Download this page in

ઉત્તર ગુજરાતના મારવાડી કુંભાર સમાજનાં લગ્નગીતો: એક અભ્યાસ

જ્યારથી મનુષ્યને ગળું મળ્યું ત્યારથી ગીત મળ્યું છે. માનવજીવન જીવતાં જીવતાં જે સંવેદનો અનુભવે તેને સમુહમાં રજૂ થતાં લોકગીતોનો જન્મ થયો એમ કહી શકાય. માનવજીવનમાં જન્મ પહેલાંથી માંડી મૃત્યુબાદ એમ દરેક પ્રસંગો સાથે લોકગીત જોડાયેલું અને વણાયેલું છે. ઝવેરચંદ મેઘાણી પણ લોકગીતના ઉદ્દ્ભવ વિશે વાત કરતાં કહે છે “ જેનાં રચનારાઓએ કદી કાગળ અને લેખણ પકડ્યા નહિ હોય, એ રચનારાં કોણ તેની કોઇને ખબર જ નહિ હોય, અને પ્રેમાનંદ કે નરસિંહની પૂર્વે કેટલો કાળ વીંધીને એ સ્વરો ચાલ્યા આવે છે તેની ભાળ કોઇ નહી લઇ શક્યું હોય તેનું નામ લોકગીત.” [1] તો ડૉ. સત્યેન્દ્ર નોંધે છે કે, “मानव की उपलब्धियां में गीत का महत्वपूर्ण स्थान है | संभवतः आदिम मानव ने वाणी का प्रथम दर्शन गीत के रूप में ही किया था | जितना गीत मानव के स्वाभाविक स्पंदनो से संबद्ध है उतना वाणी का कोई और रूप नहीं |” [2] ઝવેરચંદ મેઘાણી કહે છે તે પ્રમાણે લોકગીતો તે પ્રાચીનકાળથી લોકોના કંઠે ગવાતાં આવે છે. તથા લોકગીત એટલું પરિવર્તનશીલ સ્વરૂપ છે કે તે જમાને-જમાને પ્રદેશે-પ્રદેશે બદલાય છે. પરંતુ તેમ છતાં પણ ગીતમાં રહેલો ભાવ અને લહેકો એવા ને એવા જ જળવાઇ રહે છે. ડૉ. બળવંત જાની નોંધે છે કે, “લોકગીતના અભ્યાસમાંથી ખ્યાલ આવે છે કે લોકગીત લોકશિક્ષણનું અસરકારક માધ્યમ છે. તથા એમાં લોકજીવન કેવું સાચી રીતે પડઘાતું હોય છે.”[3] તો પશ્ચિમી વિદ્વાન રાલ્ફ વિલિયમ લોકગીત વિશે કહે છે “ A folk song is neither new or not old it is like a forest tree,with its root deeply burried in the past, but which continually puts forth new branches new leaves and new fruits”[4]
( “ લોકગીત એ નવું પણ નથી અને જુનું પણ નથી. તેતો જંગલી વૃક્ષ જેવું છે, કે જેનાં મૂળીયા ભૂતકાળ સાથે જોડાયેલ હોવાં છતાં તેને સતત નવી શાખાઓ , નવી ડાળો ફુટે છે. તેમજ નવાં નવાં પર્ણો અને ફળફળાદી આવતાં રહે છે”)

આમ લોકગીતો પરિવર્તન સાથે નવી ઢબે પ્રગટે છે. તથા ભાવક સાથે અનુબંધ રીતે જળવાય છે. પરંતુ અહીં લગ્નગીતોની વાત કરવાની છે. તેથી લોકગીતોની વધારે ચર્ચા ન કરતાં લગ્નગીતોને જોવામાં આવશે. લોકગીતોમાં લગ્નગીતો બહોળા પ્રમાણમાં મળી આવે છે. લગ્ન વખતે ગવાતાં ગીતો તે લગ્નગીતો. ભારતીય સંસ્કૃતિમાં અને મુખ્યત્વે હિન્દુધર્મમાં લગ્નનું આગવું મહત્વ છે. હિન્દુધર્મમાં લગ્ન એક પવિત્ર બંધન છે. લગ્ન એટલે બે ભીન્ન ભીન્ન વ્યક્તિઓનું બે આત્માઓનું અગ્નિની સાક્ષીએ એક થવું અને જીવનભર એકમેકને સુખ: દુ:ખમાં સાથ આપવાનો કોલ લેવાય છે. લગ્ન એ માત્ર વર અને કન્યાને જ પવિત્ર બંધનમાં નથી બાંધતા પરંતુ તેમની સાથે સાથે તેમના પરિવારને પણ એક સાથે બંધને બાંધી દે છે. લગ્નનાં આગળના દિવસથી માંડીને વિદાય સુધી ઘરનું વાતાવરણ આનંદથી હર્ય-ભર્યુ બની રહે છે. લગ્નની દરેક વિધિ પ્રમાણે તેનાં લગ્નગીતો પણ જુદા-જુદા જોવા મળે છે.

