નગર સંસ્કૃતિ પર આદિ સંસ્કૃતિનો પ્રભાવ
(‘અજાણી દિશા’ નવલકથાના સંદર્ભે)
સર્જક પોતના અનુભવની સમૃદ્ધિની કથા કહેવા માંડે
ત્યારે નવા જ શિખરોનો પરિચય આપણને મળે છે. સર્જક માવજી મહેશ્વરીએ
‘અજાણી દિશા’ નવલકથામાં આ પરિણામો ચરિતાર્થ કરી બતાવ્યા છે. આ
નવલકથાનો નાયક મુંબઈ જેવા શહેરમાં ઉછરેલો અને ધનાઢ્ય પરિવારનો એકને
એક દીકરો છે. પોતાના પિતા સાથે કેટલાંક વૈચારિક મનમેળ ન થતા,
પોતાનું ઘર છોડી મુંબઈથી દિલ્હી તરફ જતી ટ્રેનમાં બેસી જાય છે.
નાયકે (નિશાંત) તબીબી વિદ્યાશાખાની પદવી હાંસલ કરી છે. નિશાંત અનેક
મિત્રો હોવા છતાં કોઈને પણ જાણ કર્યા વિના ઘર છોડી નીકળી પડ્યો.
દિલ્હી તરફ જતી ટ્રેન અચાનક જંગલ વિસ્તાર ઊભી રહી જાય છે. ટ્રેનમાં
લોકો વિવિધ પ્રકારની વાતો કરે છે. નાયક આ બધી વાતો સાંભળે છે, પછી
ટ્રેનના દરવાજા પાસે આવે છે. સૂનમૂન ઊભો રહે, જે દરવાજે નિશાંત ઊભો
હતો, એની સામે જ જંગલમાં જતી કેડી દેખાય છે. જાણે એ કેડી નિશાંતને
પોતાની તરફ બોલાવી રહી હોય એવું એ અનુભવે છે. નાયકને પણ કેડીથી
આકર્ષાયને, જંગલની કેડી તરફ જવાની ઈચ્છા થાય છે. મુંબઈ જેવા
મહાનગરમાં ઉછરેલો અને ભણેલો નાયક આ જંગલની કેડીનું આકર્ષણ ઊભું
થતા, ટ્રેનમાંથી ઉતરી આ કેડીએ કેડીએ ચાલતો થાય છે. થોડે ગયો ત્યાં
જ ટ્રેન પણ સિગ્નલ મળતા ઊપડી જાય છે. જંગલની કેડીએ આગળ વધતા કેડી
પૂર્ણ થઈ હોય એવું નાયક અનુભવે છે; પરંતુ, હવે પાછા ફરી શકાય એવું
રહ્યું નથી. કારણ કે નાયક જે રસ્તે આવ્યો છે, જાણે એ કેડી પણ
ભૂંસાઈ ગઈ હોય.
નાયક આગળ વધે છે. સાંજ પડવા આવી છે. ધીમે ધીમે
અંધકાર થવા આવ્યો છે. ક્યાં જવું? શું કરવું? કશું સમજાતું નથી.
અહીં નાયક જંગલમાં મુશ્કેલીમાં મુકાયો છે, જયારે મુંબઈના
‘સનબીમ’માં નિશાંતની ચિટ્ઠીને લીધે આખું ઘર મુશ્કેલીમાં મુકાયું
છે. દીકરાના ઘર છોડી જવાને લીધે માતાની સ્થિતિ કફોડી છે. નાયકને
જંગલમાં રાત્રી દરમ્યાન આગિયાના અજવાળાના સૌંદર્યનો અનુભવ થાય છે.
એક ખંડેર જેવું છે. ત્યાં ઊભો રહે છે. પોતાના મિત્રોનો વિચાર આવે,
પોતાની પાસે જે વસ્તુઓ છે તેનો તેમજ પોતાના મહેલ જેવા ઘરનો વિચાર
કરી થોડો પરેશાન થાય છે. પોતાની પાસે જે ઘરેણાં છે તે પોતાના જ
દુશ્મન ન બની જાય, અહીં રાત્રી કાઢવાની હોય, પોતાની પાસેના બિસ્કીટ
ખાઈ, થોડું પાણી પીએ છે. બીજા દિવસે આગળ વધી કોઈ માનવ વસ્તી આવશે
એમ વિચારી અહીં રોકાય છે; પરંતુ, જે લોકો જંગલમાં વસે છે તે લોકો
એની ભાષા સમજશે ખરા ? ક્યાંક નિશાંતે સાંભળ્યું હતું કે વનમાં વસતા
આદિજાતિના લોકો(આદિવાસીઓ) લૂટારું પણ હોય છે. પોતાની બહેન,
ઘરનો(સનબીમ) તથા પરિવારનો તેમજ મિત્રોનો વિચાર કરે છે.
જ્યાં નાયક ખંડેર પાસે રોકાયો છે, ત્યાં એક જંગલી
પ્રાણી આવી રહ્યું હોય એવું લાગે, જેનાથી નાયક ભયભીત થઈ ત્યાં જ
બેસી રહે છે. આખા દિવસના રઝળપાટથી થાક્યો હોવાથી ઊંઘ આવી જાય છે.
સવારે ઉઠતાની સાથે પંખીઓનો કલરવ, ડેરીમાં પંખી, સાપ વગેરેનો પોતાના
કેમેરામાં કેદ કરે છે, મુંબઈમાં ‘સનબીમ’માં બધા પરેશાન છે.
નિશાંતની મા(પુષ્પા) ખૂબ પરેશાન છે. નિશાંતના કોઈ સમાચાર મળતા નથી.
અહીં નિશાંત પણ જંગલમાં આમ તેમ ફરે છે; પરંતુ, રસ્તો મળતો નથી.
ક્યાં જવું. ભૂખથી પણ પીડાય છે, બોર અને એક તળાવ જેવા વહોળાનું
પાણી પીએ છે. ત્યાં વનવાસીની જેમ એક વૃક્ષ નીચે સૂઈ જાય છે.
સ્વપ્નમાં જાતભાતની મુશ્કેલીઓ જુએ છે. એક વખત સાથે અભ્યાસ કરતા
મિત્ર પ્રદીપ ગુપ્તાએ જે સ્વપ્નની વાત કરી હતી, તે યાદ આવે છે. આ
પરિસ્થિતિ જોતા નિશાંતને દેશના લાખો ગરીબ માણસોની યાદ આવે છે.
