પુરાકલ્પન : સંજ્ઞા અને વિવરણ
‘Myth’
– પુરાકલ્પન કે પુરાકથા સાહિત્યકલાના સંદર્ભમાં પ્રચલિત થયેલો
આધુનિક શબ્દપ્રયોગ છે. આધુનિક સર્જકો ‘પુરાકલ્પન’ને સાહિત્યકૃતિના
સર્જનનું મહત્ત્વનું ઉપકરણ માને છે. મનુષ્યની સંવેદનાઓ, સમસ્યાઓ કે
માન્યતાઓને પ્રભાવક રીતે સ્પર્શક્ષમ અભિવ્યક્ત કરવા સંવેદનશીલ
સર્જકો દૈવી તત્વોવાળી ચમત્કારપૂર્ણ પુરાકથાઓને વર્તમાન
પરિપ્રેક્ષ્યમાં યોજી નવ્ય અર્થઘટન સાથે પ્રયોજે છે. આ પ્રયુક્તિને
ગુજરાતી સાહિત્યમાં ‘પુરાકલ્પન’ તરીકે ઓળખવામાં આવે છે. રૂપક,
પ્રતીક અને કલ્પનની જેમ ‘પુરાકલ્પન’નું પણ સાહિત્યમાં એક અલગ અને
મહત્ત્વપૂર્ણ સ્થાન છે. પ્રસ્તુત શોધપત્રમાં ‘પુરાકલ્પન’ સંજ્ઞાની
સ્પષ્ટતા કરી તેનું વિવરણ કરવા તરફનો પ્રયાસ છે.
અંગ્રેજી શબ્દ ‘Myth’ના પર્યાય તરીકે ગુજરાતીમાં ‘પુરાકલ્પન’ કે
‘પુરાકથા’ સંજ્ઞા પ્રચલિત છે. Myth શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ
‘Mythos’ (મિથસ) માંથી થઇ છે. કેટલેક સ્થળે ‘Muthos’ (મૂથોસ) એવો
શબ્દ પણ મળે છે. Mythos નો એક અર્થ થાય છે મુખથી વદાયેલું કાંઇપણ
અને બીજો અર્થ છે કથા, વાર્તા – Fable, ‘Tale Talk’, કે ‘Speech’.
તદુપરાંત, ગ્રીકમાં Mythos નો અર્થ ‘આપ્તવચન’ કે ‘અતર્ક્ય કથન’ પણ
થાય છે. જેમાંથી અતર્ક્ય કથન અર્થ વધુ યોગ્ય જણાય છે. કારણ કે,
જ્યાં ચમત્કારને પ્રાધાન્ય હોય ત્યાં તર્ક ગેરહાજર રહે છે. સંસ્કૃત
ભાષામાં ‘मिथस्’ અને ‘मिथः’ એ બે શબ્દો Myth ની વધુ નજીકના છે.
જેનો અનુક્રમે અર્થ થાય છે ‘પરસ્પર’ અને ‘મિથ્યા’. મિથમાં વાસ્તવને
સ્થાન નથી એમાં કલ્પના ભળેલી હોય છે. એ અર્થમાં ‘मिथः’ (મિથ્યા) ને
મિથની નજીકનો શબ્દ ગણાવી શકાય. Oxford Dictionary માં Myth શબ્દના
અર્થ આ રીતે આપ્યા છે –
- Traditional story Usu. Involving supernatural or imaginary persons and embodying popular ideas on natural or social phenomena etc. ( સુપરનેચરલ કે કાલ્પનિક વ્યક્તિઓને લગતી કથાઓ, પ્રાકૃતિક અથવા સામાજિક ઘટનાને લગતી પરંપરાથી પ્રાપ્ત કથાઓ.)
