‘શેરી નાટકનું સ્વરૂપ અને શેરી નાટક સામેના વર્તમાન પડકારો’
માનવજાતે નિપજાવેલી સર્વ કળાઓમાં નાટ્યકળા સૌથી ટકાઉ અને સાતત્યવાળું કળાસ્વરૂપ ગણાયું છે. નાટકને સાહિત્યનો પ્રકાર ગણવો કે સ્વાયત્ત કળા પ્રકાર ગણવો તેનો વિવાદ દીર્ઘકાળથી ચર્ચાતો રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમની સાહિત્યમીમાંસાનો મૂલાધાર નાટકનું સ્વરૂપ રહ્યું એ નિર્વિવાદ હકીકત છે. સાહિત્યના અન્ય સ્વરૂપોની તુલનાએ નાટકને માધ્યમગત ભિન્નતાઓ પ્રાપ્ત થઈ છે. એ બેવડા માધ્યમની કળા છે. માધ્યમગત ભિન્નતાને કારણે જ નાટક વૈવિદ્યસભર અભિવ્યક્તિ સાથે નિત્ય નાવિન્ય દાખવતું રહ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિ અને ટેકનોલોજીએ પણ આ સ્વરૂપને વિકસાવવામાં આગવી ભૂમિકા ભજવી છે. ટેકનોલોજીના આધુનિક સર્જનાત્મક વિનિયોગનું પરિણામ રેડિયો નાટકને ગણાવી શકાય. નાટક જેવું કળા સ્વરૂપ સુદીર્ઘ કાળથી અસ્તિત્વ ટકાવી શક્યું છે તેના કારણો પણ આ સ્વરૂપમાંથી જ મળી શકે તેમ છે. બદલાતા સમયને અનુરૂપ પોતાના આંતર-બાહ્ય સ્વરૂપમાં જરૂરી પરિવર્તનો સ્વીકારીને નાટ્યસ્વરૂપે પોતાની પ્રસ્તુતતાને સાબૂત રાખી છે. એ જ કારણ છે કે નાટકનું સ્વરૂપ જૂજવા રૂપે આજપર્યંત હયાતીમાં રહ્યું છે અને વિકસતું રહ્યું છે.
નાટકના સ્વરૂપે રેડિયો નાટક, માઈમ જેવા અવનવા રૂપો ધારણ કર્યા તેવું જ આધુનિક જમાનાનું તેનું એક નવીન સ્વરૂપ તે શેરી નાટક છે. શેરી નાટકને ‘એજીટ પ્રોપ’ (એજીટેશનલ પ્રોપેગન્ડા-આંદોલનાત્મક પ્રચાર)ના નામે પણ ઓળખવામાં આવે છે. કવચિત ‘પોસ્ટર થિએટર’, ‘વિરોધી વિચારધારાનું નાટક’ જેવા નામે ઓળખાવાયું છે. આ બહુવિધ નામોમાંથી આ સ્વરૂપની એકાધિક લાક્ષણિકતાઓ પ્રગટતી રહે છે. અન્ય સ્વરૂપો વિશે બન્યું છે તેમ શેરી નાટકની સ્પષ્ટ વ્યાખ્યા કરવાની વાત વિવાદાસ્પદ રહી છે. એક સીધીસાદી સમજણ એવી છે કે શેરીમાં, ચોકમાં, મેદાનમાં ભજવાય તે શેરીનાટક. જેનું સ્ટેજ ન હોય પ્રેક્ષકો ચારેબાજુથી જોઈ-માણી શકે તેવું નાટક. કદાચ આ ગેરસમજ તેના નામકરણને કારણે પણ હોઈ શકે. સૌથી પહેલા તો શેરી નાટકની પરંપરા હજારો વર્ષ જૂની છે એ ગેરસમજમાંથી વહેલી તકે બહાર આવી જવા જેવું છે. જે ખુલ્લા મેદાનો-શેરીઓ-ચોરચૌટે ભજવાય તે શેરી નાટક એવી સમજણ લઈને ચાલીએ તો ગુજરાતના ભવાઈથી માંડીને દેશ આખામાં ભજવાતા રહેલા લોકનાટ્યોને શેરીનાટકો ગણવા પડે. પ્રાચીન સંસ્કૃત નાટકો અને પ્રાચીન ગ્રીક નાટકો પણ ખુલ્લામાં ભજવાતા હતાં. પરંપરાગત લોકનાટ્યો સાથે શેરીનાટકના આદાનપ્રદાન અને તેને કારણે ઊભી થયેલી સમાન્તરતાઓનો અભ્યાસ-તુલનાત્મક અભ્યાસ અવશ્ય થઈ શકે પરંતુ તેને શેરીનાટક ગણાવી દેવું એ જુદી બાબત ગણાય. ખુલ્લામાં કે શેરીના ચોરેચૌટે ભજવાય તે શેરીનાટક હોઈ શકે પણ આવી મર્યાદિત સમજણથી શેરીનાટકને ન માપી શકાય. પ્રસિદ્ધ નાટ્યકાર હબીલ તન્વીર શેરી નાટકને મૂલતઃ વિરોધનું-ઉગ્રવાદી રાજકીય નાટ્યસ્વરૂપ તરીકે ઓળખાવે છે. (‘ચોર ચોર પર, ગલી ગલીમેં’-નાટકની પ્રસ્તાવના) નાટ્યસ્વરૂપની દૃષ્ટિએ શેરીનાટક વિશે હિરેન ગાંધીના અભિપ્રાયો આ સ્વરૂપની વિશેષતાઓને વધારે સ્પષ્ટ કરે તેવા છે.- “સામે ચાલીને પ્રેક્ષકો પાસે જતું અને તેમની વચ્ચોવચ્ચ ભજવાતું નાટક, કળાસ્વરૂપની દૃષ્ટિએ- ‘સામૂહિક કળાનું જીવંત સ્વરૂપ’, અનુભૂતિ સંદર્ભે- ‘પ્રેક્ષકે હસાવવા, રડાવવા કે ચિંતનની પ્રક્રિયામાં મુકવા કરતાં એને પીડવા, પડકારવા અને સંચારિત કરવા ધસતું નાટક’, સમૂહ-સંચારના માધ્યમ તરીકે- ‘સીધું, સોંસરું, સસ્તુ અને જનતા માટે સાવ હાથવગું માધ્યમ’, વળી સાહિત્યિક પરિભાષામાં કહીએ તો- ‘ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે ખેલાતું નાટક’ અને છેલ્લે ઐતિહાસિક સંદર્ભમાં ‘આધુનિક વ્યવસ્થાની વર્ગીય ચેતનાએ વિકસાવેલું સમાજવાદી શસ્ત્ર.’” (નવગુજરાત ટાઈમ્સ 21 ઓગસ્ટ, 1994)
