પાખંડ અને કોમવાદના પરિવેશમાં કબીરની પ્રાસંગિકતા

સર્વકાલિક મહાન કવિ કબીર કોઈપણ યુગ માટે પ્રાસંગિક છે એમાં કોઈ બેમત ના હોઈ શકે. યુગ, પ્રદેશ, ભાષા, જાતિ, ધર્મ, લિંગના સીમાડાઓ ઓળંગી મહાન સર્જક શાશ્વત ને સાર્વભૌમિક સત્યની સ્થાપના કરતા હોય છે. સજગ સર્જક સમાજથી ક્યારેય વિમુખ થઇ ન શકે અને જે સમાજથી વિમુખ થઈ કોઈ આદર્શ લોકની કલ્પનામાં જ રમમાણ રહે તો એ સર્જક કદાપિ શાશ્વત ખ્યાતિ અર્જિત ન કરી શકે. લગભગ ચૌદમી સદીમાં થઇ ગયેલા કબીર સાહેબ આજેય એટલા જ પ્રસ્તુત છે, જેટલા એમના જીવનકાળમાં હતા, અને આ હકીકત જ કબીરની કલમની મહાનતાને સૂચવે છે. ઢોંગ, છલ, પ્રપંચ, દંભ, આડંબર પ્રતિ કબીર સાહેબનો આક્રોશ તેમની વાણીમાં ફૂટતો રહ્યો. સાધુ-ભક્તનો સ્વાંગ રચી દુનિયાના ભોળા-અજ્ઞાન લોકોને લુંટતા-કચોટતા લોકોનો આજે તોટો નથી. કબીર આવા દોગલા ઢોંગી લોકોનો ઉધડો લે છે. કબીર સાહેબ વર્ગ-વર્ણવિહીન સમાજરચનાના સમર્થક હતા. આજે દેશ પારસ્પરિક વૈમનસ્ય, કોમવાદ તથા જાતિગત આધારો પર વર્ગવિગ્રહ તરફ જઈ રહ્યો છે, ત્યારે કબીરનો વર્ગ-વર્ણમુક્ત સમાજની સ્થાપનાનો આદર્શ પ્રાસંગિક બની ગયો છે. તેમણે પાખંડ, મિથ્યાચારનો પ્રખર વિરોધ કરી માનવીય ઐક્યની સ્થાપનાની હિમાયત કરી.

નાના-મોટા રજવાડાઓના આંતરકલહ અને ઇસ્લામી આક્રમણોએ આર્યાવર્તનો પ્રદેશ કુંઠા, નિરાશા, વૈમનસ્ય, ભયથી આક્રાંત કરી દીધો હતો. એક તરફ વિલાસિતા ને બીજી બાજુ રાજ્યલિપ્સા પ્રેરિત ભયંકર યુદ્ધોમાં થતી ખુવારીથી સમગ્ર સમાજ ત્રસ્ત હતો. ઇસ્લામી આક્રમણોથી બચવા જનતા અગોચર-અલૌકિક પરમ તત્વના શરણે જવામાં જ ભલાઈ સમજવા લાગી. અરાજક પરિસ્થિતિઓમાંથી મુક્તિ અર્થે સમગ્ર સમાજમાં ભક્તિની લહેર ઊમટી ઊઠી. વિભિન્ન સંપ્રદાયો ને પંથોના ગુરૂઓ, અનુયાયીઓ ત્રસ્ત જનતાને પોત-પોતાના ઇષ્ટની આરાધના કરી જીવનપંથ તરી જવાના ઉપદેશ આપવા લાગ્યા. દક્ષિણથી ઉત્તર ને પૂર્વથી પશ્ચિમ, સમ્પૂર્ણ પ્રદેશમાં વિભિન્ન મત-મતાંતરોથી પ્રેરિત આશ્રમો, મઠોનું પ્રભુત્વ સ્થાપવા લાગ્યું. જો કે આવા સંપ્રદાયો, આશ્રમો, મઠોમાં અપાતા ઉપદેશોમાં સત્યનો ઓછો અને છલનાનો સહારો અધિક હતો. પરિણામે ધાર્મિક, આર્થિક, સામાજિક, રાજનીતિક દરેક ક્ષેત્રમાં પ્રવર્તિત અરાજકતાને ભક્તિની લહેર દૂર ના કરી શકી. ઉપરથી ધર્મના સાચા સ્વરૂપનું સ્થાન ધાર્મિક પાખંડ, મિથ્યાડંબરને મળવા લાગ્યું. પૂર્વેની કર્માધારિત વર્ણાશ્રમ વ્યવસ્થા જાતિ આધારિત થઈ ગઈ હતી. ધાર્મિક સ્થાનો, આશ્રમો દુરાચારના કેદ્ર બનવા લાગેલા. ધર્મનો ઉપયોગ સત્તા મેળવવા, ફેલાવવા, ટકાવવા કરવામાં આવતો હતો. આવા સમયે યુગનિર્માતા કબીર સાહેબનો આવિર્ભાવ થયો. ભ્રમણશીલ કબીર સમાજનું બારીકાઈથી અવલોકન કરી નિરર્થક ક્રિયાકાંડ અને બાહ્ય આચારનું ખંડન કરી મનની શુદ્ધતાને મહત્વપૂર્ણ બતાવે છે. હાથની માળા છોડી માનસિક સ્મરણ પર ભાર મુકતાં તેમણે કહ્યું-