- Such narratives collectively. (આવી કથાઓનો સમૂહ)
- Widely held but false notion. (વ્યાપક પણ મિથ્યા વિભાવ)
- Fictitious person, thing or idea. (કાલ્પનિક વ્યક્તિ, વસ્તુ કે વિચાર)
- Allegory (Platonic myth) (રૂપકક્થાઓ)
વિશ્વભરની
મિથમાં દૈવી અને પ્રાકૃતિક તત્વોની ‘મિથ’નું વિશેષ પ્રાધાન્ય જોવા
મળે છે. વિશ્વના જુદા-જુદા સમાજોમાં સૃષ્ટિનાં નિર્માણની જુદી જુદી
અદભૂત કથાઓ અસ્તિત્વ ધરાવે છે. સૂર્ય શક્તિનો સ્ત્રોત છે અને એના
પ્રકાશપુંજ વિના જીવન શક્ય નથી એ સમજાતાં ધીમેધીમે સૂર્યે દેવતાનું
સ્થાન ગ્રહણ કરી લીધું. સૂર્યના રહસ્યોનો તાગ મેળવવા સમય જતાં
વિવિધ કથાઓ સંકળાતી ગઇ. ભારતીય મિથ પ્રમાણે સૂર્ય સાત ઘોડાના રથ
ઉપર સવારી કરે છે. જ્યારે ગ્રીક મિથમાં સૂર્ય દેવતાનું નામ હેલિયસ
છે, જે ચાર ઘોડાના રથ ઉપર સવારી કરે છે. સૂર્યની જેમ જ
ચંદ્ર,અગ્નિ, વાયુ, જળ, ધરતી વગેરે તત્વોના રહસ્યો ઉકેલવા નવાં
નવાં અર્થો લઇ લોકજીવનમાં તેની પ્રાકૃતિક મિથ રચાવા લાગી. આમ,
પ્રકૃતિ તત્વો પ્રકૃતિ દેવો બની ગયાં. આજે પણ આ પ્રકૃતિ દેવોને
રીઝવવા અથવા તો એમનો કોપ દૂર કરવા મનુષ્ય કેટલાય પ્રયત્નો કરે છે.
રોજ સવારે સૂર્યદેવને જળ ચઢાવવું, યજ્ઞ-લગ્ન-હવન ઇત્યાદિ વિધિ
દ્વારા અગ્નિદેવની પૂજા કરવી, અનાવૃષ્ટિ સમયે જળદેવતાને રીઝવવા
થતાં પ્રયાસો વગેરે પ્રથમ પ્રકારની મિથના ઉદાહરણ છે. વરસાદની
કુદરતી ઘટનાને સમજાવવા માટે ઋગ્વેદકાળથી એક મિથ પ્રાપ્ત થાય છે કે,
‘ઇન્દ્રએ વજ્રથી વૃત્રાસુરનો વધ કર્યો અને બાંધી રાખેલાં જળ મુક્ત
થયા.’ અહીં વજ્ર એ વિદ્યુત-વીજળી છે, વૃત્ર એ મેઘ છે અને એને
હણવાથી થતી વર્ષા એ જળની મુક્તિ છે. આ પ્રકારની ઇન્દ્ર-વૃત્રાસુર,
રામ-રાવણ, કૌરવ-પાંડવ, વિક્રમ-વેતાળની કથાઓ તથા સૃષ્ટિ નિર્માણની
કથાઓ કે પ્રાણીકથાઓનો સમૂહ એ બીજા અર્થમાં મિથ છે. જેને આપણે
‘ભારતીય મિથ’ના સમૂહ તરીકે પણ ઓળખાવી શકીએ.
ગુજરાતી પ્રજા એ વેપારી પ્રજા છે. તેને માત્ર પૈસા કમાવવામાં અને
હરવા-ફરવામાં જ રસ છે. ભાષા-સાહિત્ય-કલા-રમતગમત વગેરેમાં એને રસ
નથી એમ માનવા-મનાવવામાં આવે છે. અને એ સાચું નથી એમ આપણે સૌ જાણીએ
છીએ. આમ, ગુજરાતીઓ વિશેનો આવો અભિપ્રાય એ ત્રીજા અર્થમાં મિથ છે.
કલ્પવૃક્ષ, કામધેનુ, અમરફળ, પારસમણિ, જાદુઇ દંડ, પવનપાવડી, મેરુ
પર્વત, સુવર્ણભૂમિ, જલપરી, સાન્ટાક્લોઝ વગેરે ચોથા અર્થમાં મિથ છે.
પાંચમો અર્થ રૂપકકથા એટલે એક વાચ્યાર્થ અને બીજા વ્યંગ્યાર્થ એમ બે
અર્થ ધરાવતી કથા. આમ, ‘મિથ’ એ ખૂબ જ વ્યાપક સંજ્ઞા છે.
