‘મહાભારત’ પર આધારિત કૃતિ ‘શિખંડી’

‘મહાભારત’ વિષે મહર્ષિ વેદ વ્યાસે ખૂબ જ યોગ્ય રીતે એવું કહ્યું છે કે, ‘જે ‘મહાભારત’માં છે તે જ  બધે છે અને જે ‘મહાભારત’માં નથી તે ક્યાંય નથી !’ એટલે કે જગતની કોઇપણ રચના કોઈને કોઈ રીતે ‘મહાભારત’ સાથે સંબંધ ધરાવે છે. પછી એ વિષયની દૃષ્ટિએ હોય, વર્ણનની દૃષ્ટિએ હોય, વ્યાપકતાની દૃષ્ટિએ હોય, ઊંડાણની દૃષ્ટિએ હોય અથવા તો પરોક્ષ રીતે જ હોય ! આપણે કોઈ પણ કૃતિને ‘મહાભારત’ સાથે જોડવા પ્રયાસ કરીએ તો અચૂક તેના અંકોડા મળે જ. કેમ કે, ‘મહાભારત’ વૈયક્તિક અને વૈશ્વિક તમામ વિષયોને આવરી લેતું મહાકાવ્ય છે. એથી જાણ્યે-અજાણ્યે સર્જકો તેમાંથી પ્રેરણા લેતા રહ્યાં છે. જેઓ પ્રત્યક્ષ રીતે ‘મહાભારત’થી પ્રેરાયા નથી, તેમને પણ લોકકથાઓ, લોકગીતો દ્વારા ક્યાંક ને ક્યાંક આ ગંગોત્રીનો લાભ મળ્યો છે. ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન અનેક જૈન-જૈનેતર કવિઓની રચનાઓમાં ‘મહાભારત’નો સીધો આધાર લેવાયો છે. પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’ તો આ પ્રકારની ખૂબ જ નોંધપાત્ર કૃતિ છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પણ ‘મહાભારત’ની સમગ્ર કથા કે કથાઅંશો લઈને અનેક ઉલ્લેખનીય રચનાઓ મળે છે. ગદ્ય અને પદ્ય બંને માધ્યમમાં ‘મહાભારત’ના આધારે અનેક કૃતિઓ મળી આવે છે. અહીં તાજેતરમાં જ જેમને ‘સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર’ એનાયત થયો છે, તેવા કવિ શ્રી વિનોદ જોશીના ‘મહાભારત’ પર આધારિત ખંડકાવ્ય ‘શિખંડી’ અંગે થોડી ચર્ચા કરવાનો ઉપક્રમ છે.

‘શિખંડી’ એ એક ખંડકાવ્ય છે. આપણી ભાષામાં ‘મહાભારત’ આધારિત નોંધપાત્ર ખંડકાવ્યો પંડિતયુગના સર્જક ‘કાન્ત’ પાસેથી મળ્યાં છે. ‘કાન્ત’ પછી ખંડકાવ્ય સ્વરૂપ જ નહિવત ખેડાયુ છે. આજકાલ એ સ્વરૂપ બહુ પ્રચલિત નથી, તેમ છતાં કવિ વિનોદ જોશીએ એ ઓછાં પ્રચલિત સ્વરૂપમાં સર્જન કરવાનો પ્રયોગ કર્યો છે. ખંડકાવ્યમાં જીવનનો કોઈ એક મહત્વનો ખંડ નિરૂપિત હોય છે. પણ એ ખંડ કોઈ મહાકાવ્યમાંથી છૂટો પડી ગયેલો, ટૂકડો ન લાગે એ રીતે ખંડકાવ્યમાં નિરુપાય એ જરૂરી છે. એટલે કે ખંડકાવ્ય એક આખા જીવનના કોઈ પ્રસંગને નિરૂપિત કરતું હોવા છતાં એ સ્વયં પર્યાપ્ત હોવું જોઈએ. આ ખંડકાવ્યની સૌથી અઘરી શરત છે. આ સિવાય પણ અન્ય પદ્ય સ્વરૂપની તુલનાએ ખંડકાવ્ય પડકારરૂપ કાવ્યપ્રકાર છે, તેથી એ સ્વરૂપમાં ખૂબ ઓછું ખેડાણ થયું છે. કવિ વિનોદ જોશી કૃત ખંડકાવ્ય ‘શિખંડી’ માટે આટલી ભૂમિકા પછી, હવે સીધા કૃતિ પર જ જઈએ.

