‘કર્ણલોક’ ની કથા

દીકરી વહાલનો દરિયો’‚ ‘દીકરો મારો કુળ દીપક’‚ ‘તમે તો મારા દેવના દીધેલ છો’ ‚‘બાળક તો જીવન બાગનું ફૂલ છે’‚ આ બધું કહેવાય તો છે એવા બાળકો માટે જેમનું આગમન એના મા બાપની મરજીથી થયું હોય.આધુનિક શોધોના ઉપયોગથી પણ વણજોઈતા બાળકને જન્મતું ન અટકાવી શકાયું હોય‚ કે પછી જ્ન્મેલ બાળક શારીરિક કે માનસિક રીતે વિકલાંગ હોય‚ રોગિષ્ઠ હોય કે પછી મા બાપને બાળક ઉછેરવામાં જો સામાજિક કે આર્થિક કે અન્ય કોઈ પણ તકલીફ પડે તેમ હોય કે − અન્ય કોઈપણ કારણસર મા કે સ્વજન ગુમાવનાર બાળકને – કે પછી મા પણ કોઈ કારણસર એ પ્રભુના પયંગબરને ન સ્વીકારી શકે તેમ હોય ત્યારે – ‘ગમતું બાળક પારણે નહીં તો મંદિર ના બારણે.’ એ ન્યાયે એને ધરતીમાતાને ખોળે આકાશના ઓઢણે છોડી દેવાય છે. આવા સ્વ –જનોથી હડસાયેલા ચીંથરે વીંટ્યા રત્નો સમાજ સાગરની લહેરે લહેરે અથડાતા‚ કુટાતા ‚તરફડતા તર્યા કરે છે. કેટલાય ડૂબી પણ જાય. કોઈક વળી સહ્રદયીની નજરે ચડી જાય તો એમને એક ઠેકાણું મળે છે. એ ઠેકાણું એટલે અનાથાશ્રમ. મહાભારતના રચયિતા વ્યાસ મુનિની કલમે એક જ કર્ણ  એની મા કુંતીથી તરછોડાયેલો કર્ણ – રાધેય આલેખાયો છે. આજે તો આવા અનેક કર્ણ હા! કર્ણ જ. કેમકે એમના નામ કંઈ ‘ઓળી ઝોળી પીપળ પાન’ કરીને ફોઈએ પાડ્યા નથી. કોઈ સોમવારે જડ્યું તો સૌમ્યા અને કોઈના કર્મે અહીં આવી તો કરમી અને કોઈ પરોપકારી સેવાભાવી ખોટું સહન ન કરનાર તે દુર્ગા. નામ વગરના મુન્ના ‚લાલા તો કેટલાય. જે નામે બોલાવો તે નામે હાજર થતા કેટલાયે કાના જ્યાં વસે છે એમની કથની એટલે ગુજરાતી સાહિત્યના. જાણીતા માનીતા લેખક ધ્રુવ ભટ્ટની નવલકથા કર્ણલોક (પ્ર૨૦૦૫).

માતા પિતાના આકસ્મિક અવસાન એકલવાયો બની ગયેલો બાર તેર વર્ષ નો કિશોર દુરના મામા મામીના આશ્રયે પોતાને અનાથપણાનું લેબલ લગાવાતું જોઈ એક દિવસ મુંબઈની ટીકીટ કઢાવી ટ્રેઈનમાં બેસી જાય છે. દેખાવે સારા ઘરના લાગતા આ કિશોરને ટ્રેઈનમાં બાલાશ્રમના સંચાલક નિમુબહેનનો ભેટો થઈ જાય છે. એમના આગ્રહને વશ એ અંતે જેનાથી ભાગતો હતો તેવાજ એક બાલાશ્રમમાં આવી ચડે છે. ત્યાંના રસોઈયા નંદુની ભલામણથી એક નાનકડી રકમની સહાય મળતા એ બાલાશ્રમની બહાર ચા ની દુકાન શરુ કરે છે.ધીરે ધીરે એ સંસ્થાના સંચાલકો વ્યવસ્થાપકોના અને એમાં રહેતા બાળકોના પરિચયમાં આવે છે. ચા આપવાના નિમિત્તે એ આશ્રમના જાળીની અંદર જીવાતા જીવનને જુએ છે.અને એની નજરે એના અનુભવે આલેખાયેલી આ નવલકથામાંથી અનાથાશ્રમવાસીઓનું અંતર ખૂલતુ અનુભવાય છે.

