Download this page in

અંગ્રેજ સંશોધક એલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ અને ‘રાસમાળા’

મુખ્યત્વે ‘રાસમાળા’ના લેખક તરીકે જાણીતા એલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસનો જન્મ ૭ જુલાઈ, ૧૮૨૧ના રોજ ઈંગ્લેન્ડ શહેરમાં થયો હતો. એક સમયે તેમને શિલ્પશાસ્ત્રી થવું હતું. તે માટે તેમણે ઈંગ્લેન્ડના પ્રખ્યાત શિલ્પશાસ્ત્રી મિ. બસેવી પાસે આઠેક મહિના અભ્યાસ પણ કર્યો. પણ પછીથી તેઓએ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાવાનું પસંદ કર્યું. તે માટે ઇસ્ટ ઇન્ડિયા કૉલેજમાં પ્રવેશ મેળવવા પરીક્ષા આપી. જેમાં પાસ થતાં તેમને એ કૉલેજમાં પ્રવેશ મળ્યો. એ બાદ તેઓ કંપનીની સિવિલ-સર્વિસમાં જોડાયા. હેલબરી અને ઇમ્પિરિયલ સર્વિસ કૉલેજમાં અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન તેઓ પ્રખ્યાત ઇન્ડોલોજિસ્ટ સર વિલિયમ જૉન્સનાં પુસ્તકોના પરિચયમાં આવ્યા. જેને લીધે તેમને ભારતનાં ઇતિહાસ અને સંસ્કૃતિનો પરિચય થયો. તાલીમ પૂરી થયા બાદ તેઓ ૩૦ ડિસેમ્બર, ૧૮૪૨ના રોજ બૉમ્બે પ્રેસિડેન્સીની સિવિલ સર્વિસમાં જોડાયા. તે પછી ૧૫ નવેમ્બર, ૧૮૪૩ના રોજ પહેલી વાર હિંદુસ્તાનનાં મુંબઈમાં આવ્યા. ૨૫ માર્ચ, ૧૮૪૬ના રોજ માર્ગારેટ મોઇર ફૉર્બ્સ-મિચેલ સાથે ફાર્બસનાં લગ્ન થયાં. ‘રાસમાળા’ના કામ માટે તેઓ થોડોક વખત સરકારી નોકરીમાંથી રજા લઈ સ્વદેશ ગયા હતા. બાકીનાં મોટાભાગના વર્ષો તેમણે હિંદુસ્તાનમાં જ વિતાવ્યાં હતાં. ૩૧ ઓગસ્ટ, ૧૮૬૫ના રોજ મગજના રોગને લીધે પૂનામાં તેમનું અવસાન થયું.

ફાર્બસ જ્યારે હિંદુસ્તાન આવ્યા ત્યારે એક સ્વતંત્ર રાજકીય એકમ તરીકે ગુજરાતનું અસ્તિત્વ હતું જ નહીં. ગુજરાતનો કેટલોક પ્રદેશ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન હેઠળ હતો, એટલે કે મુંબઈ ઇલાકાનો ભાગ હતો. જ્યારે બાકીનો પ્રદેશ બસો કરતાં વધુ દેશી રાજ્યો વચ્ચે વહેંચાયેલો હતો.

‘કવીશ્વર દલપતરામ’ના પહેલા ભાગમાં કવિ નાનાલાલ નોંધે છે કે – “કર્નલ ટોડે રાજસ્થાનની ગાથા લખી, ત્યહારે ત્હેમની કને એક જતી હતા... રાસમાળા રચવામાં એવા સહાયક ને ઉદબોધક ગુર્જર યતિજી ફારબસને જોઈતા હતા, કે જે વ્રજભાષા અને ચારણી ભાષામાંના જૂના રાસાઓના અને સંસ્કૃત, પ્રાકૃત, ને જૂની ગુજરાતીમાંના જૈન રાસાઓના અર્થ ઉકલાવે, ને પ્રજાના અણસમજાતા રીતરિવાજ સંસ્કાર-પ્રકરણો અને સંસ્કૃતિના થર ઉપર લખેલા કાળમન્ત્રો ભણાવે. આપણો પ્રાચીન ઇતિહાસ રાસાઓના કાવ્યગ્રંથોમાં હતો; એટલે ઇતિહાસસંશોધનને અંગે કવિતાનો શોખ પણ ફારબસને જાગ્યો હતો. કવિતા સ્હમજનાર અને સમજાવનાર, ઇતિહાસ ઉકેલાવનાર, દેશાચારનાં અન્તરરહસ્ય ભાખનાર, પ્રજાની કાળપગલીઓમાંની રેખાઓમાંના અક્ષર વાંચીને વંચાવનાર, કર્નલ ટોડને મળ્યો હતો, એવો દેશની સંસ્કૃતિનો ભોમિયો, ફારબસસાહેબ શોધતા હતા.”૧

