Download this page in

ગુજરાતી સાહિત્યમાં લેખિકાઓનું પ્રદાન અને એમાંથી ઊઠતો સૂર : વિહંગદર્શન

નરસિંહ મહેતાથી શરૂ થયેલી ગુજરાતી કાવ્યપરંપરામાં સાંપ્રત સમય સુધીમાં કવયિત્રીનો અવાજ મંજુલ તો એમ પણ સંભળાતો રહ્યો છે. એ સ્વરની મુદ્રા પોતીકી રહી છે. મધ્યકાળમાં એકમાત્ર મીરાંબાઈ -એ પણ રાજસ્થાની મૂળનાં-ની ગુજરાતી રચનાઓ પ્રાપ્ત થયાનું નોંધાયું છે. છેક ગાંધીયુગની શરૂઆત સુધી એટલે કે ૨૦મી સદીના પૂર્વાર્ધ સુધી બીજી એક પણ લેખિકાની નોંધ નથી થઈ. મધ્યકાળની હસ્તપ્રતોમાં તથા ગાંધીયુગ પહેલાંના સમયમાં યોગ્ય અને વધુ સંશોધન હાથ ધરાય તો અન્ય કેટલાંક સ્ત્રી-લેખકોનાં નામ સહિત સર્જનો પ્રકાશમાં આવી શકે, જેમાં સ્ત્રીનો પોતીકી મુદ્રા ધરાવતો જુદો અવાજ અને નોખી અભિવ્યક્તિરીતિ જોવા મળી શકે. સંશોધનની આ મર્યાદા તરફ શંકાની સોય રાખીને ગુજરાતી સાહિત્યના અભ્યાસહેતુ ઐતિહાસિક કાળક્રમ કે પ્રભાવક પરિબળોને આધારે જે યુગવિભાજન થયું છે તેની પર નજર કરીએ અને એમાં પુરુષ-સર્જકોથી જુદી પડતી સ્ત્રીસર્જનશક્તિ પર વિહંગ દૃષ્ટિ કરીએ.

નરસિંહ પૂર્વેનું સાહિત્ય અપભ્રંશ સાહિત્ય છે, જેને પ્રાગ્‍નરસિંહયુગ તરીકે ઓળખાવાયો છે અને તેમાં જૈન-જૈનેતર સાહિત્યનું પ્રમાણ વધુ છે. આ, અને મધ્યકાળમાં ‘અજ્ઞાત’ કવિની જે રચનાઓ મળી છે, તેમાં સ્ત્રી-લેખકો હોવાની શક્યતાને એરણે ચડાવવી જોઈએ.

નરસિંહથી દયારામ સુધીના મધ્યકાળમાં કવયિત્રી તરીકે મીરાંબાઈનું એકમાત્ર નામ જોવા મળે છે. પછીથી થયેલા કોઈ સંશોધનમાં ભક્તિ-સંપ્રદાયમાં ૧૨-૧૪મી સદીમાં ગંગાસતીનાં પોતાની પુત્રવધૂ પાનબાઈને સંબોધેલાં બાવન જેટલાં ભજન મળી આવે છે. (સંદર્ભ - વુમન રાઇટિંગ ઇન ઇન્ડિયાઃ ૬૦૦ બીસી ટુ ધ અર્લી ટ્વેન્ટિથ સેન્ચુરી, શુશિ જે થુરુ અને કે લલિતા, ૧૯૯૧) મીરાંબાઈ, સ્વાભાવિક જ કૃષ્ણભક્તિમાં રંગાયેલાં અને કૃષ્ણપ્રીતિનાં પદોનાં રચયિતાં છે. એમનાં પદોમાંનો સમર્પણ અને નારી-દાસીભાવ એમના જીવનકાળને જોતાં અનન્ય કે પ્રથમ ગણાવો જોઈએ. નરસિંહનાં પદોમાં સખી-દાસ-દાસીભાવ જોવા મળે છે ખરો, પણ નરસિંહ-મીરાં એકબીજાંને મળ્યાં હોવાનું કે એકમેકનો પ્રભાવ ઝીલ્યો હોવાનું આધારભૂત પ્રમાણ મળતું નથી. મીરાંબાઈ સ્વતંત્ર કવયિત્રી હતાં.