અનાથાશ્રમનું મકાન બહારથી પીળા રંગે રંગેલું છે. એવા જ પીળાં પડી ગયેલાં છે અંદરના બાળકો. સરકાર કે સમાજના સદગૃહસ્થો દ્વારા આપવામાં આવેલ સહાય કે દૂધનો પાઉડર બગડી ન જાય કે કપડાં ટુંકા ન થઈ જાય ત્યાં સુધી બાળકોના તન સુધી પહોંચતા નથી.બાળકો માટે આવેલી ચોકલેટો સુધ્ધા કાંતો કીડીઓનો કાંતો કામવાળાનો આહાર બને છે. કોઠારના અનાજની ચોરી એતો સાવ સ્વાભાવિક વાત ગણાય. મહેમાન આવવાના છે ના સમાચાર સાંભળીને આંખમાં પોતાને જ પસંદ કરશે ની આશાનું આંજણ આંજીને તૈયાર રહેલા બાળકોને ભાવ વધશેની આશાએ જેમ વેપારી વસ્તુને સંઘરી રાખે તેમ સંખ્યાને આધારે સંસ્થાને મળતી સરકારી સહાય અને લોકો તરફથી મળતા દાનની લાલચે સંઘરી રાખવામાં આવે છે. મોટી વયના યુવક યુવતીનાં લગ્ન થતા વાર લાગે તેમ આવા કમાઉ બાળકો મોટા અને સમજણા થઈ જાય પછી ઓછા લોકોને એ પસંદ પડે છે. પરિણામે ઘણા કર્ણને રાધા અને ઘણી સીતાને જનક મળતાં નથી. બાળકો પણ સમજણા થઈ જાય પછી પોતાને પણ કોઈ લઈ જશે ના સ્વપ્ન આંખોમાં જ બાળી નાંખે છે અને એનાં આંસુ પણ બહાર આવવા દેતા નથી. કેમકે એને લુછનાર કોણ છે ?

.આશ્રમમાં નાના બાળકો વધારે અને એમને સંભાળનર ઓછા. એટલે એક જ રૂમમાં રાખવામાં આવેલ બાળ ગોપાલો પોતાની જ ગંદકીમાં રાતભર પડ્યા રહે અને એમને સવારે વાસણ ધોતા હોય એમ એક જ વાસણમાં પાણી ભરીને નવરાવવામાં આવે. એમની આંખમાં મેંશ આંજવા કે નજર ન લાગે માટે કાળું ટીલું કરવા મા ક્યાં છે? વરસતા વરસાદમાં ખુલી ગયેલી જાળીમાંથી માની શોધમાં ભાંખોડિયાભેર બહાર નીકળી ગયેલા પુટુ જેવા બાળકને મા તો મળતી નથી. મળે છે માત્ર માંદગી. અહીં બાળક મા નહીં ના બોલતા પહેલા શીખે છે. કેમકે એજ તો એ આખો દિવસ સાંભળે છે. નાના બાળકોને જાળી ની અંદર જ રાખવામાં આવે છે. એથી કરમી જેવા બાળક ચાલતા બોલતા પણ મોડા શીખે છે. આમેય બૂમ પાડે તો આવનાર પણ કોણ છે.?! મુખ્ય દરવાજા પછીનું મોટું ફળીયું દાદાનો ડંગોરો લઈ ફરવા માટે નથી. નથી તો તેમાં ઉગેલા ફળો પોતાને માટે. એ વાત તો ત્યાંનું બાળક પણ જાણે. એટલે વળી કોઈક રજાના દિવસે મેળે કોઈ લઈ જાય તો જવાનું અને એની વાતો દિવસો સુધી વાગોળવાની. પોતાને માટે જ આવેલા રમકડાં પણ કાચના કબાટમાં જોઈને જ રમ્યાનો આનંદ મેળવી લેવાનો.ગમે તેની ગમે તેટલી ગમે તેવી અવહેલના મૂંગે મો એ સહી લેવી આ બાળકોના સ્વભાવમાં છે.છતાંદુર્ગા જેવી કોઈ બાળા પોતાની તાળુ ખોલવાની કાબેલીયતથી બાળકોને એમના હકનું પાછું અપાવે તો એ લોકોની નજરે ચોર ઠરે છે.

