નિરુદ્દેશે ભટકી રહેલો અશ્વત્થામા …
(જળની આંખે – યજ્ઞેશ દવે)
ગુજરાતી સાહિત્યમાં કવિ તરીકે શ્રી યજ્ઞેશ દવેનું નામ નોધપાત્ર છે. તેમની પાસેથી “જળની આંખે ” અને “જાતિસ્મર ” નામનાં કાવ્યસંગ્રહો આપણને મળ્યા છે. કવિતા ઉપરાંત નિબંધ ક્ષેત્રે પણ તેમનું યોગદાન રહ્યું છે. “ જળની આંખે ” કાવ્યસંગ્રહમાં તેમને અશ્વત્થામા નામનું દીર્ઘ અને અછાંદસ કાવ્યની રચના કરી છે .
‘ અશ્વત્થામા’ મહાભારતનું એક વિરલ પાત્ર છે. આ એક એવું પાત્ર છે કે જે આજે પણ ક્યાંક આપણી વચ્ચે ભટક્યા કરે છે . મહાભારતના યુધ્ધમાં ગુરુ દ્રોણની હત્યા કરવામાં આવે છે . પિતાની હત્યાનો બદલો લેવામાં પોતાના જીવનને આવો કારમો અંજામ વેઠવો પડશે કદાચ તેની કલ્પના પણ અશ્વત્થામાએ નહિ કરી હોય . પાંડવોનો સર્વનાશ કરવા નીકળેલો અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર ચલાવીને ઉત્તરાનો ગર્ભ નાશ કરવાનો પ્રયત્ન કરે છે. અને તેના બદલામાં કૃષ્ણ તેને આજીવન આ પૃથ્વી ઉપર પોતાના જીવવાની મૂંગી વેદનાઓ લઈને ભટક્યા કરવાનો શાપ આપે છે. આ પ્રંસગ લઈને કવિએ આ કાવ્યની રચના કરી છે. કાવ્ય શરુ થાય છે ત્યારે શાપ તો અપાઈ ચુક્યો હોય છે. અને એ શાપની વેદનાં પણ ચરમ સીમાએ પહોચી ગઈ છે . અશ્વત્થામા એ શાપમાંથી નીકળવાના પ્રયત્નો કરી રહ્યો છે . કહો કે કંટાળી પણ ગયો છે . કેમે કરી ને મૃત્યુ આવતું નથી .
મૃત્ય એ જીવનનું અંતિમ સત્ય છે . દરેક વ્યક્તિને ખબર છે કે તેને એક દિવસ આ જીવનના સઘળા સુખ – દુઃખ મુકીને ચાલ્યા જવાનું છે . જયારે વ્યક્તિ જન્મે છે ત્યારથી જ એની મૃત્યની નજીક જવાની પ્રક્રિયા શરુ થઇ જાય છે . દિવસે ને દિવસે એ મૃત્યુની નજીક જઈ રહ્યો હોય છે .તેની જાણ હોવા છતાં એ તેનાથી અવગત થવાના બને તેટલા પ્રયત્નો પણ તે કરતો હોય છે. તેમ છતાં મૃત્ય તો આવીને જ ઉભું રહે છે . અશ્વત્થામા જ એક એવી વ્યક્તિ છે જેના જીવનમાંથી મૃત્યુની બાદબાકી થઇ છે . મૃત્યુ દરરોજ તેને હાથ તાળી દઈને છટકી જાય છે . તે કહે છે –
‘યુગોયુગોના
તળિયે જઈજઈ ને પણ
સાવ
બોદા બુચની જેમ સપાટી પર તરતો
વહાણ
પરથી ફેકેલા કોલસાની જેમ જળજળમાં ઝબકોળાતો
તો
ય
તરડ
બરડ તરતો
કેમે
ય ન મરતો’
અશ્વત્થામાને મૃત્યુ નહિ મળવાની વેદના અહી તાર સ્વરે પ્રગટ થઇ છે . તો સામે એને એનો સંતોષ પણ છે કે એને સહદેવની જેમ ભવિષ્યનું જ્ઞાન નથી . જેથી ભવિષ્યમાં જે થવાનું છે તેનાથી એ અલિપ્ત રહે છે .
