સાહિત્યમાં પુરાકલ્પન- હસમુખ બારાડીકૃત ‘ગાંધારી’ લઘુનવલ સંદર્ભે

મિથ એટલે જૂની માન્યતાઓ-ઘટનાઓને એક જુદી દ્રષ્ટિએ, જુદી ઉચાઈ પર મૂકીને જોવાની એક પરમ્પરા કહી શકાય. ખરેખર મિથમાં જે કથા હોય છે તે પુરાણકથા કે આદિકથામાંથી સમયાંતરે આપણને જે કથા મળે છે તે છે. તે અર્થઘટનયુક્ત નવી શૈલીની કથા વિકાસ પામીને વિસ્તરતી જોવા મળે છે. જેમ જેમ નવી થિયરી અને નવા યુગનો વિકાસ થાય તેમ બાહ્ય વાતાવરણ બદલાય, બાહ્ય કલેવર બદલાય, અર્થઘટન બદલાય, વૈચારીક ભેદ ઉદભવે, પરંતુ તેનું થીમ અને આંતરજગત-હાર્દ એનો એ જ રહે. પૌરાણિક વાસ્તવના નિર્માણમાં વર્તમાન માનવ સંયોગ કે સમસ્યાઓ ઉમેરતા reality versus mythનો concept વિકસતો અનુભવાય. ભિન્ન ભિન્ન પ્રદેશોના પ્રાચીન સાહિત્યમાં ઘણી કથાઓ ઉપલબ્ધ છે, જે આપણા વાસ્તવિક જીવનથી દૂર તથા ઘણીવાર અસંભવિત લાગતા અને ચમત્કારી પ્રસંગો અને પાત્રોથી ભરપૂર હોય છે. તે અદભૂત તત્વોવાળી પ્રાચીન કથા જેને અંગ્રેજીમાં Myth(મિથ) કહેવાય છે. તેને માટે ગુજરાતી સાહિત્યવિવેચનમાં પુરાકલ્પન શબ્દ પ્રયોજાયો છે. ભારતીય મિથમાં ‘રામાયણ’ કે ‘મહાભારત’ આધારિત મિથનો વ્યાપ ઘણો છે. સંસ્કૃતિની સાથે સાથે મિથે પણ પરિવર્તનશીલ રહેવું પડે. બદલાતી જતી સંસ્કૃતિનો આર્વિભાવ થઈ શકે એ માટે નવી નવી મિથ ઉભી થવી જોઈએ કે જેના દ્વારા નવા નવા અર્થઘટનો પામી શકાય. મહાભારતમાં અસંખ્ય પાત્રો છે. એમાંથી ગાંધારીનું પાત્ર મહત્વનું છે. તેના જીવનની એકેએક ઘટનાનો જોટો જડે તેમ નથી, કારણકે તે પૂરેપૂરી માનવીય છે. ગાંધારી એ એક રાજપુત્રી, રાજરાણી અને રાજમાતા એમ ત્રણેય અવસ્થા ભોગવી, દીધાર્યું અવસ્થા છતી આંખે પાટા બાંધી ગાળ્યું.

