કિશોરસિંહ કૃત ‘અરવલ્લી’માં નિરૂપિત પાત્રસૃષ્ટિ
પ્રસ્તાવના:
કિશોરસિંહ કૃત ‘અરવલ્લી’ એટલે શિષ્ટ સમાજથી ફંટાઈને ભૌતિક સુખ સુવિધાથી વંચિત અનેક અગવડોની વચ્ચે પણ પ્રકૃતિના ખોળે નિજાનંદમાં જીવતા વનવાસીઓની કથા. આ કથામાં હમીરસિંહ, ઝકશી, આતા, માધુસિંહ, લેંબો, ઝેમાજી ઠાકોર, વાઘાજી, રતન ફાંગણા, પ્રભુ, ખેંગાર, રૂપો, વજો અને ભીખો જેવાં ઘણાં વનવાસીઓની પાત્રસૃષ્ટિ આલેખી છે. જે પાત્રો અશિક્ષિત સમાજના હોવા છતાં તેમની સમજ અને જીવનને જોવા-સમજવાની તેમની દૃષ્ટિ આપણા હ્રદયને સ્પર્શે છે. અહીં આ પાત્રસૃષ્ટિનો આછો-પાતળો પરિચય કરાવવાનો હેતુ છે. તો જોઈએ આ અનોખી પાત્રસૃષ્ટિ.
હમીરસિંહ
જાસોર રેસ્ટ હાઉસમાં લેખક અને હમીરસિંહની પ્રથમ મુલાકાત થાય છે. લેખકનો તેને કોઈ વિશેષ પરિચય ન હતો; પરંતુ તે લેખકને પોતાના ઉપરી અધિકારી તરીકે ઓળખતો હતો. પ્રથમ મુલાકાતમાં જ તેની સરળતા, નિખાલસતા અને પારદર્શિતાના દર્શન થાય છે. તે કહે છે- ‘પાણી...પી....લ્યો....સાયેબ....’ લાંબી મૂછો, તામ્ર વર્ણ, ખાખી કપડામાં એ ઊભો હતો.
હમીરસિંહ અભણ ગામડિયો છે. છતાં જગત અને જીવનને જોવાની એની દૃષ્ટિમાં તેની ઊંડી સમજના દર્શન થાય છે. તે લેખકની દ્વિધા પામી સમજાવતા કહે છે: ‘સાયેબ આ જગતમાં આપણે આઈએ એવું તરત તો થોડું ગમી જાય ? આપણી દીકરી વળાવીએ અને તે સાસરે જાય ત્યારે એને ક્યાં ગમે છે ? પણ પછી કયારેય પિયરમાં આવવાનું નામ લે છે ? એવું જ છે અહીં તો !’
લેખકના માટે હમીરસિંહ આ અજાણ્યા પ્રદેશમાં તેમને તમામ માહિતી અને સગવડો પૂરી પાડનાર ‘ઓલ ઈન વન’ જેવો હતો.
હમીરસિંહમાં રહેલી સેવાવૃત્તિ આપણા હ્રદયને સ્પર્શે છે. ઝકશીના ઢોર-માલને પાણી પાવા અવેડો બનાવવાનો હતો. લેખકના માત્ર કહેવાથી તે બપોર સુધીમાં તો હમીરસિંહ ઊંડો ખાડો ખોદી નાખે છે. રોજ વહેલી સવારે ઊઠી હવાડો ભરી દે છે. તે લેખકને કહે છે: ‘સાહેબ... ગાયોની સેવા કરવી એ ભગવાનની સેવા કરવા બરાબર છે, એ તો આપણી મા છે.’ અહીં એની કામ પ્રત્યેની નિષ્ઠાના દર્શન થાય છે.
હમીરસિંહ આ પ્રદેશની સજીવસૃષ્ટિની રજેરજ માહિતી ધરાવે છે. પથ્થરે-પથ્થર ઓળખે, શિલાએ શિલા જાણે. પાંદડે-પાંદડાં પણ પરિચિત. રાત્રે કયા વૃક્ષ ઉપર કયા પક્ષીઓ રાતવાસો કરે છે, ઊઠીને ક્યાં જાય છે. ચોમાસામાં કયું ઝરણું ક્યાંથી નીકળી, કઈ જગ્યાએ કોને મળે, એની બધી જ ખબર. કયા પ્રાણીના પગ છે, કેટલા દિવસ પહેલાં તે અહીં આવ્યું હશે, કઈ દિશામાં ગયું હશે, એની બધી જ એને જાણ. કીડી-મંકોડાથી માંડીને દીપડો-રીંછ સુધીની એની સમજ માટે આપણને માન થાય.
