મહાશ્વેતાદેવીની ‘હજાર ચૂરાશીર મા’ અને ગોવિંદ નિહલાનીની ‘हज़ार चोरासी की माँ’માં નકસલવાદનો સમાજ પર પ્રભાવ
અઢાર વર્ષના લાંબા અંતરાય બાદ પોતાના જમાનાની શ્રેષ્ઠ અભિનેત્રી એવી જયા ભાદુરી ‘હજાર ચોર્યાસીની મા’ બનીને સાબિત કરે છે કે કલા જ્યારે રક્તકણ બનીને નસ નસમાં વહેતી હોય ત્યારે સમયનો કાટ એને લાગતો નથી. હા, હું વાત કરી રહી છું મેગ્સેસે એવોર્ડ અને જ્ઞાનપીઠ પુરસ્કૃત શ્રી મહાશ્વેતા દેવીની નવલકથા ‘હજાર ચૂરાશીર મા’ આધારિત ફિલ્મ ‘હઝાર ચોરાસી કી મા’ની. 1974માં લખાયેલી આ કથાનું વસ્તુ નક્સલ ચળવળની પૃષ્ઠભૂ પર, એમાં સામેલ પુત્રને પગલે નિર્ભ્રાન્ત-મુક્ત-પ્રવૃત્ત થતી માતાનું છે, માટે નક્સલ પુત્ર માર્યો ગયો છે અને અણઓળખી લાશ નંબર એક હજાર ચોરાસીરૂપે પડ્યો છે. દકિયાનુસી બાપ એને ઓળખવા બાબતે ચહીને આઘા રહેવાનું પસંદ કરે છે. પણ સુજાતા (મા) એમ પાછી પડતી નથી. તત્કાલીન સમાજ પર નકસલવાદનો શું પ્રભાવ હતો તેની અહીં હું નવલકથા અને ફિલ્મ બંને સંદર્ભે સમાંતર વાત કરીશ.
આ વાસ્તવલક્ષી કૃતિ પરથી બનેલ ફિલ્મ પણ વાસ્તવલક્ષી અને અભિનયક્ષમતાને ઉજાગર કરતી ફિલ્મ છે. એવું કહેવાય છે કે never judge a book by its film. પણ આ એક એવી ફિલ્મ છે જે ઉજળી એવી કૃતિને વધુ ઉજળી બનાવે છે. ગોવિંદ નિહલાની નિર્મિત આ ફિલ્મ ૧૯૯૮માં પ્રદર્શિત થઇ છે અને નેશનલ એવોર્ડ વિજેતા છે. ફિલ્મ અને નવલકથા બંનેના કથાવસ્તુ સંદર્ભે વાત કરતાં પહેલાં નકસલવાદની પૃષ્ઠભૂ જાણવી જરૂરી છે.
ભારત દેશ આઝાદ થયો ત્યારે જમીનદારો કોઈના કોઈ કારણસર નાના ખેડૂતોની જમીન ગીરો લખાવી લેતા. પોતાનો પ્રસંગ સ્વમાનભેર પુરો કરવા, માંદગીમાં દવા કરાવવા કે કોઈ કારણોસર જમીનદાર પાસેથી ગામના ગરીબ ખેડૂતો થોડાક નાણાને પોતાની બધીજ જમીન ગીરો મૂકતા. જમીનદારોનું વ્યાજ જ એટલું રહેતું કે જમીન સાથે વર્ષો સુંધી મુકનાર ખેડૂતનો પુરો પરિવાર પણ ગીરો મુકાઈ જતો હતો. આવુંજ બનેલું ૧૯૬૭માં. દાર્જીલિંગ નજીકના પ્રસાદજ્યોત નામના ગામમાં રહેતો બિમલ કિસાન નામનો એક ગરીબ પોતાની જમીન ખેડવા માંગતો હતો.તેની જમીન કેટલા વર્ષોથી ગામના જમીનદાર પાસે ગીરો હતી. બિમલ આદિવાસી સંથાલ કોમનો હતો. તેને સ્વમાનભેર જીવવા માટે અદાલતમાં અરજી કરી. આદિવાસી કોમનો હોઈ અમીર જમીનદાર એમ કાઈ સરળતાથી કેવી રીતે જમીન પરત આપે? બિમલે લડીને પણ પોતાની જમીન પાછી મેળવવાનું નક્કી કરી લીધું હતું. સદનસીબે અદાલતે પોતાનો ચુકાદો આપ્યો કે