સવિશેષ ઘાટારૂપે આલેખન પામી છે.

‘ઓરમાથી બહાર’- વાર્તામાં જોઈ શકાય છે કે, અનામત આંદોલન છેડાયેલું છે. બે ધર્મો વચ્ચેના આંદોલનો ગુજરાતમાં અવાર-નવાર થતાં રહ્યા છે. આઠમા દાયકામાં દલિત અને સવર્ણો વચ્ચેના હિંસક આંદોલન થયાં હતાં-એને બેકગ્રાઉન્ડમાં રાખીને નાત-જાતની દીવાલો કેટલી મજબૂત અને વ્યક્તિસંવેદનને ઝંઝેડનારી હોય છે તે આ વાર્તામાં આલેખાયાં છે. કરસન આ વાર્તાનો નાયક છે, દલિત છે, તેજસ્વી છે ને સઘન અભ્યાસ કરીને ડોક્ટર બન્યો છે પણ એને સતત નાત-જાતના વાડાઓએ સભાન રાખ્યો છે –પોતે અછૂત અને દલિત વર્ણમાંથી આવે છે. એને મળતી સ્કોલરશીપ, સહઅધ્યાયી એવી રેખાનો સાથ મળે છે, પ્રેમમાં ય પડે છે, પણ એની સાથે લગ્ન નથી કરી શકતો. કારણ રેખા કહે છે એમ- ‘ના. મારી વાત હું તને કદાચ સમજાવી નહીં શકું...પણ તું એકલો નથી...આઈ મીન...તારે કુટુંબ છે, સગાંવહાલાં છે. એક આખો સમાજ છે. લાંબી પરંપરા છે. આ બધું મારાથી નહીં સ્વીકારાય...લગ્ન માત્ર બે વ્યક્તિઓ વચ્ચે થતું નથી. બે સંદર્ભ વચ્ચે થાય છે. આપણાં સંદર્ભો સાવ જુદાં છે. તને સ્વીકારવો એટલે તારા બાબદાદનો સમગ્ર શારીરિક વારસો સ્વીકારવો. એ શક્ય નથી...!’ (પૃ. 6, આયનો)- આ ઘાની સામે હુલ્લડ વખતે છંછેડાયેલાં અને કદાચ ટોળું એને હણી પણ નાંખે એવી અવસ્થામાં ફસાયેલા કરસનને બચાવતી રમલી- જે એની જાતિની છે, એની સાથે મનથી જોડાયેલી છે અને કદાચ કરસનથી અવગણાયેલી પણ છે. એ બચાવે છે. ઉકરડાના ખાડમાં સંતાડીને જીવ બચાવે છે !! આ બંને ધ્રુવો વચ્ચે અફળાતાં કરસનનું અંદર-બહાર આલેખાતું જાય છે. વાર્તાક્ષણ અદભુત રીતે ઝીલાવા સાથે આલેખન પામી છે. અનામતનો વિરોધી છે કરસન, એને આ દયાની ભીખ નથી જોઈતી. વચ્ચે એ બોલે પણ છે- ‘ના, મને નફરત છે આ પછાત શબ્દની...હું પછાત નથી. એક વાર નહીં સો વાર હું પછાત નથી. કોઈની દયા નહીં જોઈએ, ભીખના ટુકડા પર હું નહીં જીવું...’ (એજન.પૃ.6) સર્જક વેધક રીતે, પ્રછન્ન રીતે કૃતિમાંથી જે અર્થ અને પ્રશ્ન જન્માવે છે – પછાત અને જાતિ-જ્ઞાતિના વાડાઓ કેટલાં ખોખલાં છે તમારાં...!! - આ વાર્તા ચિત્તમાં અંકિત થાય એવું ઘટ્ટ પોત ધરાવે છે.

