Download this page in

મૂંઝારો...

ફોનના ડેટા ઓન કર્યા ને ફોનમાં મેસેજ આવવા લાગ્યા. ત્યાં જ પાસે ઉભેલા જયેશની નજર ફોન પર પડી. એક જ નામના વ્યક્તિનાં મેસેજ વારંવાર આવવાથી જયેશને મનમાં થયું. કોણ હશે આ વ્યક્તિ? પણ જયેશથી કંઈ બોલાયું નહિ. તેના મનમાં વિચારોનું ભારણ થવા લાગ્યું હોય, તેવો તેનો ચહેરો થયેલો હતો. થોડો સમય જતાં બધું જાણે શાંત પડી ગયું. જયેશે પોતાના મન સાથે જાણે સમાધાન કરી લીધું. હશે, થાય આવુ. પણ મન કંઈ માને? માને તો તે મન શાનું! સાંજ પડતા ફરી તે ફોનમાં મેસેજ આવ્યા.
જયેશથી હવે ન રહેવાયું. આખરે તેણે ઇન્દુને પૂછી જ લીધુ. ‘ઇન્દુ, કોના મેસેજ આવે છે? કંઈ કામથી છે?’ પણ ઇન્દુએ ફોનના ડેટા બંધ કરીને મેસેજનો રીપ્લાય ન કર્યો. જયેશને કહેવા માટે જાણે ઇન્દુ પાસે કંઈ જવાબ ન હતો. આથી જયેશનાં મનમાં થયેલું સમાધાન જાણે યુદ્ધનું સ્વરૂપ લઈને જયેશ સામે બેઠું હોય. તેવું તેને થવા લાગ્યું. જયેશથી પણ કંઈ બોલાય તેમ ન હતું. ઇન્દુ પર તેણે સંપૂર્ણ વિશ્વાસ મુક્યો હતો. તેનાં પર જયેશને પ્રશ્નો થવા લાગ્યા. તેનામાં અપાર આંતરપીડા થતી હોય, તેવો ચહેરો જયેશનો થયેલો હતો.
રાતભર જયેશના મનમાં નવતર વિચારો આવવા લાગ્યા. ઇન્દુ શું વિચારતી હશે? કેમ? ઇન્દુ, મને પણ ન કહી શકે? આખરે જયેશને વિચારોની સાથે ક્યારે આંખ લાગી ગઈ તેની ખબર પણ ન પડી. બીજો દિવસ પણ તેવી રીતે જાણે પસાર થયો. સાંજે જયેશને થયુ. શું થયુ હશે? તે વ્યક્તિ કોણ હશે? અનેક પ્રશ્ન સાથે લડતો, જયેશ પથારીમાં જાગતો હતો. જયેશે પોતાના ફોનમાં ઇન્દુનું ઈમેલ ખોલવા લાગ્યો. પણ એમ કંઈ મેળ પડે? તેમાં તેને ખૂબ જ માથાકૂટ કરવી પડી. તેની લાંબા સમયની મથામણ આખરે થોડી... ચાલી ખરી. પણ જયેશ માથે તો જાણે પ્રશ્નોનો તોફાન સાથે વરસાદ ઝાપટતો હતો. એમ કંઈ તેનું મન શાંત ન થયું.
મનમાં પ્રશ્ન થયા. પછી જયેશને થયું, દક્ષાને પ્રશ્ન કરું? સાંજે મોડેથી દક્ષાને ફોન કરી જયેશ તેને પ્રશ્ન કરે છે. કોલેજમાં સાથે ભણતા ત્યારથી દક્ષા અને ઇન્દુની મૈત્રી હતી. દક્ષા જાણે નિર્દોષ હોય તેવી ઇન્દુની પ્રિયમિત્ર હતી. દક્ષાએ કહ્યું, ‘હુ કંઈ જાણતી નથી.’ દક્ષામાં માનવતાનો ભાવ વધારે, આથી તે જયેશ ને પ્રશ્ન કરે છે. ‘જયેશ, તને થયું શું? તે કહેને?’ જયેશ બોલ્યો. ‘મને કંઈ નથી થયું. પણ જે કંઈ થાય છે તે યોગ્ય નથી.’ આથી દક્ષા પણ વિચારે ચડે છે. જયેશને તે કહે છે. ‘મને ઇન્દુ વિશે કંઈ ખબર નથી. હા, તેનાં જન્મ દિવસ પર તે મને કંઈ કહેવાની હતી પણ તેણે મને વધારે કંઈ કહ્યું નહિ.’
