ગુજરાતનાસાહિત્ય-લોકસાહિત્ય ક્ષેત્રે પૂતળીબાઈનું પ્રદાન
ગુજરાતી લોકસાહિત્યના સંશોધન-સંપાદનક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારાં સૌપ્રથમ પારસી મહિલા છે પૂતળીબાઈ. ગુજરાતી સાહિત્યને પણ તેમની સર્જનાત્મકતા સ્પર્શી શકી છે. તેમનો જન્મ ૧-૯-૧૮૬૪ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ધનજીભાઈ અને માતાનું નામ જરબાઈ હતું. ૩૦ વર્ષની ઉંમરે તેમનું લગ્ન જહાંગીર કાબરાજી સાથે થયું. લગ્ન પછી તેઓ પૂતળીબાઈ જહાંગીર કાબરાજી તરીકે ઓળખાયા. તેમના પતિ કલેક્ટર હતા તેથી પૂતળીબાઈએ તેમની સાથે જુદા જુદા જિલ્લાઓમાં સ્થળાંતર કરવું પડતું. આ રીતે તેઓ સુરત, ભરુચ, બીજાપુર, ખેડા, ખંભાત, ખાનદેશ, રત્નાગિરિ, અલીબાગ, નાસિક વગેરે શહેરોમાં રહ્યાં હતાં. તે સમયે છોકરીઓના શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હોવા છતાં પૂતળીબાઈએ શિક્ષણ મેળવ્યું હતું. આથી જ પૂતળીબાઈ વિષે વિદ્યાબેન નીલકંઠ લખે છે કે “એ વેળાએ મેટ્રિકની પરીક્ષામાં બેસનાર આપણી તરફના પહલાં જ સ્ત્રી હતાં.” [૧]
પૂતળીબાઈએ ઈ.સ. ૧૮૮૧માં ૧૭ વર્ષની ઉંમરે ગુજરાતીમાં લેખનકાર્ય શરૂ કરેલું. જે સમયે સામાન્ય ગુજરાતી વાંચી-લખી શકે એવી સ્ત્રીઓની સંખ્યાઓછી હતી ત્યારે પૂતળીબાઈ લેખો લખતા હતા. પૂતળીબાઈના સસરા કેખુશરો કાબરજીએ ઈ.સ. ૧૮૭૦થી ઈ.સ. ૧૯૦૪ સુધી ‘સ્ત્રીબોધ’ના તંત્રીપદની જવાબદારી સંભાળી હતી. તેમના પછી ઈ.સ. ૧૯૧૨થી ‘સ્ત્રીબોધ’નું તંત્રીપદ પૂતળીબાઈએ સંભાળ્યું હતું.તેઓ આ સામયિકમાં સ્ત્રીઓના હક્કો, બાળકેળવણી, આર્થિક પ્રશ્નો, આરોગ્ય, રાજકારણ જેવા પ્રશ્નોની ચર્ચા કરતાં હતાં. આ રીતે તેઓ ‘સ્ત્રીબોધ’ સાથે ઘણા વર્ષો સુધી સંકળાયેલાં રહ્યાં. તારીખ ૧૯-૭-૧૯૪૨ના રોજ તેમનું અવસાન થયું.