‘તમે કોણ છો સરલા...?’- નવીનના પ્રશ્નથી આરંભાતી આ વાર્તા ફ્લેશબેક અને વર્તમાનને સમાન્તરે આલેખીને નવું જ પરિમાણ નીપજાવતી સશક્ત ટૂંકી વાર્તા છે. પ્રૌઢ વયમાં પહોંચેલી સરલા એની વાસ્તવિક ઉમર કરતા પાંચેક વર્ષ નાની દેખાય છે-એવી નોંધ સહેતુક છે. એ યુવાનીમાં પ્રવેશવાની હતી ત્યારની મુગ્ધ અવસ્થામાં બે ઘટના ઘટેલી. એક તો આ પ્રશ્ન પૂછનાર નયન પંદરેક વર્ષ પહેલા લગ્ન માટે પૂછવા આવ્યો હતો ત્યારની સ્થિતિ આ રીતે લેખકે આલેખી છે- ‘ત્યારે મનના ઊંડાણોમાંથી ઘૂમરીઓ ખાઈને કોઈ બોલ્યું હતુઃ સરલા, હા પાડી દે. નહીંતર પાછળથી પસ્તાઈસ. મનહરલાલ તારે માટે મનભરલાલ પુરવાર નહીં થાય. એ તો તારા માટે ઘંટીનું પડ બની જશે....! પણ એ અવાજને કચડી નાખતો ઘૂંટાવી ઘૂંટાવીને ગોખાવેલો અવાજ નીકળ્યોઃ લગ્ન એટલે સ્વતંત્રતા પરનું આક્રમણ.......એ સાંભળીને નયન તો ખડખડાટ હસ્યો હતો. જે હસ્યો હતો. –તમારા પર મારે કોઈ જુલમ ગુજારવો નથી. તમને જ્યારે હું દાંતનહોર વિનાનો અહિંસક લાગું ત્યારે ફરી આવજો. સંજોગો અનુકૂળ હશે તો રાહ જોઈશ. મારી સહનશક્તિ અદભુત છે.’ (પૃ.10,એજન)

આ ઘટના પછી સમય વહી ગયો છે. મનહરલાલમય બનેલી સરલાને કોઈ ફરિયાદ નથી. એમનું જોડું હજીએ એવું જ પાક્કુ છે. પણ વિદેશમાં વસી ગયેલો નયન પંદરેક વર્ષ પછી પાછો આવ્યો ને એ મળ્યા ત્યારે જે પ્રશ્ન એણે સરલાને પૂછ્યો, એનાથી ચિત્તમાં જે આંદોલનો જન્મ્યા તેનું આલેખન આ રચનાને અનોખી બનાવે છે. નયનને આટલા વર્ષ પછીએ સરલાની આદતો, એને ગમતી બાબતો યાદ છે, એની સાથેના સંવાદમાંથી પ્રગટતો અનુરાગ સરલાને બીજી રીતે વિચારતી કરે છે. મનહરલાલનો વ્યવહાર, એમની અંગત પળો અને એમાં પોતે ભાગ્યે જ કેન્દ્રમાં હોય, મનહરલાલની વિરાટ છબિમાં દબાયેલી એ..પત્ની પણ નહીં, ઉપપત્ની બનીને જન્મારો કાઢતી એ, આ નવા પ્રશ્નથી પોતાના અને મનહરલાલના સંબંધનો, એમાં ઓગળીને નષ્ટ થઈ ગયેલું પોતાનું વ્યક્તિત્વ એને સમજાતું જાય છે. આ આત્મમંથન ક્યારેય મનહરલાલને સામે ક્રોસ ક્વેશ્ચન ન કરતી સરલા – ‘હું તો ભોળી હતી. તમે કેટલા લુચ્ચા...? લગ્ન કર્યું, બાપ બન્યા, ઘર લીધું, નામ કમાયા અને હું...? શું છે મારી પાસે..? છૂટાછેડા લઈને આવવાની હિંમત તમારામાં હતી...? ડરપોક..કાયર..આજે મને આડત્રીસ થયાં...મારી દીકરી બાર-તેર વરસની હોત..!’ કહેતી સરલા મોડે મોડે ય જીવનને સાચા અર્થમાં સમજવાની દીશામાં ડગલું માંડે છે.- આ વાર્તની મજા એના સંવેદનવિશ્વને જે રચનાપ્રયુક્તિનો આશ્રય લઈને સિદ્ધ કરાયું છે એમાં છે.

