wowslider.com

કવિતામાં છંદ : પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ - વિશેષાંક

Bootstrap carousel

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (સાંજ)ના સંયુક્ત ઉપક્રમે ૭/૧/૨૦૧૭, શનિવારના ‘કવિતામાં છંદ : પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ’ વિષય ઉપર રાજયકક્ષાના એકદિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં ઉદ્ઘાટક તરીકે શ્રી સુમન શાહ, બીજરૂપ વક્તા તરીકે શ્રી ચિનુ મોદી ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ છંદની પારિભાષિક સંજ્ઞાઓ સંદર્ભે શ્રી ભગીરથ બ્રહ્મભટ્ટ, ગુજરાતી કવિતામાં છંદ વિશે શ્રી મણિલાલ પટેલના વ્યાખ્યાન પ્રથમ બેઠકમાં હતાં. તો આપણા ચારની અને ડીંગળ છંદો વિશે શ્રી પ્રભુદાનજી સુરુ અને હિન્દી તથા ઉર્દૂ ગઝલમાં છંદ સંદર્ભે શ્રી સુલતાન અહેમદસાહેબે ખૂબ સચોટ અને સુંદર વ્યાખ્યાન આપ્યા હતાં.

ચિરંથનજ્યોતિસ્તંભ એવા શબ્દની ઉપાસના અર્થે યોજાયેલ આ પરિસંવાદમાં ગુજરાતની વિવિધ કોલેજમાંથી ૭૦ જેટલા અધ્યાપકો, ૨૫ જેટલા વિદ્યાર્થીઓએ તેમજ કોલેજના સ્ટાફ સહિત ૧૩૦ જેટલા છંદરસિકોએ ભાગ લીધો એ ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (સાંજ) માટે એક અવર્ણનીય પ્રસંગ છે. આ પ્રસંગે ગુજરાતી, સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી વિષયના વિદ્વાનો દ્વારા સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા. આ સંશોધનપત્રોમાં છંદની ઉત્પત્તિ, છંદની પારિભાષિક સંજ્ઞાઓ, છંદના પ્રકાર, બંધારણ, સમજૂતી, ગઝલના છંદો, વૈદિક કાળમાં છંદ, વિક્ટોરિયન યુગમાં મીટર, શિવ મહિમ્નમાં છંદનો વિનિયોગ, કાન્ત, કલાપી, ન્હાનાલાલ જેવા પંડિત યુગના કવિઓ, ગાંધીયુગના ઉમાશંકર જોશી, આધુનિક યુગના રમેશ પારેખ, લાભશંકર ઠાકર જેવા વિવિધ કવિઓએ છંદમાં મેળવેલી સિદ્ધિની વાતો કરવામાં આવી છે. અહીં દલપતરામના રૂડા છંદો છે તો શેલી ની મીટરબદ્ધ કવિતાઓ પણ છે. શિવમહિમ્નમાં આવતા છંદોની વાત અહીં છે અને આપણા વૈદિક છંદોમાં પ્રચલિત એવો ગાયત્રી છંદ પણ સુદ્રઢ રીતે સમજાવેલો છે. છંદમાં સૂત્ર શૈલીનો વિનિયોગ કેવો હિતકારી છે એનું વર્ણન પણ કરવામાં આવ્યું છે.

શબ્દની ઉપાસના એ બ્રહ્મની ઉપાસના છે. કવિતા સુંદરીને ભલે છંદના ઝાંઝરમાં બાંધો કે ના બાંધો પણ આ ઝાંઝરનો રણકાર આ કવિતા સુંદરીને એક નવું જ સૌંદર્ય અને માધુર્ય બક્ષે છે એ વાસ્તવિક્તા છે.