જયેશથી બોલાય ગયું, ‘વિરાજ કોણ છે?’ દક્ષા કહે છે. ‘કેમ, તારે... જાણવું છે?’ જયેશ કહે છે. ‘હા, બસ તમે જાણો છો? તો મને કહો.’ ત્યારે દક્ષા જયેશને કહે છે ‘જન્મ દિવસના દિવસે ઇન્દુ પાસે હું ગઈ હતી. ત્યારે ઇન્દુએ મને થોડી વિરાજની વાત કરી હતી. તારે તે જાણવાની કંઈ જરૂર નથી. ઇન્દુને તું તેની રીતે જ જીવવા દેને.’ જયેશ આંસુ ભર્યા ચહેરે કહે છે. ‘મને કેમ કંઈ ન કહ્યું?’ ‘પણ સાંભળ એવું કંઈ નથી. જયેશ, તું આવું ન કહે. તને દુઃખ થાય, તેવું મારે તને કેમ કહેવું?’ પ્રશ્ન સાથે દક્ષાનું મૌન જયેશને જાણે ખૂંચવા લાગે છે.
સવાર પડતા ઇન્દુ જયેશને ફોન કરે છે. ઇન્દુ વધારે આક્રોશમાં હોય છે. ત્યારે જયેશ ઇન્દુનું થોડું સાંભળે છે. બે દિવસ તેનાં પર પ્રશ્નનો મારો થવાથી તેને હવે સહન થતું નથી. જયેશ તેનાં મનમાં ચાલી રહેલું બધું જાણે ઓકી કાઢે છે. આથી ઇન્દુને વધારે ખોટું લાગે છે, ને કહે છે ‘તમે મારી પર શક કરો છો.’ જયેશને મનમાં પહેલાની વાત યાદ આવે છે. જ્યારે ઇન્દુ જયેશને કહેતી “મને તારી પર પૂર્ણ વિશ્વાસ છે.” તે વાક્ય જાણે જયેશ પર ભારી પડવા લાગ્યુ. જયેશને થયું, શું મને પણ ન કહી શકાય? એવું તે વળી, તે વ્યક્તિ કોણ હશે?
જયેશનું હૃદય જાણે ધીમે-ધીમે ટપ ટપ આંસુઓ પાડવા લાગ્યું. મનમાં થયું, કોઈ પણ સ્ત્રી શું એક સ્ત્રી પાસે જ ખુલીને વાત કરી શકે? શું કોઈ સ્ત્રીને મનગમતો કોઈ પુરુષ નહિ હોય? સૂરજ પણ હવે ધીમે ધીમે ઢળવા લાગ્યો. દૂર દૂર સુધી લાલાશ બેસી ગઈ હતી. જાણે સૂરજને પણ ક્ષિતિજને પામવાની ઝંખના હતી. સૂરજ દરિયામાં ડૂબતો હોય તેવી આંખોને પ્રતીતિ થતી હતી. દુનિયામાં એકલો જ ઉભો હોય, તેમ તે વિચારમાં પડ્યો હતો. આજે પોતાની વાતને કહી શકે તેવું કોઈ નથી. આખરે શું ગુનો છે મારો...? કોને કહું?
વહેલી સવારે જયેશ ઉઠી ગયો. જયેશને સવારે મોડેથી ઇન્દુનો ફોન આવ્યો. પહેલો જ પ્રશ્ન જયેશને કર્યો. ‘તુ કેમ આવુ કરે છે?’ જયેશનું મન વિચારે ચડે છે. ‘શું કર્યું હશે મે?’ કંઈ જવાબ ન આપતા ઇન્દુ ફરી પૂછે છે. ‘કંઈ બોલો તો... ખરા.’ ત્યારે ઇન્દુ અને જયેશ એકાન્તે મળીને વાત કરવાનું નક્કી કરે છે. બીજા દિવસે ઇન્દુ અને જયેશ એક બગીચામાં મળે છે. ત્યારે ઇન્દુ કહે છે. ‘વિરાજ સાથે મારે કંઈ નથી. જયેશ મેં તને વાત કરી હતી.’ ત્યારે પણ જયેશ મૌન રહે છે. જાણે તેનું શરીર માત્ર બેઠું હોય. તેમ તે બેઠો હતો. ઇન્દુ પણ જાણે પવનમાં લહેરાતી એક વેલની જેમ જયેશને જાણે હમણાં વીંટળાય જશે. ઇન્દુ અને જયેશે ઘણો સમય બગીચામાં એક હિંચકે બેસીને મૌનમાં જાણે ઘણી વાતો કરી હતી. સંધ્યાનું ભાન થતાં ઇન્દુ અને જયેશને ઘર તરફ પ્રયાણ કરવું પડે છે. ઈન્દુ પણ ફરી ફરી જયેશને જોયા કરે છે. સૂરજ તરફ જયેશ ચાલતો જાય છે.

પારસ જી. ઓગાણિયા, કવિશ્રી બોટાદકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બોટાદ. ૩૬૪૭૧૦.મો.૯૯૦૪૦૯૩૩૬૨, ઈમેલ: pparas39@gmail.com