હસમુખ બારાડી લિખિત લઘુનવલ ‘ગાંધારી’

‘ગાંધારી’ 1994માં પ્રકાશિત થયેલ આદિપર્વ પર આધારિત શ્રી હસમુખ બારાડીની લઘુનવલ છે. રામાયણ અને મહાભારત-હિન્દુ ધર્મના આ બંને મહાગ્રંથો દરેક સમયે એટલા જ પ્રસ્તુત રહ્યા છે. સમયે સમયે સર્જક આ મહાગ્રંથના પાત્રો-પ્રસંગોમાંથી બદલાતા સમય સંદર્ભે નવા અર્થો નીપજાવે છે.

આ કથાનો પ્રાથમિક સંદર્ભ છે નાયિકા ગાંધારી. મહાભારતના આદિપર્વમાં સ્વયં ભગવાન વ્યાસે લખ્યું છે કે, કુન્તીને પેટે યુધિષ્ઠિર જન્મે મોટા; ને તેથી રાજમાતા થવાની ઝંખનાથી ગાંધારીએ અકાળે ગર્ભત્યાગ કર્યો. વ્યાસમુનિના કહેવાથી એના સો ટુકડા કરવામાં અને ઘીના સો કુંડોમાં એ રાખ્યા. બે વરસને અંતે એમાંથી જન્મેલ પ્રથમ સંતાન તે દુર્યોધન. પરંતુ એ જ વખતે સમાચાર આવ્યા કે કુંતીને બીજા પુત્રનો-ભીમનો જન્મ થયો છે. તે વખતે ધૃતરાષ્ટ્રને એવી સલાહ પણ મળે છે કે હવે મહાભારતનું ભ્રાતૃયુદ્ધ અનિવાર્ય છે.” (આદિપર્વ, 107-9 થી 32)

લેખકને મહાભારતના વ્યાસ, ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, વિદુર જેવાં પુરુષપાત્રોની સાથે સત્યવતી, ગાંધારી, વિદુરની માતા (લેખકે નારદની વીણાના નામ પરથી તેને કશ્યપી નામ આપ્યું છે.) – જેવા સ્ત્રીપાત્રોમાં વિશેષ રસ પડ્યો. મૂળ તો લેખકે ગાંધારી ઉપરનું કામ 1979 માં બે અંકી નાટક માટે શરૂ કરેલું. જેના એક ભાગને પ્રલંબ રેડિયો નાટક તરીકે આકાશવાણી અમદાવાદ, વડોદરા પરથી રજૂ કરવામાં આવ્યું અને બીજા ભાગને ‘ધૃતરાષ્ટ્રની એકોક્તિ’ તરીકે રજૂ કરવામાં આવ્યું. સો કુંડોની વચ્ચે રિબાતી-ભીંસાતી ગાંધારી વિશે ટેલિવિઝન-પ્લે કરવાનું વિચારેલું.

