Download this page in

લઘુકથા

મારું ઘર

રીંગ વાગતી સાંભળી મેં રસોઇ પડતી મૂકી, ઝડપથી ડ્રોઈંગરૂમમાં જઇ ફોન હાથમા લીધો. ફોન મામાનો હતો. હું ખુશ થઇ એમની સાથે વાતે વળગી. મામા ગઇકાલે મારા ઘરે ન આવી શક્યાનો અફસોસ કરતાં હતા.
“ સોરી નિરુ, મેં તને પ્રોમિસ આપેલું, પણ મારાથી આવી ન શકાયું.”
“ કંઇ વાંધો નહિ, પણ હવે એક – બે દિવસમાં જરૂર આવજો.” મેં મામાને આગ્રહ કર્યો. કેમ કે મામા પાંચેક મહિનાથી મારા ઘરે આવેલા જ નહિ.
મામાએ ‘હા’ કહી વાત આગળ વધારી. વળી કંઇક યાદ આવ્યું હોય એમ બોલ્યાં,
“ નિરુ, મેં તારી દિકરીનો ફોટો જોયો. બિલકુલ ઢીંગલી જ જાણે !”
“ ક્યાં જોયો ?” મને નવાઇ લાગી. કેમ કે મારા સિવાય બીજા કોઇ પાસે એનો ફોટો હતો જ નહિ.
“ તારા ઘરે.”
“ મારા ઘરે ? મારા ઘરે તમે પાંચેક મહિનાથી નથી આવ્યા.” સામા છેડે મામા થોડી વાર ચૂપ થઇ ગયા.
“ તારા ઘરે એટલે કે તારા મમ્મીના ઘરે.”
મને યાદ આવ્યું. મારી છ મહિનાની દિકરીનો ફોટો થોડા સમય પહેલા જ મમ્મી એની સાથે લઇ ગઇ હતી.
‘મમ્મીના ઘરે’ શબ્દ સાંભળ્યા પછી મારાથી કંઇ બોલી શકાયું નહીં. બસ વિચારી રહી. મારા માટે ‘મારું ઘર’નો સંદર્ભ કેટલો બદલાઇ ગયો ! જ્યાં વીસ વરસ ગાળ્યા એ ઘર મને યાદ પણ ન રહ્યું કે ‘મારું’ છે; ને પાંચ વરસથી ‘મારા’ બનેલા આ ઘરની દિવાલો મને ઘેરી રહી.

નસીમ મહુવાકર ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા સેવા સદન, ટાવર પાસે, સુરેંદ્રનગર મોબાઇલ: 99 1313 5028