ગાંધારી એટલે ગાંધાર-નરેશ સુબલરાજની પુત્રી. આ ગાંધાર પ્રદેશ એટલે સિંધુ નદીની પેલે પારનો પ્રદેશ એવો મહાભારતમાં ઉલ્લેખ છે, ઘણું ખરું આજના પાકિસ્તાનમાં આવેલ બલુચિસ્તાન અને કંઈક અંશે કારાકોરમ પર્વતમાળાની આસપાસનો થોડોક અફઘાનિસ્તાનનો પ્રદેશ. સંભવત તક્ષશિલા ગાંધારની રાજધાની હોય. ગાંધાર દેશની રાજકુમારી ગાંધારી કહેવાય તે સિવાય તેનું પોતાનું અલગ નામ મળતું નથી. ભીષ્મે અંધ ધૃતરાષ્ટ્રને દૂરના દેશની રાજકન્યા પરણાવી. ભીષ્મ માગું મોકલાવે અને કોઈ રાજા ન પાડે એવું તો શક્ય જ ન હતું. હસ્તિનાપુરની કુરુપરંપરામાં એકમાત્ર ધૃતરાષ્ટ્રનાં લગ્ન જ એવા છે કે જેમાં વડીલ તરીકે ભીષ્મે પોતાના આ પુત્ર માટે અન્ય રાજ્કાન્યનું એના પિતા પાસે માંગું કર્યું હોય ! ધૃતરાષ્ટ્ર જન્માંઘ છે તેનાથી ગાંધાર નરેશ સુબલ અને રાજકુમાર શકુની વાકેફ હતા. છતાં આ સ્વરૂપવાન, ગુણવાન કન્યાના લગ્ન તેમને ગાંધારીને વાસ્તવિકતા જણાવ્યા વગર કર્યા. ગાંધારી સાથેના આ વિવાહમાં તેની કૌમાર્યાવસ્થામાં તેને સો પુત્રની માતા બનવાનું વરદાન પ્રાપ્ત હતું તે નિહિત છે. ગાંધારીને હસ્તિનાપુરમાં પોતાના વિવાહોત્સવમાં દાસી દ્વારા રાજકુમાર જન્માંધ છે તેની જાણ થતા પળભર સમગ્ર ચેતાતંત્ર બધીર બની ગયું. આંખોમાં રોષનો જુવાળ ફાટ્યો. હદપાર દાઝ ચઢતી હતી અને કંઈ જ કરી ન શકવાની લાચાર અવસ્થા હતાશામાં ગરકાવ કરતી હતી. તિરસ્કાર ઉપજતો હતો. કુરુવૈભવના પ્રદર્શન પર ! છેતરપીંડી કરનાર સ્વજનો પર ! જેમને વિવાહની વેદી પર ગાંધારીની આહુતિ ચડાવી, કારણકે કુરુઓની માંગણીને ઠોકર મારવાની ગાંધારોની તાકાત નહોતી. આ છેતરપીંડીનો રોષ તેને આખી જીંદગી રહ્યો. તેથી જ તો ‘અંધ પતિની પત્ની અંધ હોવી રહી તે ખ્યાલે તેને આંખે પાટા બાંધ્યા. દેખતી સ્ત્રી આંધાળાની લાડકી થશે….એવી ભાવના સાથે ધૃતરાષ્ટ્રના ગાંધારી સાથેના લગ્ન થયા પણ ગાંધારીએ આજીવન અંધત્વ સ્વીકાર્યું. કુરુશ્રેષ્ઠોના દંભે ગાંધારીના રોષને પ્રતિવ્રતા ધર્મની ચરણસીમા ગણી વધાવી લીધી. ધૃતરાષ્ટ્ર લગ્ન સમયે બાંધેલા ગાંધારીના પાટા ખોલાવવા ઘણા પ્રયત્ન કરે છે, પણ ગાંધારી કોઈ કાળે માની નહિ. પછી તો ગાંધારીના સો પુત્ર જન્મ વખતે પણ ધૃતરાષ્ટ્ર ગાંધારીને આંખના પાટા ખોલી પુત્ર મુખ જોવા કહ્યું નથી. પણ પછી ધૃતરાષ્ટ્રના મનમાં વેરનો આનંદ પ્રકટ્યો હતો તેથી હું પુત્રો જોઈ ન શકું તો ગાંધારી કેવી રીતે જોઈ શકે ? આ વૃત્તિને લીધે ગાંધારી છતી આંખે અંધ જ બની રહી, આખરે અરણ્યવાસ દરમ્યાન ગાંધારી ધૃતરાષ્ટ્રના કહેવાથી આંખ પરના પાટા ખોલે છે… જીવનના અંતિમકાલે અરણ્યમાં રહેવા ગયા હતા, ત્યાં અરણ્યમાં ડુંગરા, વાયરો, પાંદડાં, નદીનો ખળખળાટ અનુભવતાં તેને ગાંધારની યાદ આવી ગઈ. ધૃતરાષ્ટ્રે ગાંધારીને ચીડવતા કહ્યું, ‘ખરું છે ગાંધારી, આંધળા સાથે જોડાઈ તારી દુર્દશા થઈ, નહિ ? મહિયરની યાદથી તું બળી રહી હોઈશ, નહિ કે ? ત્યારે ગાંધારી કહે છે કે, ‘મને ગાંધાર પ્રદેશની યાદ આવી માણસોની નહિ !