માનવ સભ્યતાની સાંસ્કૃતિક ચેતનાએ શિષ્ટ રંગભૂમિના ઉદ્ભવને શક્ય બનાવ્યો છે. લોકનાટ્યોના ઉદ્ભવ, વિકાસ પાછળ મુખ્યત્વે લોકપરંપરાઓ, ઉત્સવો, વિધિ-વિધાનો, માન્યતાઓ, લાગણીઓ અને બંધાતી આવેલી સમજણની આગવી ભૂમિકા હોય છે. ટૂંકમાં કહી શકીએ કે ‘લોક’ની સામૂહિક ચેતનાએ શિષ્ટ અને લોક જેવા નાટ્યોનું સર્જન કર્યું. શેરીનાટક માટે આ ઉપરાંત સામાજિક, આર્થિક, રાજકીય ચેતનાની ભૂમિકા બહુ અગત્યની રહેવા પામી છે. પશ્ચિમના દેશોમાં પ્રગટેલી ઔદ્યોગિક ક્રાન્તિ શેરીનાટકની જન્મદાતા છે. શેરીનાટકના ઉદ્ભવ અને વિકાસ માટે આધુનિક યુગની વિકસેલી ચેતનાએ પાયાની ભૂમિકા ભજવી છે. તેની શૈલી નાટકના પરંપરાગત ઉપકરણોને સમાવીને કોઈક નિશ્ચિત હેતુ-ધ્યેયને તાકે છે. શેરીનાટક કળાના સ્વરૂપ કરતાં સ્થાપિત સામાજિક અને રાજકીય મિનારાઓને પડકારવાનું શસ્ત્ર છે. શેરીનાટકના મૂળ મૂડીવાદી રાજ્ય અને સામાજિક વ્યવસ્થાના આંતરવિરોધો સુધી વિસ્તરેલા છે. ઔદ્યોગિક ક્રાન્તિએ મૂડીવાદી વ્યવસ્થા અને આધુનિક માનવચેતનાને વાયુવેગે વિસ્તારી. સમગ્ર માનવસંસ્કૃતિ અને જીવનમૂલ્યોમાં અમૂલ પરિવર્તન આણ્યું. માનવજીવન કેન્દ્રમાં બજાર મુકાયું. ગામડાં તૂડ્યાં, શહેરો વિકસ્યા, વિસ્તર્યા અને સેંકડો મજૂરો-કામદારોનું મિલનસ્થાન બન્યા. અહીં જ તેમની વર્ગગત ચેતનાને વિકસાવવાની અનુકૂળ ભોંય સાંપડી. ઓગણીસમી સદીમાં પશ્ચિમના દેશોમાં જાગેલી વર્ગીય ચેતનાએ શ્રમિક આંદોલનો અને સંગઠનોને નક્કર સ્વરૂપ આપવા માંડ્યું. આ વિકસેલી ચેતના અને આંદોલનોએ પોતાના પ્રચાર-પ્રસાર માટે શેરીનાટક જેવું સાંસ્કૃતિક માધ્યમ તૈયાર કર્યું. આજે આપણે જેને ‘શેરીનાટક’ તરીકે ઓળખીએ છીએ તેના સ્વરૂપ અને શૈલીનો સૌ પ્રથમ અણસાર 1917ની રશિયન ક્રાંતિ પછીના ગાળામાં મળે છે. અનિવાર્યપણે રાજનૈતિક પ્રકૃતિ ધરાવતું આ નાટ્યસ્વરૂપ એના પ્રેક્ષકોને રંગભવનોમાં બોલાવવાને બદલે સામે ચાલીને તેમના રહેણાંક વિસ્તારો અને રોજગારીના સ્થળે જતું. જર્મની અને ચીન જેવા રાષ્ટ્રોમાં આ નાટકનો પ્રસાર આ સમયગાળામાં ઝડપથી થયો. સ્પેનમાં સિવિલ વૉર (નાગરિક યુદ્ધ)ના સમયમાં, વિયેતનામ, ક્યુબા, લેટિન અમેરિકા અને આફ્રિકન દેશો જ્યાં રાષ્ટ્રીય મુક્તિના સંઘર્ષો ખેલાતા હતા ત્યાં આ સ્વરૂપ વિકસ્યું.
