કાશ
લઘુકથા
મનસ્વી અરીસા સામે ઊભી રહી ગઇ. એણે વાળ ઠીક કરતાં – કરતાં ચોટલો લીધો. ચહેરા પર પાવડર લગાવ્યો. લિપસ્ટિક લગાવી બિંદી કરી. કંગન પહેર્યા. બંને ઘનશ્યામ – વર્ષાના લગ્નની પાર્ટીમાં જઇ રહ્યાં હતાં.
મનસ્વી વર્ષા વિશે ખૂબ આનંદિત થઇને વાતો કરી રહી હતી. વર્ષા વિશેની વાતોનો આનંદ એની અભિવ્યક્તિ અને છટામાં દેખાઇ આવતો હતો. ખળખળ વહેતા ઝરણાંની માફક એનાં મોંમાંથી શબ્દો વહી જતાં. જાણે એ વહી રહી ન હોય ! : વર્ષા છે ગામડાની, પણ લાગે નહીં, કેમ કે નહીં ? ગામડાઓની છોકરીઓની સરખામણીમાં એકદમ જુદી લાગે. એનો ગ્રાસ્પિંગ પાવર બહુ સારો છે. અત્યારે ભલે એ ગામડામાં હોય પણ અહીં આવી જશે એટલે તું જોજેને એને બધું આવડી જવાનું. બધું શીખી જવાની ને વળી મળતાવડી એટલે કોઇ પ્રોબ્લેમ નહીં થાય... પોતાની સાડીને વ્યવસ્થિત કરતાં કરતાં એણે પોતાનું આખુંય પ્રતિબિંબ અરીસામાં જોયું. ‘એ દેખાવડી છે જ ને ! વળી હાઇટ તો ખરી જ. સ્ટેપકટ વાળ, જીન્સનું પેન્ટ, માથે લૂઝ ટી – શર્ટ ને પગમાં શૂઝ હોય, આંખો પર ગોગલ્સ ને હોઠે આછી ગુલાબી લિપસ્ટિક ! મૃણાલ તું કલ્પના તો કરી જો કેવી લાગે ? કોઇ મોડેલ જ લાગે અદ્દલ ! એકી સાથે એટલું બોલી ગઇ ને પછી અટકી.
‘ મને તો ભાભીની શોભા સાડીમાં જ લાગે છે.’ મનસ્વી તરફ નજર કરીને મૃણાલે કહ્યું.
મનસ્વીના પેટ પર થોડી ભીંસ અનુભવાઇ. વળી પાછી સાડીની પાટલી સરખી કરવા માંડી. સરખી થઇ નહીં. બે ક્ષણ અટકી ગઇ. પોતાના પ્રતિબિંબને તાકી રહી.
ઓહ વર્ષા... હ્રદયના ઊંડાણમાંથી એક શબ્દ હોઠ પર આવતાં આવતાં અટકી ગયો.
‘ ઓહ ડાર્લિંગ હજુ તું શું કરે છે ? ચાલ જલદી કર.’ પ્રતિબિંબ પર પથ્થરો પડ્યા જાણે.
એ ઝબકી ગઇ. એણે હળવેથી સાડીને ઠપકારી ને કહ્યું : ‘ ઓ.કે. ચાલ ડાર્લિંગ.’