“માલા ફેરત જુગ ભયા, મિટા ન મન કા ફેર ।
કર કા મનકા ડારિ કૈ, મન કા મનકા ફેર ।।”

બાહ્ય વિધિ-વિધાનો ધર્મ નથી. ધર્મનું સ્વરૂપ તો કર્મકાંડથી નહિ પરંતુ મનની આંતરિક સ્થિતિથી પરખાય છે. ઈશ્વરને પામવા માટે ટીલા-ટપકા કે મંત્ર-તંત્ર અથવા માળાની જરૂર નથી. વ્રત-પૂજા, ઉપવાસ-રોજા વગેરે બાહ્ય કર્મકાંડ કબીરને મન ઢીંગલા-ઢીંગલીના ખેલ સમાન છે. કબીરના સમયમાં શૈવ, શાક્ત, વૈષ્ણવ જેવા સંપ્રદાયોના વિધિ-વિધાનોમાં અટવાયેલ ધર્મ આજે જુદા-જુદા બાપુઓ, બાબાઓ, સાધુઓ, માતાજીઓના સ્વાંગમાં અટવાઈ ગયો છે. અવારનવાર જોવા-સંભાળવા મળતા બાબાઓના પ્રપંચો-પાપલીલાની કહાની ધર્મના ખોખલા-વિકૃત સ્વરૂપને ઉજાગર કરે છે. કબીર સાહેબ માને છે કે વેદશાસ્ત્રોનું માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાથી ઈશ્વર મળી જતો નથી. ઈશ્વર જીવમાત્રની અંદર વસે છે, એને બહાર શોધવાની કોઈ આવશ્યકતા નથી. કબીર કહે છે –

“મોકો કહાં ઢૂંઢે બંદૈ, મૈં તો તેરે પાસમેં ।
ના મૈં દેવલ ના મૈં મસજિદ, ના કાબે કૈલાસમેં,
ના તો કૌને ક્રિયા-કર્મમેં, નહિ યોગ બૈરાગમેં,
ખોજી હોય તો તુરતૈ મિલિહૈં, પલભરકી તલાશમેં,
કહૈ કબીર સુનો ભાઈ સાધો, સબ શ્વાસો કી શ્વાસમેં ।।”

ઈશ્વરને મંદિર-મસ્જિદની ચારદીવાલોમાં કેદ કરી સહુ આજે બાહ્ય ક્રિયાકાંડમાં ભગવાન-અલ્લાહને શોધી રહ્યા છે. કબીર સુપેરે જાણે છે કે મુલ્લા-પંડિતો શ્રદ્ધાળુ લોકોના મનમાં ધર્મના નામે ડર પેદા કરી છેતરી રહ્યા છે. એટલે જ તેઓ શરીરની નહિ પરંતુ મનની શુદ્ધતા પર ભાર મૂકી ઈશ્વરને ભીતરથી શોધવાની વાત કરે છે. તેમણે મૂર્તિપૂજાનો પ્રખર વિરોધ કર્યો. મૂર્તિપૂજાની બાબતમાં તેમનું માનવું હતું કે –