અહીં પ્રસ્તુત લગ્નગીતોની પંક્તિઓ તે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને બનાસકાંઠા પંથકના આજુબાજુના વિસ્તારોમાં મારવાડી કુંભાર જ્ઞાતિ(પ્રજાપતિ પણ કહે છે) કે જે મૂળ રાજસ્થાની જ્ઞાતિ છે જે ઘણાં વર્ષો પહેલાં મારવાડથી આવીને ગુજરાતમાં વસેલી આ જ્ઞાતિના લગ્નગીતોમાં રાજસ્થાની અને મારવાડી ભાષા-બોલી જોવા મળે છે. હવે તેમના લગ્ન સમયે ગવાતાં લગ્નગીતો જોઈએ. તેને ચોક્કસ વિધિ-વિધાનુસાર ગોઠવીને તેને સંદર્ભ અભિવ્યક્તિની દ્રષ્ટ્રીએ ચકાસવાનો મારો ઉપક્રમ છે.

લગ્નની મંગળ પ્રભાતે લગ્નવાળા ઘેર સગા સંબંધી અને પાડોશના સર્વે લોકો ભેગા થાય છે અને ત્યારે આવા સુંદર ગીતો ગવાય છે:

“કોઈ જત રે પરભાતે કૂકડ બોલિયો,
કોઈ જત રે સાસુજી હેલો મારીયો,
કોઈ જત રે પાડોસણ ઘંટી માંડીયો”

લગ્ન લખાયા બાદ વરને બાજવઠ પર બેસાડી લગ્નને તેની માતા, કાકી, બહેન, તથા સગા-સબંધીઓ કંકુનો ચાલ્લો કરીને લગ્નને વધાવવામાં આવે છે અને વરને આશીર્વાદ આપે છે, તે સમયે ગવાતું ગીત:

“નેનકીયો બજોટીયો ને, મોતીડે સુજડીયો
સમરે કેરી સોયાં સોપટ મેલો હો લાડલડા તને બાજોઠે બેહાડું,
ઢોલના ઢીસાકે પરણાવું હો લાડલડા તને બાજોઠે બેહાડું”

હિન્દુધર્મ પ્રમાણે દરેક શુભપ્રસંગે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, લગ્નપ્રસંગે પણ ગણેશજીને બેસાડવામાં આવે છે એટલે કે તેમની સ્થાપના કરવામાં આવે છે, તે સમયે ગવાતું ગીત:

“હાલો વિનાયક આપણે જોશીજી ને હાટે
સોખ સોખ મૂરત જોવરાવો રે મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને સતરી ફાંદાળા”

લગ્નની સાંજે જે ઘરે લગ્નપ્રસંગ હોય ત્યાં બ્રાહ્મણ કે વણકર સમાજના લોકો આસોપાલવના તોરણ બાંધવા આવે છે. પછી વર કે કન્યાની માતા, કાકી, ભાભી, વગેરે એક પછી એક આવીને બ્રાહ્મણને કે વણકર સમાજના માણસને ચાલ્લો કરી તેને ગોળ ખવડાવી દક્ષિણા આપે છે અને તોરણને વધાવે છે, તે સમયે ગવાતું ગીત:

“અણમોતી મારે સમદરિયાં મે નીપજે
અણમોતી મારે સંજયભઈ ને કાંન રે
વધાવો રજરો આવીયો.”

કન્યાનાં ઘરે જાનના આગમન પહેલાં મંડપ બાંધવામાં આવે છે. તે વખતે ગવાતું ગીત.