રા. ભોળાનાથ સારાભાઈની ભલામણથી ફાર્બસે ઇ.સ.૧૮૪૮ના નવેમ્બર મહિનામાં દલપતરામને પોતાની પાસે તેડાવ્યા. દલપતરામ પાસે ગુજરાતી ભણવાનું શરૂ થયું. દલપતરામ દરરોજ બે કલાક ફાર્બસને કવિતા શીખવવા જતાં. ફાર્બસ શબ્દેશબ્દનો અર્થ પૂછી લેતા. અને અઘરો શબ્દ હોય તો તેનો અર્થ અંગ્રેજીમાં લખી લેતા. આ રીતે થોડા સમયમાં ફાર્બસ દલપતરામ પાસેથી ગુજરાતી વાંચતાં અને બોલતાં શીખી ગયા.

ફાર્બસ અને દલપતરામનો મેળાપ થયો તે પહેલાં દલપતરામે વ્રજ અને ડિંગળમાં કવિતાઓ કરી હતી. ભાટ-ચારણો પણ મોટેભાગે આ બે બોલીમાં રચનાઓ કરતાં. ફાર્બસને પોતાના સંશોધનમાં ઉપયોગી થાય એવા ઘણા ગ્રંથો આ બે બોલીમાં લખાયેલા હતા. આથી ફાર્બસે એવા કેટલાક ગ્રંથોનો દલપતરામ પાસે ગુજરાતીમાં અનુવાદ કરાવ્યો. પણ ભાટ-ચારણની આવી કૃતિઓ હસ્તપ્રતો રૂપે જ હતી. આ હસ્તપ્રતો જેમની પાસે હોય તે સહેલાઈથી બીજા કોઈને જોવા આપે જ નહીં. આવી સ્થિતિમાં તેની નકલ કરવા આપે એવી અપેક્ષા તો રખાય જ નહીં ને! દલપતરામ સ્વામિનારાયણ પંથના અનુયાયી હોવાથી તેમણે ઘણી જગ્યાએ પ્રવાસ પણ કર્યો હતો, અને કેટલાક ભાટ-ચારણોના પરિચયમાં પણ હતા. એટલે તેમના પર ફાર્બસને આશા હતી કે તેઓ નકલ કરી લેવા માટે હસ્તપ્રતો મેળવી શકશે. આથી દલપતરામને હસ્તપ્રતો (કે તેની નકલો) એકઠી કરવાનું કામ સોંપ્યું. આમ હસ્તલિખિત ગ્રંથના શોધ અને સંગ્રહ થવા માંડ્યા. ખૂણે-ખાંચરે ભરાઈ રહેલા ભાટ-ચારણ જેવા કવિઓને શોધવાના પ્રયત્નો શરૂ થયા.

મહીકાંઠામાં જ્યાં જ્યાં ભાટ, ચારણ કે બ્રાહ્મણ કવિ હોય તેમને ફાર્બસ કાગળ લખી તેડાવતા, વહીવંચાઓને પણ તેડાવતા. તેમનો મુખ્ય આશય ઇતિહાસલાયક હકીકત કવિતા દ્વારા મેળવવાનો હતો. તોપણ કોઈ નવી કવિતા બનાવી લાવે કે નવી હકીકત લાવે તેને પાઘડી, શાલ વગેરે બક્ષિસ તરીકે આપતાં.

રાવસાહેબ વિશ્વનાથ નારાયણ મંડલિકે ફાર્બસ વિશે કહ્યું હતું કે, “સ્થાનિક કવિતા, ઇતિહાસ, રીતરિવાજ વગેરેની જાળવણીના તેઓ પ્રખર હિમાયતી હતા. તેમનામાં રાજવી જેવી ઉદારતા હતી, અને તેમના મનમાં વર્ણભેદ કે જાતિભેદને સ્થાન નહોતું. સ્થાનિક લોકોમાં રહેલી શક્તિને બહાર લાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા અને એટલે જ ગુજરાતના કવિઓ અને ભાટ-ચારણોને મન તેઓ બીજા વિક્રમાદિત્ય કે ભોજરાજા હતા.”૨