“પથ્થર પૂજે હરિ મિલે તો મૈં પૂજૂં પહાર ।
તાતે વહ ચાકી ભલી, પીસ ખાય સંસાર ।।”

પથ્થરની ઘંટી અનાજ દળવાના કામ આવે છે, લોકો ઘંટીના પથ્થરનો ઉપયોગ કરી ખાઈ શકે છે, મંદિરનો પથ્થર તો એટલાય કામમાં આવતો નથી. તો પછી એની પૂજા શાને માટે ? કબીરનો આ સણસણતો દોહો તત્કાલીન અને સાંપ્રત સમયમાં પણ મૂર્તિપૂજાના સમર્થકોને હચમચાવી મુકે છે. અયોધ્યાના રામ મંદિરના સળગતા પ્રશ્નના સમયમાં કબીરની સાહેબનો આ મત કેટલો પ્રાસંગિક બની રહે છે ! અત્યારના સમયે જુદા – જુદા યાત્રાધામોમાં જનારા પગપાળા પ્રવાસોમાં સંખ્યાની દ્રષ્ટીએ રાફડો ફાટ્યો છે, એમ કહીએ તો ખોટું નથી. નાના-મોટા અંતરના યાત્રાધામો તરફ જતા રસ્તાઓ વિશેષરૂપે પૂર્ણિમાની આજુબાજુના સમયે ભરચક બની રહે છે. તીર્થાટનને જ પુણ્યપ્રાપ્તિનો માર્ગ માનતા લોકોને કબીર સાચું જ કહે છે –

“તીરથ ચાલે દુઇ જનાં ચિત ચંચલ મન ચોર ।
એકૌ પાપ ન કાટિયા લાદા મન દસ ઔર ।।”

જો મન-વિચાર સાત્વિક નહિ હોય તો ગમે તેટલી યાત્રાઓ કરવામાં આવે, નદીઓમાં નહાવામાં આવે, કોઈ ફરક નહિ પડે.

એકેશ્વરવાદી કબીર મુસલમાનોના આડંબરને પણ આડે હાથ લે છે. કણ-કણમાં વ્યાપ્ત અલ્લાહની બંદગી કરવા મોટે-મોટેથી નમાજના સમયની યાદ અપાવવામાં આવતી હોય છે. દિવસમાં પાંચ-પાંચ વાર મસ્જીદમાં બાંગ પોકારતા મુલ્લા-મૌલવીઓને બાહ્ય શબ્દોની વ્યર્થતા વર્ણવતા કહે છે-

“કાઁકર પાથર જોરિ કર, મસજિદ લઈચુનાય ।
તા ચઢિ મુલ્લા બાંગ દે, ક્યા બહરા હુઆ ખુદાય ।।”

વાસ્તવમાં કીડીના પગમાં ઝાંઝર વાગે તોય નિરાકાર, સર્વવ્યાપક ઈશ્વર તો એ સાંભળી લે પછી જોર-જોરથી માઈકમાં બૂમો મારવાની ક્યાં જરૂર હોય છે ?

કબીરજી માટે કાબા અને કાશી, રામ અને રહીમ એક જ છે. બંને ધર્મોમાં સાચા સ્વરૂપની જગ્યાએ દેખાડાએ સ્થાન જમાવી લીધું છે. હિન્દુ-મુસ્લિમના પાખંડ પર એકસાથે પ્રહાર કરતા કબીર એક ‘સબદ’માં કહે છે –

“નેમી દેખા, ધરમી દેખા । પ્રાત કરૈ અસનાના ।।
આતમ મારિ પખાનહિ પૂજૈ । ઉનમેં કછુ નહિ જ્ઞાના ।।
બહુતક દેખા પીર ઔલિયા । પઢૈ કિતાબ કુરાના ।।
કૈ મુરીદ તદબીર બતાવૈ । ઉનમેં ઉહૈ જો જ્ઞાના ।।
આસન મારિ ડિંભ ઘરિ બેઠૈ । મન મેં બહુત ગુમાના ।।
પીતર પાથર પૂજન લાગૈ । તીરથ ગર્વ ભુલાના ।।
ટોપી પહિરૈ માલા પહિરૈ । છાપ તિલક અનુમાના ।।
સાખી સબદી ગાવત ભૂલે । આતમખબરિ નહીં જાના ।।
હિન્દુ કહૈ મોહિ રામ પ્યારા । તુર્ક કહૈ રહીમાના ।।
આપસ મેં દોઊ લરિ મૂયે । મર્મ ન કાહૂ જાના ।।”