“સોખાજી સાવળ કણેજી સુંપીયા,
કણા રે ઘર જઉં તો સોખા સાવળા
નાંમ નહીં જોણ્યો ન ગાંમ નહીં જોણ્યો,
કણા રે ઘર જઉં તો સોખા સાવળા”

વર-કન્યા પરણે તે પહેલાં પોત પોતાને ઘેર મામા મોરિયાનાં સગાઓને ભેગા કરવામાં આવે છે. અને તુરંત મામેરાની વિધિ ભરાય છે. મામેરામાં મોસાળ તરફથી કન્યા અને માતા માટે લાવેલ ભેટ સોગાદોને મુલવવામાં આવે છે. અને ત્યારબાદ કન્યાની માતા પોતાનાં ભાઇને માથે કંકુનો ચાંલ્લો કરી પ્રસંગમાં હાજરી આપી તે માટે આર્શિવચન આપે છે, મામેરા વખતે ગવાતું ગીત:

“તોરણ બેઠી સલકણાં બોલે જોવે માંમેરાંની વાટ્યો,
માંમેરાંના ભાજી સંજયભૈ વેગા તેડયા મોડા આવીયા.
જ્યાં તા હો બૈજી સીરવિયાની હાટે સૂડલા મોલાવતાં વેળા વે ગઈ.”

પીઠીને શુભ શુકન માનવામાં આવે છે. તેથી લગ્નના આગલા દિવસે વર અને કન્યાને સાત-સાત વાર પીઠી ચોળવામાં આવે છે. તે સમયે ઘરની સ્ત્રીઓ વર વહૂ ને પીઠી ચોળતી વખતે આવા મીઠા મધુરા ગીત ગાય છે.

“મ્હારી હળદી રંગ સુ રંગનીપજે માળવે,
એને ચોળે લાડલડાની કાચી નીપજે માળવે .”

વર જ્યારે કન્યાના ઘરે જાન લઇને આવે છે ત્યારે મંડપમાં જતાં પૂર્વે વરને કન્યાની માતા કે ભાભી દ્વારા પોંખવાની વિધિ કરવામાં આવે છે, તે સમયે ગવાતું ગીત:

“તેતો તોરણિયે આઈને ઉબા હો રેજો નેતલબઈના વિંદરાજા,
તેતો સવરીએ સળીને ઉબા હો રેજો નેતલબઈના વિંદરાજા.”

વર અને વહુ મંડપમાં લગ્નની વિધિ દરમ્યાન અગ્નિની સાક્ષીએ ચોરીના ફેરા ફરે છે. તે સમયે ગવાતું ગીત.

“આયા રાજા સવરીને માંય ઘોડીના વાગે ડાબલા ,
પેલો ફેરો તે રાજા ફરીય રે, ફરીયા રાજાસવરીને માંય.”

ફટાણાં ગાવાની પણ દરેક સમાજમાં એક આગવી મજા છે. વરરાજા જ્યારે મંડપમાં પ્રવેશ કરે છે,ત્યારે કન્યાપક્ષવાળા મોટે મોટેથી વરને ગાળો(ટીખળી, મઝાક) ગાય છે. આ ગાળો તે હાસ્યસ્પદ હોય છે, જે બંને પક્ષો એક બીજાને પણ ગાય છે:

“ કાંઈ હો વના કાંઈ હો.... મેં લાજી મર્યા,
તાર ભૈ ભીલ કાંઈ હો.... મેં લાજી મર્યા ,
તાર કાકો કોળી કાંઈ હો.... મેં લાજી મર્યા.”

લગ્ન જેવા હરખના અવસરમાં બધી સ્ત્રીઓ ભેગી મળીને ગોળ વર્તુળાકારે ઢોલના તાલે રાસ લેતી હોય છે , તે સમયે ગવાતું ગીત:

“આંબો ફાલ્યો ઘમર ફૂલડે, ફૂલ વેણવા કુણ જાય,
જશે વીરો મારા પાતળા ઘોડલે ઘુઘર માળ.”

લગ્ન થઈ ગયા બાદ છેલ્લે કન્યાને વિદાય કરવામાં આવે છે, તે વખતે ગવાતતું ગીત.

“પાકા આંબા ને પાકી આંબલી,
મૌડાંની લેરેલેર કોયલ હન સાલ્યાં
હું તમને પુસું મારાં કેલમબઈ રે,
અતરા દાદાજીના હેત મેલીને રે.”

કન્યાવિદાય કરીને વળતી વખતે એટલે કે જાનને મુકીને ઘેર પાછા ફરતી વખતે ગવાતું ગીત:

“કાળી કોયલડી તમે વનવગડામાં રેતાં રે,
ભોળાં રે કાજલબઈ તમે સાસરિયે સિદ રેશો રે.”

કન્યા જ્યારે પરણીને સાસરે આવે છે ત્યારે ઘરનાં ઝાંપે સાસુ દ્વારા પોંખવામાં આવે છે. તે વખતે ગવાતું ગીત:

“માતા પૂછે રે જશોદા બિંદડી શીદ ને પુંખી જે
આડા પોમરીયાના પળદા હોના રી હળીએ બિંદડી પુંખી જે.”

