મિથ આધારિત નાટકનું ફિલ્મ રૂપાંતરણ:‘અગ્નિવર્ષા’
વેદ-પુરાણ, રામાયણ-મહાભારતનાં કથાનકો-ઉપાખ્યાનોને આધુનિક સંદર્ભમાં સાહિત્યના વિધ વિધ સ્વરૂપના માધ્યમે અને વિભિન્ન દૃષ્ટિકોણથી નિરૂપવામાં આવે છે. પ્રાચીન કથાનક જ્યારે ભિન્નરૂપે આધુનિક સંદર્ભે પ્રગટે છે ત્યારે એના અર્થસંદર્ભો બદલાય છે. એક જ કથાનક સમયના અન્ય સ્તરે જૂદા રૂપ-રંગ-અર્થ-ભાવ-સંવેદન પ્રગટાવે છે. ગિરીશ કારનાડના નાટકો સંપૂર્ણ પ્રાચીન-ઐતિહાસિક પરિવેશ અને આધુનિક ભારતીય સંદર્ભ રચે છે. દરેક દેશને પોતાનું પ્રાચીન સાહિત્ય ધરોહર રૂપે મળે છે, જેમાંથી પ્રતિભાવંત સર્જક બે ભિન્નયુગોના આંતરપ્રવાહોમાં શાશ્વત સંવેદન અને સમકાલીન યુગસંદર્ભ શોધી કૃતિનું નવનિર્માણ કરે છે.
ગિરીશ કારનાડ ભારતીય સાહિત્યના ખ્યાતનામ નાટ્યકાર, અભિનેતા અને ફિલ્મ નિર્દેશક છે. એમણે નાટક અને ફિલ્મ બન્નેક્ષેત્રે સફળ કાર્ય કર્યું છે. એક નાટ્યકાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. કન્નડ ભાષામાં લખાયેલા એમના નાટકો અંગ્રેજી તથા અનેક ભારતીય ભાષામાં અનુવાદ પામ્યાં છે. આ નાટકો રંગભૂમિ પર ભજવાયા. થિયેટરથી આગળ વધી એમના નાટકો ફિલ્મ રૂપાંતરણ પામ્યાં. ભારતીય રંગભૂમિ અને ફિલ્મજગતમાં ગિરીશ કારનાડ એક સિદ્ધહસ્ત લેખક, અભિનેતા અને ફિલ્મ નિર્દેશક છે.
‘તુઘલક’, ‘હયવદન’, ‘તલેદંડ’, ‘નાગમંડળ’, ‘યયાતિ’, ‘અગ્નિ મત્તુ મલે’, ‘ઓદકલુ બિમ્બ’, ‘મા નિષાદ’ એમના નાટકો છે. ‘યયાતિ’, ‘અગ્નિ મત્તુ મલે’, ‘તુગલક’ એમનાં પ્રતિનિધિ નાટકો છે.ડૉ. મહેશ ચંપકલાલ ‘અગ્નિ મત્તુ મલે’ના ‘અગ્નિ અને વરસાદ’ નામે ગુજરાતીઅનુવાદના નિવેદનમાં લખે છે કે, ‘‘ગિરીશ કારનાડ સાચા અર્થમાં ભારતીય નાટ્યકાર છે. ઇતિહાસ, પુરાણ, મહાકાવ્ય, લોકકથા વગેરેમાંથી ખ્યાત વસ્તુ લઈ તથા સંસ્કૃત નાટ્યપ્રણાલી અને પારંપરિક રંગમંચનાં વિભિન્ન તત્ત્વોનો સર્જનાત્મક વિનિયોગ કરી, પૂર્ણપણે ભારતીય કહી શકાય તેવાં નાટકો તેમણે લખ્યાં છે. યયાતિ, તુઘલક, હયવદન, નાગમંડલ, તલેદંડ, અગ્નિ મત્તુ મલે, ડ્રીમ ઑફ ટીપુ સુલ્તાન નાટકો વડે તેમણે ભારતીય રંગભૂમિને સમૃદ્ધ કરી છે.’’[1] એક સાહિત્યકાર તરીકે પદ્મશ્રી, પદ્મભૂષણ અને જ્ઞાનપીઠ જેવા પુસ્કારોથી તેઓ સન્માનિત છે. એમની ગતિ સાહિત્યથી થિયેટર અને થિયેટરથી ફિલ્મ આગળ વધે છે. લેખન, અભિનય અને દિગ્દર્શનક્ષેત્રે એમની પ્રતિભા વિસ્તરે છે.