‘આયનો’- સંતાનવિહોણી સવિતાના ચિત્તમાં ઉઠતાં સંવેદનોની અદ્ભુત નકશી અહીં કોતરાઈ છે. વાર્તાનો પટ લંબઇની રીતે ટૂંકો પણ ઊંડાઈમાં ઘણો છે. સવિતા એના આસપાસના પડોશીઓ માટે કેવી છે એ જુઓ- ‘સાવ હલકટ..આખા ગામની ઉતાર...કોઈનું કશું સારું તો મનમાં વસતું જ નથી, છોકરાંને એને ઘેર તો તમારે મોકલવાં જ નહીં, રાંડ વાંઝણી.’ (પૃ.20. એજન) સવિતાને સંતાન નથી એવું આ એક જ વાર વપરાયેલા શબ્દથી પામવાનું છે. બાકી એની ઝંખના તો કુંદનમાં પડેલી છે, આસપાસના ઘરમાં શું ચાલે છે ? પતિ પત્ની, બાળક અને એની મા, યુવતી કુંદન અને એની મા- આસપાસ રહેતા પાડોશીઓના જીવનમાં ડોકીયા કરવાની ઝંખના ગઝબની આલેખાઈ છે!! કુંદનને સતત જોઈ શકે એ માટે પોતાના ઘરમાં અરીસાની એવી ગોઠવણીકરી છે કે એની એકેએક ક્રિયા પર એની નજર રહે...વાર્તામાં સ્ફૂટ રીતે કશુંય કહેવાયું નથી છતાં નાયિકાની એકલતા પ્રગટતી જાય છે, એનો આવો વિચિત્ર લાગતો સ્વભાવ પણ પડોશીઓના ચિત્તમાં એની વિશિષ્ટ હાજરીરૂપે કોતરાતો જાય છે-ને એક દિવસ અચાનક જ શાંત થઈ ગયેલી સવિતા કોઈનાથી યે ઝીરવાતી નથી- આ વાર્તામાં જે મોડ છે એ સવિતાના આંતરમનને એના પ્રેમને ભવ્ય રીતે ઉદ્ઘાટિત કરી આપે છે.

‘ગતિ-અવગતિ- ગતિ’- થોડાં વિસ્તરતાં પટમાં સર્જાયેલી આ રચનાના કેન્દ્રમાં અપરાધભાવ આલેખાયો છે. વીસ પચીસ વર્ષ પહેલાં ટ્રક ડ્રાઈવરે અજાણતાં જ ધૂળીયા માર્ગમાં અચાનક રસ્તા વચ્ચે આવી ગયેલા એક સાયકલ સવારને કચડી નાંખેલો. આસપાસ કોઈ હતું નહીં એટલે હિંમત કરીને ડ્રાઈવર કાનજીએ એની નજીક જઈને તપાસ પણ કરેલી, ખસ્સામાંથી પાકીટ મળેલું- મરનારનું નામ- ‘મહિપત કાયસ્થ’ એના મગજમાં છપાઈ ગયું હતું. નામ-સરનામુ અને એનો યુગલ ફોટો પણ મળેલો તાજા જ પરણ્યા હોય એવો. બસ આ વિગતોમાં વાર્તા સર્જાઈ છે.