મહાભારતના યુધ્ધમાં ગુરુ દ્રોણની આગળ પાંડવ સેના નપુંસક બનતી જાય છે અને કેમે ય કરી ગુરુ દ્રોણ કોઈના રોકાયા યુધ્ધમાં રોકાતા નથી . આવા સમયે કેમ કરીને દ્રોણના હાથમાંથી શસ્ત્ર નીચું મુકાય તેની ચિંતામાં સૌ પાંડવો પડી જાય છે. તેવા સમયે કૃષ્ણ એક યુક્તિ સુઝાવે છે કે કોઈ જઈ દ્રોણની સામે એવું કહે કે અશ્વત્થામા યુધ્ધમાં હણાયો છે એ જ ઘડીએ દ્રોણ પોતાના અસ્ત્રો નીચે મૂકી દેશે અને તેમનો વધ શક્ય બનશે . ભીમ તરત જ અશ્વત્થામા નામનાં હાથીને હાણી નાખે છે અને ગુરુ દ્રોણ પાસે જઈને કહે છે કે મેં અશ્વત્થામાને મારી નાખ્યો . પરંતુ ગુરુ દ્રોણ તેની વાત ધ્યાનમાં ન લેતા યુધ્ધ ચાલુ જ રાખે છે .ભીમ ફરી ફરી એજ ઉચ્ચારણ ચાલુ રાખે છે . દ્રોણ ભીમની વાત માં ન આવતા યુધિષ્ઠિરની પાસે જઈને પુછે છે ત્યારે ધર્મરાજ તેમને ‘ નરો વા , કુંજરો વા ’ કહે છે . આ સાંભળીને દ્રોણ પોતાના આયુધ નીચે મૂકી દે છે અને ધ્રુષ્ટ્ધુમ્ન આવી તેમનો વધ કરે છે . અશ્વત્થામા તો એ હાથીને મહા ભાગ્યવાન ગણે છે . જે મોક્ષ એને મળવાનો હતો એ મોક્ષ હાથીને મળે છે . એ કહે છે –
‘મહાભાગ્યવાન
છે એ હાથી
ને
હું ?
હું
હતભાગ્ય’
કવિતા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ મૃત્યુ નહિ મળવાની વેદના વધતી જાય છે . અહીં નીરુપયેલો અશ્વત્થામા એ માત્ર મહાભારત પુરતો ન રહેતા યુગો યુગાન્તરનો સાક્ષી બની રહે છે . એણે ખાલી મહાભારતનું એક જ નહિ , પરંતુ એ પછી થયેલા છેક હમણાં થયેલા ISIS ના હુમલાનો એ એક માત્ર સાક્ષી છે . એને એ બધું જ જોયું છે જે ક્યારેય એણે કલ્પેલું પણ નહીં હોય . દરેક દેશનો પ્રધાન હોય કે કોઈ રાજ્યનો રાજા હોય બધાનું એક જ ધ્રુવ વાક્ય છે કે અમો શાંતિ માટે યુધ્ધ કરીએ છીએ . પરંતુ જો એ શાંતિ માટે જ યુધ્ધ થયું હોત પ્રથમ વિશ્વ યુધ્દ્ધ પછી બીજું વિશ્વ યુધ્ધ ન થયું હોત . આજે અમેરિકા કે રશિયા જેવા શક્તિશાળી દેશો સીરીય કે અન્ય દેશો પર જે હુમલાઓ કરી રહ્યા છે એ ના કરતા હોત . અશ્વત્થામા કહે છે –
‘એક
પછી એક
ક્ષણ
પછી ક્ષણને જોડ્યા કરું છું યુગોથી
મેં
માપી છે મારા ચરણ તળેની ધરતીને સહસ્ત્રવાર
ને
જોયું છે કે
પૃથ્વી
હ્રસ્વ થતી જાય છે
પ્રત્યેક
પરિક્રમાએ પરિઘ ટુંપતો જાય છે.’