‘મહાભારત’ના ઉદ્યોગપર્વમાં આવતા ‘અંબોપાખ્યાન’ના આધારે કવિએ ‘શિખંડી’ ખંડકાવ્ય રચ્યું છે. ભીષ્મ અને શિખંડીના પૂર્વજન્મના કથાનકથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. પૂર્વજન્મની અંબા મહાભારતના યુદ્ધ સમયે શિખંડી રૂપે ભીષ્મને પરાસ્ત કરે છે. દસમા દિવસના યુધ્ધ પછી ભીષ્મ બાણશય્યા પર પડ્યા છે. અહીં આપણા આ ખંડકાવ્યનો સમય મહાભારતના યુદ્ધની દસમા દિવસની રાત્રી છે. દસમા દિવસની સાંજથી કાવ્યનો આરંભ થાય છે અને અગિયારમા દિવસની સવાર પડતા કાવ્ય પૂરું થાય છે. હવે ‘મહાભારત’ની આ ખૂબ જ જાણીતી ઘટના વિશે આપણા સર્જકને ફરી કાવ્ય રચવું કેમ અનિવાર્ય લાગ્યું ? એનો જવાબ સ્વયં કવિના શબ્દોમાં જ જોઈએ :

“પ્રતિજ્ઞાબદ્ધ ભીષ્મના જીવનમાં કેવળ એક જ સ્ત્રી-અંબા-આવી હતી, જેણે સર્વથી તિરસ્કૃત થઈ છેવટે પોતાને સ્વીકારવા ભીષ્મ પાસે કામના કરી હતી. આ બનાવની એક પુરુષ તરીકે ભીષ્મ પર જે દૈહિક અને માનસિક અસર થઈ હોય તે મહાભારતકારે નહીં આલેખી હોવા છતાં, નકારી ન શકાય તેવી માનવ્ય બાબત છે. પોતાની રઝળપાટનાં કારણરૂપ ભીષ્મને પરાસ્ત કરવા માટે અંબાએ સહન કરેલી દુર્ગમ યાતનાને અત્યંત મુખર કર્યા પછી, ભીષ્મ પરાજિત થયાની કોઈ અસર પણ મહાભારતકારે આલેખી નથી. વસ્તુતઃ શિખંડીનું ધ્યેય પાર પડ્યું તે વાત પૂર્વઘટના જોતાં નાનીસૂની નથી. અપહ્યત અંબાને સહન કરવી પડતી યાતનાનું કારણ કેવળ ભીષ્મ છે. આ ઘટના પૂરતું ભીષ્મના પાત્રનું ઉર્જસ્વીપણું વિસરાઈ જાય છે અને નિર્દોષ અંબા પાસે ભીષ્મ સામાન્ય લાગે છે. આ કાવ્ય મારી આવી કેટલીક છાપના ઉદ્રેકનું પરિણામ છે.”[1]