ડ્રાઈવર કાનજી ડ્રાઈવર છે, પણ ડ્રાઈવરો જેવી એબ નથી. સાથીઓ એને કલકત્તાના રેડલાઈટ એરિયામાં ખેંચી જાય છે, એ જાય પણ છે પણ છાંયા – એનો પીછો નથી છોડતી. ઘરે હોય કે ટ્રક ચલાવતો હોય, એના ચિત્તમાં પેલા અકસ્માતની છાંયા છવાયેલી રહ્યે છે. એ દરેક વખતે સભાન થઈને જીવે છે કે પોતે એક વ્યક્તિનો જીવ લઈ લીધો છે- એ પણ યુવાન અને આશાભર્યા યુવાનનો. આ અપરાધભાવ વાર્તામાં સરસ રીતે આલેખાયો છે. પચ્ચીસ-છવ્વીસ વર્ષ જેટલો સમય વચ્ચેથી પસાર થાય છે બોજભર્યો ને હવે વધારે ખેંચવાની એની હિમ્મત રહી નથી. પત્નીને સાચી વાત કરે અને પોતે આ છાંયાથી છૂટવા પેલા મૃતકના ઘરને શોધશે, એની પત્ની અને કુટુંબને શોધશે પછી જ જપ થશે- વાસ્તવમાં ભાગ્યે જ શક્ય છે એવું એન્કાઉન્ટર આ વાર્તામાં અદ્ભુત રીતે આલેખવામાં આવ્યું છે. જે રીતે કાનજી અને એની પત્ની બંને મહિપત કાયસ્થનું ઘર શોધવા જાય છે તે- પચ્ચીસ વર્ષ પહેલા નીકળેલો એ રસ્તો, એ ઘટના સ્થળ, ચાની લારી વાળાને નામ પૂછવું ને છેવટે એની વિધવા લીલી સમક્ષ પહોંચે- આ આખીએ વાર્તાની આ ચરમ-અવસ્થા છે. અહીં જે રીતનો વર્તાવ છે બંને પક્ષે એ અદ્ભુત એટલા માટે છે કે પચ્ચીસ વર્ષ પહેલા વિધવા થયેલી લીલીની સામે એના પતિનું જેના હાથે મોત થયું હતું એ છે...બીજી બાજું એના સંતાનો અત્યારે હાજર નથી પણ ગમે તે ઘડીએ આવી પહોંચવાના છે, અને એ આવી જાય તો આ ડ્રાઈવરને જીવતો ન છોડે- કંઈક અંશે સામતયુગીન મુલ્યો અને ખુમારી ધરાવતાં પાત્રોની ઝાંય અહીં ઉભરી આવે છે- એમની વચ્ચે સર્જાતા સંવાદો આ વાર્તાના વિશેષો બની રહે.

‘વેરઅવેર’- આ વાર્તાની ટેક્નિક નોંધપાત્ર છે. હુલ્લડોનું બેકગ્રાઉન્ડ છે, રમેશનું ઘર – આ માહોલમાં કેવા ડરના ઑથાર હેઠળ છે, સ્વાભાવિક જ બાળકોને એની પૂરી ગંભીરતા ન હોય અને એ ગંભીર બને એ જરૂરી પણ છે, મા-બાપે એ સમજ પણ સર્જવાની છે. પિતા બાળકને વાર્તા કહે છે. વાર્તામાં વાર્તા કહેવાય છે. એક- શહેરના ખૂણે ખૂણે સળગી ઉઠેલી હુલ્લડની આગ. – ‘તેની આંખોમાંથી પ્રતિબિંબિત થઈને ટી.વી. પડદે ઝલાતી હતી. અને એની ઝાળ દૂર દૂરની ક્ષિતિજોને રાતીચોળ બનાવી મૂકતી હતી.’ (પૃ.38) ટી.વી. પર એવા દૃશ્યો આવે છે એ જોઈને બાળક ગભરાઈ જાય એવી હાલત. ઇયળની ગતિએ ચાલતો આ ભયાનક સમય પસાર કરવો અઘરો છે, પુત્ર દીપક અને ઋચિ કંટાળીને વાર્તા સાંભળવા ઉત્સુક છે. પિતા રમેશ વાર્તા માંડે છે.કાશીના રાજા બ્રહ્મદત્તે બાજુના રાજ્ય પર હુમલો કરી, જીતી લઇ ત્યાંના રાજા-રાણીને મારી નાંખ્યા. એનો એક રાજકુમાર ચમત્કારે કરીને બચી ગયેલો. વર્ષો પછી એ જીવનમાં અથડાઈ-કૂટાઈને યુવાન થાય છે. બીજી બાજુ કાશીનો રાજા બ્રહ્મદત્ત વૃદ્ધ થાય છે. રાજકુમાર દીર્ઘાયુ કાશી પર આક્રમણ કરીને જીતી લે છે રાજ્ય, વૃદ્ધ અને હત્યારા એવા રાજા બ્રહ્મદત્તને એ કેદ કરે છે. પણ મરતા માતા-પિતાએ દીર્ઘાયુને કહેલ વાત- ‘વેર, વેરથી ન શમે, એ તો અવેરથી જ શમે’- એને યાદ આવે છે.- એક આ પ્રવાહ.