ભારતીય સંસ્કૃતિમાં શ્વસતી અનેક ‘સતી’ઓમાંની એક ‘સતી ગાંધારી’- ને લેખક પ્રસ્તુત કૃતિમાં ઈર્ષ્યા/અસૂયા, પ્રેમ/ધિક્કાર, કામ/લોભ/મોહનું મેઘધનુષી વ્યક્તિત્વ ધરાવતી એક સામાન્ય સ્ત્રી તરીકે લેખકે જોઈ છે. ‘ગાંધારીને ફક્ત સ્ત્રી તરીકે નિહાળી/નિરૂપી ન શકાય ?’ – આ વિચારબીજ જ કથાનું મૂળ છે. કુરુક્ષેત્રના યુદ્ધના મૂળમાં છે. હસ્તિનાપુરની રાજગાદીનો પ્રશ્ન જન્મે યુધિષ્ઠિર મોટા, પરંતુ ગર્ભાધાનકાળ પ્રમાણે ગાંધારી પુત્ર દુર્યોધન. તેથી એક માતા તરીકે પોતાનો પુત્ર જ જ્યેષ્ઠ ગણાવો જોઈએ તેવો હઠગ્રહ તેને યુધિષ્ઠિર પ્રત્યે ઈર્ષ્યાભાવ જન્માવે છે. પરાણે ગર્ભપિંડનું પતન કરી માંસપિંડને હાથમાં લઈ કુટુંબના વડીલો સામે આવેલી ગાંધારી ધૃતરાષ્ટ્રને કહે છે. “કુરુકુળમાં પુત્રજન્મ એ સ્ત્રી માટે પોતાના સ્નેહસંકેત કરતા વિશેષ તો કુલવૃદ્ધિનું સાધન બની રહે છે.” (પૃ. 25) વ્યાસમુનિ, ગાંધારીની મનોભાવના પામી જતાં ટકોર કરે છે. ‘ગાંધારી, તારે માત્ર માતા નથી બનવું, રાજમાતા બનવું છે, કેમ ? ગર્ભધારણ કાલ પ્રમાણે તું તારા પુત્રને જ્યેષ્ઠ પુરવાર કરવા માંગે છે, ખરું ?’ (પૃ. 27) ગાંધારીના મતે, ‘દિવંગત મહારાજ શાંતનુ પછી કુરુવંશનો પુરુષવર્ગ કદીય નિર્ણાયક રહ્યો નથી. સ્ત્રીવૃદના ચિત્કાર જ કુરુવંશના અત્યાર સુધી નિર્ણાયક રહ્યો છે.’ પોતાના પુત્રજન્મ પહેલાં શતશૃંગ પર્વત પર કુંતાના પુત્રજન્મના સમાચારથી હવે પોતે રાજમાતા નહીં બની શકે તેની ખાતરી થતાં પરાણે ગર્ભત્યાગ કર્યો, છતાં વ્યાસમુનિ પોતે આપેલા સો પુત્રોની માતા બનવાના વરદાનને સાર્થક કરવાનું કહે છે ત્યારે પોતાના પુત્રને યુવરાજપદ મળતું હોય તો એ પ્રયોગ કરવા તૈયાર થઈ છે. છતાં ભગવાન વ્યાસને કહે છે : ‘પ્રકૃતિક્રમે મારો ગર્ભ જો યથાસમયે ચેતનવંતો બન્યો હોત તો…’ ધૃતરાષ્ટ્ર ગાંધારીને આશ્વાસન આપવા આવે છે ત્યારે પણ તેનો રોષ, ઈર્ષ્યા, કટાક્ષ છાના રહેતા નથી. ‘યુધિષ્ઠિરને યુવરાજપદે સ્થાયી બનતી ત્વરાએ આપણે વાનપ્રસ્થ લઈ શકીશું, મહારાજ ! આપણા સો પુત્રો કુંતાપુત્રોની સેવા કરી કૃતકૃત્ય થશે !’ (પૃ. 45) ધૃતરાષ્ટ્ર ગાંધારીનો આ કટાક્ષ સમજી ગયા. હજી તો માંસપેશી રૂપે જ અસ્તિત્વ ધરાવતા સો એ સો સંતાનોનું ભાવિ- હજી એ પ્રથમ શ્વાસ લે એની પહેલાં જ એમણે આજીવન કોઈના અનુચર બની રહેવું પડે એ વાત ગાંધારીને સ્વીકાર્ય જ નથી. સંતાનો ગુણ-બુદ્ધિ એ વામણા હોય અને કોઈના સેવક બનવું પડે, પરંતુ તેને આત્મવિકાસની તક તો મળવી જ જોઈએ. એવો આગ્રહ પણ ગાંધારીથી વ્યક્ત થઈ જાય છે. ‘આપ મને રાજમાતા ભલે ન બનવા દો, પરંતુ મારા પુત્રોને કોઈના સેવકો તરીકે આજ્ઞા ઝીલતાં તો હું નહીં જીરવી શકું.’ – એવી ગાંધારી સ્ત્રીહઠમાં એક મા તરીકે પોતાના પુત્રોના હક્ક માટે લડી લેવાની તત્પરતા જ જણાય છે. ગાંધારીને આ અદમ્ય માતૃપ્રેમમાંથી કેમ પાછી વાળવી. તે ધૃતરાષ્ટ્રને સમજાતું નહોતું. ધૃતરાષ્ટ્રના ‘યુવરાજના વનજન્મ’ શબ્દને બદલી ‘કુંડજન્મ’ શબ્દ વાપરી ગર્ભધારણ કાલ પ્રમાણે પોતાના હજુ નહીં જન્મેલા પુત્રને જ યુવરાજ સાબિત કરવા મથતી ગાંધારી એક માતા જ બની રહે છે.

સો કુંડોમાં પુત્રોનું જતન કરી રહેલી ગાંધારી ભીષ્મ પાસે પણ ‘જ્યેષ્ઠ પુત્ર કોણ ?’ નો જવાબ માંગે છે. સંતાનોના સંસ્કારસિંચન સમયે આવી અસૂયાન રાખવા ભીષ્મપિતામહ ગાંધારીને સમજાવે છે ત્યારે, ‘માતા સત્યવતીએ એમનાં લગ્ન વખતે, પોતાનો પુત્ર જ યુવરાજ બને એવો આગ્રહ રાખ્યો હતો, એવો જો માતા અંબિકા કે અંબાલિકાએ રાખ્યો હોત તો ?’ (પૃ. 54) એમ પ્રત્યુત્તર આપી ભીષ્મપિતામહને પણ દ્વિધામાં મૂકી દે છે ત્યારે પિતામહ પણ, ‘તું સ્વયં સંતાનનો ઉપયોગ સ્થાનપ્રાપ્તિ અને જાળવણી માટે નથી કરી રહીને !’ (પૃ. 55) કહી ટકોર પણ કરે છે.

