લઘુકથા
કૂવો
વરસાદ પતંગિયું બની ઉડાઉડ કરતો’તો. અને વાડીમાં કૂવો તો હતો નહીં !
કૂવો ખોદવાનું એણે નક્કી કરી નાખ્યું. કામ પણ શરૂ કરી દીધું.
પચ્ચીસ વીઘા વાડીની પાણી વિના શી નીપજ હોય ?
ત્રણ દિકરીને પૈણાવી – બે દિકરાને પણ. દિકરા તો ભાઇ ઠીકરા જેવા.
જુદા થઇ ગયા. ઠીકરાના કટકાને કાંઇ સાંધી શકાય ?
એમાં ને એમાં....
કૂવો ખોદાઇ ગયો – ખૂબ ઊંડો. જાણ બહાર જ વળી !
કૂવોય સાવ નપાણો નીકળ્યો.
પછી એને કૂવો પૂરવાનાય હોંશ ન રહ્યાં.