હસ્તપ્રતો મેળવવા માટે ફાર્બસે ઘણો શ્રમ ઉઠાવ્યો હતો. લોકોની અજ્ઞાનતા, અદેખાઈ અને લોભને લીધે તેમને પોતાના સંશોધનમાં મુશ્કેલીઓ પણ પડી છે. કેટલાંક એમ માનતા કે છૂપો ખજાનો શોધી કાઢવા સરકારે એમને રાખ્યા છે, તો વળી કેટલાંક એમ માનતા કે આપણી જમીન ખાલસા કરી દેવા ને આપણા હક્ક સંબંધી કશુંક શોધી કાઢવાનો હેતુ રહેલો છે. આવી સ્થિતિમાં ફાર્બસે શોધ ચલાવી છે.

તેઓ અમદાવાદ આવ્યા ત્યારથી જ હસ્તલિખિત ગ્રંથની પૂછપરછ ચાલતી હતી. પ્રાકૃત મહાકવિ ચંદનો ‘પૃથુરાજરાસ’ મળવો દુર્લભ હતો. તે માટે સાનંદ, વિજાપુર વગેરે સ્થળોએ શોધ કરાવી. પરંતુ કંઈ પ્રાપ્ત થયું નહીં. જ્યાં પણ ‘પૃથુરાજરાસ’ના હોવાના સમાચાર મળતાં કે ફાર્બસ ત્યાં પોતાના માણસોને મોકલતાં. ‘રોયલ એશિયાટિક સોસાયટી’ની મુંબઈની શાખામાં પણ તપાસ કરી. ક્યાંયથી સંપૂર્ણ પુસ્તક હાથમાં આવ્યું નહીં. બુંદીકોટાના રાજા પાસે ‘પૃથુરાજરાસ’નું આખું પુસ્તક છે તેવી જાણ થતાં ત્યાંના રેસિડેન્ટની ઓળખાણથી તે પુસ્તક મહાપ્રયત્નથી મંગાવ્યું. તે પણ અર્ધુ જ આવ્યું. અર્ધુ એટલે ચાળીસ હજાર શ્લોક. સંપૂર્ણ પુસ્તક આશરે એંશી હજાર શ્લોકનું છે. એ દુર્લભ ગ્રંથ અર્ધુ પણ ફાર્બસે ઘણાં નાણાં ખર્ચીને લખાવી લીધો છે. બીજાં પણ સંસ્કૃત, ગુજરાતી અને વ્રજ ભાષાનાં પુસ્તકોની શોધ અને સંગ્રહ કરવા તેમણે ઘણો શ્રમ લીધો હતો.

મનસુખરામ ત્રિપાઠી લખે છે કે – “ફાર્બસસાહેબ પુસ્તકનું નામ જાણે, અને તે ઉપયોગનું છે એવું તેઓને લાગે, એટલે તેના સંગ્રહ સારૂ અનેક યુક્તિઓ અને પ્રયત્ન કરતા, વગ લગાડતા, ધન આપતા, અને પોતે જાતે સામાને ઘેર જઈ યાચના કરતા, પણ ધારેલું પુસ્તક મેળવતા. પાટણમાં પુસ્તકોના ભવ્ય ભંડાર છે એવું તેઓના જાણવામાં આવ્યું હતું. તેમાંથી પુસ્તકો મંગાવવા બહુ ઉપાય કર્યા, પણ તે નિષ્ફલ થયા ત્યારે પિંડે ત્યાં ગયા. પૃચ્છા કરતાં પુનમિયાગચ્છ અને સાગરગચ્છના બે ઉપાશ્રય (અપાશરા) મુખ્ય જણાયા. સાહેબ પિંડે અપાશરાના શ્રી પૂજ્ય પાસે ગયા. નમ્રતા અને અમૃત જેવાં મધુર વચનથી શું અસાધ્ય છે? સાહેબને ખુરશી આપવા માંડી, પણ દેવસ્થાનને માન આપી ખુરશિયે નાં બેસતાં, એક ચાકળા ઉપર લાંબે પગે બેઠા; સાહેબે શ્રીપૂજ્યોને માનવસ્ત્ર આપ્યાં અને મધુર વાણીથી તેઓને રુચે એવી વાર્તાઓ કરી. બન્ને ઉપાશ્રયના શ્રીપૂજ્યો પ્રસન્ન થયા. પછી સાહેબે પુસ્તકોનાં નામની ટીપ માગી. શ્રીપૂજ્યોએ એક ડાબલાનાં પુસ્તકોની ટીપ આપી, તેમાં આશ્રયે ૫૦૦ પુસ્તકોનાં નામ હતાં. પુસ્તકો બહુ ઉપયોગિ હતાં, પણ સાહેબે જાણ્યું કે વધારે માગીશ તો લોભ જેવુ લાગશે, તેથી દ્વયાશ્રય નામનું અત્યુપયોગી પુસ્તક માત્ર માગ્યું. શ્રીપૂજ્યોએ આનાકાની તો કરી, પણ અંતે લખાવી લેવા દેવાની હા કહી. તે પ્રમાણે ઉપાશરામાં લેખક બેસારી ઉતારી લેવરાવ્યું.”૩ નકલ કરવા માટે એ સમયે લહિયાને સાધારણ રીતે ૧૦૦૦ શ્લોકના બે રૂપિયાના દરે મહેનતાણું ચૂકવાતું. તેને બદલે ફાર્બસ સામે ચાલીને અઢી રૂપિયા આપવા તૈયાર થયા.