દલપતરામથી શરૂ કરાયેલા સુધારકયુગ કે નર્મદયુગમાં કે એ પછીના સાક્ષરયુગમાં એક પણ લેખિકા જોવા મળતી નથી.(સંદર્ભ - મહત્ત્વના લેખકોની સાલવારી, સુધારક અને સાક્ષરયુગ, અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૩, ધીરુભાઈ ઠાકર, પે.૨૧૮-૧૯)

આ જ સંદર્ભગ્રંથના ‘ગાંધીયુગ અને અનુગાંધીયુગ’ વિભાગમાં પે.૬૦૯થી ૬૧૨ પર આપેલી લેખકોની કક્કાવાર યાદી પ્રમાણે, (૧) ધીરુબહેન પટેલ (૧૯૨૬), (‘વડવાનલ’, ‘શીમળાનાં ફૂલ’) (૨) લીલાવતી મુનશી (૧૮૯૯-૧૯૭૮), (૩) વિદ્યાગૌરી નીલકંઠ (૧૮૭૬-૧૯૫૮), (૪) વિનોદિની નીલકંઠ (૧૯૦૭)(‘કદલીવન’), (૫) શારદાગૌરી મહેતા (૧૮૮૨-૧૯૭૦), (૬) સરોજ પાઠક (૧૯૨૯)(‘નાઇટમેર’), (૭) હંસાબહેન મહેતા (૧૮૯૭), (૮) હીરાબહેન પાઠક (૧૯૧૭)નાં નામ છે.

આધુનિકયુગમાં જે નવતર પ્રયોગો કે સર્જનો થયાં એમાં ‘રાજા-મહારાજાની જે’માં તારિણીબહેન દેસાઈએ શૂન્યવાદ-ઇલ્યુઝન પરની વાર્તાઓ આપી છે. એમાંની વાર્તાઓનો ‘સરલ અને સમ્પા’ (મધુ રાય) સાથે વિષય - અભિવ્યક્તિરીતિનો તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ.

કવિતાક્ષેત્રે મનીષા જોશી (‘કંદરા’), સંસ્કૃતિરાણી દેસાઈ (‘સૂર્યો જ સૂર્યો’) અને ઉષા ઉપાધ્યાય (‘જળ બિલ્લોરી’), ગીતાબહેન પરીખ, પન્ના નાયક, જયા મહેતા, નીતા રામૈયાનાં કાવ્યોમાં આધુનિકતા અને નારીનાં સંવેદનો ઝિલાયાં છે. મીનળ દીક્ષિત, અંજલિ ખાંડવાળાનાં કાવ્યોમાં પણ સંવેદનનો જુદો સૂર સધાયો છે.

ગાંધીયુગ પછીનાં બીજાં કેટલાંક નામ જેમનો સમાવેશ નારી-સંવેદનને આલેખતાં લેખિકામાં કરી શકાય તેમાં કુન્દનિકા કાપડિયા (‘સાત પગલાં આકાશમાં’), વર્ષા અડાલજા (‘ગાંઠ છૂટયાની વેળા’, ‘મારે પણ એક ઘર હોય’), ઇલા આરબ મહેતા (‘બત્રીસ પૂતળીની વેદના’, ‘વાડ’), બિંદુ ભટ્ટ (‘મીરાં યાજ્ઞિકની ડાયરી’, ‘અખેપાતર’), હિમાંશી શેલત (‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’, ‘પંચવાયકા’) નોંધવાં જોઈએ. આમ, નરસિંહ મહેતાથી (૧૪-૧૫મી સદી) લઈને ૨૦મી સદીના પૂર્વાર્ધ સુધીનાં ૫૦૦એક વર્ષના ઇતિહાસમાં બહુ ઓછાં સ્ત્રી-લેખકો ગુજરાતી સાહિત્યને પ્રાપ્ત થયાં છે.