મોટાભાગે સ્ત્રીઓની સંવેદનાઓને પોતાના ગીતોમાં આબેહૂબ રજૂ કરવા માટે જાણીતા કવિ વિનોદ જોશી અહીં ભીષ્મ અને શિખંડી વચ્ચેના ભાવજગતને રસપ્રદ રીતે ખોલી આપે છે. ‘શિખંડી’ ખંડકાવ્ય ત્રણ ખંડોમાં વહેચાયેલું છે. પ્રથમ ખંડમાં શિખંડીના મનોભાવો, બીજાં ખંડમાં ભીષ્મના મનોભાવો અને ત્રીજા ખંડમાં શિખંડી અને ભીષ્મના સંવાદ દ્વારા બંનેના મનોભાવો સરસ રીતે મૂકીને ભીષ્મ અને શિખંડીના સંબંધનું એક વર્તુળ પ્રસ્તુત ખંડકાવ્યમાં કવિએ અહીં રચી આપ્યું છે. અહીં સર્જકે ભીષ્મ અને શિખંડી ઉપરાંત એક પ્રવક્તાનું પાત્ર પોતાની કલ્પનાથી ઉમેર્યું છે. જે બંનેના વિચારોને સંકોરવાનું કામ કરે છે. રાત્રીના પ્રથમ પ્રહરના વર્ણન સાથે કાવ્યનો ઉઘાડ થાય છે :

“વિજીત શ્લથ સૂર્યને ક્ષિતિજદાહ દીધા પછી,
છકેલ અભિસારિકા સમ પરિસરે ચંદ્રિકા;
પ્રશાન્ત નભમાં પડી કણસતી હજી ક્યાંક લૂ,
ઝબૂક હસી તારિકા ઘન વિભીષિકા ચીરતી.”[2]

અહીં વાત રાત્રીના આકાશની છે, પણ કવિએ શિખંડીના મનોગતને પણ આકાશના વર્ણન સાથે વણી લીધું છે. આમ પ્રકૃતિના વર્ણનથી કવિ આપણને વ્યક્તિમાં પ્રવેશ કરાવે છે. માત્ર ચાર જ પંક્તિમાં યુદ્ધની ઘટનાનો ઉલ્લેખ કરીને પછી શિખંડી અને ભીષ્મની યુદ્ધ પછીની સ્થિતિ વર્ણવતા પ્રવક્તા કહે છે :

“મહા-
મહાવિનાશ બાદ,
આજ છે
શિખંડીને
અપૂર્વ
પર્વ.
ભીષ્મ-
કાળઝાળ
ગ્રીષ્મ-શો દઝાડતો પ્રપાત
અંગઅંગમાં
અસંખ્ય બાણનો
લઈ-
પડ્યા,
આર્ત વેદના થકી જ ત્રસ્ત.”[3]

બહુ જ ઓછા શબ્દોમાં અહીં શિખંડી અને ભીષ્મને પ્રવક્તા આપણી સામે પ્રત્યક્ષ કરી આપે છે. પછીના ખંડમાં ભીષ્મ દ્વારા શિખંડીને કેવી યાતનામાંથી પસાર થવું પડ્યું, તેનું વર્ણન શિખંડી પોતે કરે છે. શાલ્વથી તરછોડાયેલી અને ભીષ્મ દ્વારા અસ્વીકારાયેલી અંબા શંકર પાસેથી ભીષ્મને પરાસ્ત કરવાનું વરદાન લઈ પ્રાણ ત્યાગે છે, અને ફરી શિખંડી રૂપે અવતરી આજે ભીષ્મને પરાસ્ત કર્યા ત્યાં સુધીની વાત રણભૂમિ વચ્ચે સ્મરીને મડદાંઓ ટપતો તે ભીષ્મની સામે આવીને ઊભો રહે છે, પણ ભીષ્મ પાસે આવતા જ-

“આપન્ન સદ્યપરનીર્વૃત્તિ એ ઊભો છે,
આસન્નકાળ-મરણોન્મુખ-ભીષ્મ પાસે;
પ્રાપ્તવ્યસંચિત છતાં મનમાં ન જાણે,
નિર્વેદ શો પ્રસરવા અણજાણ લાગે !”[4]

હમણાં સુધી જેના નેત્રમાં નિરવધિ સુખ તરવરતું હતું એ શિખંડી ભીષ્મને જોતાં જ કેમ નિર્વેદ અનુભવે છે ! એ આશ્ચર્ય સાથે જ પ્રથમ ખંડ પૂરો થાય છે.

