કળીને કળવા ‘ચપટી ઉજાશ’


આજે એકવીસમી સદીમાં પણ કૂળ દીપક જેવા માન−સમ્માન દીકરીને મળવા દોહ્યલા જ છે આધુનિક શોધોને અણસારે પેટમાં પાંગરતા સ્રી ભૃણને આ પૃથ્વી પર બાળકી રુપે અવતરવા દેવી કે પ્રભુને પાછી સમર્પિત કરી દેવી  એનો નિર્ણય આપણે જ પ્રભુ બનીને કરી લઈએ છીએ!.. બાળકને આપણે ‘બાળક’ તરીકે નથી ઉછેરતા. એને ‘છોકરા કે છોકરી’ તરીકે ઉછેરીએ છીએ. બાળક દીકરો હોય તો એના તોફાન કે તોડફોડ ‘બાળા રાજા’ની ભૂલમાં ખપાવનારા‚ દીકરી માટે અનેક પ્રકારના ‘ન-કાર’ના ઉંબરા ઉભા કર્યા જ કરીએ છીએ. પરિણામે‚ આજે સંતાનનું મન અને એનું વર્તન ઉકેલવું અઘરું બની રહ્યું છે ત્યારે નીલમ દોશીની ‘ચપટી ઉજાશ’ (પ્ર.સાલ જાન્યુઆરી ૨૦૧૬ અરુણોદય પ્રકાશન) સતત ૨૦૦ હપતા સુધી દર રવિવારે જનસત્તા‚ લોક સત્તામાં પ્રકાશિત થયેલી એક શિશુની ડાયરી આપણને મદદરુપ બની શકે એમ છે. એમાં એક અજન્મા બાળકી જેણે પોતાના માના પેટમાં પણ સ્વ–જનોના લાંબા હાથથી પોતાની સલામતી શોધવી પડી છે‚ પૃથ્વી પર જન્મ લેવા માટે પણ મૂક આજીજી કરવી પડી છે. .એવી દીકરીનું અણગમાની આંધી વચ્ચે પણ પૃથ્વી પર આગમન શક્ય તો બને છે પણ‚ એના પગમાં ઝાંઝર રુપે બેડી પહેરાવી દેવામાં આવે છે. જે એના છમ છમ અવાજને કારણે બીજાને ગમે પણ જૂઈને જીવનપથ પર ચાલતા સતત કઠ્યા કરી છે. આ વેદના એના મુખે જ સાંભળવા મળે છે.

જૂઈની નાનકડી આંખે મમ્મીને રોજ રસોડામાં રમકડાથી રમતી જોઈ છે‚ મમ્મીની ગેરહાજરીમાં મમ્મીની જેમજ ખૂલી એટલી બધી બરણીઓ ખાલી કરી એજ રમકડાંથી રમવા માંડતી જૂઈ‚ દાદીમાની પાસે બેસી રોજ એમને પૂજા કરતા અને થાળ ધરાવતા જોતી દાદીમાની ગેરહાજરીમાં મંદિરના લાલાને ધમકાવીને ખવડાવવાની અને ખાઈને જલદી જલદી મોટા થઈ જવાની શીખ આપતી જૂઈ‚ નાનાને મદદ કરવાની શાળામાં મળેલી શીખને પગલે  ચાર પગે ચાલતા ચાલતા રસોડામાં આવી પહોંચેલા નાનકડા ભાઈને ફ્રીજ ખોલવા મથતો જોઈ એને પાણી જોઈતું હશે એમ માની એની મદદ કરવા પ્રેરાતી જૂઈ‚ મમ્મીનો ફોન ભાઈથી બચાવવા પાણી ભરેલી ડોલમાં સંતાડી દેતી જૂઈ‚ હાથમાં આવેલી પેન્સિલથી દીવાલ પર લખતી અને એમ મોટા કરે એજ પોતે કરતી હોવા છતાં જૂઈને નાની મોટી સજા થતી રહે છે.દાદીમાએ પોતાને કહેલા ‘ઝાઝું ડહાપણ ન કર’ કે ‘લુચ્ચી’ જેવા શબ્દ સાંભળીને એજ શબ્દો  કોઈક સંદર્ભે પોતાની માતાને કે દાદીને કહેતા અને એના બદલામાં ગાલ પર તમાચો ખાતી જૂઈ પોતાને પડેલા મારનું કારણ જાણી શકતી નથી. એ વિચારે છે ‘મને તો બધા બોલે એ યાદ રહી જાય છે ને પછી હું પણ યાદ આવે ત્યારે બોલી નાંખુ છું‚ ક્યારેક કોઈ હસી પડે છે‚ તો ક્યારેક ખીજાય છે.’[1] એમાં એના વણ પિછાણાયેલા બાળમાનસની વેદના છલકાય છે.

પ્રથમવાર ટ્રેઈનમાં બેસી દોડતા ઝાડ જોતી‚ પોતાના માસી એ પોતાના મામાના દીકરાના ફૂઈ થાય એવા સંબંધોના સમિકરણો સમજવા મથતી‚ સ્કૂલમાં શીખવવામાં આવતા અંગ્રેજી ગીત‘ બા બા બ્લેક શિપ’ ને બદલે ગુજરાતી ‘એક બિલાડી જાડી’ વાળું ગીત ગાવાનું વધુ પસંદ કરતી‚ પોતાનો સૂરજ માત્ર ‘યલો’ જ નહીં એને જાત જાતના રંગે રંગી ‘પોતાનો અલગ સૂરજ’ કરવા માગતી જૂઈ એ નથી સમજી શકતી કે પોતાના ઘરમાં પ્રથમવારના આગમન વેળાએ માત્ર ઉમંગી ફૈબાએ ફૂલ ઉડાડ્યા હતા. જ્યારે‚ મમ્મી દવાખાનેથી ભાઈ લઈને આવે છે ત્યારે મોટા ફૈબા દ્વારા એની આરતી કેમ ઉતારવામાં આવે છે? દાદીમા એને કાળું ટીલુ કેમ કરે છે? એની ફરતે મરચા‚ લીંબુ કેમ દાદીમા ફેરવે છે અને પોતાને કેમ કોઈ આવું કરતું નથી? પોતાને નાનકડો ભાઈ વહાલો છે અને પોતે પોતાના ઉમંગી ફૈબાના કહ્યા પ્રમાણે બધું જ વહેંચીને ખાતી‚ રમતી અને એને રમાડતી છતાં પોતાને વારંવાર ટોકતા અને એજ કામ ભાઈલાને કરતા જોઈ એને હસી કાઢીને એમાં પણ પોતાનો જ વાંક જોતા દાદીમા એને ‘દીકરીની જાત’નું ભાન કેમ કરાવતા રહે છે? પોતાના નાના ભાઈને પ્રેમથી ઝુલાવતા ‘આતો  મારા ઘડપણની લાકડી થશે’ એમ કહેતા દાદીને લાકડીની જરુર હશે એમ માની દોડીને લાકડી લાવી દેતી જૂઈ તો અંતે ગુસ્સાનો ભોગ જ બને છે. જૂઈના મનમાં પ્રશ્ન થાય છે ‘કંઈ કામ હોય ત્યારે દાદીમાને જૂઈ જ યાદ આવે અને કશું આપવું હોય ત્યારે જય !એ મને કેમ ગમે? ’[2]  ક્યારેક મોટાઓ ગુસ્સે થાય ત્યારે ગુસ્સો તો વગર વાંકે જૂઈ પર જ નીકળે છે.