પૂતળીબાઈએ ‘સ્ત્રીબોધ’ના લેખોની સાથે અનુવાદક્ષેત્રે, નવલકથાક્ષેત્રે અને લોકસાહિત્યક્ષેત્રે પણ મહત્ત્વનુ પ્રદાન કર્યું છે જે નુચે મુજબ છે :
‘સ્ત્રીબોધ’માં મળતા પૂતળીબાઈના લેખો:
પૂતળીબાઈએ ‘સ્ત્રીબોધ’ સામયિકમાં ઈ.સ. ૧૮૮૪ના આઠમા અંકમાં ‘તીડ’ નામનો લેખ આપ્યો છે. તેમાં તીડ વિષે વિસ્તૃત માહિતી આપી છે તથા તીડ દ્વારા આફ્રિકામાં ખેતીના પાક અને વનસ્પતિને થયેલ નુકસાન અને તેના પરિણામ સ્વરૂપે લાખો લોકોના ભૂખમરાથી થતાં મૃત્યુ, ઈટાલીમાં તીડોએ કરેલ હુમલો તથા દરિયામાં ડૂબવાથી ફેલાયેલી દુર્ગંધ, વેનિસમાં નાશ પામેલ ખેતીપાકના લીધે પડેલ દુષ્કાળ જેવા બનાવો ઉપરાંત ફ્રેંચ, જર્મની, સ્પેન, રશિયા, હંગરી, પૉલેન્ડ વગેરે દેશોમાં તીડોએ કરેલ નુકસાનની વાત આ લેખમાં કરી છે. ‘કીડીની અજાયબીઓ’ શીર્ષક હેઠળ લેખ ઈ.સ. ૧૮૮૫ના પાંચમા અંકમાં મળે છે. તેમાં કીડીઓની અનેક જાતિઓ જેવી કે, મજૂર કીડીઓ, પાંખ વિનાની તેમજ પાંખવાળી ઈંડા મૂકનારી કીડીઓ, પાંખવાળા કીડા વગેરેના જુદા જુદા કામ અને તેમના રહેઠાણની ચર્ચા કરી છે. ઉપરાંત યુરોપમાં જોવા મળતી ‘અમેઝાન’ જાતિની કીડીઓ, પીળા રંગની કીડીઓ, અમેરીકામાં ખેડૂત કીડીઓના નામે ઓળખાતી કીડીઓ અને ગરમ દેશમાં જોવા મળતી કીડીઓના ખોરાક, તેમના દર, કીડીઓના વર્તન અને વિશેષતા વગેરે બાબતો આ લેખમાં જોવા મળે છે. ઈ.સ. ૧૮૮૪ના છઠ્ઠા અંકમાં ‘સ્ત્રીની હિંમત’નામની ફ્રાન્સના નોયન શહેરની વાર્તા આપી છે. ઊંડી ઝેરી ગટરમાં પડેલ ચાર પુરુષોમાંથી ત્રણને એકલા હાથે બચાવનાર કેથરીન વેસીઅર નામની છોકરીની બહાદુરી માટે શહેરસમાજના સભાસદો દ્વારા કાઢવામાં આવેલ સરઘસ, વડા ધર્મગુરુ અને કોટવાલો દ્વારા જાહેરમાં મનાયેલ ઉપકાર, વડા પાદરી દ્વારા અપાયેલ તાજ, બનાવના ચિત્ર સાથે ભેટ અપાયેલ ચાંદ જેવા બનાવો કથામાં આવે છે. ઈ.સ. ૧૮૮૪ના દસમા અંકમાં ‘ધરતીકંપ’ નામનો લેખ પૂતળીબાઈ આપે છે તે સમયે યુરોપના દક્ષિણે પોર્ટુગલ અને આફ્રિકાની ઉત્તરના પ્રાંતોમાં આવેલ મોટામાં મોટા ધરતીકંપના આંચકા,દક્ષિણ અમેરિકાના પશ્ચિમે આવેલા ચીલી દેશમાં વારંવાર આવતા ધરતીકંપ,ઈ.સ. ૧૬૯૨માં જેમેકા બેટમાં આવેલ ધરતીકંપ, દક્ષિણ ઈટાલીના સીસીલી ટાપુમાં આવેલ ધરતીકંપ, તેના દ્વારા થતાં ભારે નુકસાન અને ફેરફારો વગેરેની વિસ્તારથી વાત કરી છે. છેલ્લે ઈ.સ. ૧૮૧૯માં જાન્યુઆરીની ૧૬મી તારીખે કચ્છમાં ધરતીકંપ થયો તેમાં કિલ્લાનો જે રીતે નાશ થયો અને સમુદ્રના તોફાનના કારણે જમીનમાં જે ફેરફાર થયા તેની વાત આ લેખમાં કરી છે.
