Download this page in

‘અપરાજિતા’ વાર્તામાં સ્વાભિમાની નારીનું આલેખન

સમરસેટ મોમની ‘અપરાજિતા’ વાર્તામાં બીજુ વિશ્વયુદ્ધ ચાલતું હતું તે સમયને દર્શાવાયો છે. બીજા વિશ્વયુદ્ધ વખતે વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. બધા જ દેશો મિત્ર રાજ્યો અને ધરી રાજયોની બે ટુકડીઓમાં સામેલ થયા હતા. જે દેશ નાનો અને ઓછી સૈન્ય તાકતવાળો હોય તેની પડખે અમેરિકા, રશિયા, જર્મની, ઈંગ્લેન્ડ જેવા મોટા દેશો આવતા અને યુદ્ધમાં પુરી તાકાત લગાવી પુરતી મદદ કરતાં. પ્રસ્તુત વાર્તામાં ફ્રાંસ દેશ ઉપર હિટલરના નેતૃત્વવાળી જર્મનીની સેનાએ કબજો જમાવ્યો ત્યારે ફ્રાન્સના સૈનિકોને યુદ્ધકેદી બનાવવામાં આવ્યા જ્યારે તેમની મદદ કરતા ઈંગ્લેન્ડના સૈન્યએ પણ આસપાસના ટાપુઓ પર પીછેહઠ કરી હતી. ફ્રાન્સના ઉપરી અધિકારીઓ પ્રજા સાથે સારો વ્યવહાર રાખવો એવું તેમના સૈનિકોને સમજાવતા હતા, પણ અમુક સૈનિકો દારૂના ભાનમાં પ્રજા પર અત્યાચાર ગુજારે છે અને તેના કારણે એક ખેડુત પરિવારને કેવું વેઠવું પડે છે, જે છોકરી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તેની જિંદગી કેવી દયનીય બને છે અને આ પરિસ્થિતિનો કેવો સામનો કરી અંતે પોતે જેવુ દુખ વેઠયું હતું તેવું જ દુખ તે જર્મન સૈનિક હાન્સને આપે છે તે વાર્તાના અંતે જોવા મળે છે. એક બાજુ હિટલરની સેના દ્વારા લોકોને રંજાડવામાં આવતા તો ફ્રાન્સના જ અમીર ઉમરાઓ દ્વારા લોકોને પાયમાલ કરવામાં આવતા હતા.

વાર્તામાં આવતા મુખ્ય પાત્રો વિષે વાત કરીએ તો જર્મન સૈનિક હાન્સ, તેનો મિત્ર વિલ્લી, ફ્રાન્સના ખેડુત પરિવારમાં મિસ્ટર પેર્યે, શ્રીમતી પેર્યે, તેમની દીકરી આનેત જે એક શિક્ષિકા છે. આનેતના ભાઈની વાત શ્રીમતી પેર્યે અને હાન્સના સંવાદોમાં જ થાય છે. તો આનેતનો પ્રેમી પ્યેર ગાવાં શિક્ષક હતો તે યુદ્ધકેદી હતો અને ત્યાંજ જેલમાં ગોળીએ દેવામાં આવે છે તે હાન્સ અને શ્રીમતી પેર્યેના સંવાદોથી ખબર પડે છે. હાન્સ દ્વારા દારૂની હાલતમાં આનેત ઉપર બળાત્કાર ગુજારાય છે અને તે પછી જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેની સમગ્ર વાત આ વાર્તામાં આલેખન પામી છે. આનેત દ્વારા અંત સુધી હાર માનવામાં આવતી નથી પોતાનું સ્વમાન જાળવવા પોતાના જ નવજાત બાળકનું તે ખૂન કરે છે અને હાન્સને છેવટ સુધી ધૂત્કારે છે તે વાર્તાનું મુખ્ય કથા ઘટક છે.