ભારતમાં ચોથા દાયકામાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉદ્ભવેલા પરિબળોએ તથા વિદેશી સત્તાઓથી મુક્તિના અભિયાનના ભાગરૂપે ભારતીય ડાબેરી પક્ષોએ ‘ઈન્ડિયન પીપલ્સ થિયેટર’ (ઈપ્ટા) અને પ્રોગેસીવ રાઈટર્સ એસોસિએશન (પી.ડબલ્યુ)એ શેરીનાટક માટેની ભોંય તૈયાર કરી. અલબત્ત, ભારતીય પરંપરાગત લોકનાટ્ય ‘બાઉલ’ (બંગાળ)ની મદદથી રાષ્ટ્રીય આંદોલનની ચેતના ઉજાગર કરવાની પ્રવૃત્તિ આરંભાઈ ચૂકી હતી. 1976ના ‘થિયેટર સેન્સરશીપ એક્ટ’નો અંગ્રેજ શાસકોએ અમલ કર્યો હોવાથી રંગભૂમિના પ્રવાહે ઈતિહાસ અને પુરાણકથાઓની આડમાં સિફ્તપૂર્વક અંગ્રેજી શાસન વિરુદ્ધ પ્રજામત ઊભો કરવાની પ્રવૃત્તિ આરંભાઈ ચૂકી હતી. ઈ.સ.1905માં બંગાળના ભાગલા વખતે ‘જાત્રા’ અને ‘લોકસંગીત’ સમૂહોએ ગામડેગામડે શાસન વિરોધી પ્રચાર કર્યો જ હતો. ભારતમાં ‘પ્રગતિશીલ લેખક સંઘ’ (પી.ડબલ્યુ.એ.)નો ઈ.સ.1935માં જન્મ અને ‘ઈપ્ટા’ની સ્થાપના સૂચક ઘટનાઓ છે. મુંબઈની ઝુંપડપટ્ટીઓમાં રેશનની સમસ્યા, પાણીના પ્રશ્નો, વગેરે સમસ્યાઓને શાંતા ગાઁધીએ ભવાઈવેશના સ્વરૂપમાં ચોટદાર રીતે રજૂ કરી બતાવ્યા. આ નાટ્યસ્વરૂપના છેડા ક્યાંકને ક્યાંક રાજકીય ઉહાપોહ સાથે જોડાયેલા હતાં. 1950 પછી આઝાદી પછીના સમયગાળામાં આ સ્વરૂપે કંઈક અંશે મંદીનો અનુભવ કર્યો. આઝાદીના દોઢેક દાયકે દેશની જનતાને લાગ્યું કે મળેલ આઝાદી સાચું સ્વરાજ નથી. સાતમા દાયકાના મધ્યાન્તરે ખેડૂત આંદોલનો, મજૂર આંદોલનો, વિદ્યાર્થી આંદોલનો, મહિલા નવજાગૃતિ, દલિતચેતના, બેકારી અને મોંઘવારી જેવી સમસ્યાઓએ ભારતીય પ્રજામાનસને ઉશ્કેરવા માંડ્યું. વળી 1975માં સ્વદેશી શાસકોએ જનતા ઉપર લાદેલી કટોકટીને પરિણામે પ્રજાનો રહ્યો સહ્યો ભ્રમ ભાંગી ગયો. કટોકટી સામે સંઘર્ષો અને ચળવળોનો સ્વર તીવ્ર બનીને પ્રગટ્યો. આઠમા દાયકાના અંત ભાગમાં શેરીનાટકનો પુનર્જન્મ થયો. કટોકટીના પ્રતિકારને શેરીનાટકના માધ્યમથી અભિવ્યક્ત કરતા બીજાં કેટલાક નાટ્યજૂથો પણ અસ્તિત્વમાં આવ્યા. 1973માં સફદર હાશ્મીએ સ્થાપેલી ‘જન નાટ્યમંચ’ (જનમ), 1962-63માં અમૃતસરમાં ‘અમૃતસર કલા કેન્દ્ર’ સ્થાપનાર ગુરુશરણસિંહ, 1974માં દિલ્હી ખાતે ‘નિશાંત નાટ્યમંચ’ને અસ્તિત્વમાં લાવનાર શમ્સુલ ઈસ્લામ, કેરાલા રાજ્યમાં જનજાગૃતિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો પ્રચાર-પ્રસાર કરનાર કેરાલા શાસ્ત્ર સાહિત્ય પરિષદ (કે.એસ.એસ.પી.) જેવી સંસ્થાઓની ભૂમિકા નોંધપાત્ર હતી. કટોકટી અને ઉત્તરકટોકટીના ગાળામાં દેશના અગ્રગણ્ય શેરીનાટય જૂથોએ સતત અને નિયમિતપણે શેરીનાટકો ભજવ્યાં. ‘મુલ્ગી ઝાલી’ (દીકરી આવી રે) જેવા નાટકોના તો કહેવાય છે કે પાંચ હજારથી વધારે પ્રયોગો થયા હતા. સ્ત્રી-પુરુષ સમાનતા, દલિત ચેતના, શોષિત પીડિત વર્ગની એકતા જેવા નવજાગૃતિના મુદ્દાઓનો શેરીનાટકોએ વ્યાપક પ્રચાર કર્યો હતો. એ દાયકામાં કેટલાંક નોંધપાત્ર શેરીનાટ્ય મહોત્સવો અને નાટ્યજાત્રાઓનું આયોજન થયું. શાહબાનો કેસ, રૂપકુંવરનું સતી થવું, ગર્ભપરીક્ષણ જેવા બનાવો વિશે જાગૃતિ આણવા સ્ત્રીસંગઠનોએ શેરી નાટકનો વ્યાપક ઉપયોગ કર્યો. પશ્ચિમી દેશોમાં વિકસેલી શૈલી અને સ્વરૂપમાં થોડાઘણા ફેરફાર સાથે આ પ્રકારના નાટકો ભજવાતા રહ્યા.