હમીરસિંહના હ્રદયનું પરગજુપણું લેખકને હ્રદયથી સ્પર્શી જાય છે. જયારે જંગલમાં દાવાનળ ફાટી નીકળે છે ત્યારે હમીરસિંહ લેખકને કહે છે : ‘ગૈ સાલ પણ દવ લાગ્યો’તો. જંગલમાં ખૂબ નુકસાન થ્યું હતું. પ્રાણીઓ અને પક્ષીઓનો ખુડદો વળી ગયેલો. જઈ જઈને જાય પણ ચ્યાં ?’ આમ, તે પારકાના દુઃખે દુઃખી થનારો આદમી છે. ભલે ભણ્યો નહિ હોય પણ ગણ્યો ઘણું છે. અરવલ્લીનો ગ્રંથ વાંચ્યો છે, પચાવ્યો છે, એના ઊંડાણને એ પામ્યો છે.
લેખક હમીરસિંહને જંગલમાં આગ લાગવાનું કારણ પૂછે છે તો હમીરસિંહ એક વૈજ્ઞાનિકની અદાથી કહે છે : ‘આગ લાગવામાં તો સાયેબ.... માણસ જ દોષી ગણાય છે. જંગલમાં જનાવર મારવા કે લાકડાં કાપવા કોઈ ગયો હોય અને ચલમ કે બીડી સળગાવે. કયાંક તણખો પડી જાય તો આવું બની જાય છે.’ ‘કયારેક એવું પણ બને કે મોટા મોટા વાંસ ઊભા હોય, પવનમાં એકબીજા સાથે વાંસ ઘસાય એમાં પાસે સૂકાયેલો વાંસ હોય એટલે દેવતા સળગે ! અને એમાંથી આગ લાગે આખા વનમાં !’ આમ, લેખક આ અભણ માણસનું વિજ્ઞાન સાંભળી દંગ બની જાય છે.
હમીરસિંહ રાફડાની માટીના ઉપયોગો જણાવે છે કે: ‘રાફડાની માટી એ તો મોટામાં મોટી દવા છે. ગમે તેવો ઘા પડ્યો હોય, ગૂમડું થયું હોય, ગરમી ચડી ગઈ હોય, પેટમાં તકલીફ થઈ હોય, સાંધાબાંધા દુ:ખતા હોય તો એનો લેપ કરવાથી આરામ થઈ જાય છે. આગળ જતાં તેણે લેખકને એક વૃક્ષ બતાવ્યું. એના મૂળિયાં શેકીને કે રાંધીને ખાવાથી દિવસો સુધી ભૂખ જ ન લાગે.
ઝકશી
હાથમાં લાંબી ડાંગ, માથે લાલ ફાળિયું, ઉપર કાળી ઊનમાંથી વણેલું જાડું દોરડું વિંટાળેલું હતું. કસોવાળી ઑગડી પહેરેલી અને મારવાડી પદ્ધતિનું જાડું ધોતિયું, પગમાં લાંબી ચાંચવાળા ફાટેલાં જોડા અને ખભે રૂમાલની ફાંટ બનાવીને ભરાવી હતી. આવો મેલોઘેલો ઝકશી લેખકને મળવા આવે છે. તે લગભગ પંચાવન વર્ષની આજુબાજુનો હશે. પણ હતો મજબુત બાંધાનો.
લેખકને જોતાં જ ઝકશી માથા પરથી પાઘડી ઉતારી પગમાં મૂકી હાથ જોડીને ઊભો રહે છે તેનું આ વર્તન જોઈ લેખક થોડા દૂર ખસે છે ત્યારે ઝકશી કહે છે : “””””””“‘સાયેબ, તમે તો અમારા મા ને બાપ છો.’”””” લેખકને એની કશી ભાષા સમજાતી નથી ત્યારે હમીરસિંહ લેખકને જણાવે છે કે ઝકશી અને તેનો પરિવાર અને તેના બીજા સાથીઓ જંગલમાં જ્યાં સમથળ જગ્યા હોય ત્યાં ડેરા-તંબુ તાણીને પડ્યા રહે છે જયારે ચોમાસું આવે ત્યારે પોતાના દેશમાં પાછા જાય છે. આ વિસ્તારમાં સૌથી મોટી મુશ્કેલી માત્ર પાણીની છે. લેખક જાસોરના જે રૅસ્ટ હાઉસમાં રહેતા હોય છે તેના વરંડામાં હૅન્ડપંપ છે. તે સિવાય બીજે ક્યાંય પાણી નથી આથી પોતાના ઢોરમાલને માટે પાણીની વ્યવસ્થા થાય એવી આશા લઈને ઝકશી લેખક પાસે આવ્યો હોય છે.