વાર્તાની શરૂઆત આનેતના ઘર આગળના આંગણાના દ્રશ્યથી જ થાય છે. હાન્સ અને વિલ્લી બંને રસ્તો ભૂલી ગયા હોવાથી આંગણામાં આવી રસ્તો પૂછે છે અને ઘરમાં દારૂની બોટલ જોતાં અંદર આવે છે. ત્યાં થોડીવાર રોકાય છે વાતો થાય છે શ્રીમતી પેર્યે દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવે છે પણ આનેત ગુસ્સામાં તેમને ઘરમાંથી બહાર નીકળી જવાનું કહે છે. હાન્સ દ્વારા દારૂની બેભાન અવસ્થામાં આનેતને ચુંબન કરવાનો પ્રસ્તાવ મુકાય છે, આનેત તેનો અસ્વીકાર કરે છે. હાન્સ પછી બળજબરી કરે છે અને આનેતને છોડાવવા આવતા તેના માતાપિતાને પણ હડસેલી મૂકે છે ભીંતમાં અથડાવાથી તેઓ ઘાયલ થાય છે. વિલ્લી દ્વારા હાન્સને આમ ન કરવા સમજાવવામાં આવે છે પણ ઉપરથી વિલ્લીને હાન્સ બાયલો કહે છે. અને આનેતને બીજી ઓરડીમાં લઇ જઇ બળાત્કાર ગુજારે છે. અને પાછો વિલ્લીને પણ તેમ કરવાનું કહે છે પણ વિલ્લી મોડુ થાય છે એવું બહાનું કાઢે છે.
‘મને સમજાતું નથી કે મારે જવું જોઈએ? આપણને મોડું થઈ રહ્યું છે.’
‘મૂરખ થા મા. તું મર્દ છે. છે કે નહીં? મોડું થાય તો શું ખાટુમોળું થઈ જવાનું છે? આમેય આપણે ભૂલા તો પડયા જ છીએ.’ (પેજ-૭)

આમ, બંનેના સંવાદ ચાલે છે પણ વિલ્લી એકનો બે થતો નથી અને બંને જણા ઘર બહાર નીકળી જાય છે. તેઓ પાછું વળી જુવે છે તો ખેડુત અને તેની પત્ની તે ને ત્યાંજ પડી રહ્યા હતા. શ્રીમતી પેર્યે પડી પડી વિચાર કરતી હતી તે જ વખતે તેમને એક ફ્રેંચ કહેવત યાદ આવે છે.
‘આ તો પાશેરામાં પહેલી પૂણી છે. આગળ હજી કેટલુય વેઠવાનું બાકી છે.’ (પેજ-૧૧)

આ કહેવત મૂકીને વાર્તાકાર દ્વારા જણાવાયું છે કે આ તો યુદ્ધની શરૂઆત છે અને જેમ જેમ દિવસો પસાર થશે તેમ વધારે કપરી સ્થિતિ આવવાની છે તેનો સંકેત દર્શાવ્યો છે. ઊભા થઈ તે દીકરી આનેત પાસે જાય છે તો આનેત ખાટલામાં નિશ્ચેત થઈને પડી રહી હતી. અને માને જોતાં જ ચોધાર આંસુએ રડવા લાગે છે. તે પછીના અનેક દિવસો સુધી તે બીમાર જ રહે છે અને પથારીમાંથી ઉઠતી જ નથી. ત્રણ મહિના થવા છતાં તે બહાર બેસતી નથી તેની માસિકપાળી અનિયમિત તો હતી જ, પણ તેમને કંઈક વહેમ જાય છે તેથી યુદ્ધના દિવસો ચાલતા હોવા છતાં બે-ત્રણ ડોક્ટરો પાસે મહામુસીબતે જઈ આનેતને ગર્ભ રહ્યો છે તેની ખાતરી કરે છે. એક દાયણ દ્વારા ગર્ભપાત કરવા માટે દવા આપવામાં આવે છે પણ તે દવાથી આનેત વધારે બીમાર પડે છે અને અનેક દિવસો સુધી પથારીવશ રહેવું પડે છે છતાંય ગર્ભપાત થતો નથી.