બીજી બાજું વાર્તા કહેતો રમેશ મનમાં સમાન્તરે યાદ કરે છે ગઇકાલની ઘટનાને. એ ઓફિસથી પાછો આવતો હતો ત્યારે હુલ્લડના ભયાનક દૃશ્યો એણે જોયા તે ચિત્તમાં સમાન્તરે ચાલ્યા કરે છે. ‘હાથમાં ખુલ્લી તલવારો, ઘોડા પર બેસીને ધસમસતાં આવેલાં ધાડાઓ...ઘડીના છટ્ઠા ભાગમાં નેસ્તનાબૂત થઈ ગયેલું શિવમંદિર. ચારે બાજુ આગની જ્વાળાઓ’ (પૃ.41)ત્રીજું પરિમાણ રમેશના ચિત્તનું છે. લેખકનું ફોકસ એના ઉપર વિશેષ છે. એણે નજરે જોયેલ હિંસાના દૃશ્યો એના ચિત્તમાંથી ખસતા નથી. એ વૈષ્ણવ છે, હિંસા એના ચિત્તમાં બેસતી નથી. બીજી બાજુ ચિત્તમાં બદલો લેવાની વૃત્તિ પણ જન્મે છે. એ ભૂંરાટું થયું છે. એના ચિત્તની હિંસા કઈ રીતે પ્રગટે છે તે જૂઓ- ‘રમેશ આગળ કશુંક બોલવા ગયો. સરલાએ તેના હોઠને પોતાના હોઠ વડે સીવી દીધા. તેની વધારે નજીક સરી. અચાનક એક આંચકે તેણે સરલાને વધુ પાસે ખેંચી લીધી. ભીંસ એકદમ વધી ગઈ. સરલા ગૂંગળામણ અનુભવવા માંડી. ત્યાં કશુંક બીજું હોય એ તેને લાગ્યું...તે બળ કરીને જરા દૂર સરી...’ (પૃ.43)

રમેશના વાણી-વર્તન અને વિચારોમાં આવેલ બદલાવને જરા પણ મુખર થવા દીધા વિના બ-ખુબી આલેખ્યાં છે. વિધર્મી તરફનો એનો આક્રોશ આ રીતે ઉપસી આવ્યો છે. – વહેલી સવારે સરલાને ધારી ધારીને જોયા કરતો. બીજી સ્ત્રીઓની જેમ તે રાત્રી પોષાક પહેરીને સૂઇ રહેતી નહોતી. પંજાબી ડ્રેસને તો અડકતીય નહોતી. પણ રમેશને લાગતું કે ‘રાતે પહેરેલાં સાડી-ચણિયો-બ્લાઉઝ વહેલી સવારે અદૃશ્ય થઈ જતાં હતાં અને ઇજારઓઢણી આવી જતાં હતાં.’ (પૃ.46)

આ વાર્તામાં કોમી રમખાણ, દહેશત, અને એ સમયનો માહૌલ આલેખાયો હોવા છતાં એ બધી સામગ્રી ઘટ્ટ રીતે એકરસ બનીને માનવચિત્તની વિવિધ મુદ્રાઓને કલાની શરતે આલેખવામાં આવી છે. તેથી આ વાર્તા આપણા ચિત્ત પર ધારી અસર જન્માવનારી નીવડે છે.

‘કથા ધારિણી અને પૂર્ણની’-પૂર્ણને પૂર્ણ થવાની લત લાગી છે. જ્યારે એણે પુરાણકથા સાંભળી કે કચે કઈ રીતે શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા મેળવી હતી- બસ ત્યારથી એને લગન લાગી ગઈ. બધું ત્યાગીને તપ કર્યું, ગુરુ મેળવ્યા,ગુરુ પાસેથી આ વિદ્યા મેળવવા અથાક પ્રયત્નો કર્યા ને આખરે એ વિદ્યા મેળવી.