આતા
આતો એ આદિવાસી પ્રજાનો મુખ્ય વડો હતો. હમીરસિંહને આતા સાથે ધરોબો હતો. એકવાર લેખક હમીરસિંહ સાથે આતાને મળવા જાય છે. આતો લંગોટી ભેર દૂર ભેંસને હાંકતો હતો. જોઈને પાસે આવી આવકારે છે. તે શું બોલ્યો લેખક સમજી શકતા નથી. બાજુના પથ્થર પર બેસે છે. એ જ એમની આરામખુરશી અને એ જ એમનો સોફાસેટ ! એના હાસ્યમાં લેખકને પાંદડાની ભીનાશ અને આંખોમાં આકાશનો આનંદ દેખાય છે.
માધુસિંહ
માધુસિંહ આમ તો ચપળ અને ચકોર કાગડા જેવો. એના ખભે બેઠેલી જુવાનીનું જોમ તો ભલભલી જુવાનડીઓને ચકડોળે ચડાવે એવું. વાંકડિયાળી મૂછોનો તોર તો ભલભલાને ધ્રુજાવી દે એવો. હિંમતવાળો પણ ગજબનો. ભય જેવું તો એ કયારેય સમજેલો જ નહિ. હાથમાં કડિયાળી ડાંગ કે અસલી ધારવાળું ધારિયું હોય તો પછી વાંધો ના આવે.
રાત્રે ખેતરનું રખવાળું કરતા એકાદ હાકોટો કરે. એના પડઘા ઊંઘતા પથ્થરોને થથરાવતા નીકળી જાય આગળ ને આગળ. દરરોજ તે પોતાના ખેતરની વાડેથી અર્જુનામાં પાણી પીવા જતા વાઘની હીક વાગતાં જાગી જતો !
એક દિવસની ઘટના. વાઘે વાડનું કટલું ખોલ્યું ! માધુસિંહને થયું કે, આજે આપણી છેલ્લી ઘડી આવી ગઈ. આજે વાઘને ક્યાંય શિકાર મળ્યો નહિ હોય, એનો શિકાર આજે હું જ છું. ખાટલા નીચેથી ધારિયું લઈને પોતાના પડખામાં દબાવ્યું અને ઓઢવાના ગોદડાને બરોબર લપેટ્યું પોતાના શરીરે તે જાણતો હતો, ઊંઘતાને વાઘ મારશે નહિ !
જેમ-જેમ વાઘ નજીક આવતો જતો હતો તેમ તેમ માધુસિંહને એનો ખ્યાલ આવતો જતો હતો. એટલે તો એ પોતાના મોતને નજીક આવતુ અનુભવતો હતો.
વાઘ હળવેથી સળગતા દેવતાની બાજુમાં ગોઠવાયો ! માધુસિંહ એના પગલાં પરથી અનુમાન કરતો હતો. એક પળ..બે પળ... ખાસ્સો સમય થયો પણ કશુંજ બનવા પામ્યું નહિ. માધુસિંહ રાહ જોતો હતો કશુંક બનવાની ! તે એક ઝટકે પથારીમાંથી બેઠો થઈ ગયો. સળગતા દેવતાની સાક્ષીએ બે ભડની આકૃત્તિઓ એકબીજાને મળતી હતી. માધુસિંહ એકી નજરે વાઘને જોઈ રહ્યો હતો.
વાઘ લાચાર બની માધુસિંહની સામે જોઈને વારંવાર પોતાનો જમણો પગ ઊંચો કરી બતાવતો હતો. વાઘને પગમાં કશુંક થયું છે એ માધુસિંહ ઘડીના છઠ્ઠા ભાગમાં સમજી ગયો ! એનામાં હિંમત આવી. ખાટલામાંથી ઊભા થઈને સહેજ પણ ડર્યા વિના, મક્કમ પગલે જઈને વાઘનો જમાણો પગ પકડી લીધો ! પંજાને ફાડીને કશુંક અંદર પેસી ગયું હતું. ખોતરીને, દાંતથી ખેંચીને કાઢ્યું તો વેંત જેટલું લાકડું અંદરથી નીકળ્યું અને લોહીની છાલક વાગી !