બે-ત્રણ મહિના પછી હાન્સ ફરી સ્વાસામાં આવે છે. આનેતના ઘરે જાય છે અને તેમનું દિલ જીતવા માટે હાન્સ વારંવાર કંઈક ને કંઈક ખાવાની ચીજવસ્તુઓ લાવે છે. એ તેમની સાથે સબંધો વધારવા માગતો હતો. પણ આનેત હાન્સની લાવેલી એક પણ ચીજ અડતી નથી. અને હાન્સને ધૂત્કારે છે. હાન્સને આનેત ગર્ભવતી છે એ ખબર હોતી નથી એ તો અગાઉ દારૂની હાલતમાં જે બન્યું હતું તેને ફક્ત એક અકસ્માત જ ગણે છે અને શ્રીમતી પેર્યે સાથે વાત કરતાં કહે છે.
‘હું જ્યારે વિલ્લી સાથે અહીં આવ્યો ત્યારે જે કંઈ બન્યું એ આખરે તો એક અકસ્માત હતો. તમારે મારાથી ડરવાની જરૂર નથી. આનેતને હું મારી સગી બહેન હોય એવું માન આપું છું.’ (પેજ-૧૫)

અહીં હાન્સના વ્યક્તિત્વમાં સારા અને ખરાબ બંને ભાવોનું અસ્તિત્વ છે. તેણે દારૂની હાલતમાં જેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો તેને જ થોડા મહિના પછી બહેન જેવી ગણે છે. અને પાછળથી જ્યારે તે પોતાના બાળકની માં બનવાની છે તે જાણીને ખૂબ જ ખુશ થઈ જાય છે. અને અનેક ખાવાપીવાની વસ્તુઓ લાવે છે. હાન્સ ફ્રાન્સની પ્રજાના મુંગા વેરભાવથી કંટાળ્યો હતો. ફ્રાન્સના લોકો જર્મન સૈનિકો તિરસ્કાર ભર્યો ભાવ રાખતાં હતાં. અને તેમની સામું જોતાં પણ નહીં. પછી હાન્સ પોતાના મનમાં આવું ખરાબ કૃત્ય શા માટે કર્યું તેની મુંઝવણ અનુભવે છે. અને પોતે વિચારે છે.
‘જો તે જર્મન લશ્કરના મહાન વિજયથી ઉત્તેજિત ન થયો હોત, જો તે એટલો થાકેલો અને તે છતાં એટલો આનંદિત ન હોત, ખાલી પેટે જો એણે એટલો બધો દારૂ ન ઢીંચ્યો હોત તો આ છોકરી સાથે એ આવું કશું અટકચાળું કરી શકે એ વાત એના ભેજામાં આવી જ ન હોત.’ (પેજ-૧૫)

હાન્સ ને શ્રીમતી પેર્યે જણાવે છે કે તેમને એક દીકરો હતો. તેને યુદ્ધની શરૂઆતમાં જ લશ્કરમાં બોલાવવામાં આવ્યો હતો, પણ ન્યુમોનિયાના કારણે તે નાન્સીની હોસ્પીટલમાં મૃત્યુ પામ્યો હતો. તે આનેત જેવા જ સ્વભાવનો હતો. તે જીવતો હોત તો પણ પરાજયની શરમ જીરવી શક્યો ન હોત. આ સાંભળી હાન્સને ખુબ જ દુખ થાય છે અને તે કહે છે.
‘તમે લોકો શા માટે પોલાંડવાસીઓ માટે લડવા માગતા હતાં? એ લોકો તમારા શું સગા થતા હતાં?’
‘તારી વાત સાચી છે. જો અમે તમારા હિટલરને પોલાંડ જીતવા દીધું હોત, તો કદાચ એણે અમને છોડી દીધા હોત.’ (પેજ-૧૭)