બિમલની જમીન તેને પરત સોપવામાં આવે. અદાલતના આ ન્યાય-નિર્ણયથી જમીનદારે પોતાના પૈસાના જોરે પોલીસ દ્વારા બીમલને બહુ માર મરાવ્યો. બિમલ પર સહાનુભૂતિના કારણે સંથાલ કોમના યુવાનો એકઠા થયા અને ૨૪ માર્ચ, ૧૯૬૭ના રોજ પોલીસ સ્ટેશન પર હુમલો કરી થાનેદાર જેણે બીમલને ખુબ માર મારેલ તેને મારી નાખ્યો. આ પ્રસાદજ્યોતની નજીક એક ગામ હતું – નક્સલબાડી. અહીં સંથાલ, નેપાળી, રાજવંશી, બંગાળી અને બિહારી એમ ઘણી કોમના ખેત મજુરો બિમલ કિસાનની માફક જમીનદારોની ગુલામી કરતા. ચારુ મઝમુદાર, કનુ સન્યાલ અને જંગલ સંથાલ નામન યુવાનોએ આ ક્રાંતિનું નેતૃત્વ લીધું. આ કાર્ય માટે નક્સલબાડી બધીજ રીતે સાનુકુળ. અહીંથી શરુ થઇ ગરીબોના હક્કો મેળવવાની ક્રાંતિની શરૂઆત...જીહા... નક્સલબાડી બન્યું નક્સલવાદનું એપીસેન્ટર.
નક્સલવાદીઓનો દાવો હંમેશાં એવો રહ્યો છે કે તેમણે ગરીબ-શોષિત-વંચિત અને સરકારી અત્યાચારનો ભોગ બનેલા લોકોના હક માટે હથિયાર ઉઠાવ્યાં છે. ચોતરફ અન્યાય વ્યાપ્યો હોય અને સરકાર પાસેથી કશી આશા ન હોય ત્યારે હિંસક આંદોલનનો રસ્તો પણ એક સમયે ઘણો લોકપ્રિય બન્યો. બંગાળના અનેક બૌદ્ધિકો નક્સલવાદના સમર્થક બન્યા. સરકારે પણ હિંસાનો મુકાબલો સવાયી હિંસાથી કર્યો. સિત્તેરના દાયકામાં પશ્ચિમ બંગાળમાં નક્સલવાદીઓ પર થયેલું સરકારી દમન એટલું આત્યંતિક અને ઘાતકી હતું કે નક્સલવાદી હોવાના આરોપસર ઘણા નિર્દોષ નવલોહિયા-આશાસ્પદ લોકોને પોલીસે નક્સલવાદી હોવાના આરોપસર ખતમ કરી નાખ્યા.‘હઝાર ચુરાશીર મા’ જેવી મહાશ્વેતાદેવી લિખિત કથા અને તેની પરથી ગોવિંદ નિહલાણીએ બનાવેલી ફિલ્મ ‘હઝાર ચૌરાસીકી માં’ (કેદી નં.૧૦૮૪ની માતા) એ ગાળાના બંગાળની વાત કરે છે.
સી ગલ પબ્લિકેશનના નવીન કિશોર સાથેની એક મુલાકાતમાં મહાશ્વેતા દેવી પોતાની નવલકથા ‘હજાર ચોર્યાસીની મા’ સંદર્ભે જણાવે છે કે, “ We hear how Mother of 1084 was the product of a few young urban Naxalites visiting her in Calcutta. One day, two or three, Naxalite boys came to me and said, ‘How come you are writing about the Naxalites in the rural context? What about us who are butchered daily in the streets of Calcutta?’
I said, I have heard, I will try. And out of that came the Mother of 1084.”
અને આ આક્રોશ પુસ્તકનું સ્વરૂપ પામ્યો. જેલમાં બંધ નક્સલવાદીઓએ આ કથાને વાંચી અને મહાશ્વેતાદેવીને બહોળો પ્રતિસાદ સાંપડ્યો.
