Download this page in

“એક છોકરી એક સ્ત્રી” મનોવૈજ્ઞાનિક નવલકથા

એક છોકરી હવે લિપસ્ટિક કરવા લાગી છે તે પોતાના વાળાને હવે ખુલ્લા મુકવા લાગી છે. સુંદર છે છતાં તેને પાવડર કે મેકપથી વધારે સુંદર દેખાવું છે. કેમકે તેનું શરીર હવે વધારે સુંદર બન્યું છે. છોકરાને જોવે છે તો તેના મનમાં અવનવા વિચારો આવવા લાગ્યા છે. તેને પણ કોઈ જોવે! તેવો વિચાર તેને થયા કરે છે.

મોહમ્મદ માંકડની ‘એક છોકરી એક સ્ત્રી’ નવલકથામાં ઈન્દુ નામે મુખ્ય સ્ત્રીપાત્ર છે તેનાં મનોજગતનું આલેખન નવલકથામાં કરેલું છે. ઈન્દુ નાનેથી ધીમે ધીમે મોટી થવા લાગે છે તેને દરેક વાતમાં સમજ પડવા લાગે છે. ક્યારેક તે પોતાની વાત પોતાની સખી વાસંતી અને કુસુમને પણ કહે છે ઈન્દુ બધું જાણે છે છતાં પ્રશ્ન કરે છે. પછી તેનાં મનોજગતમાં “પણ એક દિવસ હું એ ‘પ્રેમ’નો અર્થ શીખી ગઈ. ધણા દિવસો સુધી મનમાં સરવાળાને બાદબાકી ચાલ્યા જ કર્યા હશે- ઈંટ ઉપર ઈંટ ગોઠવતી જાય ને મકાન બની જાય એમ મનમાં ધીમે ધીમે ગોઠવાઈને આખી એક વાત તૈયાર થઈ ગઈ અને હું સમજી ગઈ, પણ એ જ્ઞાન નવું નહોતું મારામાં જાણે એ પડ્યું જ હતું- ઈંટના ઢગલા જેમ એનું કોઈ સ્વરૂપ નહોતું હવે એકદમ એમાંથી જાણે એક આકાર તૈયાર થઈ ગયો હતો.” જાણે હવે તે ધીમે ધીમે છોકરી માંથી સ્ત્રી બની રહી હોય!

બા સાથે ઈન્દુ મંદિર જાય છે. એક દિવસ ઈન્દુ બા સાથે મંદિરે જાય છે ત્યારે તેને રમાબેન મળે છે અને તે ઈન્દુને જોતા જ કહે છે. “અરે, ઈન્દીરા તો મોટી થઈ ગઈ!” આમ ઈન્દુના શરીર સાથે નામ પણ બદલાય છે. ત્યારે ઈન્દુ પોતાના શરીરપર નજર નાખે છે અને સાડી સરખી કરે છે. એક દિવસે ઈન્દુ રમાબેનના ઘરે જાય છે ત્યારે રમાબેન ચટાઈ પર સુતા હતા. એ જોઈ ઈન્દુના મનમાં પ્રશ્ન થાય છે પણ ઈન્દુ પ્રશ્ન પૂછે તે પહેલા જ રમાબેન કહે છે પોતાના પતિનાં અવશાન પછી તેઓ પલંગ પર સુતા ન હતા. ઈન્દુને એ જોઈને આશું આવી જાય છે. અને તેનું મન વિચારે ચડે છે. “પ્રેમનું એક દિવ્ય સ્વરૂપ મારા સામે ખડું થયું, મારા મનમાં વાસી ગયું. સાચો પ્રેમ પવિત્ર જ હોય. એને સંસારનાં બંધન ન હોય, વાસનાનાં બંધન ન હોય. જન્મ અને મરણનાં બંધન પણ ન હોય.” આમ રમાબેનનાં પ્રેમને ઈન્દુ પવિત્ર માને છે.

ઈન્દુ રમાબેનના ઘરે ફરી એકવાર જાય છે ત્યારે રમાબેન દરવાજો ખોલવામાં ઘણું મોડું કરે છે તો ઈન્દુના મનમાં રમાબેન વિશે અવનવા વિચારો આવે છે. ઈન્દુ રમાબેનના ઘરે ઓરડામાં જાય છે તો ત્યાં પહેલાની ચટાઈ પાથરેલી નહોતી અને ઈન્દુની નજર પલંગ પર પડે છે તો ચાદર સહેજ ચોળાયેલી જોવે છે એ સાથે ઈન્દુના મનમાં ઘણા વિચારો આવે છે પણ નીચે લાદીમાં પુસ્તકો પડ્યા હતાં તે જોઈ ઈન્દુ કહે છે “આજે લાદી પરજ સુતાં સુતાં જ વાંચતાં હતાં કે શું?” એ સાથે તેનાં મનને પણ શાંત કરે છે.

હવે રમાબેનના ઘરે આવવા જવાનું ઈન્દુએ છોડી દીધું, પણ એથી જાણે તે સાવ એકલી પાડી ગઈ હોય તેમ જીવનમાં તેને પહેલી જ વાર એક વિચિત્ર પ્રકારની એકલતાનો અનુભવ થવા લાગ્યો ત્યારે ઈન્દુને થયું મારે ભાઈની જરૂર હતી? શું, બચપણમાં કોઈ એને ચોરીતો નહિ ગયું હોય ને? ઈન્દુનું મન ભણવામાં નથી રહેતું માટે તે નાપાસ થાય છે. ત્યારે હેડમાસ્તર સાથે કોઈ દલીલ કરતુ હોય છે તો ઈન્દુને પ્રશ્ન થાય છે આ મારો ભાઈ તો નહિ હોય ને?