બીજી બાજુ અપ્સરાઓને ટપી જાય એવી સુંદર કન્યા ધારિણી પૂર્ણ હોય એવા પતિને જ પરણવું – એવા નિર્ધાર સાથે જીવે છે. સંયોગે કરીને પૂર્ણ નામ ધરાવતો આ યુવાન એના માતા-પિતાને પસંદ આવે છે. પૂર્ણ –હોવાથી ધારિણીને પણ કશો વાંધો નથી અને જ્યારે એ શરત મુકે કે –‘વિદ્યા મેળવ્યા પછી જ લગ્ન’- પછી તો પૂછવું જ શું ? બીજી બાજું વર્ષોના પ્રયત્નો પછી વિદ્યા મેળવીને પૂર્ણ પરમેશ્વરની સમકક્ષ હોવાની અનુભૂતિ કરે છે. બીજી બાજું નામ પ્રમાણે જ બધું ધરીને ય સ્વસ્થ રહી શકે એવી ધારિણી પોતાના પતિના આ બદલાતા માનસને મનોમન નોંધે છે. એ કહે પણ છે- ‘આ વિદ્યા માત્ર હ્ય્દયમાં ધારણ કરી રાખજો, એ નેત્રમાં ન પ્રગટે તો જ એની શોભા’ (પૃ.56)

આ બંનેના સંવાદો, વાર્તામાં ઘટતી ઘટનાઓ સંયોજાતી જાય છે ને પ્રકૃતિના નિયમમાં વિક્ષેપ કરવાથી કેવા દુષ્પરિણામો આવે – તે ધ્વનિ ગાઢ થતો જાય છે. પૂર્ણના અભિમાન, ઓછી સમજ અને સામે પત્ની ધારિણીનું ધૌર્ય સરસ રીતે આલેખાયાં છે.

આ વાર્તાના બે અંત વિચાર્યા છે. બંને અંત મજાના છે. એક અંતનું આલેખન કરુણ છે તો બીજું સુખાન્ત. અનોખી રચનારીતિ, લેખકનું વ્યાપક દૃષ્ટિબિંદુ, ભારતીય પુરાકલ્પનનો અર્થસભર પ્રયોગ, ભાષાના એકાધિક લેયરથી જન્મતા પરિમાણો ને પરંપરાગત ભારતીય કથનપદ્ધતિનો નવો ઉપયોગ આ વાર્તાના વિશેષ બનીને ઉભરી આવે છે.

‘આ જુબેદા અને આ કલ્લોલ’- હિંદુ અને મુસ્લિમ યુવાન-યુવતીએ લગ્ન કર્યા છે. રજિસ્ટર્ડ મેરેજ. સ્વાભાવિક જ સામાજિક વિરોધનો ભોગ બનવાના. પરિણામે એમનું મિત્રવર્તુળ સિમિત થતું ચાલ્યું. પડોશીઓ પણ મોળા પડવા માંડ્યા. ઝુબેદા બબડતી કે- ‘માત્ર મોળા છે એટલી ઉપરવાળાની મહેરબાની છે- તીખાકડવાખારાખાટા બની જાય તો...!!’

લેખકે બહુ નાની નાની બાબતોને વિગતે દોરી એમના દામ્પત્યની નાજૂક નકશી આલેખી છે. એમની વચ્ચે ખાલી ઉપરછલ્લું જોડાણ નથી. બાહ્ય રૂપોથી અંજાઇને સર્જાયેલ જોડું નથી. મીજાગરાં હચમચી જાય એવી વિચારભીન્નતા, રહન-સહન, માન્યતાઓ અને સાંસ્કૃતિક સંદર્ભોમાં આવતી ભીન્નતા, ક્યારેક સમસ્યાઓ અવશ્ય સર્જે છે પણ બંનેમાં રહેલ સમજદારી અને ઊંડું પ્રેમતત્ત્વ બંનેને બાંધી રાખે છે.