બીજાં ખંડમાં બાણશય્યા પર સૂતેલા ભીષ્મ શિખંડીને નજીક આવવા કહે છે. હજારો બાણ કે અનેકોની જાનહાની કરતાંય વધુ પીડા પોતાને અંબાના સ્મરણથી થાય છે, એ વાત અહીં ભીષ્મ સ્વીકારે છે. પોતે કરેલા અપહરણ અને અસ્વીકાર માટે પોતાને ધિક્કારે છે અને પોતાની અંતિમ ક્ષણોમાં અંબા માટેના પોતાના અનુરાગને પ્રગટ કરે છે :

“શરણ અવશભાવે માહરું તેં લહ્યું’તું,
રણઝણ મુજ હૈયે-એ ક્ષણે કૈં થયું’તું;
પલકભર પ્રતિજ્ઞા વીસરી મુગ્ધ હૈયે
અતિશય તુજને મેં ચાહી’તી રોમેરોમે !”[5]

મહાભારતકારે આ રણઝણ થવાની વાતને આલેખવાનું ઉચિત નથી સમજ્યું. કેમકે એમાં ભીષ્મની છબી નબળી પડે એવું મહાભારતકારને લાગ્યું હશે, પણ અહીં આપણા કવિએ એક પુરુષ તરીકે ભીષ્મને આલેખીને તેમાં રહેલા પુરુષની લાગણીને અભિવ્યક્ત કરી છે. માત્ર રોમેરોમે ચાહવાનું કબૂલીને જ ભીષ્મ અટકતા નથી, પણ ખુલ્લા હૃદયે પોતાના ભાવો વ્યક્ત કરે છે, અને પોતે અંબાને ન ગ્રહી શક્યા તેનું કારણ એક મુગ્ધ પ્રેમીની જેમ આપતા કહે છે :

“રહ્યું ન કશું ભાનસાન પ્રિય ! ડૂબતો હું ગયો,
સુણ્યો પ્રથમ પ્રેમનો સ્વર, ‘ગ્રહો મને, ભીષ્મ હે !’
ખરે વિકલચિત્ત મેં ગ્રહી જ હોત, અંબા ! તને,
ચડી સ્મરણમાં અચાનક અરે ! પ્રતિજ્ઞા મને.”[6]

ભીષ્મના આવા સ્વીકાર પછી પોતાના વિજય માટે શિખંડી જે સુખ અનુભવતો હતો એ નિરવધિ દુઃખમાં પરિણમે છે. મુગ્ધ પ્રેમીયુગલ જેમ કુરુક્ષેત્ર વચ્ચે ભીષ્મ અને શિખંડીનું આ મિલન કેવું મધુર છે ! શિખંડી ભીષ્મના આંસુ લૂછે છે, એના લલાટને પસવારે છે. શિખંડીએ યુધ્ધમાં મારેલા બાણ ચુંબન જેમ ઝીલીને ફૂલ જેમ ખીલેલા ઘાવોથી ભીષ્મ હવે શીતળતા અનુભવે છે. પણ શિખંડીના આનંદનું અત્યાર સુધી એકની એક પંક્તિ ત્રણ વખત રજૂ કરીને પ્રવક્તા દ્વારા નીચે મુજબ વર્ણન થયું છે,

“પરમ મુદિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે,
નિરવધિ સુખ એનાં નેત્રમાં તરવરે છે.”[7]

તે શિખંડીના મનોભાવો હવે બદલાયા છે. એથી જ કવિએ ખૂબ જ થોડાં ફેરફારો સાથે ઉપરની પંક્તિ ત્રીજી વખત દોહરાવી છે:

“પરમ વ્યથિત ચિત્તે શ્વાસ ઊંડા ભરે છે,
નિરવધિ દુઃખ એનાં નેત્રમાં તરવરે છે.”[8]

ઉપરની પંક્તિઓ આ ખંડકાવ્યની આધારરૂપ પંક્તિઓ છે. માત્ર આ બે પંક્તિઓ દ્વારા જ કવિ બહુ અસરકારક રીતે આખા કાવ્યના મૂળ ભાવને રજૂ કરી શક્યા છે.