શેરીનાટક નાટકનું જ એક સ્વરૂપ હોવા છતાં તેને પોતાનું આગવું વ્યાકરણ છે. એનાં મૂળતત્વો રંગભૂમિની જરૂરિયાત મુજબના છે. પરંતુ તેની આશયપરકતા અથવા પ્રતિબદ્ધતાને કારણે તખતાની રંગભૂમિ કરતા એ જુદું પડે છે. શેરીનાટક પ્રજામાત્રનો આક્રોશ, અસંતોષ અને બેચેની અભિવ્યક્ત કરવાનું બહાનું માત્ર નથી. એનું મુખ્યકાર્ય વિશિષ્ટ પરિસ્થિતિઓનું રાજકીય વિશ્લેષણ કરીને પ્રેક્ષકોની ચેતનાને દિશા આપવાનું હોવાનું હિરેન ગાંધી જણાવે છે. (નવગુજરાત ટાઈમ્સ 9-10, 1994) શેરીનાટકો એવી રાજકીય, સામાજિક સમસ્યાઓ પર તૈયાર કરાય છે જે શાસકવર્ગ દ્વારા પેદા કરવામાં આવી છે અને જેની ગંભીર અસરોથી જનતા પ્રભાવિત થઈ રહી હોય છે. સમાજની સઘળી સમસ્યાઓના વિશ્લેષણથી શેરીનાટક દૂર રહે એ તેના પોતાના હિતમાં છે. સમાજસુધારાના લાંબાલચક ભાષણોથી દૂર રહીને એકાદ બે રૂપકોને આધારે નક્કર માળખું ગોઠવવાનું રહે. શેરીનાટકની શરૂઆત અતિનાટકીય, વિસ્ફોટક અને ચોંકાવનારી હોવી જોઈએ. ઢોલ અને ડુગડુગીનો રણકાર, બૂમાબૂમ ચીસાચીસનું દૃશ્ય, તીવ્રસ્વરે ગવાતું ગીત વગેરે યોજનાઓ પ્રેક્ષકોનું સાદ્યંત ધ્યાન ખેંચે, નાટક જોવા મજબૂર કરે. ઢોલ, ડફલી, ઝાંઝ પ્રકારના તાલવાદ્યોનો અવાજ દૂર દૂર સુધી પહોંચે આથી એ પ્રકારના વાદ્યોનો ઉપયોગ વ્યાપકપણે થતો રહ્યો છે. ચાર રસ્તે, શેરીઓમાં બજાર, બગીચા જેવા જાહેર સ્થળોએ ભજવાતું હોવાથી અવરજવર-ઘોંઘાટના વ્યવધાનોને ભેદ તેવો બુલંજ અવાજ તેના સંવાદોની અનિવાર્ય શરત બની રહે છે. કોરસનો ઉપયોગ પણ સંવાદને વધારે અસરકારક બનાવી શકે છે. શિષ્ટ નાટકોમાં રજૂ થતા ‘સૂક્ષ્મ’ અભિનયને શેરીનાટકની પ્રકૃતિને પ્રતિકૂળ રહે છે. શેરીનાટકને બોલકી-લાઉડ પ્રકારની ક્રિયાઓ એક્શન વધારે અનુકૂળ રહે છે.
