લઘુકથા : જતન


ઓફિસથી સાંજે એ સમયસર ઘરે આવી ગયો. ફ્રેશ થઇ નાનકડા ઋષાનને લઇ આંગણાના બગીચામાં આવ્યો . એનું રોજનું શેડ્યુઅલ ખુબ જ વ્યસ્ત રહે છે. વધુ પડતો સમય ઓફિસમાં જ આપવો પડે. રાતના આવવામાં કાયમ થોડું મોડું થાય. પ્રિયા અને ઋષાન જમી લે અને ઋષાન તો મોટે ભાગે સૂઈ જ જાય. થાકને લીધે એ થોડો મોડો જાગે ત્યાં સુધીમાં ઋષાન સ્કૂલ જતો રહ્યો હોય.

આજે સવારે એ ઓફીસ વહેલો જતો રહેલો. એટલે એનું રોજિંદુ મનપસંદ કામ થઇ શકેલું નહિ. ફૂલ-છોડ પ્રત્યે એને અનહદ લગાવ. ઘરના આંગણામાં સુંદર બગીચો બનાવેલો. એનું જતન એ જાતે કરે. ઋષાન સ્કૂલ ગયો હોય, પ્રિયા રસોઈમાં લાગેલી હોય એટલે સવારના સમયે એ બગીચાને પુરતું વ્હાલ આપે.

એને ઘરે જોઈ ઋષાન પણ જીદ કરી ક્લાસમા ન ગયો. એણે પપ્પાની પાછળ પાછળ ફરી પપ્પાનું કામ જોયા કર્યું. એ એક એક ક્યારીની માટી સરખી કરી, નકામો કચરો કાઢી, ખાતર નાખી ફૂલ-છોડને પાણી પાઈ રહ્યો હતો. ઋષાને પૂછ્યું, ‘પપ્પા આવું કેમ કરો છો?’

‘એવું કરીએ તો આ ઉગેલા છોડને મજા આવે. એ સરસ રીતે મોટો થાય, પાંદડા લીલાછમ રહે. અને રંગબેરંગી ફૂલ ખીલે . ફૂલ –છોડને આવી વ્હાલી ખુબ ગમે.’

‘તો તમે એને આજે જ કેમ વાલી વાલી કરો છો?’

‘ના બેટા હું તો રોજ વાલી વાલી કરું છું- સવારમાં. પણ તું સ્કૂલ ગયો હોય.’

‘ઠીક.’ કહી ઋષાન થોડે દૂર ગયો. એ વાળી ફૂલ-છોડની સંભાળમાં ગૂંથાયો.

‘પપ્પા…’ ઋષાને બૂમ પાડી.

એણે જોયું. ઋષાન એક ખાલી ક્યારામાં, ક્યારીની માટી પર પગ ચડાવી હાથ પહોળા કરી ઉભેલો. ‘આ શું બેટા?’

‘પપ્પા હું ઉગ્યો.’

‘પણ આવી રીતે કેમ?’

‘પપ્પા છોડવાને તમે રોજ વાલી વાલી કરો છો. હું આમ ઉગુ તો તમે મનેય રોજ-રોજ વાલી  વાલી કરોને?’

એક વંટોળીયો પસાર થઇ ગયો. મનમાં ધ્રુજારી ચડી ગઈ. કામની લાહ્યમાં અને સમયની ખેંચતાણમાં ભાન જ ન રહ્યું. એ પાણીની નળી લઇ ઋષાન પાસે ગયો અને પગ પર ચડાવેલી માટી પર પાણી રેડતા કહ્યું: ‘હવે આ છોડવાએ  અહી રોજ ઉગવાનું છે અને પપ્પા એને રોજ પાણી પાવાના છે.’

નસીમ મહુવાકર, મામલતદાર, કલેકટરેટ, બોટાદ (સૌરાષ્ટ્ર), મોબાઈલ: ૯૯૧૩૧૩ ૫૦૨૮/ ૯૪૨૬ ૨૨ ૩૫ ૨૨ ઈ મેઈલ: nasim2304@gmail.com