‘મિથ’ માટે ગુજરાતીમાં વિવિધ પર્યાયો વિચારાયા છે. પુરાકલ્પન,
પુરાણકલ્પન, પુરાણકથા, દેવકથા, પૌરાણિક કથા, પુરાવૃત્ત, પ્રાચીન
લોકકથા, આદિમકથા, પુરાપ્રતીક, પુરાકથાપ્રતીક વગેરે. એમાંથી
‘પુરાકલ્પન’ શબ્દ વિશેષ ચલણી અને સ્થિર બન્યો છે. રતિલાલ સા. નાયક
સંપાદિત ‘મોટો કોશ’માં ‘પુરાકલ્પન’ સંજ્ઞાનો અર્થ પુરાકથા; પૌરાણિક
કથા; પૌરાણિક પરંપરા દ્વારા પ્રાપ્ત કલ્પનાત્મક અને કથાત્મક
રચનાસંદર્ભ; ‘મિથ’ આપેલ છે.[1] પરંતુ,
પુરાણોમાં માત્ર કથાઓ જ છે એવું નથી, તેમાં ઇતિહાસ, ભૂગોળ,
તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજવિજ્ઞાન, રિવાજો, વ્રતો, તીર્થો
વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. આથી આ બધું પ્રગટ કરવામાં
‘પુરાકલ્પન’ સંજ્ઞા કેટલેક અંશે ઊણી ઊતરે છે. વળી, મિથમાં રહેલ
મર્મ, ચમત્કાર, વિસ્મય, રહસ્ય અને લીલામયતાની સંપૂર્ણ અર્થછાયા
પ્રગટ કરવામાં પણ ‘પુરાકલ્પન’ કે ‘પુરાકથા’ શબ્દોમાં કશીક અધૂરપ
રહી જતી જણાય છે. આ સંદર્ભે ડૉ. હરિવલ્લભ ભાયાણી જણાવે છે કે,
“અંગ્રેજી સંજ્ઞા Myth માટે સાહિત્યચર્ચાના સંદર્ભમાં આપણે ત્યાં
પુરાણકલ્પન એવો શબ્દ વપરાવા લાગ્યો છે, પણ તે કાં તો પૂરતો વિચાર ન
કર્યાનું, અથવા તો ‘મિથ’નો અર્થ બરાબર ન સમજ્યાનું પરિણામ હોય એમ
લાગે છે.”[2] તેમ
છતાં, Myth માટે આપણે સર્વસ્વીકૃત ‘પુરાકલ્પન’ શબ્દપ્રયોગ
સ્વીકારીને જ એને વધુ સમજવાનો પ્રયાસ કરીશું.
‘પુરાકલ્પન’ એ સંકુલ સંજ્ઞા છે. તેનું વિવરણ કરવું થોડું કપરું છે.
સામાન્ય રીતે પુરાકલ્પન એક એવા ઐતિહાસિક કાળને આલેખે છે કે જેનો
સંબંધ અતિદૂરના પ્રાચીન ને ખ્યાત ભૂતકાળ સાથે હોય છે. જેમ કે,
રામાયણ, મહાભારત, ભાગવત આદિ કથાઓમાંના કોઇ પ્રસંગ, પાત્ર કે
પરિવેશનું આલેખન કરી વર્તમાન સંદર્ભમાં એક નવું જ અર્થઘટન પ્રસ્તુત
કરવામાં આવે ત્યારે તે પુરાકલ્પન બને છે. આજના ઇન્ટરનેટ યુગમાં પણ
આપણને પૌરાણિક કથાઓમાં રસ પડે છે. આથી આજે પણ પૌરાણિક કથાવસ્તુ
આધારિત ફિલ્મો ને ધારાવાહિકો લોકપ્રિય બનતી હોય છે. અભિમન્યુના
ચક્રવ્યૂહનો પ્રસંગ રજૂ થાય ત્યારે સામાન્ય માનવીને પણ રોજબરોજના
વ્યવહારલોકના ચક્રવ્યૂહમાં ફસાયો હોવાની પ્રતીતિ થાય છે. દ્રૌપદી
વસ્ત્રાહરણના પ્રસંગ દ્વારા સાંપ્રત સમયમાં જાહેરમાં થતી સ્ત્રીઓની
છેડતી કે જાતીય સતામણીની સમસ્યા તાદૃશ થાય છે. સુતપુત્ર હોવાને
કારણે કર્ણને મત્સ્યવેધ કરતા અટકાવવામાં આવે છે તે દલિતોને થતાં
અન્યાયનો અહેસાસ કરાવે છે. ત્યક્તા સ્ત્રીની વેદના સીતાએ ભોગવેલાં
દુ:ખો સાથે સમાનતા ધરાવે છે. આમ, આવા અનેક પૌરાણિક દૃષ્ટાંતો આપી
શકાય કે જેની સાથે આજનો માનવી કોઇને કોઇ રીતે જોડાયેલો છે. અને
સાહિત્યમાં અંતે તો માનવીની જ વાત હોય છે તેથી સર્જક વર્તમાન
માનવીની સંવેદનાઓ-સમસ્યાઓને કે સામાજિક-સાંસ્કૃતિક ચેતનાને વધુ
તીવ્રતાથી ને કલાત્મકતાથી રજૂ કરવા સાહિત્યકૃતિમાં પુરાકલ્પનનો
વિનિયોગ કરે છે.