કવિ વર્તમાન અને ભૂતકાળ ભેગા કરી અશ્વત્થામાની વેદના પ્રગટ કરવા માંથી રહ્યા છે. અશ્વત્થામા વર્ષો વીતી ગયા છતાં પોતાનો ભૂતકાળ ભૂલી શકતો નથી. સતત એને લાગ્યા કરે છે કે એને જે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને તેને બદલ મળ્યું પણ શું ? પિતા બ્રહ્માણ હતા. ઉચ્ચ જ્ઞાની હતા. શસ્ત્ર વિદ્યામાં નિપુણ હતા . ખોટ માત્ર હતી તે ધનની હતી. અન્યના બાળકોને જે સુખ મળે છે તે સુખ તેના પુત્રને આપી શકતા નથી. અને તેના લીધે અથવા તો અન્યના બાળકોને જે સુખ મેળે છે એવું સુખ અશ્વત્થામાને મળે એ હેતુથી તેઓ પોતાના મિત્ર મહારાજા બનેલા દ્રુપદની પાસે યાચિકા માંગવા માટે જાય છે . દ્રુપદ દ્રોણનું અપમાન કરે છે અને ભિક્ષામાં કશું જ નહિ આપીને પોતાના રાજ્ય માંથી કાઢી મુકે છે. આજ ક્ષણે દ્રોણ પોતાનો બ્રહ્માણ ધર્મ ત્યજે છે. હસ્તિનાપુર આવી પાંડુ તથા ધુતરાષ્ટ્રના બાળકોને શસ્ત્ર વિદ્યા શીખવે છે . અને એક દિવસ અર્જુન દ્રુપદને બંદીવાન બનાવી દ્રોણ સમક્ષ લાવે છે . આ પ્રતિશોધની આગ જો કોઈ હોમાયું છે તો બીજી કોઈ નહિ પણ અશ્વત્થામા જ.
જન્મ લેનાર ને મૃત્યુ ભેટે જ છે. અશ્વત્થામા જ જાણે કે મૃત્યુની શોધમાં આ પૃથ્વી ઉપર ભટક્યા કરે છે. અને તેને ક્યાય મૃત્યુ મળતું નથી . તેનો ફેરો નિર્થક હોય તેવું તેને લાગે છે –
‘મારા
શ્વાસમાં બેઠેલું મૃત્યુ શોધે છે મને
ને
હું શોધું છું મૃત્યુ ને.’
મૃત્યુ તેને છોડી ને આગળ જતું રહે છે . મૃત્યુ નહિ પામનાર અશ્વત્થામા હવે અન્યનું મૃત્યુ જોઈ પણ નથી શકતો . અન્યનું મૃત્ય જોતા એણે ઈર્ષા પણ આવે છે . એ કોઈની રસ્તે જતી સ્મશાન યાત્રા જોઇને ચિત્કારી ઉઠે છે –
‘આ
બજાર વચ્ચે કોની શબવાહિની
રસ્તો
ચીરતી ચાલી જાય છે ?
બસ
ડ્રાઈવર સબૂર કર
એ
ય સાઇકલસવાર પરથી ઊતરી જા, તું
માથા
પર રૂમાલ મુક, હાથ જોડ
ખભો
દે, જોયું ને ?
ભર
બજારે અદબભેર જુઓને બધાં કેવું જાળવે છે,
પામર
તુચ્છ માનવના ઉદ્દંડ મૃત્યુનું માન !’