અનુવાદક્ષેત્રે પ્રદાન:
પૂતળીબાઈ ૧૬ વર્ષના હતાં ત્યારથી અનુવાદ કરતાં હતાં. મહિપતરામ રૂપરમ નીલકંઠે પોતાની પુત્રવધૂ પાસે અંગ્રેજી વાર્તાસંગ્રહ ‘ચેમ્બર્સ શોર્ટ સ્ટોરીઝ’માંની કેટલીક વાર્તાઓનો ગુજરાતી અનુવાદ કરાવીને પ્રગટ કરેલો. એ પછી મહિપતરામના પુત્રવધૂ અવસાન પામ્યાં, પણ સંગ્રહની અન્ય વાર્તાઓનું ભાષાંતર બાકી હતું. એ કામ કરાવવા મહિપતરામ ઉત્સુક હતા, તેથી તેમણે આ વાર્તાઓના અનુવાદ માટે ઇનામની જાહેરાત કરી. એ કામ સોળ વર્ષના પૂતળીબાઈએ ઉપાડી લીધું. તેમણે અડતાલીસ જેટલી વાર્તાઓનો ગુજરાતીમાં અનુવાદ કરીને તે બધી વાર્તાઓને ‘ટૂંકી કહાણીઓ ભાગ-૨’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ કરી. આ અનુવાદ માટે પૂતળીબાઈને ૬૦ રૂપિયાનું ઈનામ પણ મળ્યું. આ ઉપરાંત પૂતળીબાઈએ મહારાણી વિક્ટોરિયાએ લખેલ‘More leaves from the journal of a life in the highland’s (1867) પુસ્તકનો ‘હાઈલેન્ડસમાં ગુજારેલી જિંદગીની વધુ નોંધો’ એવા શીર્ષકે ગુજરાતીમાં અનુવાદ કર્યો. તેમણે અંગ્રેજી વાર્તાકાર રોબર્ટ લુઈ સ્ટીવન્સનની ‘ડૉ. જેકીલ અને મી. હાઈડ’ નામની અતિપ્રસિદ્ધ વાર્તાનો પણ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. આના પરથી કહી શકાય કે, પૂતળીબાઈ પોતે પારસી સન્નારી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા પર ખૂબ જ સારું એવું પ્રભુત્વ મેળવ્યું હતું.
નવલકથાક્ષેત્રે પ્રદાન:
પૂતળીબાઈએ ‘પૈસા કે પ્યાર’ અથવા ‘લગ્ન કે વખાર’(૧૯૧૯),‘મીનો ચહેર મીશનરી’(૧૯૨૮), અને ‘ગુમાસ્તાની મની’ જેવી નવલકથાઓ આપી છે.