આમ ઉપરોક્ત ગીતો મારવાડી કુંભાર સમાજનાં લગ્ન પ્રસંગે ગવાતાં ગીતો છે. આ ગીતો અન્ય પ્રદેશમાં કે સમાજમાં પણ ગવાતા હશે. થોડે અંશે તેમાં ભિન્નતા પણ હશે પરંતુ ગીતમાં રહેલો તેનો ભાવ અભિવ્યક્તિ એવીને એવી જ રહે છે. તેમાં કોઇ ફેરફાર થતો નથી. બીજુ કે અત્યારે આધુનિક સમયમાં લોકોનાં કંઠે ગવાતાં આ “ગાંણાં” ઓછા જોવા મળે છે. કારણ કે ઢોલ નગારા સાથે ગવાતાં આ “ગાંણાં” નો યુગ અસ્ત થયો છે તેને સ્થાને ડી..જે ઓરકેસ્ટ્રાએ ધુમ ધડાકા સાથે ગવાતાં ગીતોનો જમાનો આવ્યો છે. એટલે આવા ગીતો તે ભાગ્યે જ કોઇ જગ્યાએ ગવાય છે. અથવા તો સાંભળવા મળે છે. બીજુ કે ભદ્ર સમાજ આધુનિકતાના રંગે રંગાયેલો હોવાના કારણે તે આવા “ગાણાં” ગાવામાં શરમ સંકોચ અનુભવે છે. જેથી કરીને આ ‘ગાંણાં’ તે લુપ્ત થવાના આરે છે. એટલે જેમ બને તેમ વહેલાસર આ ગુજરાતી લગ્નગીતોની મોંઘી મૂડી સમા ગાંણાંને સંગ્રહી લેવાં જરૂરી છે.

શબ્દાર્થ :-

  1. જત રે- જાગવું
  2. હેલો- બૂમ મારવી
  3. સુજડીયો- શણગારવું
  4. સોપટ- જુગાર
  5. રજરો- ટોળું
  6. સાવળ- આમંત્રણ
  7. કણે- કોને, કોના
  8. વેગા- વહેલા
  9. સીરવિયા- સોની
  10. મોલાવતાં- મૂલવવું
  11. હળદી- પીઠી, હળદર
  12. માળવા- એક પ્રદેશ
  13. કાચી- કાકી
  14. ઉબા- ઉભા
  15. સાલ્યાં- ચાલ્યાં
  16. પોમારીયું- સાડીનો પાલવ
માહિતીદાતા :-
1. કમુંબેન રતિલાલ પ્રજાપતિ ઉંમર – ૪૫ વર્ષ , પાટણ.
2. પુરીબેન રૂપાભાઈ કુંભાર ઉંમર – ૪૭ વર્ષ , મહેસાણા. 3. નર્મદાબેન મોહનભાઈ કુંભાર ઉંમર- ૬૭ વર્ષ , સબોસણ.

સંદર્ભગ્રંથ::

  1. ‘રઢીયાળી રાત’ સં: ઝવેરચંદ મેઘાણી,પ્રકાશક :પ્રસાર ભાવનગર, બૃહદ આવૃત્તિ ૧૯૯૭, પૃષ્ઠ – ૧૭
  2. लोकसाहित्यविज्ञान, डॉ. सत्येन्द्र, प्रथम संस्करण- १९६२, शिवलाल एण्ड कंपनी, आगरा, पृ. ३८८.
  3. ‘લોકગીત: તત્વ અને તંત્ર’, ડૉ. બળવંત જાની(સંપા) , પ્ર.આ. ૨૦૦૨, પ્રકાશક: ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પૃ. ૨૦૬.
  4. ‘ એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનીકા’ વોલ્યુમ – ૯, પૃષ્ઠ – ૪૪૮
  5. ‘લોકવાઙ્મય: સ્વરૂપ સંદર્ભ’, સં: ડૉ. રાજેશ મકવાણા, પ્રકાશક: આસ્થા પ્રકાશન, પ્ર.આ. ૨૦૦૭.

હાર્દિક પ્રજાપતિ (M.A., S.I.), મું: સબોસણ, તા: પાટણ જી: પાટણ મો: ૮૧૪૧૧૨૫૧૪૦, ૮૩૨૦૬૦૦૫૮૨ hardikkumar672@gmail.com