પછી વારંવાર હાન્સ આનેતના ઘેર આવતો રહે છે. એકવાર આનેત ઘરે એકલી હતી અને હાન્સ આવી ચડે છે ત્યારે આનેત ગુસ્સામાં પોતાનું ફુલેલું શરીર બતાવે છે અને ચોધાર આંસુએ રડવા લાગે છે. જ્યારે હાન્સ ખુશીનો માર્યો લાલચોળ થઈ જાય છે. અને આનેતને બાથમાં લેવા નજીક જાય છે ત્યાં જ આનેત તેને ધક્કો મારી હડસેલી મૂકે છે. અને પોતાની આ પરિસ્થિતિનો જવાબદાર તે હાન્સને જ ગણે છે. હાન્સ ત્યાંથી ચાલ્યો જાય છે અને આ વાતની ખાતરી કરવા શ્રીમતી પેર્યેને એકલા મળવાનો મોકો શોધે છે. એકવાર રસ્તામાં બંનેનો મેળાપ થાય છે અને હાન્સને તેઓ બધી જ હકીકત જણાવે છે. ત્યારબાદ હાન્સ અનેકવાર ખવાપીવાની ચીજવસ્તુઓ લઈને આપી જાય છે. આનેતના માતાપિતા તે ખાય છે પણ આનેત તેની કોઈ ચીજ ખાવા તૈયાર નથી. હાન્સ આનેત સાથે લગ્ન કરવા માંગે છે તેના માતપિતાને સમજાવી લે છે. તેઓ પણ વિદેશીઓની સત્તાથી મજબુર અને દીકરો મૃત્યુ પામ્યો હોવાથી પરિસ્થિતિને વશ થઈને જ હા પાડે છે. પોતાની વૃદ્ધાવસ્થામાં હાન્સ ખેતરનું બધુ જ કામ કરશે અને પૈસાદાર હોવાથી ખેતીના બધા જ સાધનો વસાવશે એવી આશા રાખે છે. તેથી આનેતને પણ અનેકવાર સમજાવે છે, પણ આનેત એકની બે થતી નથી. આનેત સ્વાભિમાની હતી માટે માતપિતાને તે સમજાવે છે કે,
‘આ માણસ પાસે દુનિયાભરની ચાલાકીઓ છે.’ એ વ્યંગમાં બોલી ઊઠી. એણે હાન્સ સામે નજર નાખી ‘મારું સ્થાન બહુ આદરભર્યું હશે નહીં? હારેલા દેશની પરદેશી છોકરી.... એય વળી વગર લગ્ને બાળકને જન્મ આપનારી.... આ વાતથી મને બહુ ખુશી મળતી હશે નહીં? મારી સામે બહુ સરસ તક છે નહીં?’ (પેજ-૨૩)

આમ, આનેત માનતી નથી અને તે પોતાનો પ્રેમી પ્યેર ગાવાં શિક્ષક હતો તે જેલમાં છે તેની રાહ જુએ છે પણ તેને જર્મન સેના વિરુધ્ધ ષડયંત્ર રચવા બદલ જેલમાં પુરવામાં આવ્યો હતો. ત્યાં કેદીઓની નેતાગીરી કરવા બદલ ગોળીએ દેવામાં આવ્યો હતો. આ વાત પ્યેર ગાવાંનો એક યુદ્ધકેદી મિત્ર જેલમાંથી ભાગી છૂટ્યો હતો તે આનેતના ઘેર આ ખબર આપે છે. એ વાત શ્રીમતી પેર્યે હાન્સને કહે છે તે સાંભળી હાન્સ ખુબ જ ખુશ થાય છે જ્યારે આનેત ખુબજ દુખી થાય છે. અને રડમસ ચહેરે પોતાની ઓરડીમાં ભાગી જાય છે. હાન્સ દ્વારા આનેતને મનાવવાના અનેક પ્રયત્નો થાય છે પણ તે બધા જ નિષ્ફળ નીવડે છે. થોડાં દિવસો પસાર થાય છે. હાન્સ જ્યારે આનેતના ઘરે પાછો આવે છે ત્યારે તેની મા પાસેથી આનેતે બાળકને જન્મ આપ્યાની વાત સાંભળે છે. અને તે આનંદિત થઈ ઉઠે છે ત્યારે બાળક છોકરો છે અને તે હાન્સના જેવો જ છે તેમ શ્રીમતી પેર્યે જણાવી તેનું વર્ણન કરે છે.
‘એના માથા પર બોથડ મોવાળા છે અને વળી તારા જેવા જ સોનેરી છે, અને તું કહેતો હતો એવી, બરાબર તારા જેવી જ ભૂરી આંખ છે.’ શ્રીમતી પેર્યેએ કહ્યું મે કદી પણ આટલું સુંદર છોકરું નથી જોયું, એ બરાબર એના બાપ પર જવાનો,’ (પેજ-૩૩)