‘અગ્નિ મત્તુ મલે’ ગિરીશ કારનાડનું મૂળ કન્નડમાં લખાયેલું નાટક છે. નાટ્યકારે સ્વયં એનો‘The Fire And The Rain’ શીર્ષકથી અંગ્રેજી અનુવાદ કર્યો છે અને એ અંગ્રેજી અનુવાદ પરથી ડૉ. મહેશ ચંપકલાલે ગુજરાતી અનુવાદ આપ્યો છે- ‘અગ્નિ અને વરસાદ’. જેમાં પ્રારંભે બિપિન પટેલનો આ નાટક વિશે લેખ છે. આ લેખમાં મૂળ પુરાકથાની વિસ્તારથી વાત મૂકવામાં આવી છે, તેનો એક અંશ આ પ્રમાણે છે:‘‘મહર્ષિ વેદવ્યાસે મહાભારતના વનપર્વના 135થી 138 સુધીના ચાર અધ્યાયોમાં ભારદ્વાજ ઋષિના પુત્ર યવક્રીતનું ઉપાખ્યાન આલેખ્યું છે. દ્યૂત પરાજય; પછી બાર વર્ષના વનવાસ દરમ્યાન પાંડવો રૈભ્ય ઋ,ના આશ્રમમાં રાત્રિવાસ કરે છે ત્યારે મહર્ષિ લોમષ યુધિષ્ઠિરને એ આશ્રમ કેવી પવિત્ર તીર્થભૂમિ છે તેની વાત કરતાં ભારદ્વાજ, તેના પુત્ર યવક્રીત, રૈભ્ય મુનિ, તેમના પુત્ર અર્વાવસુ અને પરાવસુ વચ્ચેનો સ્નેહસંબંધ, યવક્રીતની પ્રસિદ્ધિ-પ્રતિષ્ઠાની લાલસા, એ અંગેની ઈર્ષા-દ્વેષ, બુદ્ધિપૂર્ણ વર્તણૂંક અને તેના પરિણામે તેનું અધ:પતનઅનેમૃત્યુતોબીજી બાજુ અર્વાવસુ દ્વારા ઘોર તપસ્યા કરીને યવક્રીતને સજીવન કરવા તથા પોતાને પ્રાપ્ત સમય-સ્થિતિને શી રીતે જીવવાનાં હોય છે તેના દૃષ્ટાંતરૂપ યવક્રીતનું ઉપાખ્યાન કહ્યું છે.’’[2] ‘અગ્નિ અને વરસાદ’ ભારતીય નાટ્ય સાહિત્યનું ઉત્તમ નાટક છે, જે મહાભારતના ઉપાખ્યાનને આધુનિક સંદર્ભમાં પ્રયોજે છે.
ગિરીશ કારનાડ ઉપખ્યાનના અર્વાવસુને એક તપસ્વી તરીકે નહીં પણ અભિનય-નાટ્યને પ્રેમ કરનાર એક સહજ સરળ માનવરૂપે, એક નવા પરિમાણમાં અરવસુ નામથી નિરૂપે છે. નીતિલાઈ નામની એક નિષાદ કન્યા અને અરવસુ પરસ્પર પ્રેમ કરે છે અને વિવાહની વાત આસપાસ બધાં જ ષડયંત્રો રચાય છે. 2002માં ફિલ્મ દિગ્દર્શક અર્જુન સજનાનીએ ‘અગ્નિ મત્તુ મલે’ નાટક પરથી ‘અગ્નિવર્ષા’ ફિલ્મ બનાવી. નાટકના ફિલ્મ રૂપાંતરણમાં પ્રસ્તુત પાસાં રસપ્રદ છે.
મહાભારતના યવક્રીત ઉપાખ્યાનમાંથી ‘અગ્નિ મત્તુ મલે’ ગિરીશ કારનાડનું નવ્ય સર્જન છે. આ નાટક જ્યારે ફિલ્મરૂપે આવ્યું ત્યારે એના કથાનકમાં કોઈ સર્જનાત્મક કે પાત્રગત ફેરફાર નથી. નાટકના કથાનકને યથાતથ ફિલ્મમાં નિરૂપવામાં આવ્યું છે. પરાવસુના મુખ્ય પુરોહિત પદે ચાલતો યજ્ઞ, વર્ષોના અકાળથી ગ્રસ્ત વાતાવરણ, કૃશકાય, ભૂખી, કંગાલ પ્રજા, સૂત્રધારનો પ્રવેશ, નાટક ભજવવાની અનુમતિ માટે પ્રસ્તાવમાં અરવસુની વાત અને ફ્લેશબેકથી અરવસુની પૂર્વકાલીન કથાનો આરંભ, નીતિલાઈ સાથે વિવાહ માટે અરવસુને પંચાયતમાં જવાનું હોવાની વાત, અંધક નિમિત્તે યવક્રીની તપસ્યાની કથા, વિશાખા અને યવક્રીનું મિલન, રૈભ્યનો ક્રોધ, બ્રહ્મરાક્ષસની ઉત્પત્તિ, યવક્રીનું મૃત્યુ, પરાવસુ દ્વારા રૈભ્યની હત્યા, આ બધાં ષડયંત્રનો ભોગ અરવસુ બને છે અને વિવાહ માટે મળેલી પંચાયત નીતિલાઈના વિવાહ નાતના અન્ય યુવક સાથે ગોઠવી નાખે, નટમંડળ સાથે અરવસુનું ઇન્દ્રવિજય નાટક, વૃત્રના મોહરામાં અરવસુ યજ્ઞમંડપમાં આગ લગાવી દે, પરાવસુનો અગ્નિપ્રવેશ, નીતિલાઈનું મૃત્યુ, ઇન્દ્રનું પ્રગટવું, બ્રહ્મરાક્ષસનો મોક્ષ અને દસ વર્ષોના લાંબા દુષ્કાળને અંતે વરસાદ વરસવો- આ સમગ્ર કથાનક અંશત: નાટકના કથાનકને અનુસરે છે. પટકથાની સાથે સંવાદો પણ મૂળ કૃતિ પ્રમાણેના જ મોટાભાગે અનુસર્યા છે.