જ્યાં હાલમાં છે ત્યાં સેલફોનનું ટાવર પણ નથી. એટલા માટે જ એવું
લાગે છે. આટલામાં કોઈ માનવવસ્તી ન હોવી જોઈએ. ખૂબ ભૂખ લાગી હોવાથી
થોડા બોર ખાય છે. આ રીતે ભૂખ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આટલા મોટા
જંગલમાં નાયકનો અવાજ જાણે ક્યાંક શોષાઈ ગયો હોય. છતાં નિશાંત મનોમન
આગળ વધવાનો સંકલ્પ કરે છે. પોતે આગળ વધશે અને તે પણ ભૂખ્યા પેટે
આગળ ચાલશે. આગળ એક વોકળા પાસે માણસના પગની છાપ જુએ છે; પરંતુ, આગળ
જતા ભૂંસાઈ જતી હતી, ક્યાંક એકાદ કપડાંનો ટુકડો પણ દેખાય છે. લોકો
વિષે વિચાર આવ છે. કઈ જ્ઞાતિના લોકો અહીં રહેતા હશે. આ પ્રદેશ ક્યા
વિસ્તારમાં આવતો હશે. ગુજરાત-મહારાષ્ટ્ર કે પછી મધ્યપ્રદેશ. નિશાંત
વધુ વિચાર કરે તે પહેલા એના સેલફોનમાં મેસેજની બીપ સંભળાય છે. હવે
કવરેજમાં આવ્યો હોય એવું લાગે છે ત્યાં કોઈ માણસના ખોખારાનો અવાજ
પણ આવે છે. એ દિશા તરફ ધ્યાન આપે છે. જ્યારે મુંબઈમાં પોતાના ઘરે
થોડી મુશ્કેલી વધી છે; કારણ કે, વેપારી આલમમાં વાત ફેલાવાનો ભય
પિતા અમરકુમાર પારેખને વધુ પરેશાન કરે છે; ખંડણીખોર ગેંગને ખબર ન
પડે તેની કાળજી સાથે અમરકુમાર પારેખ, પુષ્પા, જૂઈ વગેરે ધ્યાનથી
વર્તન કરે છે. અમરકુમારને લાગણીથી ડૂમો ભરાઈ આવે છે. પોતાને અડીખમ
માનતા અમરકુમાર પારેખ લાગણીની ઝંઝાવાતમાં ફસાયા હતા. ત્યાં જ મેસેજ
ડીલીવર્ડ થયા છે એમ જૂઈ કહે છે. આ તરફ જંગલમાં રાત પડવા આવી છે.
નિશાંતને કોઈ જ રસ્તો મળતો નથી. જંગલમાં પ્રકૃતિ સૌન્દર્યનું વર્ણન
નવલકથાકાર નિશાંતના મુખે વર્ણવે છે. નિશાંતને ભૂખ લાગી છે; પરંતુ,
ખાવા માટે કશું મળતું નથી. સાંકળા વોકળામાંથી બોટલમાં પાણી ભરી લે
છે. ચણીબોર સિવાય બીજા કોઈ જ ફળ અહીં દેખાતા નથી. પાછળથી બે
પ્રાણીઓ આવી રહ્યાં છે જોઈ ભય પામે છે. પ્રાણીઓ પણ ભયભીત છે. બન્ને
પક્ષે આ પ્રકારના પ્રાણી પહેલીવાર જોતા હોય છે. અજવાળું પૂરું થાય
તે પહેલા આગળ વધવા નિશાંત પગ ઉપાડે છે. ઘોર જંગલ છે ન કોઈ દિશા કે
ન કોઈ પ્રકાશ, પ્રાણીઓનો ભય વગેરે. પોતે પણ ખોરાક, સલામતી શોધે છે
સાથે કેમેરો અને થેલામાં પૈસા વગેરે પણ પડ્યા છે. વિચારમાં ને
વિચારમાં રાત્રી પડી જાય છે. થાકને લીધે સલામત જગ્યા સુધી જઈ
શીલાની પર બેગ મૂકી ત્યાં લંબાવે છે ત્યાં જ સેલફોનમાં ફૂલ કવરેજ
આવે છે. જૂઈ-કરણ બેલા વગેરેના મેસેજ, બેલાની અચાનક યાદ પોતાના
મિત્ર અજિત ચૌહાણ બેલા વિશે કરેલી વાત વગેરે યાદ આવે છે.
એન્જિનિયરની જગ્યાએ ડોક્ટર બન્યાની બેલા સાથે થયેલી વાત પણ યાદ આવે
છે, બેલા સાથે લગ્નની વાત, બેલાનામાં બીજી સ્ત્રી જીવે છે વગેરે
યાદ કરે છે. બેલનો મેસેજ બધા કરતા થોડો ભાવુક હતો. નિશાંત શિલા પર
પડ્યો પડ્યો આકાશને જુએ છે. રાત્રે આકાશમાં તારા ચમકતા હતા. સાથે
એકબીજી દિશામાં તાપણાં અથવા તો રાંધવાનો, ચૂલાનો પ્રકાશ દેખાતા
માનવવસ્તીની નજીક હોવાનું નાયક અનુભવે છે.
બેલા ખૂબ ઝડપથી ‘સનબીમ’માં આવે છે. ઘરના બધા
પોતપોતાની પ્રતિક્રિયામાં હોય છે. જૂઈ સાથે બેલાની ચર્ચાથી થોડી
પરિસ્થિતિ બગડી હોય એવું લાગે છે. બેલા, જૂઈને આશ્વાસન આપે છે.
બેલા અને જૂઈ વચ્ચે થોડો નિશાંત વિશે વાર્તાલાપ થાય છે. બેલાને
નિશાંતએ તેના પિતા સાથેના કોલ્ડવોરની ખબર નથી. બેલા, અમરકુમારને
મળે છે. અમરકુમારને પોતાની ભૂલ સમજાય છે. જૂઈ અને બેલા અમરકુમાર
પાસે બેસે છે. બેલા, અમરકુમારના હાથ પર પોતાનો હાથ મૂકે છે.
અમરકુમારને સારું લાગે છે. બેલા, નિશાંત મારે અહીં આવી છે કે પછી
‘સનબીમ’ના એક સભ્ય તરીકે એમ વિચારે છે ત્યાં જ બેલાના સેલફોનની
રીંગ વાગે છે એટલે થોડો ભય દૂર થાય છે. નિશાંત કવરેજ એરિયામાં હોય
છે. બેલા અને નિશાંત વચ્ચે ફોન પર વાત થાય છે. બેલા પૂછે છે કે
ક્યાં છો ? જવાબમાં નિશાંત જણાવે છે જંગલમાં છું; પરંતુ, સ્થળની
ચોક્કસ ખબર નથી. નિશાંત કહે છે. બે દિવસથી કશું ખાધું નથી અને હું
કદાચ ભૂલો પડ્યો હોય એવું લાગે છે. બેલા, નિશાંતને મજાક ન કરવા કહે
છે, અને સાથે ઘરની પરિસ્થિતિ વિષે
જણાવે છે, અને નિશાંતને ઘર છોડી ચાલ્યા જવા વિષે પિતાની સ્થિતિ અને
પાછા આવવા સમજાવે છે. તે પોતાના પ્રેમનો પણ સ્વીકાર કરે છે. બન્ને
વચ્ચેના પ્રેમના એકરારથી હદય દ્રવી ઉઠે છે અને નિશાંત જે રસ્તો
અપનાવ્યો છે એ બેલા પણ સ્વીકારશે. એવો કરાર થાય; પરંતુ, એક વખત ઘરે
આવી જવા બેલા, નિશાંતને જણાવે. બેલા નિશાંતની ચિંતા કરે છે અને
નિશાંત, બેલને પોતાને સાથે આવવા કહે છે. બેલા નિશાંતણે પાછા આવી
જવા કહે છે; પરંતુ, જગલમાં રસ્તાની સૂઝ ન પડતા નિશાંત પાછો ફરી
શકતો નથી. બાપ-દીકરાના અણબનાવના લીધે, નિશાંતને વૈભવી જીવન ગમતું
નથી. તે બેલાને કહે છે કે, હું મારી રીતે જિંદગી જીવવા માગું છું.