એક ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી આવેલો આશાસ્પદ યુવક વ્રતી ચેટરજી જ્યારે ઉચ્ચ વર્ગીય આદતો અને શોખથી દૂર રહી વાસ્તવિક જીવનની, ગંભીર સમસ્યાઓ વિષે વિચારે છે – આચરણમાં મૂકે છે અને પરિણામે ૧૦૮૪ નંબરની લાશમાં પરિણમે છે. ૧૯૬૯માં બંગાળમાં પેદા થયેલો નકસલવાદ – લાલ ક્રાંતિ ૧૯૭૦ના વર્ષમાં ફૂલેફાલે છે. એ સમયની વાત આ નવલકથામાં મહાશ્વેતાદેવી કરે છે. વ્રતી આ ક્રાંતિનો ક્રાંતિકારી બને છે. પિતાનો પૈસો, કહેવાતો ભદ્ર વર્ગ, સુખ-સગવડ પણ એને આકર્ષી શકતા નથી. સોમુની ગરીબ માતા તો કહે પણ છે, “ જેની પાસે કશું ના હોય તે આવું ગાંડપણ કરે એ સમજી શકાય પણ જેની પાસે બધું જ છે એ પણ આવું કરે? સામે ચાલીને મરવા આવે ?” વ્રતીનાં માતા-પિતા, ભાઈ-બહેન બધાં જ તેની આ પ્રવૃત્તિથી સાવ બેખબર છે. સદંતર બેખબર !!!! અચાનક જ્યારે વ્રતીનાં મૃત્યુના સમાચાર મળે છે ત્યારે તેની મા સુજાતા ખળભળી ઊઠે છે. તેનું આંતરમન ચિત્કારી ઊઠે છે કે પોતાના દીકરાની ઓળખ તેને કેમ ના થઇ ? પોતાનું લોહી જેમાં ભળેલું છે તે દીકરાની વેદના તે કેમ સમજી ના શકી ? ચાર સંતાનોમાં એકમાત્ર વ્રતી જ તો હતો જેણે તેને ખરું માતૃત્વ આપ્યું હતું. વ્રતી જ તો હતો જે તેના ખોળામાં માથું મૂકીને સૂઈ જતો હતો. જેની સાથે તે રમતો રમી શકતી હતી. હસી શકતી હતી. એક વ્રતી જ તો હતો જેણે તેના પિતાના વ્યભિચાર સામે માથું ઊંચકીને માતા માટે ન્યાય માંગ્યો હતો. તોય એ વ્રતીને તે પામી ના શકી????? આ પીડા સુજાતાને કોતરી ખાય છે ! અહીંથી શરુ થાય છે સુજાતાની માતા તરીકેની યાત્રા. મહાશ્વેતાદેવી સુજાતાનંત આ મનોમંથન અને તેની માનસિક યાતનાને બરાબર ઉપસાવી શક્યા છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આ કથાને જોવી ઘટે.
પોતાના ચોથા સંતાન વ્રતીને જન્મ આપવા સુજાતા એકલી નર્સિંગહોમ જાય છે. આ સત્ય ઘટના સુજાતાને બાવીસ વર્ષ પછી સ્વપ્ન બનીને તાદ્રશ થાય છે ત્યાંથી નવલકથા અને ફિલ્મ બંનેની શરૂઆત થાય છે. આજે બાવીસ વર્ષે તો વ્રતીના મૃત્યુને પણ બે વર્ષ થઇ ચૂક્યાં છે. વ્રતીનો જન્મદિન જ તેનો મૃત્યુદિન પણ બને છે. કાંટાપૂકુરના મુર્દાઘરમાંથી ફોન આવે છે અને લાશ નંબર ૧૦૮૪ની મા તેની ઓળખ કરવા પહોચી જાય છે. આ એવી માતા છે જેને પોતાના દીકરાના શબને ઘરે પણ લાવવા નથી મળતું. હૈયાફાટ રુદન કરવાની ક્ષણે આંખમાંથી આંસુ પણ માંડ સરે એ કરમની કઠણાઈ અને મનને કેટલું જડત્વ ચડાવી દેવું પડ્યું છે તે દર્શાવે છે. સોમુના ઘરે હવે એ જઈ નથી શકવાની, નંદિનીને પણ બીજીવાર મળી નથી શકવાની એ જાણીને સુજાતા કહે છે મારા દીકરાને ઓળખી ન શકવાના ગુના બદલ કદાચ એ જ મારું પ્રાયશ્ચિત છે !
૧૦૮૪ની ઓળખ કરવા ગયેલી માતાને પોલીસ સુરજપાલ કહે છે કે કદાચ તમે તમારા દીકરાનો ઉછેર બરાબર કરી નથી શક્યા એટલે એ આવો ગુંડો બની ગયો ! આવા મૃત્યુને પામ્યો ! સુરજપાલ પોતે પણ જાણે છે કે વ્રતી ગુનેગાર નહોતો પણ એય તો આ કહેવાતા જડ બની ગયેલા ભદ્ર સમાજનો જ હિસ્સો છે ને ! પણ છતાં દીકરાની બોડી પણ માતાને નહિ આપનાર સુરજપાલ સુજાતાની દીકરી તુલી અને ટોનીની સગાઇ વખતે બહારથી જ બારોબાર નીકળી જવા માંગે છે ! એક હજાર ચોર્યાસીની મા ! વ્રતી ચેટરજીની મા ! આમની સાથે – સુજાતા સાથે મુલાકાત થઇ જશે એટલે સુરજપાલ અંદર નહોતા આવવા માંગતા.
