‘હડફેટ’: વાચકને હડફેટમાં લેતી વાર્તા
‘વન્યરાગ’ પ્રભુદાસ પટેલનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. ઇ.સ.
૨૦૧૪માં પ્રગટ થયેલા આ વાર્તાસંગ્રહની વાર્તાઓ આ પૂર્વે ખેવના,
તાદર્થ્ય, દલિતચેતના, વિ-વિદ્યાનગર, શબ્દસર વગેરે સામયિકોમાં પ્રગટ
થઈ ચૂકી હતી. ઉત્તર ગુજરાતના વિજયનગર તાલુકાની પાર્શ્વભૂ ધરાવતી આ
વાર્તાઓને ડૉ. ભરત મહેતા ‘નવો પરિવેશ, નવી લોક્બોલીનો શુભારંભ’ કહે
છે. સંગ્રહમાં કુલ ૧૫ વાર્તાઓ છે. અહીં ‘હડફેટ’ વાર્તાની તપાસ કરવાનો
ઉપક્રમ રાખ્યો છે.
‘હડફેટ’વાર્તામાં કેન્દ્રસ્થાને વાલિયો છે. વાલિયાની પત્ની શાંતુડી
મૃત્યુ પામી છે. વાલિયો અને શાંતુડી બન્નેનો વ્હાલો કાળિયો બળદ બીમાર
પડ્યો છે. કળિયાને સાજો કરવા વાલો દોરા-ધાગા, દાકટર, વાયરા-ડાકલા એ
બધું કરી છૂટે છે. ત્યાં વળી કોઇ સલાહ આપે છે કે- ‘આવા દરદમાં તો
સાદડની છાલનો ઉકાળો પીવડાવો.’ વાલો દીકરાઓને છાલ લાવવા કહે છે પરંતુ
માના અવસાન પછી સગા બાપની અવગણના કરતા બન્ને દીકરા વાલાની વિનવણી
કાને ધરતાં નથી. એટલું ઓછું હોય તેમ બાપને ધમકાવે છે. કાળિયા માટે
છાલ લેવા વાલો પોતે જાય છે. વરસો સુધી પોતાના ઘર-ખેતર જેની મહેનત પર
નભ્યા હોય એવા બળદને વાલો પીડા ભોગવતા શી રીતે જોઇ શકે! ખેતી અને
પશુપાલન પર નભતા આદિવાસી સમાજમાં આવી પશુપ્રીતિ સ્વાભાવિક રીતે હોય
જ. વાલાને દીકરાઓનું આ વર્તન ખટકે છે. અને તે બાપને ‘હડફેટે’ ચડાવતાં
બન્ને દીકરાઓની સાન ચતુરાઇપૂર્વક ઠેકાણે લાવે છે. ત્યાં વાર્તા પૂરી
થાય છે.
વિષયની રીતે જોઇએ તો ‘હડફેટ’ વાર્તા બે પેઢીના સંઘષૅની છે. આ સંઘષૅ
દ્વિરેફ્ની 'મુકુન્દરાય' અને સુરેશ જોષીની 'થીંગડું' વાર્તામાં પણ
જોવા મળે છે. વાલાની પશુપ્રીતિની વાત કરીએ તો ધૂમકેતુની 'જુમો
ભિસ્તી', પન્નાલાલ પટેલની 'કાશીમાની કૂતરી', પ્રેમચંદની 'બે બળદની
કથા' વગેરે વાર્તઓ યાદ આવી જાય. છતાં આ બધી વાર્તાઓ એક્મેકથી ભિન્ન
છે. પ્રભુદાસ પટેલની 'હડફેટ' પણ વિષયની દૃષ્ટિએ પુરોગામી વાર્તાકારો
સાથે સામ્ય ધરાવતી હોવા છતાં માવજતની રીતે જુદી તરી આવે છે.
વાર્તાનું આ જુદાંપણું તે જ જયંતિ દલાલના શબ્દોમાં કહીએ તો 'એવરેસ્ટ'
છે.
'દરેક વાર્તા એક એવરેસ્ટ જ છે. સ્વયંસંપૂર્ણ, તત્ત્વજ્ઞાનના પૂર્ણમાં
પણ પૂર્ણ ગણાઈ શકાય એવું પૂર્ણ. એની બહાર બ્રહ્માંડો હશે. વાર્તા એનો
ઇન્કાર કરતી નથી. એનું કામ તો પોતાના કથિતને, પોતે જેને નિ:શેષ માને
તે રીતે, વ્યક્ત કરવાનું છે. સંસારમાં કશું જ નિરપેક્ષ નથી હોતું,
છતાં દરેક વાર્તાનું પોતાનું નિરપેક્ષ અસ્તિત્વ છે.'