પણ, એ પણ યાદ રાખવું જોઈએ કે, ફિમેલ-રાઇટિંગ, ફેમિનિસ્ટ રાઇટિંગ અને ફેમિનિઝમ રાઇટિંગ જેવી સંજ્ઞાઓ પણ એવાં સાહિત્યિક આલેખનોનું જ પરિણામ છે. એ સર્જનબળ એવું કે એ સાહિત્યને નારીવાદ-વાદી-લક્ષી-ચેતના જેવી નવી સંજ્ઞાથી ઓળખવું પડ્યું છે. એ પણ યાદ રાખવું જોઈએ કે, સાંપ્રત સમયે ‘બધાં’ જેને ‘અનુઆધુનિકકાળ’ની સંજ્ઞાથી ઓળખે છે એવા અત્યારના આધુનિકેતરકાળના વિભાગો દલિતચેતના, ગ્રામચેતના, ડાયાસ્પોરા લિટરેચરમાં એક નારીચેતનાનું સાહિત્ય પણ છે. એ એટલા માટે છે કે, આવા સાહિત્યમાં સ્ત્રીનાં સંવેદનો અને એની જીવનરીતિનું જેવું પણ થયું છે, આલેખન થયું છે અને એ આલેખન પરંપરિતથી જુદું છે. ટૂંકમાં, નારીને કેન્દ્રમાં રાખીને લેખિકા દ્વારા લખાયેલા સાહિત્યની ભાષા અને અભિવ્યક્તિરીતિ બંને આગવાં છે.

કુન્દનિકા કાપડિયાની નવલ ‘સાત પગલાં આકાશમાં’ની કથાની કે એનાં પાત્ર-પરિસ્થિતિની વિગતે ચર્ચા કરવાની રહેવા દઈએ તોયે, લગભગ ૭૦ પાનાં જેટલી લાંબી પ્રસ્તાવનામાં પુરુષપ્રધાન સમાજરચના સામેનો વિદ્રોહ અને નારીની અસ્મિતાનો ઉઘાડ પામી જ શકાયો છે.

એમની જ બીજી નવલ ‘પરોઢ થતાં પહેલાં’ની નાયિકા પોતાને પ્રિય પુરુષની રાહ જોતી હોવા છતાં વાસ્તવમાં એ જ્યારે આવે ત્યારે તેને આવકારવા બારણું ન ખોલે, એમાં સ્ત્રીની પોતાની મનઃસ્થિતિ કે શક્તિનો તાગ મળે છે.

ઇલા આરબ મહેતાની કૃતિ ‘બત્રીસ પૂતળીની વેદના’નું શીર્ષક જ બોલકું છે. તો, એમાં ધાર્મિક-સાંસ્કૃતિક અને પુરુષપ્રધાન સભ્યતાની સામે રૂઢિગત માન્યતાઓને સહજ સ્વીકારી લેતી નારીનાં આલેખનો માત્ર સહોપસ્થિતિથી જ વિરોધનો સૂર પ્રગટાવી શકી છે. એવું જ, ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ વાર્તા વિશે પણ કહી શકીએ. મુખર બન્યા વિના સામાજિક સ્થિતિનું નિરૂપણમાત્ર કરીને જ પરંપરા સામેનો વિદ્રોહ એમાં પ્રગટ કરી શકાયો છે.

ધીરુબહેન પટેલની નવલકથા ‘કાદંબરીની મા’માં સાસુ-વહુના સંબંધનું જુદા જ દૃષ્ટિકોણથી થયેલું આલેખન નારીચેતનાનો સૂર પ્રગટાવે છે.