પછી મા અને દીકરા વચ્ચે વાત થતા લાગણી ભર્યા દ્રશ્યો સર્જાય છે;
પરંતુ, જંગલમાં ગૌરવ, પૈસા કે સ્ટેટસની કોઈ જ વેલ્યૂ નથી. ફોન બંધ
થઈ જતા અમરકુમારને ખૂબ દુઃખ થાય છે. નિશાંતને બેલા સાથે વિતાવેલા
દિવસો યાદ આવે છે. બેલા તેના મિત્ર કરણને નિશાંતનું સ્થળ જાણવા કહે
છે, તે ગુજરાતનું દાહોદ અથવા તો મધ્યપ્રદેશનું રાજપૂર હોવાનું
જણાવે છે. કરણ તેના પર આ વિસ્તાર આદિવાસી હોવાનું જણાવે છે.
જંગલમાં રહેતી આદિવાસી પ્રજા માટે અભિપ્રાય આપતા
તે જણાવે છે કે, “તેઓ હિંસક નથી હોતા. અત્યંત શરમાળ અને પોતાના
રસ્તે ચાલનારા હોય છે...” (પૃ.૯૭) હા એક વાત નક્કી છે કે ભાષા અને
ભોજન વિચારવું પડે એમ છે. પૈસાની પણ વાત કરે છે અને બન્ને મિત્રો
એકબીજાના સંપર્કમાં રહેવાની વાત કરી ફોન કટ કરી, નિશાંત સૂઈ જાય
છે. સવારે નિશાંત જાગે છે ત્યારે એક આદિવાસી યુવાન જાણે એની ચોકી
કરતો હોય તેમ, એનાથી થોડે દૂર ઉભડક બેઠો છે. એની પાસે ધારિયું છે.
આખી પરિસ્થિતિ નિશાંત ભયભીત છે. અહીં નિશાંતને મિત્ર કરણની વાતો
યાદ આવે છે. ભય પામેલો નિશાંત પેલા યુવાન પાસે આવે છે. પેલો યુવાન
પણ એની નજીક આવે છે. બન્ને એકબીજાની આંખોમાં જોઈ સ્મિત કરે છે.
નિશાંત ભાઈબંધી માટે હાથ લંબાવે છે; પરંતુ, આદિવાસી યુવક તેને
શંકાની નજરે જોયા કરે છે. પછી ડરતા ડરતા નિશાંત સાથે હાથ મિલાવે
છે. આદિવાસી યુવાનની બરછટ હથેળીનો નિશાંતે પહેલીવાર આવો અનુભવ
કર્યો. આદિવાસી યુવાને પારંપરિક પોષક પહેર્યો ન હતો. આ યુવકે
પેન્ટ-શર્ટ પહેર્યા હતા. એ પછી પાછળથી બીજા ચાર યુવાનો આવે છે અને
થોડા દૂર ઊભા રહે છે. આ યુવાન જે પ્રથમ મળ્યો છે, એનું નામ પૂછતા
જાણવા મળે છે એનું નામ બાલુ છે. પછી પેલા ચારે યુવાનો પણ નિશાંતની
નજીક આવી હાથ મિલાવે છે. આ બધા યુવાનો અંદરોઅંદર કંઈક વાતો કરે છે;
પરંતુ, નિશાંતને ભાષાના લીધે ઝાઝી સમજ પડતી નથી. નિશાંતે, બાલુને
રહેઠાણ વિષે પૂછે છે અને બાલુએ દૂર ઝાડી તરફ હાથ લાંબો કરી
બતાવ્યું. નિશાંત, બાલુને પોતે ક્યાંથી આવ્યો તેની જાણ કરે છે.
“હું મુંબઈ મેં મેરા ઘર હૈ. મૈ જંગલમેં ખો ગયા થા. રાસ્તા માલૂમ
નહીં. તુમ મુજે અપને ઘર લે જાઓગે ?...”(પૃ-૧૦૩) બાલુ એની વાત સમજી
ગયો હોય તેમ અહીં કેવી રીતે આવ્યો ? પોલિસ તો નથી ને ? બાલુની
મુશ્કેલી નિશાંત સમજી ગયો. નિશાંત, બાલુ મેં પોલિસવાળો નથી, હું
ડોક્ટર છું. નિશાંતે, બાબુને અભિનયથી આખી વાત સમજાવી. છતાં બાલુના
મન જે શંકા છે, કે એ અહીં શા માટે આવ્યો ? બાલુને સમજાવે છે કે
પિતાજી સાથે લડાઈ થઈ. બાલુ જેવો દેખાય છે એવો ભોળો નથી. થોડો
હોશિયાર છે. નિશાંત અહીં કેવી રીતે આવ્યો તેની વિગત તે બાલુને
જણાવે છે. જે રસ્તે નિશાંત અહીં આવ્યો હતો, તે જાણી બાલુને પણ
આશ્ચર્ય થાય છે. બાલુ, નિશાનને પૂછે છે કે હવે એ અહીંયા શું કરશે ?
એના જવાબમાં નિશાંત એટલું જ કહ્યું, મારે અહીં થોડા દિવસ જંગલમાં
રહેવું છે અને તે પણ તમારી સાથે. રાખશો ને ?
નિસ્વાર્થ આ આદિવાસી પ્રજાને જોઈ નિશાંત, બાલુને
ભેટી પડે છે. પેલા બાકીના આદિવાસી યુવાનોને પણ નવાઈ લાગે છે. જવાની
તૈયારી થતા જ નિશાંતની બેગ બાલુ ઉપાડી લે છે. નિશાંત બાલુને પૂછે
છે કે તમને કેવી રીતે ખબર પડી કે હું અહીંયા છું. જવાબમાં બાલુએ
કહ્યું કે મોબાઈલની લાઈટથી નિશાંત જોઈ શક્યો કે આદિવાસીઓની દ્રષ્ટિ
કેટલી તીક્ષ્ણ હોય છે. આદિવાસી વસ્તીના ઝૂંપડા લગભગ બે કલાક ચાલ્યા
પછી આવે છે. ત્યાં પહોંચવા તો તેમના નાગાંપૂંગા બાળકો નિશાંતને કોઈ
જુદા જ પ્રદેશનું પ્રાણી હોય એમ જોઈ રહ્યા. નિશાંત જેને ગામ ગણતો
હતો, તે તો આદિવાસીઓના માંડ-માંડ દસેક જેટલા ઝૂંપડાઓ હતા. નિશાંતને
અહીં વારંવાર મુંબઈ અને પોતાનું ઘર યાદ આવતું હતું. નિશાંત ઊંઘીને
ઊઠ્યો ત્યારે જે સ્થિતિમાં બાલુને બેઠેલો જોયા હતો એ રીતે બેઠો હતો
અને નાયકને જાગી ગયો છે એમ જાણી બાલુ જંગલમાં લાકડાં લેવા જવાની
સૂચના આપતો જણાય છે. કારણ કે નિશાંતને રહેવા માટે ઘર બનાવવાનું
હતું. બાલુ તૈયાર થઈને જ બેઠો હતો. બાલુની ઘરવાળી શાંતા પણ તૈયાર
હતી. અહીં બાલુનો કૌટુંબિક પરિચય થાય છે. બાલુના ચાર સંતાનોમાંથી
સૌથી નાનું સંતાન બાલુની પત્ની સાથે હોવાથી નિશાંત પાછા વળવાનું
કહે છે; પરંતુ, બાલુ હસતા કહે છે કે “ઉસકે બિના ઘર નહીં
બનેગા...”(પૃ.-૧૦૭) અહીં સ્ત્રીઓની ઘરની દેખભાળની જવાબદારી સાથે
આદિવાસી સમાજમાં પણ સ્ત્રીનું મહત્વ કેટલું હોય છે તે જોઈ શકાય,
તેમજ ભારતીય આદિવાસી સંસ્કૃતિની છાંટ અહીં દેખાયા વિના રહેતી નથી.