લોકસાહિત્યક્ષેત્રે પ્રદાન:
પૂતળીબાઈનું સૌથી નોંધપાત્ર પ્રદાન લોકસાહિત્યના સંશોધન-સંપાદનક્ષેત્રે છે. ઈ.સ. ૧૮૭૨થી શરૂ થયેલ ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’ સામયિકમાં લખવાનું આમંત્રણ પૂતળીબાઈને આર. સી. ટેમ્પલે આપ્યું હતું. ઈ.સ. ૧૮૮૦માં પૂતળીબાઈએ ‘ચેમ્બર શોર્ટ સ્ટોરીઝ’નો અનુવાદ આપેલો તેનાથી આ વિદ્વાન ખૂબ પ્રભાવિત થયા હતા. અને આ રીતે તેમણે પૂતળીબાઈને લેખ લખવા કહ્યું. આ સંદર્ભે ભિખાઈજી લીખાઈજી લી. પાલમકોટ લખે છે: “સગાસ્નેહીઓ અને બુઢીઆયાથી સાંભરેલી આસરે વીસ જુની દેશી વાર્તાઓ એમણે લખવા માંડી. તે પછી એ જ ચોપનિયામાં ‘ગુજરીનો ગરબો’,‘નરસિંહ મહેતાનું મામેરું’ તથા હિંદ અને પારસી લગ્નના ગાયનોના સરેહ સાથે તરજુમાઓ પણ ઇંગ્રેજીમાં લખ્યા હતા.” [૨]
૧. લોકગીતક્ષેત્રેપ્રદાન:
પૂતળીબાઈપાસેથી ૧૨ જેટલી રચાનાઓ મળે છે. ઉપરાંત ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’ સામયિકના ઑગષ્ટ ઈ.સ. ૧૮૮૯ના અંકમાં તેમણે ‘ગુજરીનો ગરબો’ અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીમાં પણ આપ્યો છે. તે પ્રખ્યાત રાસડો છે. તેમાં હિંદુસ્તાની અને ગુજરાતી શબ્દોનું મિશ્રણ જોવા મળે છે. આ પ્રકારનું ગીત ‘ગરબા’ તરીકે ઓળખાય છે. તથા ‘ગુજરી’ શબ્દનો અર્થ ગુજરાતી સ્ત્રી એવો થાય છે. અહીં ગુજરીના ગરબાનું ઉ. દા. મૂક્યું છે:
“कॆ काबूलपर बादशाह चढॆ, नॆ सारी दिलिहका दीवानरॆ
कॆ बादशाहारॆ उतरॆ बागमॆ, मॆं कया दॆखन जाउंरॆ
कॆ हाथमॆरॆ लॆउं लाल मटुकी, कंदोयण होकॆ जाउंरॆ
...कॆ बादशाहा,” [3]
પૂતળીબાઈએ નવેમ્બર ઈ.સ. ૧૮૯૦, એપ્રિલ ઈ.સ. ૧૮૯૨,અને એપ્રિલ ઈ.સ. ૧૮૯૩ના અંકોમાં ૧૧ જેટલા પારસી-હિન્દુ લગ્નગીતો આપ્યા છે. આ ગીતો એક સ્થળે ગવાતાં ગીતોથી ક્યાંક જુદા પડે છે. તેમાં શબ્દોનું પાઠાંતર પણ જોવા મળે છે. આ ગીતોમાં ‘છોકરાઓને અદરાવવાની વખતે છોકરા તરફથી ગાવાનું ગીત’,‘છોકરાઓને અદરાવવાની વખતે છોકરી તરફથી ગાવાનું ગીત’,‘બાપ દીકરીને અથવા ભાઈ-બહેનને વાસ્તે મોસાળું મોકલે તે વેળા ગાવાનું ગીત’,‘લગ્નના દિવસો પર ગાવાનું ગીત’,‘સાસુ સોપારો લઈ જાય છે તે વેળા ગાવાનું ગીત’,‘વરણીનું ગીત’,‘સાસુ જમાઈને હરગવા નીસરે તે વેળા ગાવાનું ગીત’,‘વરણીની વેળાએ ગાવાનું ગીત’,‘કન્યાને સાસરે વળાવતી વેળા ગાવાનું ગીત’,‘વહુ- દીકરાને પરણાવીને ઘેર લઈ જતી વેળા ગાવાનું ગીત’,‘વર-વહુને પરણાવી ઘેર લઈ જતી વેળા ગાવાનું ગીત’ વગેરેનો સમાવેશ થાય છે. અહીં છોકરાઓને અદરાવવાની વખતે છોકરા તરફથી ગવાતા ગીતનું ઉદાહરણ મૂક્યું છે:
“હવાડાને કાંઠે રમતી રે, રમતી મારા સોરાબજીએ દીઠી રે.
