વાઇરસ

 સેમ્પલનું સ્ક્રિનિંગ શરૂ કરી દીધું છે. શનિવાર સુધીમાં રીપોર્ટ આવી જશે.”

…. કે…. ડૉક્ટર ! પણ જેવી રીતે શ્વાસ………?

તમે એની ચિંતા ના કરો ! બધું સારું થઇ જશે…!

હં……! લીયાએ અર્ધસ્વીકારમાં માથું હલાવ્યું.

પોતાના ભારેખમ શરીરને કારણે ડાબી અને જમણી બાજુ વારાફરતી ઝૂકીને ચાલતા ડૉ. શશીન લીયાને સમજાવી રહ્યા હતા. લીયાને દવાનું પ્રિસ્ક્રિપ્શન આપી તે નીચે પોતાની ઓફિસમાં આવ્યા.

આઠ આઠ દિવસથી જેની સારવાર કરતા હતા એ ડૉ. શશીન હજુ સુધી મલયનું સાચું નિદાન કરી શક્યા ન હતા ! તેમને ઓફિસમાં આવી ટેબલ પર પડેલી મલયની ફાઇલ બે વખત તપાસી જોઇ. કારણની કંઇ ખબર પડી નહીં. બધા રીપોર્ટ નોર્મલ હતા. છતાં આજે તેમને આત્મસંતોષ ખાતર બીજી હોસ્પિટલમાંથી ડૉપાંડેને બોલાવ્યા હતા.

તમને શું લાગે છે ડૉ.પાંડે…..?

સેપ્ટીક શોક વીથ કીડની ઇન્જરી……….. ! આઇ મીન ………. ઇન્ફેક…. !

નો….. નો…….. ડૉપાંડે………. એવું કંઇ હોય તો રીપોર્ટમાં આવવું જોઇએને……… !

પોતાનો અનુભવ હજુ કાચો છે એવું લાગતાં ડૉપાંડે થોડીવાર ડો. શશીન સાથે મસલત કરી ચાલ્યા ગયા. અને ડૉ. શશીન છેલ્લા રીપોર્ટની રાહ જોતા ઘડિયાળ સામે નજર ટેકવીને બેઠા હતા. કાંટા ઝડપથી ફરી રહ્યા હતા !

રાતના દસ વાગ્યા એટલે તે દર્દીઓને તપાસવા ઉપર ગયાબાર નંબરના વોર્ડમાં પ્રવેશતાં જ લીયાને શોધતી એક નજર કરી બીજા દર્દીઓને તપાસવા લાગ્યા. હાથમાં ટોર્ચ અને સ્ટેથોસ્કોપ લઇ મલયના પલંગ પાસે આવ્યાઆંખોમાં ટૉર્ચ નાખી તેમને આંખો તપાસી.બેનૂર થતા જતા શરીરને કળી જઇને તેમને એક ઊંડો નિસાસો નાખ્યો. પણ લીયા જાણે અન્યમનસ્ક હોય એમ કંઇ પણ બોલ્યા વિના પતિના નાકમાં ભરાવેલી પાઇપ સામે તાકી રહી હતી.

લગ્નજીવનના આ બે વર્ષોમાં તેને પોતાની બધી મહેચ્છાઓની હોળી સળગાવી દીધી હતી. એનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન સ્વપ્ન જ બની ગયું હતું ! અને મલય પણ હજુ સુધી તેનું માતૃત્વ જગાડી શક્યો ન હતો ! તેથી જ રોજ મલયને તપાસવા આવતા ડૉ. શશીનના કપડાંમાંથી આવતી પરફ્યુમની સુવાસ તેને ખૂબ ગમતી હતી !

મુંબઇ એરઓર્ટ પરથી બીમારીના કારણે ખાલી હાથે પરત ફરેલા મલયને જોયા પછી લીયાને આજે પહેલીવાર રૂમના આછા અજવાળામાં પોતાનું શરીર ખૂંચવા લાગ્યું. તે મલયના પલંગ પાસેથી ઊભી થઇ નીચે ગઇ ! ને ઓફિસના બારણાના કાચમાંથી આવતું અજવાળું બંધ થયું!

રાતે લગભગ બે વાગે મલયની આંખો ખૂલી. વૉર્ડમાં ચારેય બાજુ અંધકાર છવાયેલો હતો. તેને પડખું ફરી ઝીણી નજર કરી જોયું તો લીયા બાજુમાં ન હતીપોતાના આખા શરીરને ખાઇ જતા અને હજુ સુધી ન પકડાતા વાઇરસને કારણે કે પછી………….. તેને પડખુ ફેરવી હંમેશને માટે આંખો બંધ કરી દીધી…. !!!

કિશનસિંહ પરમાર, મુ: વક્તાપુર, તા: તલોદ, જિ: સાબરકાંઠા. મો: ૯૪૨૮૧૦૪૭૦૩, ઇ–મેઇલ: kishansinhp@gmail.com