બાલુ, નિશાંતને લાકડાં કાપવા કુહાડી આપે છે; પરંતુ, નિશાંત કશું
કરી શકતો નથી અને રાત્રી પડતા પહેલા નિશાંતને રહેવા માટે ઘર તૈયાર
કરવામાં આવ્યું. “નિશાંતનું હૈયું ભરાઈ આવ્યું. આ ગરીબીમાં સબળતા
અજાણ્યા લોકોની લાગણી સામે માથું ઝૂંકી ગયું...”(પૃ.-૧૦૮) અહીં
આદિવાસી માનવ સંસ્કૃતિના પૂરેપૂરા દર્શન થાય છે. ભદ્ર અને શહેરી
સંસ્કૃતિ પર આદિ સંસ્કૃતિનો પૂરેપૂરો પ્રભાવ પડતો જોઈ શકાય છે.
નિશાંતને બેગમાંથી પૈસા કાઢીને બાલુને આપવાનો વિચાર આવ્યો; પરંતુ,
બાલુનું સ્વમાન ન ઘવાય એટલા માટે પોતાને આવેલો વિચાર માંડીવાળે છે.
બાલુનો મોટો દીકરો બાબુ તેની બેગ લઈને આવે છે, એને જોતા ગરીબ
આદિવાસીની જે દશા હોય છે તેનું આબેહૂબ ચિત્ર બાબુને જોયા પછી સમજાય
છે. અહીં આદિવાસી સમાજના છોકરાઓ જાણે બધા એક સરખા જ લાગે છે.
છોકરીઓના માથામાં કાંસકો ક્યારે ફર્યો હશે ! સ્ત્રીઓ ઓછું બોલતી
અને પુરુષોથી આઘી(દૂર) રહી કામ કરતી. આવી પરિસ્થિતિ હોવા છતાં કોઈ
પણ માણસ નિશાંતની બેગ કે તેમાં રહેલી વસ્તુ પર ધ્યાન આપતું નથી. આ
બધું નિશાંત ધ્યાનથી જોયા કરે છે. જંગલમાં વસતા આદિવાસીઓ સ્ત્રીની
બાબતમાં થોડા વધુ સંવેદનશીલ હોય છે. નિશાંત પાસે જે કેમેરો છે તેને
છોકરાઓ દૂર ઊભા ઊભા કુતૂહલથી જોયા કરે છે. ત્રણ-ત્રણ દિવસના રઝપાટ
પછી નાયકને પ્રશ્ન થાય છે કે આ લોકો જીવતા કેવી રીતે હશે ? કારણ કે
જીવન જરૂરિયાત માટેની વસ્તુ મેળવા માટે અહીં કોઈ જ વ્યવસ્થા દેખાતી
નથી. ફક્ત ચોમાસામાં મકાઈ જેવા ધાન્યથી વાવણી કરે છે.
નિશાંતનું ઘર તૈયાર થઈ ગયું. ઘરમાં ન તો કોઈ
સાધન છે. ન કશું ઓઢવા-પાથરવાનું. નિશાંત પોતાના ઝૂંપડામાં સાંજે
પ્રવેશે છે. મુંબઈના ઘર કરતા આ જુદા જ પ્રકારનું ઘર હોવા છતાં
ત્યાંના આદિવાસી લોકોના પ્રેમને લીધે આનંદથી પ્રવેશે છે. જરૂર જણાય
ત્યારે જ લોકો દીવો સળગાવે છે. પાંચ-સાત દિવસ પછી અંધારું હવે
પરેશાન કરતું નથી. નિશાંત પોતાના ઝૂંપડામાં બેસી સેલફોન ઓન કરે છે;
પરંતુ નેટવર્ક વારંવાર કટ થાય છે. બેલા સાથે નક્કી થયા મુજબ એક
બ્લેન્ક મેસેજ કરવો. સૌથી મોટી ચિંતા નિશાંતને સેલફોનની બેટરીની
હતી. બેલા સાથે વાત કરવાની ઈચ્છા થાય છે; પરંતુ, પૂર્ણ થતી નથી.
દરેક પોત-પોતાના ઝૂંપડામાં હોય છે. છોકરા ખાવા માટે ચૂલા ચડેલી
હાંડલીમાં ધ્યાન આપી રહ્યા છે, અહીં વસતા દરેક માનવ ભગવાન ભરોસે
જીવે છે. ત્રણ દિવસથી બાલુ જે આપે છે, તે નિશાંત ખાય છે. નિશાંતને
બેલા તથા ઘરના બધાની યાદ સતાવે છે. બેલા સાથે ફોન પર વાત કરે છે.
હું તેને ખૂબ યાદ કરું છું કારણ કે મેં આજે ગૃહ પ્રવેશ કર્યો. મારા
મિત્ર બન્યો છે બાલુ. બાલુ અને એની પત્નીએ મારું ઘર બનાવી આપ્યું.
ખાવાનું જે મળે એ રામભરોસે ખાવ છું. બેલા, નિશાંતને પાછો આવી જવા
વિનંતી કરે છે. બેલા એ લોકોને કશું જ થતું નથી, એટલે મને પણ કંઈ જ
થવાનું નથી. બેલા એમની પાસે ન તો પૈસા, ન તો કપડાં, ન કસી સગવડો
છતાં એ લોકો દુઃખી હોય એવું લાગતું નથી. બેલા, નિશાંતને સમજાવે છે
કે તેમ છતાં બધા લોકો કઈ શહેર છોડી જંગલમાં વસવા આવી જતા નથી.
“બેલા અહીંના લોકોને કોઈ પણ પ્રકારનું શારીરિક દુઃખ નથી. કોઈ
ટેન્શન નથી. બેલા અહીં માણસ હોવાનો આનંદ છે અને જે ચીજની શોધ હતી
તે આ ભૂમિ પર દેખાય છે...બોલતા બોલતા શ્વાસ લીધો...”(પૃ.-૧૧૧) અને
બેલા અહીં કંઈ એવું નક્કર કામ કરું કે તે પછી હું ન હોવ તો પણ
અહીંયા ચાલ્યા જ કરે. આજ તો નગર સંસ્કૃતિ પર આદિ એટલે જંગલમાં વસતા
લોકોની એકતાની સંસ્કૃતિના પ્રભાવથી નાયક આ પ્રકારે વિચારે છે.