ધાર્મિક કથાઓ ઉપરાંત પ્રાકૃતિક તત્ત્વો પણ પુરાકલ્પનમાં પ્રાધાન્ય
ધરાવે છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, જળ ઇત્યાદિ પ્રકૃતિ તત્ત્વોની
વૈવિધ્યસભર લીલાઓએ મનુષ્યનાં મનમાં અનેક પ્રશ્નો ઊભાં કર્યા હતા. આ
જિજ્ઞાસાને સંતોષવા માનવીએ અનેક કલ્પનાઓ કરી. પ્રકૃતિના રહસ્યો
ઉકેલવા શોધ આદરી ને જ્યાં તેની બુદ્ધિની મર્યાદા આવી ત્યાંથી
પુરાકલ્પનનો જન્મ થયો એમ કહી શકાય. ઉદાહરણ તરીકે સૂર્ય શક્તિનો
પ્રચંડ સ્ત્રોત છે. તેની આ શક્તિનો તાગ મેળવવામાં માનવીને તકલીફ
પડી એટલે એણે સૂર્યને મૂર્ત દૈવી તત્ત્વ માની તેમાં શ્રદ્ધા મૂકી
અને તેમાંથી પુરાકથાઓ ને પુરાકલ્પનો અસ્તિત્વમાં આવ્યા. આ સંદર્ભે
એ.એ.મૈકડૌનેલ નોંધે છે કે,
“वास्तव में पुराकथा का आरम्भ उस समय होता है जब कल्पना किसी
प्राकृतिक घटना की व्याख्या एक एसे मूर्त प्राणी के रूप में कराती
है जो मानवीय सत्ता के समान हो। अतः यह तथ‘चन्द्रमा सूर्य का
अनुगमन बिना उससे आगे बढे ही निरन्तर करता रहता है, रूपान्तरित
होकर एक एसे पुरुष (सूर्य) का पीछा कर रहा है जिसने उसे अस्वीकृत
कर दिया है। जब इस प्रकार की एक मूल पुराकथा सृजनात्मक – कल्पना –
सम्पन्न व्यक्तियो की सामग्री बन जाती है तब उसमें और भी अधिक
काव्यात्मक अलंकरण सम्मिलित हो जाते हैं।[3]
આમ, કથાનો મૂળ પ્રાકૃતિક આધાર નાશ પામે અને મુખ્ય આશયથી સાવ ભિન્ન
નવીન અર્થ આરોપિત થાય ત્યારે તે પુરાકલ્પન બને છે. બ્રહ્માંડની
ઉત્પત્તિ, વિશ્વ-પ્રકૃતિની અકળ ઘટનાઓ, સ્વર્ગ-પૃથ્વી-પાતાળ જેવાં
ભુવનોની કલ્પના, દેવદાનવના સંઘર્ષો, દિવ્યશક્તિવાળા મહામાનવોની
કથાઓ, દૈવી તત્ત્વોના ચમત્કારિક અદભુત બનાવોની લીલામયી કથાઓ
ઇત્યાદિ પુરાકલ્પનયુક્ત કૃતિ માટેની કાચી સામગ્રી હોય છે.
પુરાકલ્પન એ એક પ્રકારની Fantasy છે. કપોલકલ્પિતનાં તત્ત્વોથી તે
સભર હોવાં છતાં તેનું કથાવિશ્વ સ્વત: હોય છે. પૌરાણિક કથાનો માત્ર
વિષયવસ્તુ તરીકે ઉપયોગ કરી સર્જક તેમાં તદ્દન નવ્ય અર્થ ઉમેરે છે.
અલબત્ત, એ અર્થ અંતિમ હોતો નથી. તે જ કથાવસ્તુને લઇ અન્ય રચનાકાર
કોઇ બીજો જ નવ્ય અર્થનું ઉમેરણ કરે એમ બની શકે. આથી એમ કહી શકાય
કે, પુરાકલ્પન એ ખૂબ જ તાણવા છતાં ન તૂટે તેવા રબર સમાન છે.