તુલસીજલનું પાન કરવા જેવી નાનકડી ક્રિયા હોય કે અંતાક્ષરીની રમત રમતા કે પછી ગમતા હિરો-હિરોઈનની પસંદગીમાં ય ડોકાઈ જતા ધર્મ-વિધર્મના વાડાઓ, ભજનો-કિર્તનોથી માંડી કેટકેટલી ભીન્નતા- એક જ ગામ, એક જ મહોલ્લા, એક જ પરિવેશમાં રહેતા હોવા છતાં કેટ-કેટલી ભીન્નતા હોય છે હિન્દુ અને મુસ્લીમ બાળકોના ઉછેરમાં, જીવનમાં અને જીવનને જોવાની દૃષ્ટિમાં- એ બહુ અસરકારક રીતે આ વાર્તામાં ઝીલાયું છે. મીઠાઈઓ જૂદી, ખાણી-પીણી બનાવવાની રીતો પણ જૂદી, અરે કપડાથી માંડી દરેક વાતને જોવાનો નજરીયો પણ જૂદો- પરિણામે ક્યારેક સાહજિક રીતે નીકળી જતું- તમારાવાળા- જેવો શબ્દ.
‘મેચમાં પેલાઓ (પાકિસ્તાનવાળાઓ) જીત્યા એટલે આ તમારાવાળા ફટાકડા ફોડવા બેસી ગયા !’ (પૃ.71)
કલ્લોલ ન્હાતીવેળાએ ગાતો તો- ‘શાન્તાકારં ભુજગશયનમ્ પદ્મનાભમં સુરેશં’- ને ઝૂબેદાનું વિશેષ ધ્યાન ખેંચાય.

સાંસ્કૃતિક અને સામાજિક ભીન્નતા, માન્યતાઓથી માંડી સમજની ભીન્નતા સુધીનું લેખકે આલેખન કર્યું છે અને એ પણ વાર્તા નંદવાઇ ન જાય એવી સભાનતા સાથે. છેલ્લે, ચાંલ્લો ચોડીને, સાડી પહેરી કિલ્લોલને જગાડવા એના પર ઝૂકતી હોય એવું દૃશ્ય આલેખાયું છે- આ પ્રકારની રચનામાં આવો ઝોક વાર્તાને એક તરફી બનાવી દેવા પૂરતો છે. સર્જક એકપક્ષે ઢળ્યા હોવાની અનુભૂતિ આ રચનાને નબળી બનાવતી પણ લાગે.

આ સંગ્રહની છેલ્લી વાર્તા એટલે ‘દામિનીના પત્રો’- વાર્તાની ઘટના એક રીતે બહુ નાની છે. દામિનીએ મોટી ઉમરે (જ્યારે દીકરી પણ યુવાન થઈ ગઈ છે), પોતાની નાદાનવયમાં થયેલા પ્રેમ અને એ પ્રેમ નિમિત્તે લખાયેલા પત્રો પ્રકાશિત કર્યા છે. સ્વાભાવિક જ એમાંથી વંટોળ સર્જાવાનો. દામિની ને પતિ પ્રકાશ અને યુવાન અપરણિત દીકરી નિયતીના ચિત્ત ઉપર વાર્તાકારનું ફોકસ રહેલું છે.