માતા સત્યવતી ગાંધારીને મળવા આવ્યા ત્યારે પણ નમ્ર સુચન કરવાના બહાને કહી દે છે : ‘વિદુરજીને જ હસ્તિનાપુરના રાજ્યાસને કેમ આપ બેસાડતા નથી ?’ ક્ષુદ્રાનો સ્વીકાર થાય, વણિકકન્યા રાણીના અધિકારો ભોગવી શકે, (વિદુલાના સંદર્ભે), મંત્રશક્તિથી પ્રાપ્ત ક્ષેત્ર જ પુત્ર યુવરાજ બની શકે, તો ક્ષુદ્રપુત્ર રાજા કેમ ન બની શકે ?’ (પૃ. 59) માતા સત્યવતી તો ગાંધારીની આ દલીલથી આશ્ચર્યાઘાતમાં મૂકાઈ ગયા. તેમને સમજાઈ ગયું કે, ‘ગાંધારી બીજું કાંઈ નહીં તો આટલું તો અવશ્ય ઈચ્છે છે કે પોતાના પુત્રો રાજા ન બને, તો ભલે ન બને, પણ કુંતાપુત્રો તો રાજા ન જ બનવા જોઈએ.’ (પૃ. 59) તો વિદુર સાથે દલીલ કરતાં પણ ગાંધારી એમ જ કહે છે : ‘મારે તો એટલું જ કહેવું છે કે મારી કુખે જન્મેલા આ સંતાનોને યથાસમયે પોતાનો અધિકાર પ્રાપ્ત કરતાં આવડશે જ…’ (પૃ. 71)

ભગવાન વ્યાસ સાથે વાત કરતાં ગાંધારી બોલે છે : ‘બોલો મહામુનિ, કુંતાજીના બન્ને પુત્રો કેવા હશે એ તો મને કહો : જેથી આ સોમાંની એકાદને તો હું એમનો સમોવડિયો બનવા પ્રેરણા આપું.’ (પૃ. 73) આવા શબ્દામાં રહેલી ગાંધારીની કુંતી પુત્રો તરફની ઈર્ષ્યા અને કટુતા પારખી ગયેલા વ્યાસજી કઠોર શબ્દોમાં જવાબ આપી વાસ્તવિકતાની નજીક લઈ જતાં ગાંધારીને ટકોર કરે છે : ‘તે માત્ર યુવાનીના આદર્શમાં જ આંખે પાટા બાંધ્યા હતા, પરંતુ અત્યારે તો ત્યાં પડળ બાઝી ગયાં છે, ગાંધારી ! તે દ્રષ્ટિ ગુમાવી દીધી છે.’ (પૃ. 74) છેલ્લે જ્યારે વિદુર અને કશ્યપી (વિદુરના માતા) વર્ષો પછી ખેલનાર મહાભારતના યુદ્ધની ભયાનકતાની આગાહી વ્યક્ત કરે છે ત્યારે ગાંધારી પશ્ચાતાપ વ્યક્ત કરે છે, ડૂસકે ચઢી જાય છે પણ ગાંધારીની સ્ત્રીહઠે, હજુ તો સુવર્ણકુંડમાં માંસપેશીઓ રૂપે ઉછેરી રહેલા સો પુત્રો પ્રત્યેના અતિપ્રેમે વિદુરજીના શબ્દોમાં, ‘મહાભારતનું યુદ્ધ તો આ સો કુંડામાં ખેલાઈ ગયું છે.’

નવલકથાની નાયિકા ગાંધારી એક રાજમાતા કરતાંય એક સ્ત્રી અને એક માત્ર માતા જ રહી ગઈ છે. ભીષ્મપિતામહ, વ્યાસમુનિ, વિદુરજી, ધૃતરાષ્ટ્ર, સત્યવતી – આ તમામ કુરુવંશના વડીલોની સામે પોતાના નહીં જન્મેલા પુત્રને જ જ્યેષ્ઠ પુત્ર માનવામાં આવે, જન્મ લઈ ચૂકેલા યુધિષ્ઠિરને નહીં. ઈર્ષ્યા, દ્વેષ, ગુસ્સો, કટાક્ષ – આ બધાં જ ભાવો તેના વાણી-વર્તન, વ્યવહારમાં અભિવ્યક્ત થઈ જાય છે. યુધિષ્ઠિરનો જન્મ ત્યાર પછી બે વર્ષ દુર્યોધન અને ભીમનો જન્મ, આ બે વર્ષોના સમયગાળામાં માંસપેશીઓ મૂકેલા સો કુંડોની વચ્ચે અથડાતી-કુટાતી-રિબાતી-ભીંસાતી ગાંધારીનું ચિત્ર લેખકે આપ્યું છે.


પ્રો. ડૉ. કિશોરી ચંદારાણા, ગુજરાતી વિભાગ, એસોસિએટ પ્રોફેસર, સાબરમતી આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજ, અમદાવાદ.