પુરાકલ્પનની આ લવચિકતા વિશે ડૉ.પ્રવીણ દરજી ‘પુરાકલ્પન’ નામના
લઘુગ્રંથમાં જણાવે છે કે, “મિથ કંઇક અંશે કેલીડોસ્કોપ જેવા
ગુણધર્મો ધરાવે છે. તમે એને જુદી જુદી રીતે હલાવો, ફેરવો એટલે અંદર
નાખેલા રંગબેરંગી કાચનાં ટુકડાઓ ભિન્ન ભિન્ન આકાર ધારણ કરતાં જાય.
‘આ જ એનો ચોક્ક્સ આકાર અથવા તો એનું સાચકલું રૂપ અને હવે બીજો એનો
કોઇ આકાર કે એનું રૂપ જ નહીં’, એવું ત્યાં કહી શકાતું નથી.
‘મિથ’માં રહેલી નિ:સીમ શક્યતાઓ અનેક મિષે, અનેકશ: ખુલતી રહેતી હોય
છે. ક્યારેક એક જ મિથ એક જ સમયે કે જુદે જુદે સમયે તેથી અનેક
અર્થોનું વાચક બનતું જણાય છે.”[4]
પુરાકલ્પનને ‘સ્વપ્ન’ સાથે પણ સરખાવી શકાય. કેમ કે, સ્વપ્નની જેમ
પુરાકલ્પનમાં પણ વાસ્તવ જગતમાં ભાગ્યે જ બનતી નાટ્યાત્મક ઘટનાઓ
વિશેષ હોય છે. સ્વપ્નમાં દેખાતાં અમુક પ્રતીકોનું એક ચોક્ક્સ
અર્થઘટન કરવામાં આવે છે. જેમ કે, સ્વપ્નમાં ભગવાન, સાધુ મહારાજ કે
ગાય દેખાય તો લાભ થાય અને જો ભૂત-પિશાચ, હિંસક પ્રાણી કે અક્સ્માત
દેખાય તો હાનિ થાય. તેમ પુરાકલ્પનમાં રજૂ થતાં પ્રતીકોનાં પણ
ચોક્ક્સ અર્થઘટન હોય છે. સર્જક કૃતિમાં પુરાકલ્પન પ્રયુક્તિનો
પ્રયોગ કરી પ્રતીકાત્મક અર્થો દ્વારા વાસ્તવ જગતને પામવાનો પ્રયાસ
કરતો હોય છે.
સાહિત્યમાં જ પુરાકલ્પનનો વિનિયોગ થાય છે એવું નથી. વ્યવહાર જગતમાં
પણ આપણે પુરાકલ્પનનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. આપણી આસપાસની
વ્યક્તિઓના વિશિષ્ટ સ્વભાવ કે વૃત્તિઓ દર્શાવવા માટે આપણે
પુરાકલ્પનનો જ પ્રયોગ કરીએ છીએ. જેમ કે, હંમેશા સાચું બોલનારને
‘સત્યવાદી હરિશ્ચંદ્ર’; સમાજમાં મોટું દાન કરનાર વ્યક્તિને ‘દાનવીર
કર્ણ’; કાનભંભેરણી કરતી વ્યક્તિને ‘મંથરા’ કે અન્યોને લડાવીને આનંદ
મેળવનારને ‘નારદ’ તરીકે ઓળખાવીએ છીએ. પરિવારના સભ્યો અંદરોઅંદર
ઝઘડતા હોય તો ‘મહાભારત ચાલે છે’ એમ કહીએ છીએ. આ બધાં શબ્દપ્રયોગો
પૌરાણિક તથ્યોને વર્તમાન વ્યક્તિ કે પ્રસંગ સાથે સાંકળતા હોઇ તેમાં
નવીન અર્થઘટન ન હોવા છતાં એક પ્રકારનું પુરાકલ્પન જ છે તેમ કહી
શકાય. મહાભારતમાં અસંખ્ય પાત્રોનો શંભુ મેળો જામેલો છે અને તે
પાત્રો વિશે ભારતની લગભગ બધી જ ભાષામાં ને વિવિધ સાહિત્ય
સ્વરૂપોમાં કૃતિઓ રચાઇ છે. આવી મહાભારત આધારિત કૃતિઓનો અભ્યાસ
કરવાથી મનુષ્યના જુદા જુદા સ્વભાવનો અભ્યાસ થઇ શકે છે.
