ખુલ્લે હામ...!
જાણે જગત આખું લૂંટાય રહ્યું છે ખુલ્લે હામ !
અહીં વતન પણ વેચાય રહ્યું છે ખુલ્લે હામ !
કહીં શ્રીહરિનું બોર્ડ લગાવી
વિશ્વામિત્ર પણ ધ્યાને ધરે
મેનકાને ખુલ્લે હામ !
તહીં ભીમ ભડવીર કોઈ ન મળે ને
નિર્ભયા સામે દુઃશાસન
જ્યાં-ત્યાં જાગી જાય ખુલ્લે હામ !
અહીં સળગાવી ચૂંટણીનું છાણું
વેડે છે વેડવાઓ
જનધનરૂપી મધપૂડાને ખુલ્લે હામ !
કહીં બાપુ ગાંધીની ગુજરાતે
મદિરા ને ભઠિયારગલી શી હાટડિયું
મંડાય રહી છે ખુલ્લે હામ !
કહીં કચને છોડી-છેતરી અવર જોડે
બાંધી બુકાની નગર મધ્યે
ઘુમે દેવયાની ખુલ્લે હામ !
તહીં નગરે લાગણીઓ મૂકી છે ગીરવે
નહિતર એ પણ
વેચાતી હોત ખુલ્લે હામ !
શું આમ જ જગત આખું લૂંટાતું રહેશે ખુલ્લે હામ ?
ને વતન પણ વેચાતું રહેશે ખુલ્લે હામ ?