‘સુવર્ણમૃગ’માં પુરાકલ્પનની કલાત્મક અભિવ્યક્તિ
આપણાં સર્જકો કેટલીકવાર સદીઓ જૂના દૂરત્વથી, રહસ્યમંડિત પરિવેશથી આકર્ષાઇ પૌરાણિક કથાવાસ્તુનું પુનર્સર્જન કરવા પ્રેરાતાં હોય છે. ગુજરાતી સાહિત્યમાં ‘જટાયુ’, ‘બાહુક’, ‘અતિજ્ઞાન’ જેવાં ઘણાં દૃષ્ટાંતો અહીં યાદ આવે. વિષયવસ્તુ ભલે જૂનું હોય, ઉઠાવેલું હોય પરંતુ ખૂબી એ ગણાય કે મિથની થીમને લઈ કોઈપણ સર્જક પોતાની મૌલિકતાને કઈ રીતે પ્રગટાવી શકે છે. આ અનુસંધાને કવિ રાજેશ પંડ્યાની ‘સુવર્ણમૃગ’ની વાત અહીં કરવી છે.
રામાયણનો કાંચનમૃગનો પ્રસંગ અતિશય પ્રસિદ્ધ છે. કવિએ આ જાણીતા પ્રસંગને લઈને પોતાની સર્જકતા બતાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. પ્રસ્તુત કથાગીતમાં એકતાલીસ કડીમાં આખો પ્રસંગ આકર્ષક રીતે ગૂંથી લેવાયો છે. આ કાવ્ય પુરાકલ્પનને તો વળગેલું છે જ, સાથોસાથ તેમાં લોકગીત અને ભજનની છાંટ પણ જોવા મળે છે. કદાચ આ જ બાબત કથાગીતની તેમજ કવિની રિદ્ધી બની રહે છે. કવિએ ભજન-પદ-લોકગીતના ગાયન અને ગુંજનને પ્રવાહી ઢાળમાં, પ્રાસાનુપ્રાસ પ્રયોજીને એટલી સહજ રીતિએ લખ્યું છે કે એક બેઠકે સંપૂર્ણ પાઠ-પઠન-શ્રવણ થઈ જાય. લોકગીત અને ભજનના ઢાળ-ઢોળાવભીની ધ્રુવપંક્તિની ગરજ સારતા ‘રે’, ‘હો જી’, ‘રામૈયા રામ’ જેવાં શબ્દપ્રયોગો મનોહર બની રહ્યાં છે.
ઝાંખા
રે થયાં છે ઊંચા મ્હેલ ઊંચા માળિયાં
સૂનાં
રે થયાં છે જાળી-જાળિયાં હો જી
એટલે
આઘે રે ઊભા રહી છેલ્લીવારુકી
નજર
નાંખીને એ નિહાળ્યા હો જી
*****
માયા
રે લગાડે એવી કંચનની કાયા
કાંઈ
અરસપરસ બન્યાં એક રે
કાયા
અને માયા બેય પાડ્યાં રે પડે ન નોખાં
એવાં
ઓતપ્રોત એકમેક રે
*****
સોનાનું
છે તીરલું ને રૂપલાં કામઠી લઇ
હરણ
હણવાને જાય વીર રે રામૈયા રામ
ડુંગરા
ડોલ્યાં ને ડોલ્યાં ઝાડ, પાન થરથર્યાં
ઊલટાં
વહ્યાં છે નદી નીર રે રામૈયા રામ
કૃતિના આકર્ષક આરંભ અને અંત બાબતે પણ કવિ સભાનપણે વર્ત્યા છે. પંખીના મનોહર વર્ણનથી આરંભાતી કૃતિ અંતમાં પ્રાણીની-મૃગલીની કરુણ કથની સાથે વિરમે છે, જે તરત જ ધ્યાને ચડે છે. કૃતિનું વસ્તુ અતિ ખ્યાત છે પરંતુ એજ વસ્તુને પોતીકું રૂપ આપવાની કવિની ધગશ આવાં ઝીણાં-ઝીણાં પણ અર્થપૂર્ણ વર્ણનો-વર્તનો, રૂપકો અને રીતિની પ્રયુક્તિમાં દેખાઈ આવે છે. કૃતિના આરંભ અને અંતની જેમ જ મધ્યાંશમાં પણ કવિની સર્જકતા પૂર્ણ રીતે ખીલી છે. આથી જ અંતની પંક્તિઓ વાંચતા ભાવક પણ મનોમન ‘અરેરે…’ ઉદ્દગાર કાઢીને કરુણભાવમાં ડૂબી જાય છે.