‘પુરાકલ્પન’ એટલે પૌરાણિક સ્ત્રોતમાંથી પ્રાપ્ત કથાઓ ને માન્યતાઓને
તેનું આંતરજગત બદલ્યા વિના નવ્ય વાતાવરણ, નવ્ય કલેવર, નવ્ય અર્થઘટન
સાથે રજૂ કરવાની પદ્ધતિ. સર્જક પુરાકથાઓમાંથી સ્પર્શી ગયેલ કથાઓ કે
પ્રસંગોને એક નવા જ દૃષ્ટિકોણથી આલેખી વર્તમાન માનવી, તેના પ્રશ્નો
અને સમસ્યાઓને વાચા આપે છે. આથી કહી શકાય કે, પુરાકલ્પન એક એવું
ભૂતકાલીન દર્પણ છે કે જેમાં સાંપ્રત સમયનું પ્રતિબિંબ ઝીલાય છે.
પુરાકલ્પન એટલે આ જ તેમ આંગળી ચીંધીને દર્શાવી શકાય નહીં.
કાલાતીતતા, પ્રતીકાત્મકતા, સાર્વત્રિકતા, સાહજિકતા આદિ પુરાકલ્પનના
લક્ષણો છે. સમાજ અને સંસ્કૃતિના જતન-સંવર્ધનમાં પણ ‘પુરાકલ્પન’
મહત્ત્વનો ફાળો આપે છે. તેના અતિવ્યાપક પરિપ્રેક્ષ્ય બાબતે
ડૉ.પ્રવીણ દરજીનું વિધાન નોંધનીય છે: “પુરાકલ્પન રૂપે મળતી કથા
શત-સહસ્ત્ર રૂપો ધરાવે છે. એની સંકુલ-સાંસ્કૃતિક સંરચના સતત
કાર્યરત હોય છે. ક્યાંક કથારૂપે, ક્યાંક રૂપકરૂપે, ક્યાંક
ફેન્ટસીરૂપે એમ નવે નવે રૂપે તે અર્થબોધ કરાવે છે. સમયે-સમયે તેનાં
આધુનિક અર્થઘટનો પણ થયાં છે.”[5] આમ,
‘પુરાક્લ્પન’ શત-સહસ્ત્ર રૂપો ધરાવતી સંજ્ઞા હોઇ તેને સ્પષ્ટ
શબ્દોમાં વ્યાખ્યાયિત કરવાનું કાર્ય અઘરું છે. છતાં, પૌરાણિક
વૃત્તાંત, પાત્ર કે ઘટનાનો નિર્દેશ કરી વર્તમાન સંદર્ભમાં નવીન
અર્થબોધ કરાવતી પ્રયુક્તિ એટલે પુરાકલ્પન. તે એનો સૌથી વધુ સ્વીકૃત
અર્થ છે. પુરાકથાઓ પ્રત્યે સામાન્ય માનવીને શ્રદ્ધા અને આદર હોય
છે. તેમાં તેને પોતાનું પ્રતિબિંબ દેખાતું હોય છે અને પોતાનાં
પ્રતિબિંબ પ્રત્યે દરેકને આકર્ષણ તો રહેવાનું જ. આથી સાહિત્યકાર
પોતાની અભિવ્યક્તિને અસરકારક રીતે રજૂ કરવા સભાનપણે ‘પુરાકલ્પન’
પ્રયુક્તિનો વિનિયોગ કરે છે. રૂપક, પ્રતીક કે કલ્પનની જેમ
પુરાકલ્પન પણ એક સાહિત્યિક ઉપકરણ જ છે. જે સમગ્ર કૃતિમાં એકરસ થઇને
આવે ત્યારે કૃતિને અર્થપૂર્ણ, અસરકારક અને સાર્થક બનાવે છે.
સંદર્ભનોંધ:::
- મોટો કોશ, સંપા.રતિલાલ સાં. નાયક, અક્ષરા પ્રકાશન, પૃ. – ૪૩૪
- કાવ્યનું સંવેદન, હરિવલ્લભ ભાયાણી,ઉદ્ધૃત- નાટકમાં મિથ, ધ્વનિલ પારેખ, પૃ.- ૨૦
- VEDIC MYTHOLOGY, A.A.MACDONELL, अनुवादक – रामकुमार राय, चौखम्बा विद्याभवन, वारणसी, पृ. – १,२
- પુરાકલ્પન, ડૉ. પ્રવીણ દરજી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, પ્ર.આ.૧૯૮૯, પૃ.- ૧
- પુરાકલ્પન, ડૉ. પ્રવીણ દરજી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, પ્ર.આ.૧૯૮૯, પૃ.- ૨૯