અહીં વિવેચનક્ષેત્રે સ્ત્રી-અવાજ પણ સાંભળવો જોઈએ. હિમાંશી શેલત ‘આધુનિકોત્તર સાહિત્ય’ના લેખમાં (પે.૪૬) કહે છે, ‘‘ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીઓની સમસ્યાઓ વિશે લખવાનો પ્રારંભ તો સરોજિની મહેતા કે લીલીવતી મુનશીથી થઈ ચૂક્યો હતો, પણ આરંભની કૃતિઓમાં સ્ત્રીઓની વ્યથાનું આલેખન જ મળતું, નારીવાદી ચેતનાનો ઉઘાડ કે વ્યક્તિત્વનો વિકાસ હજી કેન્દ્રમાં નહોતા. સંપૂર્ણપણે નારીવાદ કહી શકાય એવી કૃતિઓ અનુઆધુનિકયુગમાં જ વિશેષ મળે એ નોંધવું રહ્યું.’’

ગુજરાતી વિવેચનક્ષેત્રે શરીફાબહેન વીજળીવાળાનો દૃષ્ટિકોણ પણ અન્ય વિવેચકો કરતાં જુદો રહ્યો છે. ‘વિભાજનની વ્યથા’માં જે કૃતિઓ કે ફિલ્મો વિશે એમનાં વિવેચનાત્મક લખાણ છે એમાં એમણે જે-તે કૃતિમાંની નારીપીડાવ્યથાકથાનું સ્ત્રીની ભૂમિકાએ રહીને વિવરણ-વિવેચન કર્યું છે.

ગુજરાતી વાર્તાક્ષેત્રે હિમાંશી શેલતનાં વાર્તાસંગ્રહોમાં નારીનાં અનેક રૂપ અને જાતિગત કે સામાજિક-સાંસ્કૃતિક-રૂઢિ-પરંપરાની અનેક સમસ્યાઓ સામે એકલપંડ ઝૂઝતી નારીનાં આલેખનો છે. પુરુષલેખક હોવા છતાં સ્ત્રીના મનોભાવોનું સુંદર નિરૂપણ કરનાર હરીશ નાગ્રેચાની વાર્તાઓ અને હિમાંશી શેલતની વાર્તાઓને સાથેસાથે વાંચવામાં આવે તો પુરુષ-કલમ સાપેક્ષ સ્ત્રી-કલમ જુદી તારવી શકાય, અને તેમાં હિમાંશી શેલતની વાર્તાઓમાંનો જુદો સૂર પણ સાંભળવા મળે જે નારીની અસ્મિતાને, ચેતનાને ઉજાગર કરે છે.

આવું બીજું નામ મોના પાત્રાવાલા છે. એમની ‘રાની બિલાડો’ની વાર્તાઓમાં એમણે વાંસદા આસપાસના વિસ્તારની ભૌગોલિક પરિસ્થિત કે આદિવાસી-પારસીઓની જીવનરીતિને એમની બોલીમાં માત્ર આલેખી છે એવું નથી, એમાં એમણે સ્ત્રી-પુરુષ સંબંધોને જુદા સંદર્ભોથી વાચક સમક્ષ મૂકી આપ્યા છે. એમની વાર્તાઓમાં વિષયવૈવિધ્ય છે જ વળી. ગુજરાતી વાર્તાક્ષેત્રે લતાબહેન હિરાણી, પન્ના ત્રિવેદી, નિલમ દોશીની વાર્તાઓ પણ વિષયવૈવિધ્ય અને સંવેદન તરાહોથી જુદી ભાત પાડે છે.

આજકાલ સોશિયલ મીડિયાનો પ્રભાવ વધુ છે, એમાંથી સાંપ્રતકાલીન લેખિકાઓનાં કેટલાંક ઉદાહરણ ટાંકીને આ વિહંગદર્શનને વિરામ આપીશ. પણ એ પહેલાં નોંધીશ કે, અહીં જે ઉદાહરણ મૂકીશ તે પુરુષ-લેખકોના દૃષ્ટિકોણ બહારનો વિસ્તાર રજૂ કરશે અને એનો અવાજ પણ જુદો હશે, મિજાજ પણ જુદો, સંવેદનાત્મક ભાવાભિવ્યક્તિ પણ જુદી ને એમાં પ્રસ્તુત અનુભૂતિની સચ્ચાઈનો રણકો પણ જુદો. કારણ, એની ભાષા ગુજરાતી હોવા છતાં એમાંની રજૂઆતરીતિ કે અર્થાનુભૂતિ જુદી રહી છે.