પાટણમાં બે ભાટના છોકરાઓને સાથે રાખી ફાર્બસ જૂની જગ્યાઓની શોધ કરવા નીકળતા. ત્યારે એક વખત ફાર્બસે એ છોકરાઓને ભાટ લોકો વિશે પ્રશ્નો પૂછીને તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. બીજા દિવસે સવારે ફાર્બસ પંચાસરા પારસનાથના દેરાંમાં વનરાજની મૂર્તિ જોવા જાય છે. ત્યાં પેલા ભાટ છોકરાઓ સાત-આઠ ભાટોને બોલાવી લાવ્યા હતા. ફાર્બસ તેમની સાથે જૂની હકીકતની વાતો કરતાં હતા. એ પછી ‘રત્નમાળા’ના પુસ્તક વિશે પૂછ્યું. ત્યારે હીરજી બારોટ નામનો વૃદ્ધભાટ એક પુસ્તક લઈને આવ્યો હતો. તેણે કહ્યું કે – અમારા ઘરમાં ઘણાં પુસ્તકો છે, અને એકવાર ગાયકવાડી સરકારને અમારા વૃદ્ધ વડીલે એક જૂનું પુસ્તક દેખાડ્યું. તેથી એ સરકારે ખુશીથી એક ગામ બક્ષિસ આપ્યું. અંગ્રેજ સરકાર તો મોટો રાજા. માટે અમને તમારાથી વધારે આશા છે. ફાર્બસે આ વાત સાંભળીને દલપતરામને ભૂતનિબંધમાં આવતી હનુમાન નાટકની વાત બારોટને સંભળાવવા કહ્યું. દલપતરામે વાત શરૂ કરી – હનુમાનનો વેશ આવ્યો હતો. એક માણસે તેને કહ્યું કે ઓ હનુમાન, તું મને બાઇડી પરણાવે તો હું તને તેલ સિંદૂર ચઢાવું એટલે હનુમાન બોલ્યા, કે તને પરણાવવા સારૂ મારી પાસે બાઇડી હોત તો હું શું કામ કુંવારો રહું? આ પરથી ફાર્બસે એ ભાટને કહ્યું કે તમને ગામ આપવાની શક્તિ મારામાં હોત તો હું જ શા માટે નોકરી કરું. પછી તે ભાટે પુસ્તક દેખાડ્યું નહીં. આવા સમયે પણ ફાર્બસ નિરાશ થયા વિના, સરકારી અધિકારી તરીકેનો રૂઆબ દાખવ્યા વિના ધીરજ રાખી પોતાની શોધયાત્રા ચાલુ રાખે છે.

ફાર્બસ વઢવાણના દેશળ ગઢવીને મળે છે ત્યારે તેમણે તેમની પાસે હતું એ ‘રત્નમાળ’નું પુસ્તક દેખાડ્યું અને કહ્યું કે હું લખાવીને તમને પહોંચાડી દઈશ. પણ જ્યારે ફાર્બસ પાસે એ પુસ્તક આવે છે ત્યારે થોડોક જ ભાગ લખાવીને આવ્યો. એ પછી ફાર્બસે પુસ્તક પૂરું મળે એ માટે શોધ કરી પણ ના મળ્યું. સંશોધન કરતાં હોઈએ ત્યારે આવી કસોટીમાંથી પણ પસાર થવું પડતું હોય છે.

સંશોધકમાં જિજ્ઞાસાવૃત્તિ હોવી જોઈએ. ફાર્બસની રીતરિવાજો જાણવા માટેની વૃત્તિ કેવી હતી તે પણ કેટલાક પ્રસંગથી જાણવા મળે છે.