'હડફેટ' વાર્તાનું આ નિરપેક્ષ અસ્તિત્વ સિદ્ધ થાય છે તેની બોલી તથા
સમયસંકલનાને આધારે. વાર્તાકારે વાર્તાના આરંભે વાલાના સંસ્મરણો વડે
વાલા અને શાંતાડીના સુખી લગ્નજીવનને, શાંતાના મૃત્યુ પછી વાલાની
થયેલી અવદશાને વર્ણવી છે. વાર્તાના ઉત્તરાર્ધમાં લેખક વાલજી દીકરાઓની
સાન ઠેકાણે લાવે છે તે પ્રસંગ વર્ણવે છે. એ રીતે લેખક વાલાના
ભૂતકાળને અને વર્તમાનને જોડે છે. વાર્તાનો આરંભ જ વાલાની કાળિયા
માટેની ચિંતાથી થાય છે.
'કાળિયાની ચિંતા ને લ્હાયમાં ગામ જાણે આઘું ને આઘું ઠેલાયે જતું
લાગતું'તું. ને અડધો ડુંગરો વટાવતાં તો વાલજી હાંફળોફાંફળો થઈ ગયો
હતો. બાકી, આ જ ડુંગરો જુવાનીમાં વાલજીને પોતે માત્ર આઠ-દસ ફલાંગમાં
જ વટાવી દેતો હોય તેવું લાગતું!' (પૃ-૮૬)
માત્ર ત્રણ વાક્યમાં જ વાર્તાકારે કેટકેટલું ભરી દીધું છે. કાળિયા
માટેનો વાલાનો સ્નેહ અને ચિંતા, વાલાની અકળામણ અને તેની વૃદ્ધાવસ્થા-
બે વાક્યમાં આ વર્ણવ્યા બાદ ત્રીજા વાક્યે તો સીધા જ વાલાની જૂની
યાદોમાં લેખક લઈ જાય છે. વર્તમાનમાંથી ભૂતકાળમાં થતી આ ત્વરિત ગતિ
અને ત્યારબાદ વાલાના સંસ્મણોમાં જીવતી થઈ ઊઠતી મૃત પત્ની શાંતા.
મનોવૈજ્ઞાનિક અભિગમથી વિચારીએ તો પણ આ રીતનું સમયનું નિરુપણ યોગ્ય
છે. મનુષ્ય ચિત્ત વર્તમાન પીડા, દુ:ખમાંથી છટકવા માટે અતીતમાં સરી જઈ
સુખી સંસ્મરણો વાગોળવા લાગે છે. એ રીતે ક્ષણાર્ધ પૂરતું માનવમન
શાંતિની, સુખની અનુભૂતિ મેળવી લે છે કે જેથી વર્તમાનમાં ટકી શકે.
આછું મલકાતી શાંતાને મળવાની ઉતાવળમાં જ વાલો જવાનીમાં ડુંગરો ઓળંગી
જતો હતો. શાંતાને પણ કાળિયો વ્હાલો હતો. એ અર્થમાં કાળિયો વાલા માટે
માત્ર પશુ કે ખેતીનું સાધન નથી પરંતુ શાંતાની સાથે જોડતી જીવંત કડી
છે અને દીકરો તો કાળિયાને કસાઈવાડે નાંખી આવવાનું વિચારે છે. એ વાલો
શી રીતે જીરવી શકે? ઓશિયાળા બનેલા વાલાનું કાળજું કપાઈ જાય છે. મનમાં
ધૂંધવાયેલો વાલો છોકરાઓના નામનું નાહિ નાખવાનું વિચારે કે તરત મનમાં
જ મૃત શાંતા વાલાને આકરા ન થવાની વિનંતી કરતી દેખાય. અક્ળાયેલો વાલો
શાંતાને પણ કહેવા માંડે,
'તમે છૉના ર્યૉ બચુનાં આઈ. ઑમ આભલે ચડીને કે'વુ સે'લ વાત...પાં...ણ
આય આઈને દીકરા ને વૌવો(વહુઓ)નાં કરતૂત તો જુઓ!' (પૃ-૮૮)
વાલાની અકળામણમાં પણ તેની એકલતા, ખાલીપો અનુભવાય છે. આ બબડાટ કરતો
વાલો ડુંગરની ટોચે પહોંચે. ત્યાં આંબલીનું ઝાડ જુએ અને વળી પાછો
શાંતા ગર્ભવતી બની હતી તે પ્રસંગ યાદ કરે. એ ઝાડના ટેકે વાલો અને
શાંતા સાથે બેસતાં. ત્યાં જ શાંતાએ ગર્ભવતી થયાની વધામણી શરમાતાં
શરમાતાં આપેલી. વાલો શાંતા સાથે કેવો સુખી સમય વીત્યો હતો એ વિચારે
છે. પણ શાંતાના મૃત્યુ પછી જાણે ઘરની દશા બેઠી અને બે ભાઈ જુદાં
પડતાં ઘરના બે ભાગ થઈ ગયા. આ વિચારો કરતો વાલો ગામના ગોદરે આવેલા વડ
પાસે પહોંચે, બીડી સળગાવે અને તરત લેખકનો કૅમેરા શાંતા પરથી ઉનાળામાં
એ જ વડ નીચે બેસતા કાળિયાની યાદમાં ખોવાઈ જતાં વાલાને રજૂ કરે.