*

‘‘આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા
થોડા તારે ય થવાનું અધીરા!’’ (-એષા દાદાવાલા)

અગાઉની લજ્જાળુ કાવ્યનાયિકાની તુલનાએ આ કાવ્યનાયિકા પ્રેમાનુભૂતિ માટે પ્રતીક્ષારત રહેવા માગતી નથી, એ માટે એ નકારમાં શબરી-મીરાંનાં દૃષ્ટાંતો આપીને પ્રિયજનને સલાહ નહીં, સૂચન કરી શકે છે, જેમાં ઇજનનો ભાવ રહ્યો છે.

*

‘‘હવે એને ઢીંગલીઓ કરતાં
સપનાઓ સાથે રમવામાં વધારે મજા પડે છે!’’ (-એષા દાદાવાલા)

આ પંક્તિઓમાં પુરુષ-સભ્યતાનો કે રૂઢ પરંપરાનો વિરોધ કર્યા વગર જ સ્ત્રીસંવેદનની આકાંક્ષાની કે વ્યક્તિમતા ખીલવવાની ધગશની તારસ્વરે અભિવ્યક્તિ છે. એમાં વિદ્રોહના સૂર કરતાં વ્યક્તિ તરીકેના સ્વ-સ્થાપનનો અવાજ વધુ ઘેરો છે.

*

‘‘મને ભીંત જરા પણ પસંદ નથી;
કારણ કે મને આકાશ ગમે છે!
હું કઈ કીડી નથી કે ચાલ્યા કરું – હારબંધ.

હું ગરોળી પણ નથી કે રાહ જોયા કરું.
હું ફેંકી દઉં મારા કપાળનો સૂરજ આ ભીંત પર તો-
ક્ષણમાં રાખ
બધુંય.’’ (-રાધિકા પટેલ)

આ પંક્તિઓમાં રહેલા સૂર્ય માટેના ભાવને પરસવા અહીં એક બીજા કવિની સૂર્યને ઉદ્દેશાયેલી પંક્તિઓ મૂકવાથી સૂર્યને જોવાની અને અનુભૂતિના દાયરામાંથી અભિવ્યક્ત કરવાની નવી દિશાનો અંદાજ મળી રહેશે. ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો રે અજવાળાં’. સૌભાગ્યનાં પ્રતીક તો બેઉમાં એક જ છે પણ એકમાં શોકનો ભાવ છે ને ભાગ્યને દોષ અને બીજામાં જાતખુમારીનો ભાવ.

*

‘‘બારીએથી પોહ ફાટી, ફળિયાએ મને બૂમ પાડી.
ફળિયું મેં વાળી નાખ્યું, ત્યાં માટલાએ ખખડાટ કર્યો.
માટલામાં મેં નીર રેડ્યાં, ત્યાં ગમાણે ભાંભરાટ કર્યો.
ગમાણને મેં ખોળ આપ્યો, ત્યાં વલોણાંએ વલોપાત કર્યો.’’ (-રાધિકા પટેલ)