જેકી શ્રોફ (પરાવસુ),રવીના ટંડન (વિશાખા), મિલિન્દ સોમાણ(અરવસુ),સોનાલી કુલકર્ણી (નીતિલાઈ), નાગાર્જુન(યવક્રી), અમિતાભ બચ્ચન (ઇન્દ્ર), મોહન અગાશે (રૈભ્ય), રઘુવીર યાદવ (નટમંડળના સૂત્રધાર),પ્રભુ દેવા (બ્રહ્મરાક્ષસ) જેવા કલાકારોએ કિરદાર ભજવ્યા છે. તપસ્યા અને વિદ્વત્તતાના અભિમાનમાં જીવતા, મુખ્ય પુરોહિત પદની મહાત્વાકાંક્ષા અને વિનાશકારી ષડયંત્રોમાં પોતાની શક્તિને વેડફી નાખતા આર્ય બ્રાહ્મણો,બીજી તરફ પ્રાણીની માફક મનુષ્યનો શિકાર કરી નાખતા નિષાદો અને આ બધાની વચ્ચે સહજ, સરળ, સ્નેહસિક્ત અરવસુ અને નીતિલાઈ, નટમંડળના સૂત્રધાર અને અરવસુનો નાટ્યપ્રેમ, મૃત્યુ અને મુક્તિની પીડા વચ્ચે ભટકતો બ્રહ્મરાક્ષસ - આ તમામ રૂપો એકેક પાત્રમાં બખૂબી પ્રગટે છે.
જાવેદ અખ્તરે એના ગીતો લખ્યાં છે. એક ગીત‘ડોલે રે.. મન મોરા ડોલે રે..’ એ અરવસુનો નીતિલાઈ માટે પ્રેમ અને અભિનયની લગન બન્નેને એકસાથે પ્રગટાવે છે અને બીજું ગીત ‘ઐસી હુઈ હૈ પ્રેમ કી વર્ષા...’ વિશાખાનો પરાવસુ સાથેનો પ્રારંભિક પ્રેમ અને પછીની તડપને વ્યક્ત કરે છે.નીતિલાઈના વિવાહ પ્રસંગમાં નિષાદજીવન, ગીત, નૃત્ય, રીત-રિવાજને પ્રગટ કરવામાં આવ્યાં છે. આ ફિલ્મમાં આરંભથી અંત સુધી પ્રાચીન વૈદિકકાળને તાદૃશ કરતું વાદ્યસંગીત છે. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગૂંજતું સંગીત પ્રારંભથી પ્રાચીન વાતાવરણમાં પહોંચાડી દે છે. સંદેશ શાંડિલ્ય એના સંગીત નિર્દેશક છે. ભારતીય સંગીતને અસરકારક અને ઉત્તમ રીતે આ ફિલ્મમાં જોડવામાં આવ્યું છે.
પ્રાચીન ભારતનું વાતાવરણ આ ફિલ્મમાં એક આકર્ષણ છે. વાતાવરણના ત્રણ સ્તરો છે:એક- નગર અને યજ્ઞમંડપ, બીજું- વરસોના દુષ્કાળથી શુષ્કતા વચ્ચે મોતનું તાંડવ અને ત્રીજું- નિષાદ લોકજીવન. આર્ય-અનાર્ય જીવનના બે ભાગમાં પણ આ વાતાવરણને જોઈ શકાય. પ્રાચીન ભારતીય આર્ય-અનાર્ય વેશભૂષા, દેવનાગરી ભાષાની છાંટવાળા પ્રશિષ્ટ સંવાદો, ક્લાસિકલ અને પ્રાદેશિક નૃત્યની અસરથી નાટકને વિશેષ પરિમાણમાં ફિલ્મ માધ્યમે પ્રસ્તુત કરે છે.
પૂર્ણપણે ભારતીય પરિવેશ ધરાવતી આ ફિલ્મ નાટ્યાત્મકતાના અંશો વધુ ધરાવે છે. ગિરીશ કારનાડની નાટ્યકૃતિને સ્ક્રીન પર હુબહુ તાદૃશ્ય કરી છે. પાત્રના માનસ પરિતાપ, ઇર્ષાનો, વાસનાનો અને પ્રતિશોધનો અગ્નિ, બીજી તરફ પ્રેમ અને ત્યાગની વર્ષા- એ શાશ્વત માનવીય સંઘર્ષ જ નાટ્યકૃતિનું અને ફિલ્મનું મુખ્ય સૂત્ર રહ્યું છે.
સંદર્ભ :::
- અગ્નિ અને વરસાદ, અનુવાદ- મહેશ ચંપકલાલ, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, બીજી આવૃત્તિ- 2004
- એજન પૃ. 10