'ઉનાળાના દા'ડે ગામનાં ઢોરાં વડ છાંયે બેસીને વાગોળતાં હોય...તેમાં
કાળિયોય...વાગોળતા કાળિયાને જોઇ રહેતાં...બીડી ફૂંકતાં...’ (પૃ-૯૦)
વાર્તાનો અહીં સુધીનો અંશ લેખકની સમયનિરુપણની સૂક્ષ્મ સૂઝનું સુંદર
દૃષ્ટાંત છે એમ કહી શકાય. સમયની સાથે સ્થળ અને સંસ્મરણોની ગૂંથણી પણ
ચોકસાઇપૂર્વક થયેલી છે. વૃદ્ધ વાલો કાળિયા માટે છાલ લઇને પાછો ફરી
રહ્યો છે તે ક્ષણથી વાર્તાનો આરંભ થાય છે. વાલો જે માર્ગે પાછો આવે
છે તે માર્ગમાં આવતો ડુંગર, ડુંગરની ટોચ પર આવેલું, આબંલીનું ઝાડ ને
પથ્થર- એ બધાં જ સાથે શાંતાના સંસ્મરણો જોડાયેલા છે. કહો કે, વાલાની
જુવાનીનો, તેના શાંતા સાથેના સ્નેહસભર જીવનનો એ રસ્તો, ડુંગર સાક્ષી
છે. એ જ રસ્તેથી વૃદ્ધ, એકલો, દુ:ખી વાલો પસાર થાય છે વર્તમાન ક્ષણે.
એ જ માર્ગ હોવાથી વાલાના ચિત્તમાં અતીત અને વર્તમાનનો વિરોધાભાસ
તીવ્રતાથી ઊપસી આવે છે. સમય અને સ્થળનું આ પ્રકારનું ઐક્ય
વાર્તાકારની કુશળતા દર્શાવે છે. ટૂંકીવાર્તામાં સમયનું નિરુપણ ખૂબ
નાજુક બાબત છે. વાર્તામાં સમયનિરુપણનું મહત્ત્વ વર્ણવતાં ડૉ. સુરેશ
જોષી લખે છે,
‘મોટા સ્થાપત્યના ભારને ટકવાને માટે કમાનની યોજના કરવામાં આવે છે.
ટૂંકીવાર્તામાં સમયનો આ કમાનની જેમ ઉપયોગ કરવામાં આવે છે. દેખીતી
રીતે નહિવત્ લાગતી છતાં અર્થપૂર્ણતાનું ભારે ગુરુત્વ ધરાવનારી ઘટનાને
સમયની નાની કમાન પર કેવી રીતે વહેંચી નાંખવી તેને સૂક્ષ્મ કલાસૂઝની
અપેક્ષા રહે છે. જે બિંદુ ઉપર ઊભા રહીને ભૂત અને ભવિષ્યના પ્રદેશોમાં
પૂરી આસાનીથી ઝોલાં ખાઇ શકાય, ને એ રીતે ઘટનાના પરિમાણમાં બૃહત સંકેત
પ્રગટ કરી શકાય તે બિંદુની શોધ નવલિકાના સર્જકે કરવાની રહે છે.’