જોડકણાંના લયમાં કવયિત્રીએ પ્રતીકાત્મક પાત્રાલેખન દ્વારા સ્ત્રીનાં જ હોય એવાં કલ્પનો રજૂ કર્યાં છે. અહીં સ્ત્રીના જીવનનો એક દિવસ નિરૂપાયો છે પણ એ માત્ર એક જ દિવસ નથી, કાવ્યનાયિકાનું રોજિંદું જીવન છે. એમાંથી ઊઠતો વેદનાનો સૂર સહેજ પણ વિદ્રોહી નથી લાગતો, તેમ છતાં, જે-જેવું છે એનાથી જ પરંપરાનો સહજ સ્વીકાર સાથેનો વિરોધ કળાય છે, જે મુખર થયા વિના કહેવાયો છે. જોડકણાંનો લય કદાચ એટલે આવ્યો હશે કે કવયિત્રીને સર્જન માટેનાં માધ્યમની ખબર નહીં હોય અથવા ખબર હશે તો એમાં એની આવડત ઓછી હોય. એની પાસે અભિવ્યક્તિનું માધ્યમ એ જ હતું જેને એ બાળપણથી ગણગણતી આવી છે.

*

‘‘છું મોજમાં હું ખુદની, ખુદનો કરાર છું,
ખુદની જ બંદગીમાં બેઠી ધરાર છું.’’ (-વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’)

વર્ષા પ્રજાપતિની આ પંક્તિઓમાં પરંપરા સામે સ્વ-સ્થાપનની બુલંદ ચાહનો તીવ્ર સ્વર છે. આ પંક્તિઓ વાંચતાં ભગવદ્ગીતતામાં કૃષ્ણના શ્લોકોનું સ્મરણ કરી જુઓ... પેલામાં હું આ છું, આમાં હું આ છું,....તો આ પંક્તિના કોઈ જુદા ભાવજગતમાં પ્રવેશ કરી શકાશે.

*

‘‘આથી વધુ ખુલાસો શું હોય લાગણીનો?
મેં મૌન જાળવ્યું છે સંવાદ સાધવાને.’’ (-લક્ષ્મી ડોબરિયા)

સ્ત્રી-સ્વભાવમાં રહેલી ઋજુતા અને હૃદ્ય સંવેદનનો મૌન દ્વારા આટલો બોલતો નમૂનો સ્ત્રીકલમ સિવાય અન્યત્ર મળવો મુશ્કેલ છે. અહીં નીચેની પંક્તિમાં એવો જ બોલકો ડૂમાનો સૂર છે, જેમાં ડૂમાના ધાર્યાથી વધુ અર્થ કરી શકાશે... તો હર્ષવી પટેલનો ડૂમો જુદી અભિવ્યક્તિ સાધે છે, જેમાં નિઃશબ્દતા શાથી પ્રવેશી છે, એનાં કારણ શોધવાની મજા છે. કવયિત્રી પાસેથી સંભળાતો ડૂમાનો સ્વર અને કવિના ડૂમાનો અર્થ અહીં જુદા પાડી શકાય તેમ છે.

*

‘‘ડૂમાને જ્યારથી અહીં વાંચી ગયું છે કોઈ,
આંસુના ત્યારથી મેં ખુલાસા કર્યા નથી.’’ (-લક્ષ્મી ડોબરિયા)

*

‘‘શબ્દની ફરતે અકળ ઘેરો ઘલાયો છે, ભલા,
કોઈ પણ કારણ વિના ડૂમો ભરાયો છે, ભલા.’’ (-હર્ષવી પટેલ)

*

‘‘સાત પગલાં મેં ભર્યાં છે,
ખુદની દુખતી રગને ઝાલી.’’ (-લક્ષ્મી ડોબરિયા)

આ વેદનાને સમજવા માટે કન્યાના બધા જીવનપ્રસંગોમાંથી પસાર થવું પડે. મૂળ વાત તો એટલી જ કે, સામાજિક બંધનો કે સ્ત્રીઇચ્છાની તમા નહીં કરનાર પુરુષપ્રધાનતાનો આમાં એકકાર છે. પ્રેમ વિનાનો સંસાર મંડાયો હોય તોયે જીવનના દાયકાઓ સુધી નભાવ્યે રાખવાની બીજી એક પીડા પણ એને વેઠવાની, એ ભાવ આટલી અનુકંપાથી સ્ત્રી જ આલેખી શકે.