કબીર સાહેબ અહીં બંને ધર્મોના મિથ્યાચારોને ખુલ્લા પાડી સહુને આવા અજ્ઞાની, અંધવિશ્વાસુ બાહ્યાચારોને છોડી ધર્મના સાચા સ્વરૂપને જાણવાનો બોધ આપે છે. બાહ્ય વિધિ-વિધાનો, તીર્થયાત્રાઓ, ટીલા-ટપકા, નમાજ-હજ, રોજા-વ્રત વગેરેની જગ્યાએ કબીરે નિસ્વાર્થ પ્રેમને વિશેષ મહત્વ આપ્યું. સૂફીમત અને નારદીયભક્તિથી પ્રભાવિત કબીર ઇષ્ટપ્રાપ્તિ અર્થે પ્રેમ-ભક્તિને અનિવાર્ય માને છે. સૃષ્ટિના કણ-કણમાં જો પરમબ્રહ્મ, નિર્ગુણ, નિરાકાર પરમાત્માની સત્તા વ્યાપ્ત હોય તો પછી તીર્થાટન કે મંદિર-મસ્જીદ, ગુરુદ્વારા કે ચર્ચ જવાની આવશ્યકતા ક્યાં રહે જ છે ?

સમાજમાં વ્યાપ્ત વર્ણાશ્રમ વ્યવસ્થા અને તેમાંથી ઉત્પન્ન ઊંચનીચની જાતિપ્રથા સામે કબીર લાલ આંખ કરે છે. કબીરજીના યુગમાં જાતિપ્રથા અમાનવીય બની ગયી હતી. તેમના યુગમાં સમાજના નિમ્ન વર્ગના લોકોની હાલત બહુ દયનીય હતી. કબીર અને તેમના સમકાલીન અન્ય સંતોને પણ જાતિપ્રથાના કારણે ઘણું સહન કરવું પડેલું. સમાજના ઉચ્ચ વર્ગ દ્વારા નિમ્ન વર્ગ-વર્ણના લોકોને પ્રતાડિત કરવામાં કોઈ કસર બાકી રહી નહોતી. સમાજના કર્ણધાર એવા બ્રાહ્મણોએ શુદ્રો માટે અનેક પ્રકારના પ્રતિબંધો મૂકી દીધા હતા. સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજનીતિક ક્ષેત્રે અમાનવીય શોષણ કરવામાં આવી રહ્યું હતું. આવા શોષણચક્ર સામે, ધર્મના અંચળા હેઠળ ચાલતા પાખંડ સામે, જાતિગત-જન્મગત શ્રેષ્ઠતા સામે કબીર અવાજ ઊઠાવે છે. સ્વતંત્રતા સંગ્રામમાં અસ્પૃશ્ય સમાજની બેહાલીથી દ્રવી ઊઠેલા ‘હરિજન’ સંજ્ઞાના જનક મહાત્મા ગાંધીજી ૨૦મી સદીમાંય ના ઉચ્ચારી શક્યા એટલા કઠોર પણ સત્ય વચનો (ચૌદમી સદી)માં કબીર જાતિપ્રથા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે. યુગોથી કચડાયેલા વર્ગની વેદનાથી કબીર દ્રવી ઊઠેલા. તત્કાલીન બે મોટા ધર્મોમાં પ્રવર્તિત ભેદભાવ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે –

“જો તૂ બામ્હન બામ્હની જાયા, આન બાટ હ્વૈ ક્યોં નહીં આયા ।
જો તૂ તુરક તુરકની જાયા, તો ભીતર ખતનાં કયું ન કરાયા ।।”