“કટોસણના ઠાકોર રાણાજીને સાહેબે કહ્યું કે, તમારા લોકમાં રાવણું કરીને કસુંબો એકબીજાને કેવી રીતે પાય છે? તે ચાલ જોવાની મારી મરજી છે. પછી રાણીજીએ પોતાના દરબારમાં રાવણું કર્યું. સાહેબ તે રાવણામાં જોવા સારૂ બિરાજ્યા હતા. કસુંબો કાઢીને રાણાજીએ ગઢવી રણછોડદાસ કવિ દેવરાસણનો રહેનાર, તે સાહેબની સાથે હતો. તેને પ્રથમ પાયો અને સાહેબને કહ્યું કે અમારામાં એવો ચાલ છે કે, પ્રથમ ભાટ કે ચારણને કસુંબો મીઠો કરાવીને (એટલે પાઈને) પછી અમારા લોકો પીએ છે. સાહેબે તેનું કારણ પૂછ્યું, ત્યારે રાણાજીએ કહ્યું કે એક તો ભાટ ચારણને માન આપવા સારુ, અને બીજાં કારણ એ છે કે કસુંબામાં દગો થયાની બીક અમારા લોકોને ઘણી રહે છે. માટે પ્રથમ ભાટ, ચારણને પાઈએ છીએ. પછી એકબીજાને સોગન દઈને, તાણખેંચ કરીને એકબીજાની ઠઠા મશ્કરી કરીને જે રીતે કસુંબો પાવાનો ચાલ છે. તે તમામ ચાલ કરી દેખાડ્યો.”૪

વલભીપુર ગયા ત્યારે ત્યાં સ્ત્રીઓ ગરબા શી રીતે ગાય છે? ભુવા શી રીતે ધુણે છે તે જોવાની ફાર્બસને ઇચ્છા થઈ. સ્ત્રીઓએ ફુદડી ફરીને ગરબા ગાયા. એ પછી અંગ્રેજોને ગાળો અપાઈ છે તે ગરબો સાંભળવાની ઇચ્છા ફાર્બસ વ્યક્ત કરે છે. પણ એક અંગ્રેજ સામે તેમની જ બુરાઈ કરતો ગરબો ગાતાં સ્ત્રીઓને ડર લાગે છે. દલપતરામ તેમને સમજાવે છે અને સ્ત્રીઓ તેમના કહેવાથી ગરબો લલકારે છે – “ક્યાંથી આવ્યો પીટો જાંગલોરે, માથે ટોપીને ભૂરો વેષરે, મલાવરાય શેહેરનો સુબો ક્યા આવશે રે” આ ગરબો સાંભળી ફાર્બસ ખુશ થયાં અને ખજૂરની લહાણી પણ કરી. ત્યાંના ઠાકોરની વૃદ્ધ કાકી પાસે તામ્રપટના જૂના લેખ હતા તે જોવા માટે પણ એ આપતી નહોતી ત્યારે પ્રેમાભાઈના ગુમાસ્તાને જામીન આપીને તે જોવા લીધા. સંશોધક તરીકે અન્ય પ્રદેશમાં જઈને ત્યાંના લોકો વચ્ચે કામ કરવું હોય, માહિતી મેળવવી હોય તો કોઈપણ પૂર્વગ્રહો વિના પોતાના ગમા-અણગમા બાજુએ રાખીને એમની સાથે ભળી જવું પડે તો જ જોઈતી માહિતી પ્રાપ્ત થાય.

અંગ્રેજી ભાષા જાણતાં ન હોય એવા કારીગરો અને જાણકારોની મદદ લેતાં પણ ફાર્બસ અચકાયા નથી. ‘રાસમાળા’ની પ્રસ્તાવનામાં તેઓ પોતાના કામમાં સલાટ પ્રેમચંદ અને બે સુતાર, ત્રિભોવનદાસ અને ભૂધર દયારામનો આશ્રય મળ્યો હોવાનો ઉલ્લેખ કરે છે. સાથે જ દલપતરામની સહાય માટે પણ ઋણભાવ સ્વીકારે છે. સંશોધકે જેમની પાસેથીમાહિતી મેળવી હોય કે જેમની સહાયલીધી હોય એમના પ્રત્યે કૃતજ્ઞભાવ હોવો જોઈએ. જે અહીં ફાર્બસમાં દેખાય છે.