નિશાંત બેલાને પણ અહીં જ બોલાવી લેવાની વાત કરે છે. અહીંના લોકો
મને પૂર્ણપણે સ્વીકારી અને થોડું પાયાનું કામ કરું, પછી તું પણ
મારી પાસે આવી જજે.
બાલુ આવે છે, રોજના ક્રમ પ્રમાણે બાલુ દારૂ પીવા
ગયો હતો. બાલુને પૈસા આપવા કહે છે; પરંતુ, બાલુ, ગણપતના છોકરાની
બીમારીની વાત કરે. બાલુની વાત પરથી જંગલમાં વસતા લોકોની અંધશ્રદ્ધા
દેખાય છે. નવલકથાકાર આ વાત અહીં પોતાની સૂઝથી સરસ રીતે બાલુના મુખે
રજૂ કરાવે છે. બાલુની વાત પરથી નિશાંત સમજી ગયો કે અહીં વસતા લોકો
દવાને બદલે ભૂતપ્રેતમાં માને છે. બાલુ સાથે નિશાંત, ગણપતના ઘરે જાય
છે. ગણપતનું આખું કુટુંબ બીમાર છોકરાની આજુબાજુ બેઠું છે. છોકરાને
તપાસ નિશાંત સમજી જાય છે. છોકરાને ખૂબ તાવ છે. નિશાંત ઠંડા પાણીના
પોતા મૂકે છે, ગણપતની ઘરવાળી થોડો વિરોધ કરે છે. બધા જ અહીંયા બેઠા
છે. થોડા સમય પછી છોકરો ભાનમાં આવે છે. છોકરો ભાનમાં આવતા જ ગણપત
નિશાંતના પગમાં પડે છે. નિશાંત સમજાવે છે કે આ મારી ડોક્ટર હોવાને
લીધે ફરજ છે અને ભૂત જેવું કશું નથી. છોકરાને સખત તાવ હતો.
નિશાંતને પિતાની યાદ આવે છે. એ દિવસે રાત્રે ખૂબ
ઊંઘ આવે છે. સવારે નિશાંત બાલુ સાથે જંગલમાં જાય છે. આ આઠેક દિવસ આ
જંગલમાં નીકળી જાય છે. જે નાયક જંગલમાં ઠીક ઠીક ફરી લે છે. બાલુને
જીવનમાં જરૂરી વસ્તુ ક્યાંથી લાવો છો એવું જાણવાનો પ્રયત્ન કરે,
નિશાંતની ઈચ્છા છે કે થોડી દવા તથા થોડા સારવારના સાધનો વગેરે
ખરીદવા છે; પરંતુ, તે આ બજારમાં આવું કશું મળતું નથી, એવું બાલુ
જણાવે છે.
અચાનક જેની નિશાંત જરૂર હતી, એવો અવાજ સંભળાય છે;
પરંતુ, જીપનો અવાજ અને તેમાં બેઠેલા પોલિસ અધિકારી એ જીપ
મધ્યપ્રદેશ પોલિસની હતી. નિશાંત પોલિસ અધિકારી પાસે પહોંચે છે.
પોતાની ઓળખાણ કરાવે છે; પરંતુ, પોલિસ અધિકારી એને બરાબર પગથી માથા
સુધી જોઈ લે છે. પોલિસ અધિકારી નિશાંતને પકડવા જ આવ્યો હતો. નિશાંત
આશાનીથી મળી ગયો એવો અધિકારીને આશ્ચર્ય સાથે આનંદ છે. નિશાંત સાથે
થોડી રકઝક પછી પોલિસ અધિકારી એને જીપમાં બેસવા કહે છે. નિશાંત,
પોતાનો ગૂનો શું છે ? એવું અધિકારીને પૂછે છે; પરંતુ, અધિકારી કશું
સાંભળવા તૈયાર નથી. નિશાંતને ‘ખરેટી’ પોલિસ ચોકી લઈ જવામાં આવે છે.
પોલિસ અધિકારી, નિશાંત સાથે પોલિસ જેવો વ્યવહાર કરે છે. પછી જે
માણસે નિશાંતને પેલી ઓરડીમાં જવાનું કહ્યું, એ માણસણે નિશાંતે
ક્યાંક જોયો હોવાનો ભાસ થાય છે. પોલિસ અધિકારી, નિશાંતને અનેક
પ્રશ્નો છે. નિશાંત પોતાની ઓળખાણ ડોક્ટર તરીકે તેમજ પોતે મુંબઈનો
રહેવાસી હોવાનું જણાવે છે અને પોતાના પિતા બિઝનેસમેન હોવાનું પણ
જણાવે છે. અધિકારી ખૂબ કરકાઈથી વાત કર્યા, પછી ગુજરાતીમાં ચર્ચા
થવાથી નિશાંતને થોડી રાહત થાય છે પછી પોતાના મિત્રોના ફોન આપે છે
અને તપાસ કરવાનું જણાવે છે. અધિકારી નિશાંતના મિત્રો તથા પોતાના
પિતાનો ફોન નંબર કાગળ પર લખાવે છે. પછી અધિકારી, કાલીરામને બોલાવી
નિશાંતને લોકઅપમાં પૂરી દેવાની સૂચના આપે છે.
પોલિસ અધિકારીએ બેલા તથા કરણ સાથે ફોન પર વાત
કરે છે. આજ વાતની જાણ બેલા, પુષ્પા તથા જૂઈને કરે અને પછી કરણ સાથે
પણ બેલાની વાત થાય છે. પછી લગભગ ચારેક વાગ્યાની આસપાસ પોલિસ
ઇન્સ્પેકટર અહીં આવે છે. કાલીરામને લોકઅપ ખોલવાનો આદેશ આપે છે.
નિશાંતને ઇન્સ્પેકટરની સામે લાવવામાં આવે છે. ઇન્સ્પેકટરને પોતાના
વર્તનથી પસ્તાવાનો અનુભવ થતો હોય તેમ નિશાંતને ઓળખાણ આપતા પોતાની
ફરજ જણાવે છે. ઇન્સ્પેકટર બારિયા, નિશાંતને બેસવા માટે કહે છે.
ઇન્સ્પેકટર બારિયા કરુણતા સાથે નિશાંતને ખાવા માટે ભજિયા આપે છે.