બીજી બાજુ પૂર્વ પ્રેમી રાજેશ અને એની પત્ની નંદિતાના રિએકશન પણ આ વાર્તાનું મહત્ત્વનું પાસુ બની રહે. આમ બે કુટુંબમાં આ ઘટનાએ સર્જેલા વંટોળને કે વલયોને આ વાર્તામાં આલેખ્યાં છે. એ અર્થમાં આ વાર્તા આ પાંચેય પાત્રોના ચિત્તમાં આ ઘટના નિમિત્તે શું થયું તેનું આલેખન અહીં છે- સામાજિક સંદર્ભો, સામાજિક વલયો કે સંઘર્ષોને સાવ બાકાત રખાયા છે. જરૂરી પણ નથી જણાતા. પણ બધાં જ પાત્રો જાણે ઓવર મેચ્યોર છે. લેખકે પૂર્વનિર્ધારિત કરેલી સીમામાં રહીને વિસ્તરતાં અનુભવાય છે. આ વાર્તામાં આંતર-બાહ્ય બંને પ્રકારના સંઘર્ષનો ભરપૂર અવકાશ હોવા છતાં લેખક એને એક વિશિષ્ટ પરિમાણ આપીને – પોતે જેના પડખે આટ-આટલા વર્ષો સુધી સુતા એવી પત્ની (દામિની) અને બીજી બાજુ એવી જ રીતે ભરપૂર દાંપત્યનો અનુભવ કરનારી નંદિતા પણ પોતે રાજેશને ન ઓળખી શકી હોવાનો- ખૂણો આ વાર્તાનું કેન્દ્ર બની રહે છે. ચચરાટ ન ઓળખી શકાયાનો ડંખ વધારે કેન્દ્રમાં છે. વાર્તા ઠીક ઠીક.

00000

વાર્તાકાર શિરીષ પંચાલે સંખ્યાની રીતે પ્રમાણમાં બહુ ઓછી વાર્તાઓ લખી છે. જે લખી એમાં પણ એમની અંદર રહેલ વિવેચકની સભાન હાજરી અવશ્ય જોઈ શકીએ. બંને સંગ્રહોની તુલના કરીએ તો બીજા વાર્તાસંગ્રહમાં રહેલી વાર્તાઓમાં સામાજિક ઘટનાઓ વધારે કેન્દ્રમાં આવી છે. સમાજના વિવિધ પ્રશ્નો- ખાસ કરીને વિગ્રહના પ્રશ્નોએ એમને વધારે આંદોલિત કર્યા હોવાનું અનુભવાય છે, બહુ સભાન રીતે એ તરફ લખવા પ્રેરાયા હોવાની અનુભૂતિ એમની પ્રથમ સંગ્રહની વાર્તાઓને સાથે મુકીને વાંચીએ તો જણાય છે. એ જેટલી સહજતાથી સ્વ-સંવેદનો, નીજી ઘટનાઓને આલેખે છે ત્યારે લાગે, એવા સહજ બીજા સંગ્રહની વાર્તામાં મને નથી લાગ્યા. એમની આરંભની વાર્તાઓમાં પ્રગટતો પરિવેશ, સાંસ્કૃતિક પરિવેશ અને ગૃહસંસારના ચિત્રો આલેખ્યાં છે તે સાવ અનોખાં અને આપણી જણસ સમાન નીવડે. એ એમના અંદરથી સર્જાયેલી વાર્તાઓ લાગે. સામાજિક પ્રતિબદ્ધતા તરફ વળ્યા ત્યારે એ સભાન રીતે સંયોજન સિદ્ધ કરતા હોય તેવું જણાય છે. હા, એમને ગુજરાતી ટૂંકીવાર્તાઓના સમગ્ર પ્રવાહ સંદર્ભે જોઈએ ત્યારે આ લેખક એમની નીજી મુદ્રા ઉપસાવી શક્યા છે-એ વાતની નોંધ લેવી ઘટે.

સંદર્ભ સૂચિ :::

  1. અંચઈ (વાર્તાસંગ્રહ), શિરીષ પંચાલ. પ્ર.આ.1993, બી.આ.1997. પ્ર. પાર્શ્વ પબ્લિકેશન, નિશાપોળ, ઝવેરીવાડ, રિલિફ રોડ, અમદાવાદ-1. કિં. 40.00 રૂ. પાકું પૂંઠું, ડિમાઈ)
  2. શિરીષ પંચાલ (આયનોપ્ર.આ. સપ્ટેમ્બર 2004, પ્ર.સંવાદ પ્રકાશન, 233। રાજલક્ષ્મી, જયપ્રકાશ નારાયણ રોડ, વડોદરા-390007, કુલ પાનાં-89, કિં. 60.00

નરેશ શુક્લ, એ-2, પ્રોફેસર ક્વાટર્સ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉધના-મગદલ્લા રોડ, સુરત-395007