મહાભારત કાળથી ચાલી આવતી મૃત્યુની શોધમાં અશ્વત્થામા છે ક ચીનની દીવાલ , ઈજીપ્તના પીરામીડો , નાઇલનું વહેતું પાણી કે ઓલીમ્પાસના દેવો બધે જ ફરી વળે છે . આ બધેય ફરતા ફરતા સમય કેવો બદલાયો છે અને બદલાયેલા સમયે માણસને કેવો બદલી નાખ્યો છે તેના અનુભવો પણ અશ્વત્થામાએ કાર્ય છે. બદલાતી જતી સંસ્કૃતિ અને તેની સમસ્યાઓ અને આધુનિક જીવનનો પરિચય – આ બધામાં અશ્વત્થામાની મૃત્યુની શોધ ચાલુ રહે છે.મનુષ્યની ઉત્પત્તિ અંગેની શોધ કરતો મી.ઢાકી હોય કે કોઈ પુરાતત્વવિદ .એ જયારે આ બધું ઉલેચે છે એને મળે છે કોઈ રાજવીઓની હરીફાઈ , અને એ બધાનો ધબકતા જીવનનો પરિચય . કે પછી ભવ્ય સંસ્કૃતિ ધરાવતું કોઈ લોથલ જેવું ભવ્ય શહેર …..
અશ્વત્થામાની મૃત્યુની શોધ અવિરત ચાલુ જ રહે છે . એણે પ્રશ્ન છે કે કોઈ ક્ષણે આ ભાથામાંથી અસંખ્ય બ્રહ્માસ્ત્ર નીકળશે અને હજાર હજાર ઉત્તરાના ભ્રૂણમાં પ્રવેશ ત્યારે કયા ગર્ભને કૃષ્ણ તારશે ? આજના આધુનિક સમયની સવેદના અહી ઝીલાઈ છે. કાવ્ય જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ હવે મૃત્યુ નહિ આવે એનો અણસાર અશ્વત્થામાને થતો જાય છે . અને જે ઉદ્દેશ હતો તે હવે નિરુદ્દેશ તરફ જાણે કે ગતિ કરતો હોય તેવું કવિએ બતાવ્યું છે . તે કહે છે –
‘હું
અશ્વત્થામા
હજાર
હજાર અશ્વોના બળનું સીચન કરી
હવે
વકરેલા વરાહની જેમ રઝળતો
મરણવર
વંચિત , શાપિત શાશ્વતતાનો
ઘેરઘેર
બણબણતા ધારાને લઇ ફરતો
ધખધખતા
દાહને શામવા મુંડપાત્રમાં ઘીનો પીંડ માંગતો ફરું છું ’
અશ્વત્થામા હવે વેર ભાવથી પર થઇ ચુક્યો છે . શ્રી ધ્વનિલ પારેખ કહે છે તેમ – ‘ મૃત્યુની શોધથી હવે એ થાકી ગયો છે . અધ્યાપીપર્યંત તો મૃત્યુની શોધ એના જીવનનો એક માત્ર ઉદ્દેશ હતો . એક નગરથી બીજા નગર કોઈ પાગલની જેમ ભટકતા અને ઉપહાસ પાત્ર બનતા અશ્વત્થામાને હવે મૃત્યુની શોધ રહી નથી.એ હવે નિરુદ્દેશે ભટક્યા કરે છે . એ સ્થળ કાળની કંઈ કેટલીએ સીમાઓ વટાવી ચુક્યો છે ’ મૃત્યુ હવે એણે મળે તો પણ એનો કોઈ ઉદ્દેશ રહ્યો નથી .
મૃત્યુની શોધથી શરુ થયેલું કાવ્ય નિરુદ્દેશ્ય બનીને અટકી જાય છે. આપની સામે આવે છે વેર ભાવથી મુક્ત થયેલો એક યોગી અશ્વત્થામા . એ કહે છે –
‘અને
કહો
હવે
મરણને ય
શો
રહ્યો છે ઉદ્દેશ ? ’
કવિશ્રી યજ્ઞેશ દવેએ અ કાવ્યમાં અશ્વત્થામાને માત્ર મહાભારતનો જ અશ્વત્થામા રહેવા દીધો નથી. સ્થળ – કાલ- ઘટના – બનાવો – બદલાયેલો સમાજ – સંસ્કૃતી આ બધાનો જાણે કે એક સાક્ષી બનીવી દીધો છે . અશ્વત્થામાને યોગી બનાવી એક નવું અર્થઘટન કવિએ આપણી સમક્ષ મૂકી આપ્યું છે .