એક
રે બાણેથી બેઉં વીંધાઈ ગયા રે રામ
મૃગ
અને બીજી તારી હંસલી
હંસલી
વિલાપ કરે અશોકવાડીમાં
અને
વન વન વલવલે મૃગલી
*****
એવા
અગનિ તાપીને બા’ર નીસર્યાં સીતાજી
લેવા
આવ્યાં ત્યાં તો ફૂલના વિમાન રે
સીતાને
મળ્યાં છે એના રામ
પણ
હજી ઓલી મૃગલી ભટકે છે રાનેરાન રે
અહીં અનાયાસ જ પ્રેમાનંદની નળાખ્યાનની “વૈદર્ભી વનમાં વલવલે”-પંક્તિ યાદ આવી જાય. આમ પણ કૃતિમાં કવિએ સર્જન પૂર્વે દાખવેલો શ્રમ ઠેર-ઠેર જોવા મળે છે. કૃતિમાં નિરુપિત પંખી, પ્રાણી અને પ્રકૃતિની સૃષ્ટિ દૃશ્ય-શ્રાવ્ય ચિત્રાવલીરૂપે આપણી સામે ખડી થાય છે, જે નાની-સૂની વાત નથી. કેટલાંય સર્જકોને આ સિદ્ધિ હાંસલ કરતા ખાસ્સી મથામણ કરવી પડે જ્યારે કવિને મન આ વાત રમત હોય એમ લાગે છે.
જગજાણીતી આ પુરાકથાને સમકાલીન સ્પર્શ આપવા કવિએ સુવર્ણમૃગવધ પછીની મૃગલીની વિયોગદશાનું જે આલેખન કર્યું છે તેમાં, સીતાજીનો સુવર્ણમોહ, રામનો સંવર્તનબોધ- આ બધામાં એકસાથે માનવસ્વભાવ પ્રગટાવી મૌલિકતાની આગવી મુદ્રા સ્થાપી છે.
કાંચળીનો
કંચવો હરખભેર પે’રું
તંઈ
એષણા ટળે રે મારા મનની.
કવિએ સ્ત્રીસહજ સ્વભાવને બરાબર પકડયો છે, સીતાજીમાં નિરૂપ્યો પણ છે :
પે’લા
કેવાં અછોવાનાં કરતા’તા તમે
મારો
પડતોંક ઝીલી લેતા બોલ રે
મનમાં
ચીતવ્યું હોય એય તમે
ઝટ
દઈ હાજર કરતા અણમોલ રે
*****
વનના
ધરમ તમે નિભાવજો
હું
તો મારે નિભાવીશ મનના ધરમ રે
મૃગયાને
મશે કરો આટલુંક કામ
જરા
સ્મરો વીર ક્ષત્રીના કરમ રે
રામબાણે વિંધાયેલા હરણની ચીસ અને મરણની ભીંસ, આ ચતુષ્ક પંક્તિથી અધિક સચોટતાથી ભાગ્યે જ વર્ણવી શકાય :
કનકના
કોટ કરે ચળકારા ત્યારે
વાગે
ભણકારા હરણની ચીસના
ચીસના
અવાજ વીંટળાઈ વળે નખશિખ
લે
ભરડાઉ મરણની ભીંસના.
અહીં ભણકારા-ભરડાઉ-ભીંસમાંની ‘ભ’કારની બહુલતા, મરણની ભેંકાર સ્થિતિને યથાર્થ પરિપ્રેક્ષ્યમાં લયાન્વિત કરી શકી છે!
ટૂંકમાં, ‘સુવર્ણમૃગ’ સાંપ્રત સમયની નોંધપાત્ર રચના બની રહે છે. પુરાકલ્પનને આધારે રચના કરવી એ પ્રથમ દૃષ્ટિએ સરળ લાગે, પરંતુ આગળ જણાવ્યું એમ જે તે કવિ કઈ રીતે અને કેટલી મૌલિકતા આણી શકે છે એ જ આવી રચનાઓમાં અગત્યનું હોય છે. મૌલિકતાનો રણકો જેટલો ધારદાર એટલી જ કૃતિની સફળતા પણ નિશ્ચિત. રાજેશ પંડ્યા અહીં સહજ રીતે પ્રભાવક રણકો પેદા કરી શક્યા છે. અહીં કવિની શક્તિનો પરિચય તો થાય જ છે, સાથોસાથ પુરાકલ્પનનું કલાત્મક પોત કઈ રીતે વણી શકાય એનો ઉત્તમ નમૂનો પણ મળી રહે છે.