માનવમાત્ર આ ધરતી પર માતાની કૂખે જન્મ લે છે, દરેકના લોહીનો રંગ લાલ છે, ચામડી, હાડકા, શરીરનો આકાર વગેરે બધી બાબતોમાં ઈશ્વરે દરેકને સમાન રાખ્યા છે તો માણસ-માણસ વચ્ચે ભેદભાવ પેદા કરનાર આપણે કોણ ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર અથવા શિયા યા સુન્ની, એવા વર્ગો પાખંડી માનવીઓએ પોત-પોતાનો સ્વાર્થ સાધવા ઊભા કર્યા છે. આ વર્ગ વિભાજન ના તો તાત્વિક છે કે ના ધાર્મિક કે ના વૈજ્ઞાનિક. વિકૃત મનની ઊપજ એવી જાતિપ્રથા સામે કબીર કબીરનો આક્રોશ સ્વાભાવિક છે. તેમનું તો માનવું છે કે –

“જાતિ-પાતી પૂછૈ નહિ કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોઈ ।”

માણસની ઓળખ તેની જાતિ દ્વારા નહિ પરંતુ તેના કર્મો દ્વારા થાય એવું કબીર સાહેબનું દ્રઢપણે માનવું હતું.

પ્રવર્તમાન સમયમાં દેશમાં ગૌ-હિંસાના નામે રાજનીતિ થઈ રહી છે. જુદા-જુદા દેશોના ઉદાહરણો આપી એક વર્ગ ગૌ-હિંસા પ્રતિબંધ કાનૂન લાવવા ઉગ્ર માંગ કરી રહ્યો છે તો બીજો વર્ગ લોકશાહીના નામે આવી માંગને અનુચિત સિદ્ધ કરવામાં લાગી ગયેલ છે. કેટલાક અરાજક તત્વો બળતામાં ઘી હોમવા ‘બીફ’ પાર્ટીઓનું આયોજન કરતા પણ જોવા મળી રહ્યા છે. આવી સાંપ્રત પરિસ્થિતિમાં કબીર સાહેબનું જગપ્રસિદ્ધ પદ સહજપણે યાદ આવે છે –

“દિન મેં રોજા રખત હૈ, રાત હનત હૈ ગાય ।
યહ તો ખૂન વહ બંદગી, કૈસે ખુસી ખુદાય ।।”

નિર્ભીક કબીર કોઈ પ્રલોભનવશ કે પૂર્વગ્રહ પ્રેરિત કથન નથી કરતા. ના તો એમને રાજની પ્રીતિ પ્રાપ્ત કરવી હતી ના કોઈ પદ. એટલે કબીર સાહેબે સમાજમાં જે-જે વિસંગતતાઓ જોઈ એને બહુ સ્પષ્ટપણે અભિવ્યક્ત કરી. જગતનો કોઈપણ સાચો ધર્મ કેવી રીતે હિંસાને સમર્થન આપી શકે ? દિવસભર ભૂખ્યા-તરસ્યા રહી રોજા રાખવાવાળા મુસલમાનને બિચારા અબોલા પ્રાણીની જરાપણ દયા નહિ આવતી હોય ? જીવહિંસા કરનારથી કેવી રીતે અલ્લાહ ખુશ હોઈ શકે ? પણ રખે કોઈ એવું માની બેસે કે કબીર સાહેબ માત્ર ગૌ-પ્રતિપાલક હતા. તેઓ તો સમગ્ર જીવસૃષ્ટિના પ્રતિપાલક હતા. તેમને મન જેમ રામ-રહીમ એક, તેમ ગરીબ-અમીર પણ એક. ગરીબ, શોષિત, પીડિત વ્યક્તિ પ્રતિ તેમની લાગણી જ કહેવા પ્રેરિત કરે છે કે ગરીબની હાય, નિસાસા ક્યારેય મિથ્યા ના જાય ! જેમ લોખંડનું ઓજાર ઢોરને મારી તો નાખે છે પણ એના નિસાસા એક દિવસ એ લોખંડનેય હતું નહતું કરી દે છે. હિંસાનો અર્થ કબીર વ્યાપક અર્થમાં લે છે. આજના ગૌ-પ્રેમીઓની જેમ કબીર માત્ર ગાયની હત્યાના જ વિરોધમાં વાત કરે છે એવું નથી. તેઓ તો જીવમાત્રની હત્યાના વિરોધી હતા. તેમણે કહ્યું છે કે –