આ આશ્રમ બાળકોનો આશ્રમ છે. શહેરમાં ચાલતા નાત જાતના ઝગડા અહીં નથી.અહીં તો વસે છે માત્ર માનવ જાત. આ માનવબાળને કોઈ લાગણીથી પ્રેરાઈને કોઈ પોતાને ત્યાં બાળક ન હોવાને કારણે કોઈ વળી સમાજમાં પોતે સેવાનું કામ કરે છે એવા દેખાડા માટે પણ દત્તક લઈ જાય. બાળકની પસંદગીના માપદંડ દરેકના જુદા જુદા. મુંબઈની શેઠાણી ચાર પાંચ દિવસની બાળકીને પણ મોટી યુવતી કે ગુલામની જેમ જોઈ તપાસી પસંદ કરે અને શાક ભાજી ખરીદી લીધા પછી થેલીમાં ભરતી વખતે ખબર પડે કે એકાદ સડેલું છે અને પાછું મૂકી ગ્રાહક ચાલ્યો જાય તેવીજ રીતે બાળકમાં કોઈ ખોડ લાગે તો કાયદેસરની વિધિ પતી ગયા પછી પણ બાળકને ત્યાં જ મૂકીને ચાલતા પણ થાય! બીજા કોઈ એને પસંદ કરી લે તો વળી મન લલચાય પણ ખરું! કણ્ણગી જેવા ડૉકટર દંપતિ શેફાલી જેવી નવજાત બાળાને લઈ ગયા પછી સમાજ સામે એની ઓળખ આપતા એ વાત સંતાડે કે પોતે એને આશ્રમમાંથી લાવ્યા છે. બીજા તો ઠીક બાળકને પણ એ જાણ થવા દેતા નથી કે પોતે એના પાલક માતાપિતા છે! ત્યાં સુધી કે વર્ષોના વ્હાણા વાઈ ગયા પછી પણ આશ્રમના માણસનો ઓછાયો પણ એના પર પડવા ન દે. કોઈ હુસ્ના જેવી માતા વળી પોતાને એક બાળકી હોવા છતાં બીજી બાળકીના જન્મ સમયે પોતાની સામે જ જન્મીને તરછોડાયેલી બાળકીને દત્તક લેવાની જીદ પકડે અને એ પણ પોતાના પતિની રિક્ષાની મામૂલી આવક છતાં! અબોલ અનાથઅણસમજુ બાળકે તો એની સાથે ચાલ્યા જવાનું છે તેની સાથે જે એને લેવા આવે! સંસ્થા દીધુ નામ લઈને ચાલ્યા જવાનું  પાણીથીયે પાતળા બની જે જેમાં ઢાળે તેમાં એણે ઢળી જવાનું.

એક બાજુ પોતાની કુખે જ બાળક જન્મે એ માટે અનેક પ્રકારના ઉપચારો કરાવતા અસહ્ય યાતનાઓ વેઠતા વૈજ્ઞાનિક શોધોના આશ્રયે ક્યારેક ખોડખાપણવાળા બાળકને જન્મ આપ્યા પછી ગોમતી જેવી કેટલીયે માતા પોતાનો જીવ ખોઈ બેસે છે. બીજી બાજુ સમાજની અપેક્ષાથી અલગ રીતે પોતાની માના પેટમાં પાંગરવા જઈ રહેલા બાળક માટે એની માના પેટને જ એની સ્મશાનભૂમિ બનાવી દેવાય છે.એવા સમાજ વચ્ચે સદીઓથી પ્રશંસનીય ભારતીય સંસ્કૃતિને લાગી રહેલા લૂણા જેવા વધતા જતા વૃધ્ધાશ્રમો અને બાલાશ્રમો મને કમને પણ પારકા જણ્યાની પળોજણ કરતા લોકોથી ચાલે છે. આવી સંસ્થાઓ બાળકોને – સાચા અર્થમાં માનવીને માનવતાને જીવાડે છે.આશ્રય આપે છે. ઉછેરે છે. બાકી તો જ્યાં સુધી કુંતી પોતાની ઈચ્છા વિરુધ્ધ મા બનશે – એ ને બનાવાશે ત્યાં સુધી કર્ણ જન્મતા રહેશે.પોતાના જ ભાઈઓ સામે ક્યારેય પૂર્ણ ન થાય તેવું યુધ્ધ લડાતું રહેશે. દેવકી જાયા અને મા યશોદાના લાલ  કૃષ્ણ પણ ભાઈ ભાઈ વચ્ચેનું આ યુધ્ધ થતું અટકાવી શક્યા નહોતા અને શકવાના પણ નથી

ડૉ. અર્ચના પંડ્યા, એસ. એલ. યુ આર્ટ્સ & કૉમર્સ કૉલેજ ફોર વિમેન, એલિસબ્રીજ‚ અમદાવાદ