ખાતા-ખાતા બંને વચ્ચે સંવાદ થાય છે. દસ દિવસમાં નિશાંતને પહેલીવાર
સ્વાદિષ્ટ ખાવાનું મળે છે. નિશાંત સામાન્ય માનવ સમાજ માટે જે કરવા
ઈચ્છતો હતો તે અહીં પૂર્ણ થશે એમ તે વિચારે છે. ઇન્સ્પેકટર બારિયા
થોડા મુરજાયેલા હોય એવું લાગે છે. એની આંખોમાં આંસુ છે, કેમ રડે છે
તેની નિશાંતને ખબર નથી. ઇન્સ્પેકટર, નિશાંતને કહે છે કે... “તારી
કથા જાણી મને પસ્તાવો થાય છે. આ આંસુ પસ્તાવાના છે...”(પૃ.-૧૨૮)
નિશાંત, ઇન્સ્પેકટર બારીયાને શાંત થવા કહે છે. ઇન્સ્પેકટર બારિયા
પોતાની આપવીતી જણાવે છે કે પોતાની જિદને લીધે પોતાનો એકને એક દીકરો
ખોયો છે(મૃત્યુ પામ્યો છે.) અને એટલા માટે જ પસ્તાવાના ભાગરૂપે
ઇન્સ્પેકટર બારિયા, નિશાંતને બધી મદદ કરવા તૈયાર થાય છે. નિશાંત
અહીંયાના આદિવાસીઓ માટે બીમારીનો ઈલાજ તેમજ શિક્ષણ અને રોજગારી
માટે કંઈક કરવા વિચારે છે અને તેમાં ઇન્સ્પેકટર મદદ કરવાની હા પાડે
છે. આના માટે પૈસાની વ્યવસ્થા માટે નિશાંત, પોતાની પાસે વીંટી તથા
હીરાજડિત પેન્ડલ છે. એનો ઉપયોગ થઈ શકશે. જે જે વસ્તુની જરૂરિયાત
છે, એ તમામ વસ્તુની યાદી કરી નિશાંત, બારિયાસાહેબને આપે છે. પછી
નિશાંત પોતાના નિવાસે પહોંચે છે, ત્યાં ઝૂંપડામાં બેસેલા
આદિવાસીઓનો પ્રેમ અને એના પ્રત્યેની ચિંતા જોઈ, નિશાંતના મોઢામાંથી
હાશકારો નીકળી જાય છે.
અહીં મુંબઈમાં ‘સનબીમ’માં અમરકુમાર પારેખ વિહવળ
બની ગયા છે. અમરકુમાર પારેખ, કરણની મદદથી નિશાંત સુધી પહોંચવાનો
પ્રયત્ન કરે છે. આખા ઘરની પરિસ્થિતિ અત્યારે નાજૂક છે. પુષ્પા કે
જૂઈ હોય દરેક ઘરની વ્યક્તિની અત્યારે જે મૂંઝવણમાંથી પસાર થઈ
રહ્યાં છે, તેનો કોઈ ઉકેલ અમરકુમાર પારેખની નજરે પડતો નથી. સવારે
નિશાંત ઉઠે છે, ત્યારે બાલુ એની બાજુમાં બેઠો હોય છે. નિશાંતને એ
આશ્ચર્યથી જોયા કરે છે. નિશાંત પોતાનો નિત્યક્રમ પતાવે છે. ત્યાં જ
બાલુ પોલિસવાળા વિશે પૂછે છે. કારણ કે પોલિસવાળાઓ આ શરમાળ અને
સામાન્ય આદિવાસી પ્રજાને ખૂબ હેરાન-પરેશાન કરતી હોય છે. નિશાંતને
બાલુની આંખમાં જોતા એટલું જરૂર સમજાય છે કે, સદીઓથી અપમાન અને
અગવડો વેઠતી પ્રજાને સહિયારો જોઈતો હતો. અહીં આશ્ચર્ય તો એ છે કે,
અહીંની પ્રજા કોઈ અજાણી વ્યક્તિ વિશે બીજા માણસને જાણ કેવી રીતે
કરતી હશે. જગુ, નિશાંતને મધ ખાવા આપે છે. અહીંના દરેક આદિવાસી
માનવને એકબીજા પ્રત્યે ખૂબ લાગણી હોય છે; પણ, આજ લોકો કાલીરામ સારો
માણસ નથી, એવું પણ કહે છે. પોલિસવાળા ખરાબ નથી હોતા એવું નિશાંત,
જગુને કહે છે. પછી બીજા દિવસે નિશાંતની યાદી
પ્રમાણે બારિયાસાહેબ દવાઓ તથા એક મોટર સાયકલ મોકલાવે છે અને સાથે
ચિઠ્ઠીમાં બારિયાસાહેબના મરોડદાર અક્ષર હતા, એમાં જાણે એણી લાગણીની
સરવાણીઓ ફૂટતી હોય એવું લાગે છે. ચિઠ્ઠીમાં જણાવ્યું હતું કે,
મોટરસાઇકલ મારા દીકરાની છે. આ વાંચી નિશાંત લાગણીવશ પોતાની આંખો
ભીની થાય છે. એક મહિનો થઈ ગયો હોવાથી દવાઓ ખાસ્સી વપરાય ગઈ છે.
સેલફોનની બેટરીની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. આ વિસ્તાર અને જંગલમાં
વસતા માનવો નિશાંતને હવે વધુ ગમતા થયા છે. અહીંનું સૌંદર્ય કે પછી
અહીંની માનવપ્રકૃતિ નિશાંતને બરાબર જકડી રાખે છે. બાલુની પત્ની જે
કંઈ બનાવે છે. એ નિશાંત જમી લે છે અને આ બધી પરિસ્થિતિથી ધીમે ધીમે
નિશાંત ટેવાય ગયો છે. ઇન્સ્પેકટર બારિયા, નિશાંતને જે કંઈ જરૂરિયાત
ઊભી થાય છે તેને પહોંચી વળવા પૂરેપૂરે મદદ કરે છે. બીજા દિવસે બાલુ
સાથે નિશાંત ‘ખરેટી’ પહોંચે છે. ‘ખરેટી’માં દવાખાનું ચલાવવું જોઈએ,
એવી તમામ વસ્તુઓની સગવડ બારિયા સાહેબે કરી રૂમમાં મૂકાવી હતી. બાલુ
ધીમેધીમે નિશાંતને સાહેબ કહેતો થયો છે. નિશાંતને આ જંગલ વિસ્તારનો
નકશો પણ મળી જાય છે. કાલીરામની મદદથી સાહેબ સાથે વાત પણ થાય છે.
બારિયાસાહેબ નિશાંતને ભાવતી ચોકલેટની પણ વ્યવસ્થા કરે છે. બેલા
સાથે ફોન પર બેલાને અહીં બોલાવવાની તેમજ લગ્નની વાત થાય. તેમજ
અહીંયાના આદિવાસીઓ સાથે રહેવા વગેરેની વાત પણ થાય છે. બાલુ,
મનીરામના છોકરાનું માથું ફૂટી ગયું છે એ જણાવે છે, નિશાંત જરૂરી
વસ્તુઓ લઈ બાલુ સાથે પહોંચે છે, એની સારવાર કરે છે અને એના પિતાએ જ
માર્યો છે એવી વાત જાણે છે. હવે નિશાંત આ પ્રજાના સુખદુઃખને બરાબર
ઓળખતો થઈ ગયો છે.
‘ખરેટી’માં નિશાંત અને બારિયાસાહેબ મળે છે.
