લઘુકથા: ઉપાધી

‘કોણ જાણે કયા અટવાયો આ ડોશીનો જીવ. નેવુંની માથે થ્યા. વરહ ઉપરથી ખાટલોય મેલ્યો નથ. હાથ,પગ, જીભ, બધુય ગ્યું . અનાજનો એક દાણોય પેટમાં ઉતરતો નથી, તોય કેમે કરી જીવ છૂટતો નથી.’ મનમાં બબડતી રાજીએ પાણીનો કળશિયો પોતાના ખાટલા નીચે મૂક્યો ને બાજુમાં સૂતેલ જાનુંડોશીના ખાટલાની પંગતે જઈ બેઠી.

જાનુંડોશીના પગ પર હાથ મૂકી રાજીએ ધીમે-ધીમે પગ દબાવવાનું શરૂ કર્યું. જાનુંડોશીના જડ થઈ ગયેલા પગને અસર નહોતી થતી પણ મન તો બધુય કળતું હતું, ને રાજીને કેટલુય કહેવા ટટળતું હતું.

માં વગરની રાજીને જાનબાઈ વહુ બનાવીને લાવેલા ત્યારે રાજી સાવ અબૂધ. ગભરૂ છોકરીને કામકાજે પલોટી, વ્યવહારૂ બનાવી. રાજી વહુની પાંચેય સુવાવડ જાનુંડોશીએ જાતે કરી. શીરો, રાબ અને વસાણા ખવડાવી બેઠી કરેલી. રાજી માંદી- સાજી થયે જાનુડોશી એને માથે ભીના પોતાય મૂકે, ને માથુય દાબે. માં વિનાની રાજીને પરણ્યા પછી માની ખોટ નો’તી સાલી. ક્યારેક વાસણ ખખડ્તાય ખરા, પણ વાળું ટાણે બધું સમેટાય જાય.

રાતના થાળી પીરસાઈ ને રાજી ભાણે ન બેસે ત્યાં સુધી જાનુડોશી કોળીયો મોઢામાં ન મૂકે.

‘રાજી. કેટલી વાર ? રોટલા ટાઢા થ્યા.’

‘આવું માડી આવું’ કહેતી રાજી પડખે ગોઠવાય પછી જાનુડોશી બટકું મોઢામાં મૂકે.

રાજીના છોકરાવ મોટા થઇ પોત-પોતાના માળામાં ગોઠવાઈ ગયેલા. રાજીનો ઘરવાળોય બેયને મૂકી હાલી નીકળેલો. એકલવાયા સાસુ-વહું એકબીજાની ટેકણલાકડી.

રાજી પગ દબાવતી રહી. જાનુડોશીની આંખના ખૂણા ધીમે ધીમે પલળતા થયા. રાજી ઊભી થઇ એના માથા પાસે ગઈ. હળવેથી માથા પર હાથ મૂક્યો ને બોલી, ‘હું જાણું તમારી બળતરા માવડી. મારુય થઇ રેશે. મારી ઉપાધી હવે મેલી દ્યો. ને નફકરા થઇ જાવ. આ ગળેલા ગાતર અમથાય તમારા વિના લાંબુ નઈ વેંઢારે.’

જાનુડોશીની મણ એકનો ભાર ભરેલી આંખોની ભીનાશ ઓશીકે દડ-દડી રહી. ને કોઈ અકળ અંધકારને પામતી હોય એમ રાજીય આંખ બંધ કરી જાનુંડોશીના માથે હાથ ફેરવતી રહી.

નસીમ મહુવાકર, મામલતદાર. કલેકટરેટ. બોટાદ (સૌરાષ્ટ્ર), મોબાઈલ : 99 1313 5028