પોતાના અમેરિકા નિવાસી પૂત્રને ત્યાં અમેરિકન પત્ની જેનીથી થનાર બાળક માટે અમેરિકા જવા તૈયાર થયેલા દાદી પોતાની નાની પૂત્રી ઉમંગીએ કરેલા મુસ્લિમ સાથેના લગ્નને મંજૂરી આપી નથી શકતા. પરિણામે‚ પોતાને વઢ્યા વગર‚ ન આવડે એ શીખવાડતા‚ વહેંચીને ખાવાની શીખ આપતા‚ બહેનપણી પાસેથી અંધારામાં ભૂત હોય એમ જાણી આવેલી પોતાને હાથેજ લાઈટ કરાવી ભૂતનો ભય ભગાડતા ‚આંગળી પકડીને અનાથાશ્રમના બાળકો સાથે રમવા લઈ જતા‚ પુસ્તકોનું જીવનમાં મહત્વ સમજાવતા‚ દરેક કામ મન લગાવીને કરવાથી એ સારું જ થાય એવી શીખ આપી પોતાને મૂંઝવતા પ્રશ્નના જવાબ આપતા ઉમંગી ફૈબા− વહાલા ફૈબાનો સહારો પણ જૂઈ ખોઈ બેસે છે. ઘરના કામથી લદાયેલી મમ્મી કે ધંધાના કામમાં રચ્યા પચ્યા રહેતા પપ્પા પાસે જૂઈ ક્યારેય પોતાનું મન ખોલી શકતી નથી. મુસ્લિમ સાથે લગ્ન કરીને ઘરનાને દુખી કરીને જતા રહેલા ફૈબા અને એક સાવ મૂફલીસ છોકરા સાથે ભાગી ગયેલી મોટા ફૈબાની દીકરીને નજર સામે રાખીને જૂઈ પર વધારે નિયંત્રણ લદાય છે. ફૈબાની ગેરહાજરીમાં અંતર્મુખી બનતી ગયેલી જૂઈ પોતે ક્યારેય ઘરનાને દુ˸ખી નહીં કરે એવો નિર્ણય કરી લે છે. એ પોતાના ગમા અણગમા બતાવ્યા વગર એ ઘરની ખુશી માટે બધા કહે તે જ સ્વીકારીને ચાલે છે. અભ્યાસમાં અતિ તેજસ્વી જૂઈને ગ્રેજ્યુએશન કરાવીને પરણાવી દેવામાં આવે છે. એ જાણે એ કોઈ વસ્તુ હોય એમ એનું− કન્યાનું દાન કરી દઈ માતા પિતા‚ દાદી પારકી થાપણ એવી જૂઈને જાણે એના માલીકને સોંપતા હોય એમ પતિના હાથમાં એનો હાથ સોંપી બોજનું પોટલું  માથેથી ઉતરી ગયાનો સંતોષ અનુભવે છે. ત્યારે પતિ અખિલ લગ્ન પછી જૂઈને‚ એ  જૂઈ −જે લગ્ન સમયે પોતાનું નામ પણ છોડીને ‘અર્પિતા’ બની રહી હતી. એ જૂઈને નહીં −અન્ય કોઈ યુવતિને ચાહતો હતો. પતિથી ઉપેક્ષિતા એવી જૂઈ ‘સાસરેથી દીકરીની અર્થી જ નીકળે’ એ માન્યતાવાળા પિયરના ઘરમાં પાછી જઈ બધાની નજરમાં બિચારી બનીને રહી બધાને દુ˸ખી કરવાને બદલે સાસરામાં ‘બધું બરાબર છે’ એવો દંભ કરી જાતને અને અન્યને છેતરતી રહે છે. પણ‚ એ વિચારે છે ‘સમાજે એનો સ્વીકાર દીકરી‚પત્ની‚મા‚ બહેન‚ કાકી‚ મામી‚ કે ભાભી તરીકે જરુર કર્યો છે એનું મહત્વ પણ સ્વીકારાયું છે‚ પરંતુ એક સ્ત્રીનો ફક્ત સ્ત્રી તરીકે સ્વીકાર આજે પણ ક્યાં થઈ શક્યો છે? પતિ બીજી સ્ત્રીને રાખીને કહી શકે છે કે હું આના વિના નહીં રહી શકું .. તારે જે કરવું હોય તે કરી શકે‚ પણ આવા શબ્દો એક સ્ત્રી. એક પત્ની પોતાના પતિને કહે તો ?’[3]