ઘરે જઈ રાહરો ધરીઓ રે, બાબા મુજને પરણવો રે.
પરણું તો ફરામજીની ધીસે રે, નહીંતર રહીશ કુમારો રે.
મેહરબાનજીએ પૂછી બે વાત રે, ફરામજીએ જોડિયા બેહુ હાથ રે.
મેહરબાનજીએ મોકળિયાં પાન રે, ફરામજીએ રાખીઆં માન રે.” [૪]
પૂતળીબાઈના આ લોકગીતો ઇટાલિયન કવિ પ્રોફેસર માર્કો એન્ટેનિયો કેનીનીએ વાંચેલા તે એનાથી ખૂબ પ્રભાવિત થયેલા. તેમણે જુદી જુદી ભાષાઓમાંથી ભાષાંતર કરાવેલાં આશરે ત્રણેક હજાર જેટલા ગીતો ભેગાં કરેલાં. તેમાં પૂતળીબાઈ દ્વારા સંપાદિત લોકગીતો પણ પ્રસિદ્ધ કરેલાં. આ ઇટાલિયન કવિએ પૂતળીબાઈના લોકગીતોને પોતાના સંગ્રહના ‘સૌથી સુંદર ઝવેરાત’ તરીકે સંબોધ્યા છે.
પૂતળીબાઈએ પ્રેમાનંદકૃત ‘નરસિંહ મહેતાનું મામેરું’ વિશે પણ ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’માં લેખ આપ્યો છે. આ લેખ માર્ચ ઈ.સ. ૧૮૯૫, એપ્રિલ ઈ.સ. ૧૮૯૫, જાન્યુઆરી ઈ.સ. ૧૮૯૬ અને ઓક્ટોબર ઈ.સ. ૧૮૯૬ના અંકોમાં ક્રમશ: પ્રગટ થયો હતો.
૨. લોકકથાક્ષેત્રે પ્રદાન:
ઓગણીસમી સદીમાં ગુજરાતી લોકકથાક્ષેત્રે કાર્ય કરનાર માત્ર બે જ મહિલા મળે છે. એક અંગ્રેજ મેરિયન પેસ્ટન્સ અને બીજા પૂતળીબાઈ. તેમાં પૂતળીબાઈનું પ્રદાન ખૂબ જ અગત્યનું છે. તેમણે ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’માં ઈ.સ. ૧૮૮૫થી ઈ.સ. ૧૮૯૪ના વર્ષોના અંકોમાં ‘Folklore in Western India’ શીર્ષક હેઠળ ૨૦ જેટલી લોકકથાઓ અંગ્રેજીમાં આપી છે. તેમણે આપેલી લોકકથાઓમાં ચમત્કારનું તત્ત્વ મુખ્ય છે, તેમજ કેટલીક કથાઓનું કથાવસ્તુ પણ એક જ પ્રકારનું જોવા મળે છે. જેમકે,‘સુનબાઈ જાઈ’,‘રાણીને વેચનાર રાજા’,‘રાણી ઝાંઝરી’,‘રાજકુમાર સબર’,‘આઠ વહાણની મહારાણી’,‘રાજકુમારી મલિકાઝરીકા’ વગેરે કથાઓમાં એક જ પ્રકારના મોટિફ જોવા મળે છે. આ કથાઓમાં રાજાની સાત રાણીઓ, સાત પુત્ર, સાત કુંવરીઓ, સાત ભાઈઓ વગેરેની વાત કરવામાં આવી છે. ‘સુનબાઈ જાઈ’ કથામાં સાત ભાઈ અને તેમની એક બેનની