*

ગોપાલી બુચના શેરમાં રહેલી સ્વ-સ્થાપનની ખુમારીની ઝલક જ સામાને હચમચાવવા પૂરતી છે,
‘‘વેતરવા છો ને બેઠા, પણ વેતરી શકો ના,
મક્કમ છે પોત મારું, અહીં મેં મને વણી છે.’’ (-ગોપાલી બુચ)

*

અલ્પા આર જોષીની એક આખી રચના જોઈએ, જેમાં સ્ત્રીનાં અનેક રૂપો છે, સ-કારાત્મક રીતે આલેખાયાં છે, સ્વીકૃતિ સાથે આકૃતિ પામ્યાં છે, એમાં પુરુષપ્રધાન સમાજ કે સ્ત્રીની અવદશાનો વિરોધ પણ નથી, છતાં જે છે એનું વાસ્તવ નિરૂપણ -આવું જ ન હોવું જોઈએ-નો સૂર પ્રગટાવે છે,

‘‘ખુલ્લી જેલ
રાતના ચોથા પ્રહરમાં ઊંઘતી-જાગતી, સ્ત્રીઓ
સવાર ઊગતાં ખભે પર્સ ભેરવી બહાર નીકળતી, સ્ત્રીઓ
રસ્તે બસની રાહ જોતી, સ્ત્રીઓ
બ્લડ ચેકઅપને ટાળી, રંગીન મેકઅપમાં ફરતી, સ્ત્રીઓ
પગાર પહેલાં જ ખર્ચાઈ જતી, સ્ત્રીઓ
લાગણી, ફરજ, સમર્પણમાં ઘસાઈ જતી, સ્ત્રીઓ
મુઠ્ઠીભર સુખના વળગણે, ઇચ્છાના ગરણે ગળાતી જતી, સ્ત્રીઓ
ગેસના બટનથી, નાઇટલેમ્પના બટન સુધી ઓન/ઓફ થતી, સ્ત્રીઓ-
આ સ્ત્રીઓ એટલે... તમે?
હું...પણ.’’ (-અલ્પા જોષી)

*

‘‘પાંદડે પાંદડે રોજ હું ખીલતી,
વાયરા છે વસંતના બધા મુજમાં.’’ (-જિજ્ઞા મહેતા)

‘સુગંધની બજારમાં સોપો પડી ગયો, / આપે જ કેશ મોકળાશ કર્યા હશે જરાક.’ની સાપેક્ષ આ શેરમાં સ્ત્રી-સહજ સ્વીકાર સંગોપાયો છે, એ એનું જુદાપણું અને એમાંથી પ્રગટતા ‘અસ્તિત્વ’વિષયક ભાવની પ્રકૃતિ-પુરુષને જાણ તે સ્ત્રીકલમનો અસબાબ.

તો, સમુદ્રની ખારાશ વિશે સ્ત્રીનાં આંસુની કથા સાંભળેલી છે એનો વ્યત્યય આ પંક્તિઓમાં ‘નદી’ થયો છે, જુઓ. વળી, સાગર, દરિયો પુંલિંગ છે, જ્યારે નદી સ્ત્રીલિંગ, એ ભેદને નજરઅંદાજ ન કરીને પંક્તિની વધુ મજા માણી શકાય. ખારીનો બીજો અર્થ ગુસ્સે થવું લઈ જોવાથીયે કાવ્યાનંદ બેવડાઈ શકે.

‘‘પડી તો હશે ક્યાંક આંસુની ધારા
અચાનક નદી કેમ ખારી થઈ છે?’’ (-જિજ્ઞા મહેતા)