લગ્ન પછી કાળક્રમે ગાંધારી પતિ ધૃતરાષ્ટ્રથી સગર્ભા થઈ, ગર્ભ પેટમાં બે વરસ સુધી રહ્યો પણ પ્રસુતા ન બની. આ દરમિયાન કુંતી અરણ્યવાસમાં યુધિષ્ઠિરની માતા બની ચુકી છે, આ સમાચાર સાંભળી ગાંધારી અસ્વસ્થ બને છે. પોતાનો પુત્ર નહિ પણ યુધિષ્ઠિર પાટવી પુત્ર બન્યો અને એ જ હવે યુવરાજ અને એટલે ભાવિ રાજવી બનશે એ ઈર્ષાના કીડાથી એ પીડાઈ ઉઠી. આ એક અજબ ઘટના હતી કે યુધિષ્ઠિરના જન્મથી હતોત્સાહ થઈ ગયેલી ગાંધારી પોતાના બે વર્ષના ગર્ભનો બળપૂર્વક ત્યાગ કરે છે. જેને આપણે આજે ગર્ભપાત કહી શકીએ. આ સખત માંસના ટુકડાને મુનિ વેદ વ્યાસ એક સો એક ટુકડાઓમાં વિભાજીત કરી ઘી ભરેલા એક સો એક ઘડામાં ભરે છે. આ જે ગર્ભમાં બે બે વર્ષ સુધી ચેતના આવતી નથી, પોતાનો પુત્ર યુવરાજ બની શકે નહિ, પોતે રાજમાતા ન બની શકે અને તે સાથે પતિનો સાથ પણ ન મળે ત્યારે વિહવળ થયેલી ગાંધારીની ઈર્ષા, અધીરાઈ અને વેદનાને હસમુખ બારાડીના ‘ગાંધારી’ લઘુનવલમાં વાચા મળી છે.

આ લઘુનવલ સાત પ્રકરણોમાં વિભાજીત છે. એક માતાને સંતાનો અવતરવામાં વિલંબ થાય અને એને કારણ એ સંતાનોએ ઉત્તરાધિકાર ગુમાવવો પડે, એ  વેદના-ઈર્ષ્યાનું આલેખન ‘ગાંધારી’ લઘુનવલમાં થયું છે. બે વર્ષ સુધી ગર્ભધારણ કરવા છતાં ગાંધારીને પુત્રપ્રસવ થતો નથી. વળી, કુંતીને પ્રથમ પુત્ર અવતરવાથી ગાંધારીમાં ઈર્ષ્યાનો જન્મ થાય છે. એ એમ મન માનવે છે, કે કુંતી પહેલા એટલે કે બે વર્ષથી એને ગર્ભકાળ રહ્યો છે અને એ ન્યાયે તો એનો પુત્ર જયેષ્ઠ ગણાય અને યુવરાજપદનો ઉત્તરાધિકારી બનવો જોઈએ. આ ઈર્ષ્યાને કારણ બે વર્ષ સુધી સાચવેલા ગર્ભ-માસપિંડને એ બળજબરીથી પ્રસવ કરાવે છે અને કુરુસભાને એ અર્પણ કરે છે. આજ ઈર્ષ્યા તેના સંતાનોમાં પણ ઉતરે છે અને પાંડવો-કૌરવો વચ્ચેના વેર બીજ અહીં રોપાયા જણાય છે. આ હતાશા ઉપરાંત ધૃતરાષ્ટ્રના દાસી વિદુલા સાથેના સંબંધોથી પણ ગાંધારી અવગત છે, અને મનવાંછિત સ્નેહ ન પ્રાપ્ત થવાને કારણ પણ વ્યથિત થાય છે. તે વ્યથા લેખક વર્ણવે છે, ‘ગર્ભમાં પ્રથમ ચેતન અનુભવવાનું તો મારે લલાટે લખ્યું નહોતું. લખી હતી માત્ર બે વર્ષની વાંઝણી વેદના, અને એય એકલપંડે ભોગવવાની હતી કયાંક ઊંડે ઊંડે… સ્વીકૃતિ અને તિરસ્કૃતીને એક સાથે શ્વસતી આ સ્ત્રીની વેદના એમના જેવા સર્વજ્ઞે સમજવી જોઈએ.’(પૃ.૪૧)