વાત છે. સાતેય ભાઈઓ વેપાર અર્થે પરદેશ જતાં સાત ભાભીઓ દ્વારા સુનબાઈને આપવામાં આવતો ત્રાસ, પાછા ફરેલા ભાઈઓને સાચી હકીકતની જાણ થવી, પત્નીઓને શિક્ષા કરવી તથા બહેન સાથે સુખેથી રહેવું વગેરે પ્રસંગો આવે છે. ‘રાણીને વેચનાર રાજા’કથામાં છ રાણીઓની કાનભંભેરણીથી રાજા દ્વારા સાતમી રાણીને વેચવા મૂકવી, મુસાફર દ્વારા રાણીને ખરીદવી અને અંતે સાતમી રાણીને મુસાફરનો રાજા સાથે બદલો લેવો વગેરે આ કથામાં આવે છે. ‘રાણી ઝાંઝરી’માં વેપારી અને તેના સાત પુત્રોની વાત છે. સાતમા પુત્રના રાણી ઝાંઝરીને મેળવવા માટેના પ્રયાસો, તે માટે રાક્ષસો સાથે કરેલ યુદ્ધ તથા તેના પરાક્રમોની કથા છે,‘રાજકુમાર સબર’માં સુલતાન અને તેની સાત પુત્રીઓની વાત છે, સાતમી પુત્રી અતિબુદ્ધિશાળી હોવાથી સુલતાનની અણમાનીતી છે તેથી તેનો કારાવાસ, રાજકુમાર સબર સાથેનું મિલન, છ બહેનો દ્વારા આપવામાં આવતો ત્રાસ, કાવતરા, રાજાને હકીકતની જાણ થવી વગેરેની કથા છે. ‘આઠ વહાણોની મહારાણી’માં સાત પિતરાઇ ભાઈઓ અને બહેનની કથા છે ભાઈઓની જેમ બહેન પણ વેપાર અર્થે વેશપલટો કરીને પુરુષવેશે વહાણ લઈને જાય છે, અને પોતાની ચતુરાઈથી આઠ વહાણની મહારાણી બને છે, તેની આસપાસ આખી કથા વણાયેલી છે. ‘રાજકુમારી મલિકાજરીકા’ એ ધનવાન સોદાગર અને તેના સાત પુત્રોની કથા છે. તેમાં સાતેય પુત્રોની બાણવિદ્યા, સાતમા પુત્રનું બાણ પાછું ન આવતા તેની શોધખોળ, વાનરકન્યા સાથે મિલન, વાનરકન્યાની શાપમુક્તિ અને રાજકુમારીમાં પરીવર્તન,બંનેના ધામધુમથી લગ્ન વગેરે પ્રસંગો કથામાં આવે છે.
અન્ય કથાઓ જેવી કે,‘બે ઠગ અને રાવળિયો’,‘બે ભાઈઓ’,‘અદ્ભૂત વૃક્ષ’,‘સુષુપ્ત નસીબ’,‘રાજાનો પાઠ’,‘સૂર્ય અને ચંદ્ર’ વગેરેમાં બે કુંવરો, બે પ્રધાન, બે ભાઈ, બે ભાઈ-બહેન કે બે કુંવરીઓની આસપાસ કથા વણાયેલી જોવા મળે છે. ‘બે ઠગ અને રાવળિયો’માં બે ઠગ દ્વારા રાવળિયાના રાજકુમારી સાથે લગ્ન કરાવવા, ધન પડાવવું, અન્ય નગરમાં બીજા સાથે ઠગાઈ કરવી તથા અંતે રાજકુમારીની મદદ કરવી જેવા બનાવ કથામાં જોવા મળે છે.