શેરી નાટક વિશે એ પણ જાણવું જોઈએ કે તેનું અસ્તિત્વ ધનપ્રાપ્તિ સાથે કોઈ નિસબત રાખતું નથી. તેમણે જે પ્રાપ્ત કરવું છે તે બહુ સ્પષ્ટ અને પૂર્વનિર્ધારિત છે. શેરીનાટકનું લક્ષ્ય નવા સમાજનું, સારી સ્થિતિનું નિર્માણ કરવાનું હોય છે. કાર્યકર અને કલાકારને જુદા પાડી શકો નહીં તેવું અભેદ્ય તેમાં રચાયેલું હોય છે. લોકનાટ્યની જેમ અતિઅલ્પ ભૌતિક જરૂરિયાતોથી પોતાનું કામ પાર પાડતું છતાં નવ્યસમાજ નિર્માણનો ઉચ્ચ આદર્શ સેવતા નાટકના આ સ્વરૂપની કસોટીઓ પણ આકરી જ હોય છે. શેરીનાટકના કલાકાર પાસે પ્રેક્ષકોનું સામીપ્ય તેની આગવી મૂડી છે. પ્રેક્ષકને પોતાની જેમ વિચારતો કરવાનું સામર્થ્ય ત્યારે જ પ્રગટે જ્યારે કલાકાર પ્રેક્ષકો વચ્ચે અદીઠ આત્મીય સંબંધ સ્થપાય. શેરી, ગલી, વિસ્તાર કે ગામના પ્રેક્ષકો સાથે કેવો વ્યવહાર કેળવાય એ પણ એટલું જ મહત્વનું બની રહે.
પ્રતિબદ્ધ રંગકર્મીઓ શેરીનાટકને સંઘર્ષનું શસ્ત્ર માને છે. એ જનસમૂહ વચ્ચે જઈ સીધી સોંસરી ભાષામાં પ્રેક્ષકો સામે આંદોલનના મુદ્દાઓ રજૂ કરે છે. પ્રેક્ષકોને આંદોલન સંદર્ભે તત્કાલ આ કે તે પક્ષ લેવા ઉશ્કેરે છે. આમ, શેરીનાટકને સામાજિક-રાજકીય આંદોલન સાથે સીધો નાતો છે. આંદોલનની ગેરહાજરીમાં એનું અસ્તિત્વ શક્ય નથી. ગુજરાતમાં શેરીનાટકો ઓછા ભજવાય છે. જે ભજવાયા છે તે વ્યાપક અસર નથી નિપજાવી શક્યા. ભવાઈ જેવું લોકનાટ્ય ધરાવતા ગુજરાતમાં શેરીનાટક ઝાઝુ પાંગર્યું નહિ તેના કારણોમાં જઈએ તો સમજાય કે ગુજરાતમાં નિસબતવાળા ક્રાંતિધર્મીઓની હંમેશા અછત રહેવા પામી છે. હિરેન ગાંધીનું આ નિરીક્ષણ પણ બહું મહત્વનું છે- “ગુજરાતનું શેરીનાટક ‘પ્રયોગધર્મીઓ’ અને ‘સમાજધર્મીઓ’ના સાંકડા કુંડાણાઓ વચ્ચે ઝોલ ખાઈ રહ્યું છે.” (નવગુજરાત ટાઈમ્સ 27-11, 1994) આજે જોઈએ તો ભારતીય શેરીનાટકના તખ્તા ઉપર પ્રભાવ ધરાવતા સફદર હાશ્મી અને ગુરુશરણસિંહ જેવા નાટ્યકર્મીઓની ગેરહાજરી છે. ભારત જેવા વિશાળ દેશમાં જુદા જુદા વિસ્તારોમાં પોતપોતાની રીતે મથ્યા કરતાં શેરીનાટ્ય જૂથો વચ્ચે કોઈ કડી સર્જાઈ હોવાનું જણાતું નથી. આ ક્ષેત્રમાં કાર્યરત નાટ્યકર્મી વચ્ચે સંવાદ, શક્યતા ઊભી થાય, અનુભવોનું આદાનપ્રદાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થવું જરૂરી છે. દેશમાં સ્થિતિ સાવ ઉલટી છે. શેરીનાટકની પ્રવૃત્તિના વ્યાપને વિસ્તારે, તેના વિશેની જાગૃતિ કોમનમેન સુધી લઈ જાય તેવા માધ્યમો (પત્રિકા)ની ખોટ વર્તાય છે. શેરીનાટકના સ્વરૂપ વિશે કોઈ કૉલેજ-યુનિવર્સિટીએ પરિસંવાદ, વર્કશોપ કરવાની પહેલ કરી નથી. શેરીનાટકના સ્વરૂપની પ્રસ્તુતતા, ઉપયોગિતા સમજાવનારા પુસ્તકોનો અભાવ છે. ક્રાન્તિની મશાલ લઈને અગ્રેસર થનારની દશા કેવી થઈ શકે તેનો વરતારો કરવો અઘરો નથી.
એક બાબત તેના સ્વરૂપ પરત્વે એ પણ વિચારવા જેવી છે કે પશ્ચિમી દેશોમાંથી આયાત થયેલા આ નાટ્યસ્વરૂપનું ‘ભારતીયકરણ’ થઈ શક્યું છે ખરું? પરંપરાગત લોકનાટ્ય સ્વરૂપોની વિશિષ્ટતાઓ, ટેકનિક્સ, શૈલીઓને શેરીનાટક સાથે જોડવાનો પ્રયાસ પણ થયો નથી. રંગલો-રંગલી, અડવો, સૂત્રધાર જંબુરિયો જેવા સમાજના લોકપ્રિય પાત્રો, પ્રચલિત લોકઢાળના આધારે તૈયાર કરાતા ગીતો, લોકસંગીત વગેરેનો ઉપયોગ શેરનાટકના રંગકર્મીઓએ નોંધપાત્ર રીતે કર્યો છે છતાં દેશની ગ્રામીણ જનતાને લાગે તેવું પોતીકું સ્વરૂપ નિપજાવવું હજી શક્ય બન્યું નથી. લોકગીતો કે લોકઢાળમાં જનતાના દિલોદિમાગમાં સાદ્યંત પહોંચી જવાની ક્ષમતા છે, તાકાત છે એવી જ બલ્કે એથી વધારે તાકાત લોકનાટ્ય સ્વરૂપોમાં પડેલી છે. શેરીનાટકોએ એ તાકાતનો ઉપયોગ કરવાની જરૂર છે. દેશની જનતાની પ્રવર્તમાન સમસ્યાઓ, બળાત્કારોનું વધતું પ્રમાણ, ખેડૂતોની સમસ્યાઓ, બેકારી, સત્તાઓનું દમન, નારીસમસ્યાઓ, આદિવાસી-દલિતોની સમસ્યાઓ, લોકશાહીના ફારસ જેવી ચૂંટણીઓ, લોકશાહીનું હનન જેવા વિષયો શેરીનાટકમાં પ્રયોજાય તો આમજનતાને જીવાતા જીવનનું પ્રતિબિંબ નાટ્યસ્વરૂપમાં ભળાય. શેરીનાટક સામેના આવા પડકારોને પહોંચી વળવાની મથામણ થાય તો મંદીમાં સપડાયેલું શેરીનાટક પુનઃ ચેતનવંતુ બને.
સંદર્ભ ::
- સ્ટ્રીટ થિયેટર- લે. હિરેન ગાંધી
- નુક્કડ નુક્કડ આંગન આંગન (હિન્દી)
- ચૌક ચૌક પર ગલી ગલી મેં- ભાગ-1, 2