આમાં બીજાં કેટલાંક નામ ઉમેરીએ, નયના જાની, નલિની માડગાંવકર, મધુમતી મહેતા, પુષ્પા પારેખ, ગાયત્રી ભટ્ટ, મીનાક્ષી ચંદારાણા, યામિની વ્યાસ, પારુલ ખખ્ખર, કવિતા શાહ, લતા હિરાણી, છાયા ત્રિવેદી, ઇશિતા દવે, ભાર્ગવી પંડ્યા, દક્ષા પટેલ, મેગી અસ્નાની, પારુલ બારોટ, રક્ષા શાહ, અંજના ગોસ્વામી, હર્ષિદા દીપક ત્રિવેદી જેવી કવયિત્રીઓની રચનાઓમાં વિષયવૈવિધ્ય હોવા ઉપરાંત હૃદયની ટીશમાંથી ઊઠતી ચીસ પણ સંભળાય છે. અનુભૂતિની સચ્ચાઈનો રણકો અને પુરુષ કવિઓથી જુદાં કલ્પનો આ કવયિત્રીઓની રચનાઓને અલગ અંદાજેબયાં કહેવડાવવા પૂરતાં છે.

હા, એ પણ નોંધીએ કે, ઉપરકથિત સ્ત્રી-સર્જકો થોડાં વરસોથી સર્જનક્ષેત્રે સક્રિય છે, તેથી તેમની રચનાઓમાં સ્વરૂપની કે રચનારીતિની દૃષ્ટિએ ખામી હોઈ શકે, છંદ તૂટતા હોય કે મીટર ટૂંકું પડે કે ગદ્યનો પદક્રમવ્યત્યય ન થયો હોય કે નિકૃષ્ટ પ્રાસરચના હોય કે ગદ્ય લખાણોમાં ટેકનિકની સમસ્યા હોય કે સંકલનનો અભાવ હોય, તો એ બધી સ્વરૂપગત સમસ્યાઓ છે. અનુભૂતિના શાબ્દિક રૂપાંતરણમાં તો તેઓ પુરુષ-લેખકો કરતાં જુદી અભિવ્યક્તિ જ સાધે છે, એથી પોતીકી મુદ્રા ધારણ કરે છે.

આમ, લેખિકાઓ દ્વારા લખાયેલા ગુજરાતી સાહિત્યમાં નારીસંવેદનને લગતો, પરંપરા-રૂઢિ કે પુરુષ-સભ્યતાનો વિદ્રોહનો, વ્યક્તિ તરીકેના કે નારી તરીકેના સ્વ-સ્થાપનનો સૂર પ્રગટતો રહ્યો છે. વળી, એ માત્ર આટલા જ સ્વર-સૂર છે એવું યે નથી.

ટિપ્પણ :::

  1. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ગુજરાતી વેબસાઇટ્સ, બ્લોગ્સ અને ફેસબુક પરથી કાવ્યપંક્તિઓ ટાંકી છે.
  2. સ્વ-સ્થાપનનો વ્યક્તિ અને સમૂહ -બંને અર્થ અભિપ્રેત છે.
  3. અહીં સ્ત્રી-પુરુષના સંબંધને આલેખતી સ્ત્રીલેખકો દ્વારા લખાયેલી કૃતિઓ તેમજ નિબંધ, નાટક, પ્રવાસવર્ણન, આત્મકથા, વ્યક્તિચિત્રો, લઘુકથા અને માઇક્રોફિક્શન જેવાં સ્વરૂપોમાં સ્ત્રીલેખકોનાં પ્રદાનની નોંધ નથી કરી. કોઈ અભ્યાસુને રસ પડે તો તેઓ સંશોધનલેખ કરી શકે.
ડિસ્ક્લેમર -
  1. લખનારનું વાંચન વિશાળ નથી, તેથી સાપેક્ષ ઉદાહરણ નથી મૂક્યાં.
  2. કેટલાક કવિમિત્રો સાથે ફોનસંપર્કથી કેટલાંક સર્જકોનાં નામ જાણ્યાં છે. એમની રચનાઓથી આ લખનાર અજાણ છે.
  3. આ માત્ર વિહંગદર્શન છે તેથી ઉદાહરણરૂપ ઉદાહરણ જ મૂક્યાં છે.
  4. જોડણીદોષ સરતચૂકથી રહી ગયા હશે.

અજિત મકવાણા, ajitmakw@gmail.com, 9904877449