માધુસિંહે ચપળતા દાખવીને પાસે પડેલા ગાભામાંથી થોડો બાળીને એની રાખ વાઘના પગ ઉપર દબાવી દીધી. પછી કસકસીને પાટો બાંધી દીધો. જાણે કોઈ ઘાયલ સૈનિકને પોતાનો સાથીદાર સારવાર કરતો હોય એવી ભાવના ખીલી ઊઠી હતી. બંનેમાં ! બંને જણ વર્ષોના મિત્રો હોય એની સાક્ષી પૂરતો હતો સળગતો દેવતા.
વાઘ લાંબો થઈને સૂઈ ગયો. માધુસિંહની આંખ ક્યારે મળી ગઈ અને વાઘ ક્યારે જતો રહ્યો એની ખબર પણ ન રહી.
લેંબો
લેખકને જોતા જ લીમડીની નીચે બેઠેલો લેંબો એકદમ ઊભો થઈ લેખકને સાંષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે છે. શરીરે એકદમ પાતળો પણ ઉતરતા ઉનાળા જેવી જુવાની. એના માથાના વાળમાં આખો વગડો લ્હેરાતો હતો. શરીર બળી ગયેલા બાવળિયાના થડ જેવું હતું. અને માથા પર એક લાલ મેલું કપડું વીટાળેલું હતું. શરીર ઉપર માત્ર એક અંગરખું અને લંગોટી હતી, એની આંખોમાં યાતના હતી. જોડેલા હાથમાં કંપ હતો.
એ નાના કાળા ઘડા જેવા વાસણમાં લેખક માટે મધ લઈ આવેલો. તેની હ્રદયભાવના આપણને સ્પર્શી જાય છે. તેનું કહેવું છે કે“””: ‘તે આજે પહેલો વહેલો મળવા આવ્યો છે, એટલે ખાલી હાથે તો અવાય નહિ, તેથી તે મધ લેતો આવ્યો છે, એનો સ્વીકાર કરો.’ લેખકને આ વનવાસીની સમજ માટે માન થાય છે. દેવદર્શને જઈએ તો ખાલી હાથે ન જવાય ! વાહ ! કેવી છે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર ? જેને ચોમાસા સિવાય ખાવાનું મળતું નથી, વગડામાંથી ઝાડ-પાન, ફૂલ-ફળ દ્વારા પોતાનું ગુજરાન કરે છે. એનામાં કેવી વિશાળ ભાવના છે, સમજ છે !
લેંબો લેખકના દર્શન કરવા અહીં આવવા નીકળ્યો ત્યારે દેવચકલી બોલતી-બોલતી આડી ઊતરી હતી અને જમણી બાજુએ ચીબરીએ ચહચહાટ કર્યો હતો. એટલે તે ખૂબ ખુશ છે, કારણ કે એને એ સારા શુકન થયા માને છે.
હમીરસિંહના જણાવવા મુજબ લેંબો એમનો બાતમીદાર છે. જંગલમાંથી લાકડાં કપાતાં હોય, કોણ કાપે છે ? કોણ કપાવે છે. એની બધી જ બાતમી એ આપતો રહે છે. ધોરીના જંગલમાં લાકડાં કપાતાં હોય એ બાજુ આવવાનું આમંત્રણ આપવા માટે લેંબો આવ્યો હતો. સાયેબ લેંબાને જમાડવા માંગે છે, આવું સાંભળી એના આનંદની કોઈ સીમા ન રહી ! સાયેબ એને જમાડવાની વાત કરે છે, એવી ઘટના તો એના જીવનમાં પ્રથમ વખત જ બનતી હતી ! તે બધાં જ આવરણો હડસેલીને, લેખકના પગમાં પડી જાય છે. એની આંખમાંથી આંસુની ધારા વહે છે.