આ સાંભળી હાન્સ ખુશ થાય છે અને આનેત અને તેના બાળકને મળવાનું કહે છે. શ્રીમતી પેર્યે આનેતને તકલીફ આપવાનું ના કહે છે પણ હાન્સની તીવ્ર ઈચ્છા હોવાથી ફક્ત બાળકનું મોં જોવાની શરતે લઈ જાય છે. પણ ત્યાં તો આનેત અને નવજાત શિશુ રૂમમાં દેખાતા નથી તેથી હાંફળા-ફાંફળા આખા ઘરમાં તપાસ કરે છે પણ ક્યાંય મળતા નથી. ત્યારે તેની માના મનમાં અચાનક વિચાર આવે છે કે તે વહેળા બાજુ તો નથી ગઈ ને? હાન્સને કહેતાં જ તે ઉતાવળો બારણું ખોલે છે ત્યાં તો ભીંજાયેલિ આનેત ઘરમાં પ્રવેશે છે. તે જ ક્ષણે તેની માં આનેતને બાથમાં લઈ લે છે અને બાળક ક્યાં છે એમ પૂછે છે ત્યારે આનેત હાન્સ તરફ જોઈ આક્રોશ પૂર્વક જવાબ આપે છે.
‘આનેત તેં બાળકને શું કર્યું?’
‘મેં એજ કર્યું જે મારે કરવું જોઈતું હતું. હું એને ત્યાં વહેળા પાસે લઈ ગઈ અને એ મરી ન જાય ત્યાં સુધી એને પાણીમાં ડુબાડી રાખ્યું.’ (પેજ-૩૪)

આ સાંભળતા જ હાન્સે જોરથી બરાડો પાડયો અને મરણતોલ ઘવાયેલા પ્રાણીની જેમ ઘરની બહાર નીકળી ગયો. અને આનેત ખુરશીમાં ફસડાઇ પડી અને બેઉ હાથ પર માથું ઢાળીને હૈયાફાટ રડવા લાગી. આમ આ વાર્તામાં વાર્તાકારે પરાજિત દેશની અપરાજિતા સ્ત્રીને દર્શાવી છે તેની ઉપર બળાત્કાર ગુજારવામાં આવે છે તેનાથી ગર્ભ રહે છે તેમ છતાં તે પોતાના સ્વમાનને જાળવી રાખે છે. તે હાન્સને તાબે થતી નથી અને પોતાને જેવુ દુખ પડ્યું હતું તેટલું જ દુખ હાન્સને આપવા તે પોતાના નવજાત બાળકને વહેળામાં ડુબાડીને મારી નાખે છે સાથોસાથ પોતાની મમતાને પણ ડુબાડી દે છે. અને ઘરે આવી ચોધાર આંસુએ રડવા લાગે છે આમ વાર્તાનું શીર્ષક ‘અપરાજિતા’ યોગ્ય નીવડે છે.

સંદર્ભ ગ્રંથ:

  1. અનુ-સંગ,અનુવાદ-શરીફા વીજળીવાળા, પ્રકાશક-ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. આંબાવાડી, અમદાવાદ, ૩૮૦૦૦૬, પ્રથમ આવૃત્તિ- ડિસેમ્બર ૨૦૦૧

સુનિલકુમાર જે. પરમાર, પીએચ.ડી. રિસર્ચ ફેલો, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ-૩૮૮૧૨૦ મો-૯૫૮૬૬૮૭૮૫૦ Sunilparmar1709@gmail.com