વાર્તાકાર પ્રભુદાસ પટેલ આ બિંદુની શોધ ‘હડફેટ’ વાર્તામાં કરી શક્યાં
છે તેની પ્રતીતિ વાર્તામાં નિરુપિત સમય કરાવે છે. ‘વન્યરાગ’
વાર્તાસંગ્રહની અન્ય વાર્તાઓમાં પણ સમયનિરુપણની પ્રભુદાસ પટેલની
કલાસૂઝ જોવા મળે છે. ‘ઉજાસ’, ‘વેર’ અને ‘થીંગડું’ વાર્તાઓ સમયની
દૃષ્ટિએ તરત યાદ આવી જાય. ‘હડફેટ’માં વાલાના ભૂતકાળ અને વર્તમાનનો
વિરોધાભાસ તો છે જ. તે ઉપરાંત વાલાની પશુપ્રીતિ સામે દીકરાઓનું વાલા
સાથેનું વર્તન પણ વિરોધ રચે છે. આ જ વિરોધ વાર્તાના અંતે વૃદ્ધો અને
જુવાનો વચ્ચે જોવા મળે છે. આ દૃષ્ટિએ જોઇએ તો આ ત્રિવિધ એવી વિરોધી
પરિસ્થિતિની સહોપસ્થિતિ દ્વારા વાર્તાકારે ભાવકોને ‘હડફેટ’માં લીધા
છે.
‘વન્યરાગ’ વાર્તાસંગ્રહનું બીજું આકર્ષક તત્ત્વ તેની બોલી છે.
‘હડફેટ’વાર્તામાં પણ ભાષાના, બોલીના ચમકારા જોવા જેવા છે. દીકરાઓના
કરતૂત પર ખીજાતો વાલો મનમાં તાડૂકી ઊઠે છે,
‘હાળા રાંડવાઓ...ના, ના. બૈરીઓએ જણ્યા હોય ઇમ કાતરિયાં લેતાં ફરો
સો?’ (પૃ-૮૭)
વાલિયાની જેમ જ દીકરાઓથી દુ:ખી ખીમલો આખી નવી પેઢી પર વરસી પડતાં કહે
છે;
‘હાળી આ નવી પેઢીના છોકરાઓને મન ફાટેલાં લૂંગડાં, જીવ, જનાવર કે
માવતરમાં કૉય ફરક જ નઇ? જૉણે ઇ તો ઘયડાં થવાના જ નથ્ય!’ (પૃ-૯૧)
કાળિયા બળદને પંપાળતા વાલા પર ખીજાતા દીકરા-વહુનો ઉલ્લેખ વાર્તાકાર આ
શબ્દોમાં કરે છે,
‘એ જોઇને બે ફાડિયે વહેંચાયેલા ઘરના તોબરા ચડી જતા.’ (પૃ-૮૭)
‘ઘરના તોબરા’ આ લાક્ષણિક શબ્દપ્રયોગ વાલાની અવદશા વેધક રીતે રજૂ કરે
છે. વાલાની છાલ લાવવાની વાતે તેનો દીકરો મોહન છાસિયું કરે છે ત્યારે
વાલાને લાગે છે કે, ‘જાણે વકરાઇએ ચડી ગયેલો આખલો ફેટમાં લેવા ન આવ્યો
હોય !’ (પૃ-૮૭)
બાપની મિલકત પર છોકરાઓનો હક હોય એમ કહેતા મોહનની તરફેણમાં ઊભા રહેતા
જુવાનોની ટોળીને જોઈ સભામાં બેઠેલા વૃદ્ધોને પણ ‘જાણે આખલાઓની
હડફેટમાં’ આવી ગયા હોય તેવી બીક લાગે છે. વાર્તાના અંતે વાલો અને
વૃદ્ધો એક તરફ થઈ જાય છે ત્યારે જુવાનો મનોમન ‘જાણે ઘયડા બળદિયાઓની
હડફેટ’માં આવી ગયાનો ભાવ અનુભવે છે. પ્રભુદાસ જુવાનોની શક્તિ, તેમની
નફિકરાઇ, વડીલોને ઉખાડી ફેંકી દેવાની મનોવૃત્તિ ઇત્યાદિને ‘આખલા’
શબ્દથી બતાવે છે. સામાપક્ષે વૃદ્ધો જુવાનોને ‘બળદ’ની યાદ અપાવે છે એ
સૂચક છે. અહીં અલંકારના, શબ્દના પુનરાવર્તનથી લેખકે બે પેઢી વચ્ચેના
સંઘર્ષના ભાવને ઘૂંટીને રજૂ કર્યો છે.
આમ, ‘હડફેટ’ વાર્તા સ્થળ અને સમયનું ઐક્ય, બળકટ બોલી તથા સમયનિરુપણની
રીતિને લીધે નોંધપાત્ર બની રહે છે.
સંદર્ભ ગ્રંથો:
- ’વન્યરાગ’, લે. પ્રભુદાસ પટેલ, પાર્શ્વ પ્રકાશન, પ્ર.આ.૨૦૧૪
- ’ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા’, સં. જયંત કોઠારી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- ’કથોપકથન’, લે. સુરેશ જોષી, આર.આર.શેઠની કંપની, પ્ર.આ. ૧૯૬૯