ઝેમાજી ઠાકોર
લેખક ધોરીથી પાછા ફરી રહ્યાં હતા. ત્યારે રસ્તાની પાસેના ખેતરમાં એક વૃદ્ધ દેવતા સળગાવવાનો પ્રયત્ન કરતો હતો. દૂરથી જોઈને ઊભા થઈ. ‘રાંમ...રાંમ... સાયેબ’ બોલીને આવકારે છે. લેખકે ઉતાવળનું બહાનું ધર્યું તો એ બોલ્યો : ‘ગરીબનું ખોરડું અજવાળતા જાંવ સાયેબ...’ એનું ખોરડું ઘાસનું ઝૂપડું જ હતું. ‘અરે બબલાની મા...ચ્યાં જૈ ? સાયેબ....આયા સે...’ જાણે એને ત્યાં સ્વયં ઈશ્વરની પધરામણી થઈ હોય એવી હોંશ, આનંદ અને શું શું કરું ? એની મથામણ હતી. ઢોરને ખાવાના ત્રણ-ચાર પૂળા પડ્યા હતા તે નીચે નાખીને એના ઉપર એક ફાટેલું કપડું પાથરીને લેખકને બેસાડ્યા. નજર નાખી તો કૂબા જેવા ઝૂંપડામાં કશું દેખાયું નહિ, અને જમીન તો દોઢેક વીઘા જેટલી હશે, એવું લાગ્યું.
આ લોકો ગરીબ જરૂર છે પણ મનના માલદાર છે. એમનું જીવન દર્પણ જેવું છે, કશુંજ ગોપનીય નહિ. ભલાં-ભોળા, હોલાં જેવાં. વાતમાંથી વાત નીકળી ‘બાર માસી ધરો’ અને રેવાપુરીની.
વાઘાજી
વાઘાજીની ઉંમર હશે એંશીથી વધારે. ઊંચો બાંધો, સફેદ થઈ ગયેલી ભરાવદાર મૂછો, ધોતિયાનો કછોટો અને ખાખી રંગનું ફાટેલું પહેરણ, માથે મારવાડી પદ્ધતિની રંગ ઊડી ગયેલી લીલી-પાઘડી, એ એમની ઓળખ. હમીરસિંહના કારણે વાઘાજીને ખ્યાલ આવ્યો કે વનખાતાના સાહેબ છે: હાથ જોડી બોલ્યાં : ‘સાયેબ, અમારાં ગરીબનાં ધન-ભાયગ કે અમારા આંગણે આપનાં પાવન પગલાં થયાં ! અલ્યાં માંચો ઢાળો.... સાયેબ આયા સે.’ ખાટલામાં ગંદુ અને ફાટેલું ગોદડું પથરાવી પોતે સામેના પથ્થર ઉપર બેઠો. અને બોલે છે : ‘સાયેબ... અમે તો વગડાના વનેર.... તમારું શ્યું સ્વાગત કરીએ ?’ એની વાણી અને વ્યવહારમાં ભારોભાર સંસ્કારિતા પ્રગટતી હતી.
એનામાં પડેલું જ્ઞાન જોઈ લેખક અંજાઈ જાય છે વાઘાજી કહે છે: ‘સાયેબ... શું વાત કરવી ? ટેમ ટેમનું કામ કરે છે. માંણ તો શ્યું કરી શકેં ? કેવાં કેવાં રાજ ને રજવાડાં ! કેવી હકુમત ને ઠઠારો ? બધું જ મારી હગી આંખે જોયું છે. કાળ પુરુષ કરતાં કોઈ જ મોટું નથી, સાયેબ !’ ‘સાયેબ.... ભણવાની ચ્યાં વાત કરો છો ! કાળા અક્સર ભેંત બરાબર છે. કદીય અક્સર ઉકેલ્યો નથી. પણ તમારા જેવા મોટાં માણં વચ્ચે રહ્યો છું એટલે અનુભવે મેળવ્યું છે.’
એક અભણ માણસની કોઠાસૂઝ જોઈને લેખકને આનંદ થયો. એણે આગળ કહ્યું : ‘આ ભોખરા, આ ઝાડવાં, આ પંખીડાં એ જ અમારું મોટું ભણતર છે સાયેબ. આ ભોખરાની પાછળ દા’ડો ઊગે છે ને પેલા ભોખરાની પાછળ આથમે છે, આટલું અમારું જીવન છે. આ સેતર ને આ બે-ચાર ઢોર એ જ અમારો વૈભવ છે. બે-ટેમ પેટ ભરાય છે અને રાતે નિરાંતે ઊંઘ આવે છે, પછી બીજું અમારે જોઈએ શું ?’