‘બે ભાઈઓ’ એ બે કુંવરોની કથા છે. જેમાં રાણીના મૃત્યુ પછી અપરમા દ્વારા કુંવરોની હત્યાનું કાવતરું ઘડાય છે તેમાંથી કુંવરોનો ચમત્કારિક બચાવ થાય છે તેની વાત છે. ‘રજાનો પાઠ’ એ અવિશ્વાસુ રાજા, સમજદાર પ્રધાન અને ભરવાડ દંપતીની કથા છે. રાજાનો દાન-ધર્મમાં અવિશ્વાસ, નબળી રાજ્યસ્થિતિ, પ્રધાન દ્વારા સમજૂતી,વેશપલટો કરી રાજાનું અન્ય રાજ્યમાં જવું, ભરવાડ દંપતીને ત્યાં આશ્રય લેવો, પુનઃજન્મની વાત, નાના કુંવર દ્વારા રાજાને પાઠ મળવો, સાચી પરિસ્થિતિની જાણ થવી જેવા પ્રસંગો આવે છે. ‘અદ્ભૂત વૃક્ષ’માં રાજા, બે રાજકુંવરીઓ તથા રાજાના દોહિત્રની કથા છે.રાજાના દોહિત્રના પરાક્રમ, ચાર પરીઓ જેવી કે, પરી, સોનપરી, માણેકપરી અને મોતીપરીની મદદથી અદ્ભૂત વૃક્ષ મેળવવું જેવા ચમત્કારિક બનાવો બને છે. ‘સુષુપ્ત નસીબ’માં બે ભાઈઓમાં નાનાભાઈની ગરીબી, તેને દૂર કરવાના પ્રયાસો, પોતાના નસીબની શોધખોળ કરવી, અંતે નસીબ મેળવવું અને ધનવાન બનવું વગેરેની કથા છે. ‘કમનસીબ વેપારી’માં સમૃદ્ધિમાંથી વેપારમાં નુકસાન થતાં ગરીબ બનેલા વેપારીની કથા છે. પત્નીના અતિઆગ્રહથી વેપારીની રાજા પાસે મદદ માગવી, રાજા દ્વારા સોનમહોર ભરેલું તરબૂચ ભેટ આપવું, અજાણ વેપારી દ્વારા તરબૂચ બે મુસાફરને આપવું, પત્નીના ઠપકાથી ફરી રાજા પાસે મદદ માંગવી, બીજીવાર મળેલ તરબૂચ ભિખારીને ભેટ આપવું, રાજા દ્વારા હકીકત જાણવી, વેપારીની સામે સોનામહોર ભરેલું તરબૂચ આપવું પણ નદી ઓળંગતા તરબૂચ પાણીમાં પડી જવું,તેનાથી વેપારીને મહેનત અને સંઘર્ષનું મહત્ત્વ સમજાવું વગેરે પ્રસંગો આ કથામાં આવે છે. ‘સૂર્ય અને ચંદ્ર’માં રાજાની માનીતી રાણીના નવજાત શિશુઓને દરિયામાં ફેંકવા, બ્રાહ્મણ દ્વારા બચાવ, સૂર્યના પરાક્રમ, ચંદનપરી દ્વારા જન્મની હકીકત જણાવવી વગેરે પ્રસંગો આ કથામાં આવે છે.