ઇન્સ્પેકટર, નિશાંતને જણાવે છે કે, અહીંની આ આદિવાસી પ્રજા બહારના
માણસ પર ક્યારે વિશ્વાસ ન કરે અને જ્યારે વિશ્વાસ થઈ જશે, પછી
પોતાનો જીવ પણ આપી દે એવી આ પ્રજા છે. અહીં ભાવકને બારિયાસાહેબની
વાત ઉપરથી નગરસંસ્કૃતિ પર સીધો આદિવાસી સંસ્કૃતિનો પ્રભાવ પડતો
જોવા મળે છે. ત્યાંથી ઇન્સ્પેકટર, પોતાના કામમાં થોડા રોકાયા
હોવાથી નિશાંત, પોતાનો સમય પસાર કરવા માટે બેલાને ફોન કરે છે અને
જણાવે છે કે હું આજે ઇન્સ્પેકટર બારિયાનો મહેમાન થયો છું. નિશાંત
અને બેલા વચ્ચે બારિયાસાહેબ તરફથી જે ચીજ-વસ્તુઓ મળે છે તેની વાત
થાય છે. ત્યાંથી બારિયાસાહેબ નિશાંતને એક કપડાની દુકાનમાંથી કપડા
અપાવે છે. કપડાના પૈસા ચૂકવવા માટે નિશાંત બીલ માંગે છે. ત્યાં
ભાવકને કે વાચકને શહેરી સંસ્કૃતિની ઝલક નજરે પડે છે. પછી
બારિયાસાહેબના ઘરે પહોંચે છે. નિશાંત બારિયાસાહેબની પત્નીને પગે
લાગે છે. સાહેબના પરિવાર સાથે નિશાંતનો પરિચય થાય છે. નિશાંતના પર
કરેલા ખર્ચનો હિસાબ જ્યારે નિશાંત બારિયાસાહેબને પૂછે છે ત્યારે
બારિયાસાહેબ જણાવે છે કે, તમારા પિતાજીને પૂછી જુઓ. નિશાંત ચકિત થઈ
જાય છે, ઇન્સ્પેકટર બારિયા ઉપર નિશાંત ક્રોધે ભરાયો છે. ત્યારબાદ
બારિયા તો પોતાના પ્રાયશ્ચિત માટે મદદ કરે છે. પોતાના દીકરાને
પોતાની ભૂલથી ખોયો છે, એટલે માટે જ કદાચ અમરકુમાર પારેખને વાત કરી
છે. જેથી પોતે જે ગુનાહિત જીવન જીવે છે તેવું બીજા પિતા ન જીવે.
અમરકુમારની મદદથી જ આ બધું શક્ય બન્યું છે. બારિયાસાહેબની વાતની
અસર થોડી નિશાંતને થાય છે. બારિયાસાહેબ અને અમરકુમાર વચ્ચે થયેલી
વાત બધી બારિયાસાહેબ, નિશાંતને જણાવે છે.
નિશાંત પોતાની આગળની યોજના બારિયાસાહેબને જણાવે
છે. અહીં એ ડિસ્પેન્સરી ખોલવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને સાથે
લાઈટ, પાણી તથા રસ્તા વગેરેની વ્યવસ્થાની વાત પણ થાય છે. આ શહેરી
ડોક્ટર અશિક્ષિત પ્રજા માટે કઇંક કરવા વિચારે છે ત્યારે
બારિયાસાહેબ જણાવે છે કે, “આ પ્રજા અશિક્ષિત છે. ખાવું, પીવું અને
નાચવું એના સિવાય એમની કોઈ અપેક્ષા જ નથી. આ પ્રજામાં ભેગું કરવાની
વૃત્તિ જ નથી...” (પૃ.-૧૬૧) આ ગુણ આ આદિવાસી પ્રજાની સૌથી મોટી ઓળખ
છે. બારિયાસાહેબની મદદથી જંગલ ખાતાના અધિકારી પવન ઠાકુર સાથે વાત
થાય છે. નિશાંતે બીજા દિવસે જંગલ ખાતાના અધિકારી પવન ઠાકુર સાથે
વાત થાય છે. બારિયાસાહેબનું ઘર છોડતી વખતે બારિયાસાહેબની પત્નીની
આંખો ભીની થઇ છે. બંને બહેનો મધુ અને માલિની જીપ સુધી મૂકવા આવે
છે. પોતાની માતાની જેમ બારિયાસાહેબના પત્ની, નિશાંત આવી ઠંડીમાં
કશું પહેરવા કહે છે. ત્યારે નિશાંતના જવાબમાં આદિવાસી સંસ્કૃતિની
મહેક દેખાય છે... “આન્ટી હું હવે આદિવાસી જ થઈ ગયો છું અને હવે જો
બધું લેવા માંડીશ તો પાર નહીં આવે...” ચપૃ.-૧૬૫) તે સમયે નિશાંતને
પોતાની માતાની યાદ આવે છે. નિશાંતને જલદી પાછો ઘર આવી જવા તેની
માતા કહે છે. માં-દીકરા વચ્ચે લાંબી વાતો થાય છે. બીજા દિવસે
આર.એફ.ઓ. પવન ઠાકુરને ત્યાં નિશાંતને રામ પ્રસાદ મૂકવા જાય છે. પછી
નિશાંત, પોતાના મિત્ર કરણ સાથે અહીંના લોકો તથા અહીંની પ્રકૃતિના
સૌંદર્ય વિશે ફોન પર વાતો કરે છે. જ્યાં અત્યારે નિશાંત આવ્યો છે.
એ જંગલના વિસ્તારને ‘સીતાવન’ના નામે ઓળખવામાં આવે છે. અહીં જીવનમાં
જે પ્રાથમિક જરૂરિયાતો નથી તેથી બેલા હાલ બોલાવી શકાય નહીં. ત્યાં
જ પવન ઠાકુર આવે છે. વાતનો દોર બદલાય છે. પવન ઠાકુર નિશાંતને જે
રીતે આવકારે છે. તે પરથી તેમનો વ્યવહાર અને તેમના ચરિત્રની મહેક
જોઈ શકાય છે. પવન ઠાકુરને નિશાંતની તમામ માહિતી કાલીરામે આપી હોય
છે. જંગલમાં વસતા આદિવાસી કેટલા ચાલક તથા એમની દ્રષ્ટિ ક્યાં સુધી
પહોંચી શકે છે એ કાલીરામના પાત્ર દ્વારા નિશાંતને ખબર પડે છે.
ડિસ્પેન્સરીની ચર્ચા થાય છે. ડિસ્પેન્સરી માટે ‘બંદરખાની’ જગ્યા
નક્કી કરવામાં આવે છે. હોળીના તહેવારમાં આજુબાજુની તમામ આદિવાસી
પ્રજા અહીં ભેગી થાય છે. પવન ઠાકુર, નિશાંતને જણાવે છે કે અને આ
પ્રજાનો ખૂબ પ્રેમ અને હૂંફ મળ્યાં છે. બીજા દિવસે ‘બંદરબાની’ જવા
તૈયાર થાય છે. નિશાંત, બાલુને થોડા પૈસા આપવાની વાત કરે છે; પરંતુ,
બાલુ પાછા લેવાની શરતે લે છે. અહીં પણ સામાન્ય ગણતા આદિવાસી
પ્રજાના કપટ વિનાના જીવનના દર્શન થાય છે અને આટલા માટે શહેરી
સંસ્કૃતિ કરતા આ નવલકથામાં નવલકથાકારે આદિ સંસ્કૃતિની ચડિયાતી
બતાવી છે. નિશાંત જુએ છે કે ત્રણ દિવસ પહેલા પોતાના ઝૂંપડામાં જે
પરિસ્થિતિમાં જે વસ્તુઓ મૂકી ગયો હતો, તે બધું તેમને તેમ જ પડ્યું
હતું. અહીંની આદિવાસી પ્રજા ભલે અશિક્ષિત હોય કોઈએ પણ નિશાળ જોઈ
નથી; પરંતુ, અભણ આ પ્રજા કેટકેટલા જીવન મૂલ્યો સાથે જીવે છે. આ જ
તો આદિવાસી પ્રજા અને સંસ્કૃતિની સમજ છે.