રતન ફાંગણા
અંગ્રેજોના વખતમાં રતન ફાંગણા બહારવટું કરતો. વાવધરા જતા જાવરની તળેટીમાંથી પસાર થતા લેખકને હમીરસિંહે રતન ફાંગણાની મુલાકાત કરાવેલી. એક મોટી શિલા હતી. એના પડખામાં લાકડાં બાંધીને ઘાસની એક ઝૂંપડી જેવું બનાવેલું. પથ્થરની શિલા નીચે ગુફા જેવું હતું, ત્યાં અંદર એક સ્ત્રી બેઠી બેઠી દેવતા સળગાવતી હતી. ધુમાડો એને ભેદીને છાપરા ઉપર જતો હતો. એના શરીર ઉપર જે કપડાં હતાં તે ફાટેલાં હતાં. ક્યાંક થીંગડાં મારેલા હતાં. એના હાથે હાથીદાંતનાં બલોયાં હતાં, એ ચાડી ખાતાં હતાં કે તે સધવા હતી.
એ ઘરમાંથી શેકેલાં મકાઈના બે ડૂંડાં લઈ આવી. પાણી પીવા માટે એક કાળું માટલું હતું, બે-ત્રણ માટીના વાસણ દેખાતાં હતાં. એ સિવાય, કંઈ જ નહોતું. આજે આ લોકો પાસે આ બે-ચાર મકાઈ-ડૂંડાં સિવાય ખાવાનું કંઈ જ નહિ હોય, છતાંય એનો આગ્રહ હતો કે આંગણેથી ખાલી કેવી રીતે જવાય ? અમારા ઘેરથી ખાલી હાથે જાઓ તો અમારું ભૂંડું દેખાય ! કેવો ભાવ ! કેવી ભાવના ! ભૂખે રહીને પણ બીજાને ખાલી હાથે ન જવા દેવાની વાત કેટલી મહાન હતી !
પાતળો સરખો, કાળોમેંશ પણ બેઠી દડીનો આદમી આવ્યો. જે રતન ફાંગણા હતો. એના શરીર ઉપર ચામડી લટકતી હતી, અને એક ફાટેલી લંગોટી અને પહેરણ સિવાય બીજું કોઈ કાપડ એના શરીર ઉપર નહોતું.
આ જ માણસ રતન ફાંગણા હતો. જેણે વર્ષો સુધી બહારવટું કર્યું. ઘણી લૂંટ કરી, ઘણું ધન કમાયો. ઘણું વેડફ્યું અને હવે ખાવાના સાંસા થઈ ગયા છે. ઘણી વખત એ મોતના ઘેરથી પાછો આવ્યો છે. એ જયારે બહારવટું કરતો હતો ત્યારે એની પાસે બે મજબૂત માણસો હતા : કાનેવાળિયો અને બીજો પગેવાળિયો.
પ્રભુ
હજુ રાણીટૂક સુધી પહોંચવા માટે બે પર્વતો વળોટવાના હતા, થાકીને બેઠાં હતા ત્યારે એક પાતળો સરખો જુવાનિયો ડોલતો આવતો દેખાયો. એ પ્રભુ હતો. એને બોલાવ્યો પણ પાસે ના આવ્યો ! ક્યાં જાય છે ? ક્યાંથી આવ્યો ? અહીં ક્યાંથી ? એવા અનેક પ્રશ્નોનો એનો ઉત્તર હતો મૌન. એને ખબર પડી ગઈ કે, આ જંગલ ખાતાના ‘સાયેબ’ છે.
આ લોકો ભેંસો-ગાયો રાખે છે અને જયારે તે વહુકી જાય એટલે આ ભોખરાની ઉપર ચડાવી દે છે. અઠવાડિયામાં એકાદ વખત આવીને એની દેખભાળ લઈ જાય છે.
પ્રભુએ આંગડીના ઉપરના ખીસામાંથી ખેંચીને એક કોથળી કાઢી ! એમાંથી ઘઉંનો તવી જેવડો રોટલી વાળીને ઘાલેલો તે કાઢયો ! ઘઉંના ફૂલેલા રોટલાનું ઉપરનું પડ ઉખેડીને એમાં ઘી અને લાલ મરચાની ચટણી ભરીને પાછો વાળી દીધેલો. તેથી ગરમ રોટલો ઘી પી જાય. એણે રોટલાના ચાર ભાગ કર્યા અને પ્રેમથી સામે ધર્યા.
એણે રોટલો વહેંચ્યા પછી એના ચહેરા ઉપર જે આનંદ છલકાતો હતો, એ લેખકના માટે જીવનની એક ધન્ય ઘડી હતી.