મોઢેરા જાય છે ત્યારે ફાર્બસ મોઢેરા પાસેના કરણસાગર નામના ગામમાં જાય છે, ત્યાં જૂનાં દેરાં તથા અમદાવાદના કાંકરિયા કરતાં પણ ઘણું મોટું તૂટેલું તળાવ હતું. તે વિશે પૂછપરછ કરી. જૂના ગ્રંથોમાં લખેલું હતું કે રાજા કરણે કરણસાગર તળાવ ખોદાવ્યું. તે આ જ તળાવ હશે એવી ધારણા તેમણે કરી. આમ સવારના ૯ વાગ્યા સુધી અને સાંજના સમયે તેઓ આવી શોધ કરવા માટે નીકળતાં.

ગુજરાતનો ઇતિહાસ લખવા માટેની પૂરતી સામગ્રી એકઠી થઈ ગઈ છે એમ ફાર્બસને લાગ્યું, પણ તેઓ એ પણ જાણતા હતા કે સરકારી નોકરીનું કામકાજ કરતાં-કરતાં આ પુસ્તક લખવાનું કઠિન છે. તેથી સરકારી નોકરીમાંથી ત્રણ વરસની રજા લઈને સ્વદેશ પાછા જવાનું નક્કી કર્યું. ૨૮ માર્ચ, ૧૮૫૪ના દિવસે તેઓ મુંબઈથી સ્વદેશ જવાના રવાના થયાં. દલપતરામની મદદથી જે હસ્તપ્રતો અને અન્ય સામગ્રી એકઠી કરી હતી તે બધી જ તેઓ પોતાની સાથે લઈ ગયા. ‘રાસમાળા’ લખવા માટે ફાર્બસે 'પ્રબંધચિંતામણી', 'દ્વયાશ્રય', 'શત્રુંજય માહાત્મ્ય', 'કુમારપાળચરિત્ર', ‘કુમારપાળ પ્રબંધ’, ‘ભોજપ્રબંધ’, ‘વસ્તુપાળ તેજપાળનો રાસ’, ‘કુમારપાળ રાસો’, ‘ગરુડપુરાણની પ્રેતમંજરી’ વગેરે સંસ્કૃત તથા પ્રાકૃત પુસ્તકો, તેમજ મારવાડી ભાષાનો ‘પૃથુરાજ રાસો’, હિન્દી ભાષામાં રચાયેલી ‘રત્નમાળા’ અને ‘જગદેવ પરમારની વાત’, અંગ્રેજીમાં એલ્ફિન્સ્ટન કૃત ‘હિંદુસ્તાનનો ઇતિહાસ’, કર્નલ જેમ્સ ટોડકૃત રાજસ્થાનના બે ભાગ, ગ્રાન્ટ ડફે ત્રણ ભાગમાં લખેલ મરાઠાઓનો ઇતિહાસ વગેરે ગ્રંથો તેમજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની મંજૂરી મેળવી ઇંગ્લેન્ડના ઇન્ડિયા હાઉસના દસ્તાવેજોનો પણ અભ્યાસ કર્યો. ખાસ નોંધ તો એ લેવાની કે તેમણે ‘રાસમાળા’ લખવા માટે માત્ર લિખિત સાધનો પર જ બધો આધાર રાખ્યો નથી. પણ હિન્દુઓના રીતરિવાજો, રૂઢિઓ વગેરેનાં અવલોકન અને અભ્યાસ કર્યા છે. અને મંદિરો, કૂવા-વાવ, ખાંભીઓ પરનાં લખાણો, તામ્રપત્રોની નકલો મેળવી છે અને શક્ય હોય તેટલા હિન્દુ સ્થાપત્યોની મુલાકાત લઈ તેનો અભ્યાસ કર્યો છે. એ માટે જરૂર પડી ત્યાં સ્થાનિક લોકોની મદદ પણ તેમણે લીધી હતી. ‘રાસમાળા’ લખવાનું કામ ચાલતું હતું ત્યારે પણ તેઓ દર બે ત્રણ મહિને દલપતરામને કાગળ લખતા. સન ૧૮૫૬માં ‘રાસમાળા’ પુસ્તક ઈંગ્લેન્ડથી બે ભાગમાં પ્રગટ થયું. તે પછી ફાર્બસ હિંદુસ્તાન પાછા આવ્યા. આ પુસ્તકનો વાચકવર્ગ મર્યાદિત જ રહેવાનો એની ફાર્બસને જાણ હતી. તેમજ તેઓ પોતાની મર્યાદાઓ પણ સારી રીતે જાણતા. આથી જ તેઓ પ્રસ્તાવનામાં લખે છે કે –
“હું સારી પેઠે સમજુ છું કે મારો વિષય, - ઇણ્ડિયન છતાં પણ માત્ર એક ચોક્કસ સ્થાન વિશે છે તે સર્વને રસિક થઈ પડવો કઠિન છે, તેમ જ, તેનું વર્ણન કરવાની મારી પોતાની ખામીઓ વિશે પણ હું અજાણ છું એમ નથી. તથાપિ હું આઠ વર્ષ સુધી ગુજરાતમાં રહ્યો છું અને તાપી નદીના કિનારાથી તે છેક બનાસ નદીના કિનારા સુધી વસનારા જુદા જુદા લોકોના ઘાડા સંબંધમાં કામની રૂઈયે તથા ખાનગી રીતે આવેલો છું, તેથી મને મારા આ કામમાં યોગ્ય થવાને કેટલોક લાભ મળેલો છે.”૫