‘બંદરબાની’ વન્યસૃષ્ટિની સંસ્કૃતિ અને સૌંદર્ય
ધરાવતું ગામ છે. બાલુ, નિશાંત સાથે ‘બંદરબાની’માં બધા સમાચાર આપે
છે. ડિસ્પેન્સરીનું કામ શરૂ થાય છે, પવન ઠાકુર આદિવાસી લોકોના
ટોળાની વચ્ચે ઊભા છે. થોડી ચડભડ સાથે દવાખાનાનું કામ શરૂ થયું છે.
આ ડિસ્પેન્સરી ઊભી કરવામાં બારિયાસાહેબ અને પવન ઠાકુરનો મોટો ફાળો
છે. નિશાંત, બાલુની ભાવનાને ખૂબ સાચવે છે. નિશાંત અને બાલુ સાથે
અહીં વસ્તા દરેક પરિવાર પણ ‘બંદરબાની’ આવવા માટે તૈયાર થઈ ગયા. આ
લોકોએ જે વિશ્વાસ નિશાંત ઉપર મૂક્યો છે. એ જોઈ શહેરી ડોક્ટર ઉપર
આદિવાસી પ્રજાનો એક જુદો જ પ્રભાવ વાચક જોઈ શકે છે. કરણ મુંબઈથી
બારિયાસાહેબને ત્યાં પહોંચી ગયો છે. કરણ, બારિયાસાહેબ તથા
બારિયાસાહેબનો પરિવાર અને પવન ઠાકુર વગેરે બધા જ ‘બંદરબાની’ ભેગા
થાય છે. કરણ અને નિશાંત એકબીજાને ભેટે છે.
કરણ અને નિશાંત વચ્ચે આટલા દિવસ વિશેની જાતભાતની
વાતો થાય છે. ત્યાં જ મધુ અને માલિની ટિફિન લઈને આવે છે. મધુ,
કરણને જોયા જ કરે છે. કરણ અને નિશાંત નિરાંતે ઊંઘતા હોય છે, ત્યારે
બેલાનો અચાનક ફોન આવે છે અને બેલા છાપામાં નિશાંતના ગૂમ થયાના જે
સમાચાર આવ્યા છે જે જાણ કરે છે. આ સમાચાર પછી બારિયાસાહેબ બંને
મિત્રોને જીપ દ્વારા પોતાની ઘરે બોલાવે છે અને તુરત જ મુંબઈ જવાની
વ્યવસ્થાની ગોઠવણ કરે છે. બારિયાસાહેબના સૂચનથી આ સમાચારને ખોટા
સાબિત કરવા માટે નિશાંત મુંબઈ પહોંચી પોલિસ સ્ટેશન તથા પ્રેસ
કોન્ફરન્સ બોલાવીને સાબિત કરવું પડશે કે પોતા ગૂમ નથી થયો. નિશાંત
મુંબઈ આવી રહ્યો છે તેવું પિતાને ફોન કરી જણાવે છે. અમરકુમાર
પોતાના વકીલ સાવલાને પણ પોતાને ઘેર બોલાવી પ્રેસ કોન્ફરન્સની
જવાબદારી સોંપે છે. નિશાંત સીધો જ જ્યાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી
છે, ત્યાં સ્ટેજ પર પહોંચે છે. અહીં આવી પોતાની ઓળખાણ આપે છે.
પત્રકારના એક પ્રશ્નના જવાબમાં નિશાંત પોતાની પરિસ્થિતિ અને જ્યાં
રહે છે, તે વિસ્તાર ટ્રાયબલ(આદિવાસી) છે. મારે પૈસા કમાવવાની જરૂર
નથી. મારે સામાન્ય માનવ સમાજને મદદ કરવી છે, એમ જણાવે છે. નિશાંતને
અનેક પ્રશ્નો પૂછવામાં આવે છે, જવાબ પણ આપે છે અને બેલા સાથે
પ્રેમનો એકરાર પણ કરે છે. બેલા નિશાંત જ્યાં હતો એ વિસ્તારના
વિડીયો કિલપિંગ્સ પણ બધાને બતાવે છે. નિશાંત પાંચ મહિના પછી ઘેર
પાછો આવ્યો છે. આખું કુટુંબ આનંદમાં છે. બેલાના મા-બાપને મળી છે.
બેલા સાથેનો લગ્નો પ્રસ્તાવ પણ નિશાંત જ જાહેર કરે છે. બધા
સ્વીકારી લે છે. બેલા અને નિશાંતનો પરિવાર જ્યાં નિશાંતની હોસ્પિટલ
તૈયાર થઈ રહી છે, ત્યાં જ બંનેની સગાઈ કરતા કહે છે અને પછી ત્રીજા
દિવસે બધા ‘રાજપુર’ જવાનું નક્કી કરે છે. અમરકુમાર પારેખ નિશાંતની
વાતનો સ્વીકાર કરી ત્યાં જવાની તૈયારી બતાવે છે. ત્યાં નવલકથા
પૂર્ણ થાય છે. સૌથી મોટી વસ્તુ એ છે કે નવલકથાકારે પોતાની
કળાકુશળતાથી આખી કથાને જે રીતે ગૂંથી છે. તે જોતા આ નવલકથા અંત
થોડો ઉતાવળો લાગે છે અથવા સર્જકથી ઉતાવળમાં થોડું કાચું કાપ્યું
હોવાનો ખ્યાલ ભાવકને આવે છે. કારણ જે પિતાના વિચારથી ભિન્ન વિચાર
ધરાવતો નાયક પોતાના ખ્યાલથી બધાને આટલી ઝડપે એક કરી શકે એવી શક્યતા
અમરકુમારના સ્વભાવમાં જ નથી. નવલકથાના ઉતાવળા અંતને લીધે, નવલકથાનો
હાર્દ થોડો કથળતો હોય એવું લાગે છે. છતાં જે આદિવાસી સંસ્કૃતિએ
શહેરી સંસ્કૃતિ પર પોતાનો પ્રભાવ પાથરી, શહેરી લોકોને આદિમાનવો
તરફનું જે આકર્ષણ ઊભું કર્યું છે એ સર્જકની મોટી સિદ્ધિ છે.
અમરકુમાર પારેખ ‘બંદરબાની’ જેવા જંગલ વિસ્તારમાં રસ્તા, લાઈટ,
નિશાળ, હોસ્પિટલ વગેરે બધું થશે એમ જણાવે છે. આ બધું બનતું નિશાંત
પોતાની આંખે નિહાળી રહ્યો હોય એવું અનુભવે છે. આ શરમાળ અને
નિરઉપદ્રવી પ્રજા, શહેરી લોકોને પોતાના તરફ ખેંચે છે. એ ઘરના
નાની-સૂની નથી માટે કહી શકાય કે આદિસંસ્કૃતિનો શહેરી સંસ્કૃતિ પર
કેટલો મોટો પ્રભાવ પડે છે.