ખેંગાર
લેખકને ખેંગારની પ્રથમ મુલાકાત તો ‘મુનિકી કુટિયા’ થી આવતાં રસ્તામાં થઈ હતી. લેખકે પૂછેલું તારે કુટુંબ-કબીલો છે કે નહિ ? જવાબમાં ‘સાયેબ.... બધાં જ છે, મારે બે મોટા ભાઈ છે, ભાભીઓ છે, ભત્રીજા-ભત્રીજીઓ છે, ભગવાનના પરતાપે લીલી વાડી છે, એ બધાં ધાનેરા બાજુના એક ગામમાં રહે છે. મજૂરી કરીને પેટ ભરતા પણ ધીમે-ધીમે પાઈ-પૈસા બચાવીને થોડી જમીન ખરીદેલી ! બાપ-દાદા વખતે આવી સ્થિતિ હતી. આજે પચાસ-સાઈઠ વીઘા જમીન છે, પાણીનો બોર છે. ખેંગાર પોતાને આ જગત પરથી મોહ ઊતરી ગયો હોવાનું કારણ જણાવે છે એટલે પોતે તેમની સાથે નથી રહેતો.
એકલો-એકલો શું કરે છે ? પ્રશ્નનો જવાબ આપતાં ખેંગાર કહે છે કે – એકલો ચ્યાં છું ? ‘આ નાનાં-મોટાં ઝાડ, આ આભલામાં ઊડતાં પંખીઓ, ઢોર-ઢાંખર અને આ ભોખરા ! એમની સાથે જીવવાનો મને આનંદ આવે છે.’
ખેંગારની પ્રેમિકાએ એને દગો દીધો હતો એવું એ માનતો નથી પણ એણે કહ્યું : ‘સાયેબ.... ‘માણસ છે, એને પણ કોઈ મજબૂરી હશે કે નહિ ?’ એની મજબૂરીએ આ માણસને ઓલિયો બનાવી દીધો.
લેખકને થાય છે, આ લોકો નવરા છે, ખાવાના વખા છે, પાણીનો પ્રશ્ન છે, પણ મનમાં કોઈ જ તણાવ નથી ! માત્ર આનંદથી, સંઘર્ષમાં પણ આનંદ માણે છે ! પશુ-પંખીની જેમ આવતીકાલની ચિંતા નથી. ખેંગાર કહેતો હતો: ‘ભગવાને દાંત આલ્યા છે, તો ચાવણું પણ આલશે જ ને ? ભગવાને કદી કોઈને ભૂખે ઊંઘાડ્યા નથી, તો ચિંતા શાની કરવાની ? ચિંતા કરનારો હજાર હાથવાળો બેઠો છે.’
રાતે એકલા ડર ન લાગે ? જવાબમાં ખેંગાર કહે છે: ‘સાયેબ.... આ ભોખરા આપણા મા-બાપ છે, પછી ચિંતા શાની ? મેં તો બધું જ સોંપી દીધું છે ઉપરવાળાને ! આપણે તો નિરાંતે ઊંઘવાનું આપણી આજની કાલ થવાની નથી ! ભગવાન......ભગવાન.....
રૂપો
રૂપો પોતાની દીકરી નાજુરીના લગ્નમાં હાજરી આપવા માટેનું આમંત્રણ આપવા ઠેઠ વશી રેન્જના હરિવાવથી આવેલો. કોઈ વૃક્ષના થડને ડામરના ત્રણ-ચાર હાથ માર્યા હોય અને જે કાળાશ ધારણ કરે, એવો એનો દેહ હતો. માથે બાંધેલી પાઘડી પણ કાળારંગની કેડિયું પણ કાળું, એમાં આભલાં ભરેલાં. નીચેના ભાગમાં ધોતિયું નહિ અને લંગોટી પણ નહિ, એવું પહેરેલું હતું. બોલતા દાંત દેખાતા માત્ર તે જ સફેદ હતા.
આ વનવાસીઓમાં લગ્ન કેવી રીતે થાય છે, એ જોવાની ઈચ્છાથી લેખક અને હમીરસિંહ રૂપાની દીકરીના લગ્નપ્રસંગમાં હાજરી આપવા જાય છે. રૂપાના ખોલરાની ભીંતોએ જે ચિત્રો દોરેલાં હતાં એમાં સ્ત્રી-પુરુષના મૈથુનનું પણ હતું ! આ કેટલું બધું સહજ છે આ લોકો માટે ! અહીં ક્યાંય સેક્સ એજ્યુકેશનની જાહેર ખબરો જોવા મળતી નથી. પ્રકૃતિનો કેવો નિર્ભેળ આનંદ લૂંટી રહ્યાં છે આ બધાં ? કન્યાવિદાય બાદ વિદાય લેતી વખતે રૂપાના હાથમાં લેખક પચાસ રૂપિયા મૂકે છે ત્યારે એની આંખમાં આંસુ આવી જાય છે.