“બકરી ખાતી પાત હૈ, તાકી કાઢી ખાલ ।
જે નર બકરી ખાત હૈ, તાકો કૌન હવાલ ।।”૧૦

પત્તા-પાંદડાં ખાઈ વનસ્પતિના નિસાસા લેવા બદલ બકરીએ જો ચામડી કઢાવવા જેટલું કષ્ટ સહન કરવું પડતું હોય તો જે લોકો માંસાહારી છે તેમને અબોલા જીવોની હત્યા બદલ શું નહિ સહન કરવું પડે ?

ધર્મનો ઉદ્દેશ્ય માનવમાત્રને કલ્યાણના પથ પર અગ્રસર કરવાનો હોય છે. પણ કબીરયુગીન સમયમાં અને સાંપ્રત સમયમાં પણ ધર્મ રાહ ભટકી ગયેલ હોય એવું સહેજે અનુભવાય છે. “હિન્દુ-મુસ્લિમ, શીખ-ઈસાઈ, હમ સબ હૈ ભાઈ-ભાઈ” માત્ર કોરા શબ્દો બની રહ્યા એવો માહોલ નિર્મિત થઇ રહ્યો છે. ધર્મના નામે લડતા-ઝગડતા બંને કોમના લોકોને કબીર કહે છે –

“અરે ઇન દોઊન રાહ ન પાઈ ।
હિન્દુ કરૈ અપની બડાઈ ગાગર છુવન  ન દેઈ,
વેસ્યા કે પાઇન-તર સોવૈ યહ દેખો હિન્દુઆઈ ।
મુસલમાન કે પીર-ઔલિયા મુર્ગી મુર્ગા ખાઈ
ખાલા કેરી બેટી બ્યાહૈ, ઘર હી મેં કરૈ સગાઈ ।।”૧૧

૧૯૪૭માં પડેલા ભારતના ભાગલાની અસર હજુ સુધી જોવા મળે છે. બે પ્રદેશોના અલગાવથી સમસ્યા હલ થવી જોઈતી હતી, પણ કમનસીબે એવું બન્યું નથી. ધરતીના બે સીમાડાઓ વચ્ચે ઊભી કરવામાં આવેલી કાંટાળી વાડ બે ધર્મના લોકોના દિલમાં પણ ધરબાઈ ગઈ હોય એવું લાગે છે. ને એટલે જ તો આટઆટલા વર્ષો પછીય કોમવાદનો એરુ અવારનવાર આભડી જાય છે. ગોધરા કાંડ હોય કે મુજ્જફરનગર; દાદરીકાંડ હોય કે નરોડા પાટિયા, દેશમાં સમાંતર રૂપે ક્યાંક ને ક્યાંક કોમવાદનો દાવાનળ પ્રગટેલો જોવા મળે છે. સીમારેખા પર કરવામાં આવતા છમકલાઓ પણ પારસ્પરિક વૈમનસ્યના સાક્ષી છે. આવા કોમવાદી પરિવેશમાં કબીરનો માનવધર્મ જ સંસારને ઉગારી શકશે એમાં કોઈ બેમત નથી.

સંદર્ભ સંકેત :

  1. કબીર વિમર્શ, પૃ. ૧૧૯
  2. એજન, પૃ. ૨૩
  3. એજન, પૃ. ૨૯
  4. કબીર : આધુનિક સંદર્ભ, પૃ. ૧૭૩
  5. કબીર વિમર્શ, પૃ. ૮૨
  6. અકથ કહાની પ્રેમ કી : કબીર કી કવિતા ઔર ઉનકા સમય, પૃ. ૩૯૯
  7. કબીર વિમર્શ, પૃ.  ૭૧
  8. એજન, પૃ.  ૮૧
  9. એજન, પૃ. ૭૦
  10. એજન, પૃ. ૪૬
  11. એજન, પૃ. ૬૮

કિંજલ એમ. સોલંકી, ૩૪, ત્રિભુવન, ગીતા સોસાયટી, ગોધરા, સંપર્ક નંબર:- ૯૪૨૭૦૩૬૭૪૭