ઈન્દુના નાપાસ પાછી તેનું ટયુશન લેવા માટે શાહ સાહેબ ઘરે આવવા લાગ્યા હતાં તો ઈન્દુ શાહ સાહેબના વિચારોમાં અટવાયા કરે છે. વાસંતી અને અનિલના પ્રેમની વાત જાણી ત્યારે ઈન્દુ પ્રેમ વિશે વિચારે છે “પ્રેમ એ તો પવિત્ર ચીજ છે. પ્રેમ એ કોઈ પાપ નથી. પ્રેમથી તો સકળ સંસાર ચાલે છે પ્રેમ વગરનું જીવન એ જીવન જ નથી પ્રેમ એટલે બે આત્માનું અમર સંધાન.” ઈન્દુને વાસંતી અને અનિલની વાતમાં રસ પડ્યો હતો તે વારે વારે વાસંતીને કહેતી, કેટલે પહોચ્યું? સ્વામીજી ઈન્દુના ઘરે આવ્યા, ત્યારે તેમણે ઈન્દુના હાથ જોયા ને કહ્યું ઈન્દુ તું ધર્મનો ઉદ્ધાર કરવા જન્મી છું. ત્યારથી ઈન્દુને તેનાં વિચારો આવવા લાગ્યા હતાં. સ્વામી અને રમાબહેનની પ્રેમ કથાની વાત ઈન્દુને મળી હતી તો તેણે વાસંતીને કહી હતી.

ઈન્દુ ધર્મ વિશે પણ વિચારતી હતી “ધર્મને જાણવા હું મથી રહી હતી મારું પોતાનું સ્વરૂપ ઘડી રહી હતી. માનવી પોતે જ પોતાનું સ્વરૂપ ઘડે છે. મારું પોતાનું સ્વરૂપ ઘડવા હું પ્રયત્ન કરતી હતી પણ મારું અંદરનું રૂપ ઘડવા કોઈ બીજું જાણે મને ટીપી રહ્યું હતું. નાળિયેરના પાણીમાંથી ધીમે ધીમે ગોટો બંધાય એમ મારી અંદર કાંઈક તૈયાર થઈ રહ્યું હતું – પ્રવાહી મટીને હું એક આકાર ધરી રહી હતી. પણ એ રૂપ મારે સંતાડી રાખવું હતું. રેશમના કીડા જેમ હું છુપાઈ રહેવા માગતી હતી. મારી પોતાની લાળમાંથી એક રેશમી કોશેટો તૈયાર કરીને અંદર પુરાઈ રહેવા માગતી હતી. રેશમી કોશેટો!... બહારનું મારું રૂપ રેશમી હતું. કૃપા કરીને અંદર કોઈ નજર ન કરશો. હું સાવ બદલાતી જાઉં છું. મને અંધારામાં પડી રહેવા દો. કોશેટો રેશમી અંધારામાં.” જ્યારે એક છોકરી એક સ્ત્રીના બની હોય ત્યાં સુધી તેને આવી ઈચ્છા થતી હશે ખરી?

ઈન્દુને વાસંતી આવીને જણાવે છે અનિલતો તને પ્રેમ કરે છે ત્યારે ઈન્દુ અનિલના પ્રેમને ઠોકરાવે છે. ઈન્દુ શાહ સાહેબની નજીક જાય છે પણ ઈન્દુને શાહ સાહેબ રોકે છે ત્યારે ઈન્દુને મનમાં પોતાની જાત પ્રત્યે નફરત આવે છે અને તે વિચારે છે “મારું પોતાનું અભિમાન પણ અંદરથી કેટલું પોલું હતું?... હું પોતે પુરુષનાં ચરણોમાં પડવા આતુર હતી. છી છી છી... પછી એમાં મારાપણું કયાં રહ્યું? પણ મારામાં એવી આતુરતા ભરી હતી. કોઈ મનગમતા-છેલછબીલા... મારી જાત જ મને દગો દઈ રહી હતી. મારું પોતાનું મન, મારું કહ્યું માનતું ન હોતું. કોણ હતું મારું? મારી પોતાની જાત પણ મારી નહોતી” અને ઈન્દુ જાણે પોતાનાથી હારી જાય છે.

ઈન્દુની મોટી બહેન ઉષાની તબિયત બગડે છે. ત્યારે ઉષાનો પતિ જમનાદાસ પત્ર લખે છે ઉષાને બાળક જન્મયા પછી મૃત્યુ પામ્યું હતું. તેથી ઈન્દુને ઉષા પાસે જવું પડે છે. ત્યારે ઈન્દુની એક રાત તેને એક સ્ત્રી બનાવી જાય છે.

સંદર્ભગ્રંથ:::

  1. માંકડ, મોહમ્મદ. ત્રીજી આવૃત્તિ:૧૯૯૧. એક છોકરી એક સ્ત્રી. અમદાવાદ:ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય.

પારસ જી. ઓગાણિયા, કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બોટાદ.Email: pparas39@gmail.com