વજો
વજાએ કાળી ચા-કાવો બનાવીને પાયો; એનો એને આનંદ હતો. વળતા પણ વજાને ત્યાં ગયા. ઝાંપલી ખખડાવી ત્યાં તો અંદરથી કૂતરો ભસવા લાગ્યો. વજાના નામની બૂમ પાડતા તે પાછળથી આવ્યો. કટલું ખોલીને અંદર લઈ ગયો. એની આજુબાજુમાં બે ખોલરાં હતાં. આગળના ભાગમાં બે-ત્રણ છોકરાં અને બે બૈરા બેઠાં-બેઠાં દેવતા સળગાવીને તાપતા હતાં. રાતે વજાને ત્યાં જમ્યા. મકાઈનો રોટલો, પૂવારની ભાજી અને અડદની દાળ. આ ભાજી લેખક પોતાના જીવનમાં પહેલી વખત ખાતા હતા.
લેખકે પૂછ્યું ત્યારે વજો કહે છે ‘અમે હટામણ હસનની દુકાનેથી કરીએ છીએ. ઈ જબરો આદમી સે અમે વગડામાંથી બોર, કરમદાં, જાંબુ, ટીબરા, મૂહળી, મધ, મહુડાં ભેગાં કરીને ઈને આલીએ સીએ, ઈના બદલામાં અમોને મેંઠુ-મરચું, મસાલા અને બીજું બધું મળે સે.’
ભીખો
ભીખો મોટી ઉંમરનો હોવા છતાંય બાળક જેવા ભાવથી જ વાત કરતો હતો. લેખકે તેને નામ વિશે પૂછ્યું એટલે તે ખુશ થઈને કહે છે: સાયેબ.... મારાં મા-બાપન્ સોકરું થાતું ન’તું. કોઈ તમારા જેવા મા’રાજે આશીરવાદ આલેલાં. અને મારો જલમ થ્યો’તો. મા’રાજે મનં ભીખારવો માનવાનું કીધેલું એટલે નામં રાસ્યું ભીખો !’ રજકો જોઈ લેખકને આશ્ચર્ય થયું ત્યારે ભીખો કહે છે ‘સાયેબ....એ લચકો (રજકો) એ . ભેંસો માટે વાયો સે. ભેંસો લચકો ખાય તો દૂધ વધારે આલે.’ ઘણા સમય પછી રજકા વિશે લેખકે વાંચ્યું તો ભીખો સાચો હતો.
ભીખો એના ધૂવામાં લેખકને લઈ ગયો. એ ધૂવો હુંફાળો લાગ્યો. એક બાજુ પારણા જેવો થઈ ગયેલો ખાટલો પડ્યો હતો, એમાં ગોટો વાળેલા ગોદડાના ગાભા પડ્યા હતા. સામેની બાજુ ઢોર બાંધવાના ખીલા ધરબેલા હતા. ધૂવામાં છાણની વાસ આવતી હતી. ભીખાએ લેખકને રોકાઈ જવા આગ્રહ કરેલો, પણ લેખક રોકાઈ શકતા નથી.
‘અરવલ્લી’ નવલકથા માં નિરુપિત ઉપર્યુક્ત પાત્રસૃષ્ટિ ખરેખર અજીબો-ગરીબ છે. શિષ્ટ નવલકથા કૃતિની પાત્રસૃષ્ટિ કરતા આ પાત્રસૃષ્ટિ ઘણી જુદી તરી આવે છે. વનવાસીઓની આ પાત્રસૃષ્ટિ જોતા ‘અરવલ્લી’ શીર્ષક મહ્દઅંશે સાર્થક જણાય છે. આ પાત્રો એટલા તો સજીવ અને સહજ બન્યા છે કે કૃતિ વાંચતા તે આપણા ચિતમાં-હ્રદયમાં રમમાણ કરી રહે છે.
સંદર્ભ સૂચિ :::
- અરવલ્લી – કિશોરસિંહ સોલંકી (લલિત નવલકથા)પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ. ચોથી આવૃત્તિ-૨૦૧૨. પૃ. ૧ થી ૨૮૪
- કિશોરસિંહ સોલંકી શબ્દ અને સર્જક નરેશ શુક્લ, નિસર્ગ આહીર. પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ. આવૃત્તિ-૧૯૯૯.