ઝવેરચંદ મેઘાણી ફાર્બસ વિશે લખે છે કે "ગુજરાતની ઇતિહાસદ્રષ્ટિને નવું જીવન એલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ સાહેબે જ આપ્યું. ‘રાસમાળા’ના એ ચિરસ્મરણીય અંગ્રેજ કર્તાએ ગુજરાતના ઈતિહાનું સંશોધન કરવા બેસતાં ઇતિહાસના બે ઉપેક્ષિત રક્ષકોને લક્ષમાં લીધા. એક તો વહીવંચાઓને કે ચારણોને, અને બીજા જૂનાં જૈનપ્રબંધ લેખકોને. સાંપ્રદાયિક દ્વેષ અને વિદ્વતાનો ઘમંડ, એ બે જાતના આંખે પાટા બાંધીને બેસનાર દેશીઓ જે ન કરી શક્યા, તે એક વિદેશી અમલદારે કર્યું. કેમકે આ બેઉ અવગુણોથી તે મુક્ત હતો... તામ્રલેખો, શીલાલેખો તેમાં રીતસરની તવારીખ – નોંધોણો જ્યાં અભાવ વર્તે છે, ત્યાં આવા લોકકવિઓના રાસો અને પ્રબંધો ઇતિહાસના અન્વેષણ સારુ ઘણા માર્ગદર્શક થઈ પડે છે. ફાર્બસ સાહેબે આવી સામગ્રીને આધારે ‘રાસમાળા’ રચી ગુજરાતના ઇતિહાસનું સ્પેડ વર્ક – પ્રાથમિક ખોદણકામ તો કર્યું જ છે.”૬

સન ૧૮૭૮માં અંગ્રેજી ‘રાસમાળા’ની બીજી આવૃત્તિ પ્રગટ થઈ હતી તેમાં આગળ એ.કે.નારીનનો ‘Alexander Kinloch Forbes : A Memoir’ નામનો લેખ મૂકવામાં આવ્યો છે. જેમાં ‘રાસમાળા’ની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ જણાવી છે -
“ઇતિહાસના ગ્રંથ તરીકે ‘રાસમાળા’માં ખામીઓ નથી એવું નથી. ફાર્બસ પુરાતત્વવિદ્યાથી માહિતગાર નહોતા. અને ગુજરાતના પ્રારંભના ઇતિહાસ વિશે તેમણે અહીં ભાગ્યે જ કશું કહ્યું છે. વલભીવંશ અને તેના તરતના અનુગામીઓ વિશેની દંતકથાઓમાં રહેલી ગૂંચ તેઓ ઉકેલી શક્યા નહીં. તો કેટલીક બાબતોમાં તેમના નિષ્કર્ષ સાવ ખોટા હતા. જેમ કે અણહિલવાડ પરના મુસ્લિમોના આક્રમણ અંગેનો તેમનો નિષ્કર્ષ. પણ આમ કહેતી વખતે આપણે એ યાદ રાખવું જોઈએ કે ડૉ. બુહલર અને પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીના આ વિષય પર પ્રકાશ નાખતાં સંશોધનો પ્રગટ થયાં તે પહેલાં ફાર્બસે આ પુસ્તક લખ્યું હતું. એ ઉપરાંત પણ આજે જે કેટલાક ગ્રંથો આપણને સુલભ છે. તે એ વખતે ફાર્બસને સુલભ નહોતા.”૭