આ ઉપરાંત શામળની પદ્યવાર્તાઓમાં જેમ માનવસૃષ્ટિની સાથે માનવેતર સૃષ્ટિ આવે છે તેમ આ લોકકથાઓમાં પણ ચમત્કારોસાથે માનવેતર સૃષ્ટિ જોવા મળે છે. ‘રાણી ઝાંઝરી’ કથામાં રાજાનો જીવ પોપટમાં હોય છે તથા રાણી ઝાંઝરી પણ પહેલા ફૂલનો ગોટો બને છે પછી કેરીમાંથી બાલિકારૂપે પ્રગટ થાય છે. ‘લાલપરી અને કેવડાપરી’માં રાજકુમારીને સલાહ અને શિખામણ આપતો બોલતો પોપટ હોય છે તો ‘તરતો મહેલ’ કથામાં રાજકુમારીના પેટમાં રહેતો સાપ, અન્ય સાપ સાથે વાતચીત, યુવાન દ્વારા રાજકુમારીને સાપના ત્રાસથી બચાવવી વગેરેપ્રસંગ બને છે. ‘અદ્ભુત વૃક્ષ’ કથામાં નાગરૂપી રાક્ષસ અને ચાર પરીઓની વાત છે તો ‘દેવકીરાણી’માં ચમત્કારિક પક્ષી છે જે મોતી આપે છે અને રાજાના સ્પર્શ માત્રથી દેવકીરણી બની જાય છે. ‘દેવી વેમાઈ અને ચોરો’ કથામાં ભવિષ્ય ભાખનારી દેવી વેમાઈની વાત છે. ‘કાળા માથાનો માનવી’ કથામાં સિંહ અને સુથારની વાત છે તેમાં યુવાન સિંહને માતા દ્વારા માનવીથી દૂર રહેવાની અપાયેલી શિખામણ, યુવાન સિંહની માનવીને જોવાની તીવ્ર ઈચ્છા, દિવસોસુધી જંગલમાં ભટકવું, અચાનક સુથારનું મળવું,સિંહની સુથાર પાસે મદદ માગવી, સુથારની યુક્તિ જેવા બનાવ બને છે. ‘દાનવીર ફકીર’ કથામાં ગરીબ ભિસ્તી અને ફકીરની પયગંબરે કરેલી મદદ, સાચી શિખામણ, પૂર્વજન્મની વાત અને જીવનના સાચા રહસ્યની વાત કરવામાં આવી છે.
આમ,ગુજરાતી સાહિત્ય અને ગુજરાતના લોકસાહિત્યનાસંશોધન-સંપાદનક્ષેત્રે પ્રવૃત્તથનારાં મહિલાઓમાં પૂતળીબાઈનું સ્થાન ઘણું અગત્યનું બની રહે છે. સાહિત્યમાં તેમણે વધુ પ્રયત્નો ન કરતાં લોકસાહિત્ય તરફ વધારે રુચિ કેળવી છે.પોતે પારસી હોવા છતાં ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષામાંલોકસાહિત્ય પ્રગટ કર્યું એમાં જ તેમની ધગશ અને લોકસાહિત્ય તરફના લગાવ અંગેના દર્શન થાય છે. આ રીતે તેમના યોગદાનથી આપણી સંસ્કૃતિના જતન અનેજાળવણીનું પ્રશંસનીયકાર્ય થયું છે.
:: પાદટીપ ::
- ‘સ્ત્રીબોધ’,નીલકંઠ વિદ્યાબેન,અંક ૨-૧૯૪૩, પૃષ્ઠ-૧૮૯
- ‘સ્ત્રીબોધ’,પાલમકોટ, ભિખાઈજી લીખઈજી લી. અંક ૫-૧૯૮૭,પૃષ્ઠ-૧૯૫
- ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’ઑગષ્ટ ઈ.સ. ૧૮૮૯, પૃષ્ઠ-૨૪૪
- ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’ નવેમ્બર ઈ.સ. ૧૮૯૦, પૃષ્ઠ-૩૭૭
સંદર્ભ ગ્રંથ: ::
- ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’ સામયિક, વોલ્યુમ ઈ.સ. ૧૮૮૫થી ઈ.સ. ૧૮૯૬
- ‘ગુજરાતના લોકસાહિત્યના સંશોધન-સંપાદનનો ઇતિહાસ’ -ડૉ. પરમ પાઠક
- ગુજરાતી લોકસાહિત્યના સંશોધન-સંપાદનમાં પારસીઓનું પ્રદાન -રતિલાલ રોહિત થીસિસ- ૫૧૬
- ગુજરાતી વિશ્વકોશ ખંડ- ૧૯
- ‘પારસી સાહિત્યનો ઇતિહાસ’ -મિસ પીલાં ભીખાજી મકાટી,‘નોશાકરી પીલાં’
- ‘સ્ત્રીબોધ’ સામયિક, ઈ.સ. ૧૮૮૪, અંક-૬, ૮, ૧૦ અને ઈ.સ. ૧૮૮૫, અંક-૫.