પ્રકાશ ન. શાહ કહે છે તેમ , “એક હજાર ચોર્યાસીની મા સુજાતા એક ઉચ્ચ મધ્યમવર્ગીય ગૃહિણી તરીકે નોરા-માધવી-અમ્મા ત્રણેને વટી જવા કરે છે. કામદાર પરિવારની નહીં પણ ભદ્ર વર્ગની એ છે એમાં મહાશ્વેતાદેવીનો સમાજપરિવર્તન સંસ્પર્શ નોંધ્યો તમે?” (દિવ્યભાસ્કર)
હવે આ કથા અને ફિલ્મમાં સમાજ ક્યાં એ સંદર્ભે જોઈએ તો નકસલવાદ અહીં પાત્ર તરીકે પણ આવે છે. વ્રતીના પિતા અને ભાઈઓ ભદ્ર અને શ્રીમંત સમાજનું પ્રતિનિધત્વ કરે છે. દેશમાં મધ્યમ વર્ગના, કચડાયેલા લોકો સાથે કેવું વર્તન થાય છે તેની સાથે કોઈ નિસ્બત નથી. પણ વ્રતી નામનો ફરજંદ કૈક અલગ જ છે. એ આ ભદ્ર વર્ગનો હિસ્સો હોવા છતાં પણ તેનો હિસ્સો જાણે નથી. જમીનદારો હેઠળ દબાયેલા ખેડૂતો-શોષિતોની વેદના કોઈક રીતે તેના સુધી પહોંચી છે. આવું અચાનક નથી બન્યું. સુજાતાને પણ પોતાનું માતૃત્વ વ્રતી દ્વારા જ સંતોષાયું છે. નકસલવાદ માત્ર બાહ્ય નથી. નકસલવાદ આ સ્ત્રી માટે પણ છે. જેનો પતિ બહાર વ્યભિચાર કરે છે, પોતાની વાસના સંતોષવા તેને વારંવાર ગર્ભવતી બનાવે છે. ત્યાં સુધી કે પ્રસુતિ કરાવવા સુજાતા પોતે એકલી નર્સિંગહોમ જાય છે. અને પ્રસુતિ પછી તેનું શરીર કામ માટે હવે યોગ્ય થયું કે નહિ માત્ર તેની જ દરકાર આ પતિ રાખે છે. તો જ્યાં જ્યાં શોષણ થાય છે ત્યાં બધે આ નકસલવાદ છે. વ્રતી પોતાની માતાની આ વેદનાને જાણે છે, સમજે છે અને પિતાનો વિરોધ પણ કરે છે. વ્રતી આ રીતે પણ નક્સલવાદી છે, ક્રાંતિકારી છે. એટલે જ માતાના અન્યાય માટે લડનારો વ્રતી બાહ્ય શોષિત-પીડિત માટે પણ ક્રાંતિકારી બંને તેમાં નવાઈ શું ? ફિલ્મમાં તો જ્યારે વ્રતી અને તેના મિત્રો સોમુના ઘરે ભેગા થયા હોય છે અને તેમને મારવા માટે ટોળું આવે છે. ત્યારે વ્રતી નેતૃત્વ કરીને બહાર નીકળે છે. અને એક ટોળામાંથી એક સંવાદ બોલાય છે, “ક્યા ભદ્ર વર્ગ કા નમૂના ભી હે યહાં ?” તો લેખિકાને તેમજ નિર્માતાને અહીં એ જ બતાવવું છે કે ક્રાંતિ માત્ર સામાન્ય વર્ગ સુધી સિમિત ના રહેવી જોઈએ. કહેવાતા ભદ્ર વર્ગ સુધી પણ આ પીડા પહોંચવી જોઈએ. અને આ પીડાનું નેતૃત્વ એટલે જ વ્રતીને મળે છે. નકસલવાદ અહીં સંપૂર્ણ છવાયેલો છે પણ સુજાતાને થતા અન્યાયમાં. સ્ત્રી તો ગરીબ વર્ગની હોય કે ભદ્ર વર્ગની શોષણ તો એની હસ્તરેખામાં વણાઈને આવે છે. ખેડૂતો માટેનો નકસલવાદ લાલ સલામ, લાલ ક્રાંતિ લઈને આવે છે અને આ જ લાલ સિંદૂરના રંગનો સુજાતા અહીં વિરોધ કરે છે જ્યારે મૃત વ્રતીના ઓરડામાં પતિ દીવ્યનાથ માલિશ કરાવતા હોય છે, વ્યભિચાર કરવા તૈયાર થતા હોય છે. ત્યારે સુજાતા પત્નીત્વને ફેંકે છે. અને દીકરી તુલીની સગાઈ (જે વ્રતીના જન્મદિન-મૃત્યુદિન પણ છે ) ના દિવસે હેમને એ કહે છે, “હવે આ સિંદુર પણ મારે શા માટે લગાવવું ?” પોતાના વ્રતીની સાથેસાથે ના ના કહો કે ૧૦૮૪ની સાથેસાથે પોતાનો પતિ પણ સુજાતા માટે મૃત્યુ પામે છે.