સન ૧૮૫૬માં ઈંગ્લેન્ડની રિચર્ડસન બ્રધર્સ નામની પુસ્તક-પ્રકાશક કંપનીએ ફાર્બસના ખર્ચે જ ‘રાસમાળા’ પુસ્તક બે ભાગમાં પ્રગટ કર્યું હતું. તેમાં કુલ ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. તેમાંના વિભાગ-૧માં પ્રાચીન સમયનો, વિભાગ-૨માં સલ્તનત કાળનો અને વિભાગ-૩માં મરાઠા અને બ્રિટિશ કાળનો ઈતિહાસ આલેખવામાં આવ્યો છે. વિભાગ-૩માં ગાયકવાડ, કાઠિયાવાડની મુલકગીરી, ઇડર તથા મહીકાંઠાના ઈતિહાસની વિસ્તૃત માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિભાગ-૪માં હિન્દુની વિવિધ જ્ઞાતિઓ, શહેરનો નિવાસ, રજપૂતોનો જમીનનો વહીવટ, ધર્મોપચાર, લગ્ન, ઉત્તરક્રિયા, શ્રાદ્ધ વગેરે વિશેની માહિતી આલેખવામાં આવી છે. પુસ્તકના પરિશિષ્ટમાં કેટલાક દેશી રાજ્યોના રાજવંશોની વંશાવળી આપવામાં આવી છે. આમ ‘રાસમાળા’ એ અંગ્રેજ અધિકારી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા લખાયેલ ગુજરાત પ્રાંતનો ઈતિહાસ રજૂ કરતું ઐતિહાસિક પુસ્તક છે. ‘રાસમાળા’ શીર્ષક રાખવા પાછળનું કારણ દર્શાવતાં ફાર્બસ નોંધે છે – “મારો સંગ્રહ મેં જે રાસોમાંથી કરેલો છે તેઓને નામે મારા સંગ્રહનું નામ મેં ‘રાસમાળા’ રાખ્યું છે.”૮

મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ રણછોડભાઈ ઉદયરામ દવે પાસે આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરાવી સન ૧૮૬૯માં પ્રગટ કર્યો હતો. એની બીજી આવૃત્તિ સન ૧૮૯૯માં અને ત્રીજી આવૃત્તિ સન ૧૯૨૨માં પ્રગટ કરવામાં આવી હતી. ગુજરાતના ઇતિહાસ વિશે અંગ્રેજીમાં લખાયેલું આ પહેલું જ પુસ્તક. એ પ્રગટ થયું ત્યાં સુધી તો ગુજરાતીમાં પણ આવું પુસ્તક ઉપલબ્ધ નહોતું. એક અંગ્રેજ વિદ્વાને ગુજરાતની પ્રજાને એના ભવ્ય ભૂતકાળથી પરિચિત કરાવી તે કાર્ય ખરેખર પ્રશસ્ય છે.

દલપતરામે યોગ્ય જ કહ્યું છે – “ફાર્બસ સમ સાધન વિના નવ ઉદ્ધરત ગુજરાત”

*

સંદર્ભગ્રંથો :::

  1. ‘કવીશ્વર દલપતરામ’ ભાગ ૧, લે. ન્હાનાલાલ કવિ, બી.આ.૨૦૦૦, પૃ. ૧૧૭-૧૧૮
  2. ‘અર્વાચીનતાના સૂર્યોદયનાં છડીદાર’, લે. દીપક મહેતા, પ્ર. આ. ૨૦૧૫, પૃ. ૩૨
  3. ‘ફાર્બસ જીવનચરિત્ર’, લે. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, શોધિત-વર્ધિત બી. આ. ૧૮૯૮, પૃ. ૧૬-૧૭
  4. ‘દલપત ગ્રંથાવલી’ ભાગ ૫, સંપા. મધુસૂદન પારેખ, પ્ર. આ. ૨૦૦૦, પૃ.૪૬૫
  5. ‘રાસમાળા’ ભાગ ૧, અનુ. દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ,, ત્રી.આ. ૧૯૨૨, પૃ.૬
  6. ‘પરિભ્રમણ’ ખંડ ૧ – સંપા. જયંત મેઘાણી, અશોક મેઘાણી, નવસંસ્કરણ ૨૦૦૯, પૃ. ૫૩૨
  7. ‘અર્વાચીનતાના સૂર્યોદયનાં છડીદાર’, લે. દીપક મહેતા, પ્ર. આ. ૨૦૧૫, પૃ. ૪૯
  8. એજન પૃ.૮

બીના દીપકકુમાર વીર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, માનવવિદ્યા ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ – ૩૮૮૧૨૦