કાવ્યના ત્રીજા ખંડમાં એકબીજાને સમજીને ભીષ્મ અને શિખંડી સામસામે નહિ, પણ હવે સાથે થયા છે. ભીષ્મની આંખોમાં દિવ્ય સુખ છલકી રહ્યું છે, તો શિખંડી પણ ડૂસકે ચડે છે. ભીષ્મ માટે પૂરી ઘૃણાથી કાવ્યારંભે પ્રવેશેલો શિખંડી હવે ભીષ્મને કહે છે :

“ક્ષન્તવ્ય, હું તુચ્છ શિખંડી, ભીષ્મ !
જાણ્યો તમારો નવ સ્નેહભાવ;
દુર્દૈવપ્રેરિત પ્રમત્ત ચિત્ત,
કેવુંય ઉદભ્રાન્ત હતું જ મારું !”[9]

ભીષ્મે અંબાને ચાહવા છતાં, પોતાનો પ્રેમ પ્રગટ ન કરી શકવાની ક્ષણ શિખંડી સમજે છે. અને પોતે એ પળ માત્રના ભીષ્મના અનુગ્રહથી ધન્યતા અનુભવે છે. ધીમે ધીમે પસાર થતી રાત્રી સવાર તરફ ગતિ કરે છે.  ભીષ્મ શિખંડીને શોક ન કરવા સમજાવતા કહે છે :

“ન શોક કર, હે શિખંડી ! બસ, જે થયું તે થયું,
હવે પુલકમાત્ર પૂર્ણ બની પદ્મ ખીલી રહ્યું ;
અનર્ગળ સ્રવી ગયું વ્યતીત રુગ્ણ આ અશ્રુમાં,
શમી વિષમ વિદ્વિષા ઋત ઝળાહળા અંતરે.”[10]

બાણ પર સુતેલા ભીષ્મ અત્યારે ફૂલની પથારી પર સૂતા હોય તેવું સુખ અનુભવે છે. કુરુક્ષેત્રના મેદાનમાં, અનેકોના અકાળ મૃત્યુને જોયા પછી, આખા શરીરે બાણથી વિંધાયેલા ભીષ્મને ફૂલની પથારી પર સૂતા હોવાનું સુખ એક કવિ જ આપી શકે. ભીષ્મની પીડાને અહીં હૃદયંગમ રીતે કવિએ પરિવર્તિત કરી છે.

સવાર પડતા શિખંડી ભીષ્મની ચરણરજ લઈ, તેમની આજ્ઞા સાથે પોતાની છાવણીમાં જાય છે, પણ પોતાનું હૃદય ભીષ્મ પાસે જ મૂકતો જાય છે. ભીષ્મ પણ સૂતા સૂતા જઈ રહેલા શિખંડીને મટકું પણ માર્યા વગર જોતાં રહે છે. ખૂબ જ નાટ્યાત્મક રીતે અહીં આ ખંડકાવ્ય પૂરું થાય છે. સૂર્યાસ્તથી શરુ થયેલું કાવ્ય (સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે) સૂર્યોદય સાથે પૂર્ણ થાય છે.