હસમુખ બારાડીએ ‘ગાંધારી’ લઘુનવલના પાત્રની જુદી રેખાઓ ઉપસાવવાની સાથે વિદુરની માતા કચ્છ્પીના પાત્રને ઉઠાવ આપ્યો છે. અહીં ગાંધારી અને ધૃતરાષ્ટ્રના સંબંધોમાં પૂર્ણતાનો અભાવ જણાય છે. અહીં આ કૃતિમાં એનું સ્પષ્ટ અનુભવાય છે કે ગાંધારીને તો પોતાના સંતાનોને રાજગાદી મળે એમાં જ રસ છે, એમના ઘડતરમાં કે વિકાસમાં એને રસ નથી. ગાન્ધારીમાં અને એને કારણે કુંડોમાં ઉછરી રહેલી અસૂયા કુરુકુળને ભરખી જ જાય એ માટે એને સમજાવવામાં આવે છે છતાં એ પોતાની મમત છોડતી નથી અને કહે છે, ‘મારી કુખે જન્મેલા આ સંતાનોને યથાસમયે પોતાનો અધિકાર પ્રાપ્ત કરતા આવડશે જ…’(પૃ.૭૧) ગાંધારીએ આમ તો સો કુંડોમાં શત્રુતા જ ઉછેરી છે. લેખકે તો કુંડમાં જન્મેલા આ બાળકોને ‘ટેસ્ટટ્યુબ બેબીનો પ્રયોગ’ ગણાવ્યો છે. આ કૃતિમાં સર્જકે ગાંધારીના પાત્રનું નવું અર્થઘટન કલાત્મક રીતે પ્રસ્તુત કર્યું છે. આપણે અનુભવેલા ગાંધારીના ધીર-ગંભીર પાત્રની છાપ આ કૃતિમાં ખંડિત થતી જણાય. મહારાણીપદ ભોગવી રહેલી ગાંધારીની મન:સ્થિતિનો ક્યાસ અહીં સુપેરે મળે છે. ગાંધારી કોઠાસુઝવાળી તથા ધર્મજ્ઞ સ્ત્રી છે. ગાંધારી વિશે સત્ય એટલું પ્રતીતિકર છે, યુધિષ્ઠિરના જન્મ વખતે સંતુલન ગુમાવી બળપૂર્વક પ્રસુતિ કરાવતી ગાંધારી ધૃતસભા કે વિષ્ટિના પ્રસંગોમાં બિલકુલ તટસ્થ અને સ્વસ્થ વર્તન દાખવે છે. દુર્યોઘન જયારે શકુનીની રાજરમતથી ગેરમાર્ગે દોરાય છે. ત્યારે પણ ગાંધારી તેને વાળવાનો ઘણો પ્રયત્ન કરે છે. તેથી જ તો કુરુક્ષેત્રના યુદ્ધ સમયે દુર્યોઘનને આર્શીવચન આપે છે કે ‘પુત્ર ! જે પક્ષે ધર્મ હો, એ પક્ષનો વિજય હો !’

આમ, આજના સર્જક પોતાની વાત સબળ અને જૂની વાતને વાસ્તવિક રીતે આજના આધુનિક પરિપેક્ષમાં અર્થઘટન કરી મુકવામાં મિથનો સબળ માધ્યમ તરીકે ઉપયોગ કરતા અને સફળ થતા પણ જણાય છે. મિથ એ પ્રાચીન દસ્તાવેજ છે, જેનો સંસ્કૃતિની જાળવણીમાં અને નવી પેઢીને સંસ્કૃતિનો પરિચય કરાવવામાં ઉપયોગી માધ્યમ બન્યું છે. અહીં મહાભારતને માધ્યમ બનાવી, ગાંધારીના પાત્રો દ્વારા પ્રાચીન-આધુનિક સ્ત્રીની મનોવેદના, મનોભાવ, સંઘર્ષ, ચેતનાને વાચા આપવાનો અને સાંપ્રત સમયમાં સમાજના બદલાવનો ચિતાર મિથના માધ્યમથી પ્રસ્તુત કરવું સફળ થતું લાગે છે.


પ્રા.ડૉ. જિતેન્દ્ર ખરાડી, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ-જાદર, તા. ઈડર, સાબરકાંઠા. (M) 9909562610, Email:-jakharadi@gmail.com