જૂઈ જાણે છે કે પોતાના સાસરીયાએ પોતાની સાથે છેતરપિંડી કરી છે. છતાં‚ એ પિયરમાં કોઈની પાસે મન ખોલી શકતી નથી. અચાનક જ એક દિવસ કાર અકસ્માતમાં અખિલનું મૃત્યુ થઈ જાય છે. જેણે એનો ક્યારેય પત્ની તરીકે સ્વીકાર નહોતો કર્યો એવા પતિની વિધવા બનેલી જૂઈ ત્યારપછી પણ સાસરીયાને છોડીને પિયરની વાટ પકડતી નથી. ડૉક્ટર બનવા ઈચ્છતી જૂઈને ગ્રેજ્યુએશન પણ સારો છોકરો મળે એ માટે જ કરાવવા તૈયાર થયેલા માતા પિતા ભારતમાં સેટ ન થઈ શકેલા દીકરા માટે અમેરિકા જતા રહ્યા છે.! યુવાન પૂત્રના અકાળે અવસાનથી વ્યથિત થઈ તમામ સંપત્તિ જૂઈના નામે કરીને અખિલના માતા પિતા હરિદ્વાર જતા રહેતા જૂઈ સાવ એકલી અટૂલી રહી જાય છે. એ સતત એના ફૈબાને કે જેના ખભે એ માથુ નાંખી રડી શકે‚ પોતાના મનમાં ઉઠતા સવાલના જવાબ આપી શકે એ ફૈબાને ઝંખ્યા કરે છે.બાળપણમાં ફૈબાએ આપેલા સંસ્કાર એ ભૂલી નથી. પોતાની અઢળક સંપત્તિનો ઉપયોગ અનાથ બાળાઓની માતા બની એમને ઉછેરવામાં કરે છે. દિલના દરવાજા બંધ કરી ચાવી સમંદરમાં ફેંકી દઈને બેઠેલી જૂઈને એક દિવસ પોતાના કૉલેજકાળનો મિત્ર નીરજ મળે છે જે એનો સાચો જીવનસાથી બની રહે છે. એક દીકરીના અસ્થિ પધરાવવા રુષિકેશ ગયેલા ત્યાં તેમને ‘ઝિલમિલ’ નામની સંસ્થા સ્થાપી સો જેટલી અનાથ દીકરીઓને સાચવતા પોતાના ઉમંગી ફૈબાનો ભેટો થઈ જાય છે. જૂઈ પણ ત્યાં જ રહી જાય છે.

એક બાળક તરીકે ‘મોટાઓ કરે તે અને મોટાઓ બોલે તે બોલતી’‚ નિર્દોષ છતાં દંડને પાત્ર ઠરતી‚ જૂઈ જેવા બાળકોના માનસને સમજવું જ રહ્યું.  સ્વ –જનોની નાની મોટી ખુશી માટે પોતાના દુ˸ખને અંતરમાં જ ધરબી દેતી‚ જાતને ઝીણી ઝીણી બાળી અન્યના જીવનમાં પ્રકાશ પાથરતી રહેતી જૂઈ જેવી અનેક ઘરદીવડીના પ્રકાશને કળવો  અજવાળામાં અજવાળાને શોધવા જેટલો અઘરો છે છતાં એ કળવા ‘ચપટી ઉજાસ’ .


સંદર્ભ

  1. પૃ -૫૫ -‘ચપટી ઉજાશ’ એક શિશુની ડાયરી  – નીલમ દોશી પ્રથમ આવૃતિ જાન્યુઆરી ૨૦૧૬
  2. પૃ -૫૪ – એજન
  3. પૃ -૧૪૧- એજન

ડૉ. અર્ચના જી.પંડ્યા, ગુજરાતી વિભાગ, એસ.એલ.યુ આર્ટસ એન્ડ એચ એન્ડ પી ઠાકોર કૉમર્સ કૉલેજ ફોર વિમેન, અમદાવાદ