સંસ્કૃત તત્સમ શબ્દો અને સંસ્કૃત વૃત્તોના વિનિયોગથી મહાભારતનો આ દસમા દિવસની રાત્રીનો પ્રસંગ વધુ પ્રતીતિકર બન્યો છે. કવિ વિનોદ જોશી પ્રાકકથનમાં આ ખંડકાવ્ય રચવા માટે તેમજ પાત્રોના પરિચિત સંસ્કરણમાં નવા આરોપણ કરવા માટેના જે કારણો દર્શાવે છે, તે કાવ્યાંતે ભાવક તરીકે આપણને પણ અનિવાર્ય લાગે છે.

‘મહાભારત’ના પ્રસંગો કે પાત્રોને નવા અર્થઘટન સાથે ફરી રજૂ કરવાની પરંપરા છેક સંસ્કૃત સાહિત્યથી ચાલી આવે છે. ‘અભિજ્ઞાનશાકુન્તલ’ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજરાતી સાહિત્યમાં થયેલાં આવા પ્રયોગોમાં કવિ શ્રી વિનોદ જોશીનું ખંડકાવ્ય ‘શિખંડી’ એક નોંધપાત્ર કૃતિ છે. કાવ્યારંભે કવિએ ભવભૂતિની જાણીતી પંક્તિઓ દ્વારા ઇચ્છેલો સમાનધર્મા તો હજી આવવાનો બાકી છે, પણ ત્યાં સુધી આ લેખ ‘શિખંડી’ સુધી પહોંચવામાં નિમિત્ત બનશે તો મારો પ્રયાસ યથાર્થ ઠરશે.


સંદર્ભ  :::

[1] પેજ નં.-૫, પ્રાકકથન; ‘શિખંડી’-વિનોદ જોશી; પ્રકાશક : આર.આર.શેઠની કં.; પ્ર.આ. : ૧૯૮૫

[2] પેજ નં.-૯, ખંડ-૧; ‘શિખંડી’-વિનોદ જોશી; પ્રકાશક : આર.આર.શેઠની કં.; પ્ર.આ. : ૧૯૮૫

[3] પેજ નં.-૧૦, ખંડ-૧; ‘શિખંડી’-વિનોદ જોશી; પ્રકાશક : આર.આર.શેઠની કં.; પ્ર.આ. : ૧૯૮૫

[4] પેજ નં.-૧૭, ખંડ-૧; ‘શિખંડી’-વિનોદ જોશી; પ્રકાશક : આર.આર.શેઠની કં.; પ્ર.આ. : ૧૯૮૫

[5] પેજ નં.-૨૨, ખંડ-૨; ‘શિખંડી’-વિનોદ જોશી; પ્રકાશક : આર.આર.શેઠની કં.; પ્ર.આ. : ૧૯૮૫

[6] પેજ નં.-૨૨, ખંડ-૨; ‘શિખંડી’-વિનોદ જોશી; પ્રકાશક : આર.આર.શેઠની કં.; પ્ર.આ. : ૧૯૮૫

[7] પેજ નં.-૯,૧૧,૧૬, ખંડ-૧,૨; ‘શિખંડી’-વિનોદ જોશી; પ્રકાશક : આર.આર.શેઠની કં.; પ્ર.આ. : ૧૯૮૫

[8] પેજ નં.-૨૪, ખંડ-૨; ‘શિખંડી’-વિનોદ જોશી; પ્રકાશક : આર.આર.શેઠની કં.; પ્ર.આ. : ૧૯૮૫

[9] પેજ નં.-૨૭, ખંડ-૩; ‘શિખંડી’-વિનોદ જોશી; પ્રકાશક : આર.આર.શેઠની કં.; પ્ર.આ. : ૧૯૮૫

[10] પેજ નં.-૩૦, ખંડ-૩; ‘શિખંડી’-વિનોદ જોશી; પ્રકાશક : આર.આર.શેઠની કં.; પ્ર.આ. : ૧૯૮૫

વિરેન પંડ્યા, ‘ગૌરી કૃપા’, મુ.-ટાણા, તા.-સિહોર, જિ.-ભાવનગર. પીન કોડ : ૩૬૪ ૨૬૦.