વ્રતીના મૃત્યુ પછી સુજાતામાં સ્ત્રી તરીકેનો આત્મવિશ્વાસ જાણે પેદા થયો. તેનો દીકરો ઈચ્છતો હતો કે તેની માતાને ન્યાય મળે અને દ્રઢતાથી સુજાતા દિવ્યનાથને પોતાની પાસે આવતા રોકે છે. કથામાં સુજાતાને મુખે બોલાયેલું ‘જાઓ’ અને ફિલ્મમાં નાયિકાના મુખે જે દ્રઢતા અને મક્કમતાથી ‘જાઓ’ બોલાયું છે તે પેલા દરવાજાનો ધડામ દેતો અવાજ જ છે જાણે જે ઇબ્સનની નોરા ખોલીને નીકળી ગઈ હતી. આ જ દરવાજો હવે શોષિત વર્ગે ખોલવાનો છે એવું કદાચ સુજાતાના પત્ર દ્વારા પ્રતીકાત્મક લેખિકા કહેવા માંગે છે. ગોવિંદ નિહલાની તો ફિલ્મમાં અંતે સુજાતાને વ્રતીના મિત્ર નીતુના હત્યારાને દ્રઢતાથી પકડતી દર્શાવે છે. એનો અર્થ એ કે આપણને થનાર અન્યાય માટે આપણે પોતે જ મક્કમ થવાનું છે. નકસલવાદની શરૂઆતના આ ગાળામાં મહાશ્વેતા દેવીની આ કથા ચોક્કસ પ્રસ્તુત છે અને આજે સ્ત્રીના સામાજિક સ્થાન સંદર્ભે પણ.
આ જ નકસલવાદને આજના પરિપ્રેક્ષ્યમાં સાંકળી શકાય તેવો નથી. કેમકે વર્તમાન પરિસ્થતિમાં આ લાલ રંગ લોહીનો બની ગયો છે. ક્યાંક ને ક્યાંક સ્થાનિકોના નામે થતી આ લડાઈમાં મોટું નુકસાન આ સ્થાનિક આદિવાસીઓને જ થઇ રહ્યું છે. ખેડૂતોની આ પીડાથી ભારતનું એકે રાજ્ય વંચિત નથી પણ પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં નકસલવાદ માઓવાદનું સ્વરૂપ ધારણ કરીને હવે વકર્યો છે. અન્યાય સામે જાગૃતિ કેળવવી એક વાત છે અને તેના માટેની ક્રાંતિને લોહીયાળ સ્વરૂપ આપવું એ ભિન્ન વાત છે. આવી ક્રાંતિ કોઈ જ પીડાનું નિવારણ નથી કરતી.
સંદર્ભ :
- ‘હજાર ચોર્યાસીની મા’ – મહાશ્વેતા દેવી (અનુવાદ- નિસ્પૃહા દેસાઈ)
- ‘हज़ार चोरासी की माँ’ – हिंदी फिल्म
- મહાશ્વેતાદેવી:ખાંભી નહી, મહુડાનું વૃક્ષ, પ્રકાશ ન. શાહ (દિવ્યભાસ્કરમાં પ્રકાશિત લેખ)
- Rediff.com
- Wikipedia
- સાહિત્ય-સિનેમાનો અનુબંધ, મહિપતસિંહ રાઓલજી
- સાહિત્ય અને સિનેમા, જય વસાવડા
- Indian express
- Outlook