લઘુકથા: રજાનો દિવસ
હીંચકો અટકાવી નીલાએ બારીમાંથી રૂમની ઘડિયાળમાં જોયું. રાતના દસ થવા આવ્યા. હમણા જ આવશે બેઉ.
રજાનો દીવસ ઇપ્સા અને અયાન બંને માટે મજાનો દિવસ, ને મમ્મી નીલા માટે સજાનો દિવસ. સવાર પડી નથી કે બખડજંતર શરુ. વહેલા ઉઠેલો અયાન ઇપ્સાના રૂમમાં જઈ કંઈક અટકચાળો કરી આવે, ને ઉંઘરેટી ઇપ્સાનું બૂમરાણ શરુ. ‘મમ્મી આને લઇ જા નહીતર એ માર ખાશે.’
ઊંઘવું તો નીલાનેય હોય, પણ વાનરવેડા છોડે એ અયાન શેનો? એને નીચે લઇ જ જવો પડે. સવારના નાસ્તામાં હુંસાતુસી, ન્હાવા જવામાં ઠાગાઠૈયા, ને પછી પહેલા બાથરૂમમાં ઘુસવા ચડસાચડસી. બંને ફ્રેશ થઇ જાય એટલે ઘરમાં દોડાદોડી, પકડાપકડી, ફેકાંફેકી, રાડારાડી, અને છેલ્લે મારામારી. બેયને છૂટા પડતા નીલાનો દમ નીકળી જાય.
આખા દિવસની કાગારોળ પછી સાંજ પડતામાં નીલાનું માથું ભમી ગયું હોય. એ વારંવાર ચિડાય જાય. ઘણી વાર ગુસ્સામાં કહે, ‘આ રવિવારની રજા ન હોય તો કેવું સારું! ઘરમાં શાંતિ તો રહે. જીવ ખવાઈ જાય છે બેયના દેકારા પડકારાથી.’
એણે ફરીથી ઘડિયાળમાં જોયું. બેઉ ભાઈ બહેન આજે સવારે સાડા પાંચ વાગ્યાથી સ્કૂલની પીકનીકમાં ગયેલા. ઘર આખું સુઘડ, સ્વચ્છ. ઘરમાં શાંતિ જ શાંતિ.
એણે હિંચકો અટકાવ્યો. આજે દિવસ જ ક્યાં ઊગ્યો? ઘડિયાળના કાંટાને આંખોથી ધક્કા મારી મારી ચલાવ્યા ત્યારે તો માંડ રાત પડી. ઘરને મન સૂમસામ.
‘મમ્મી…મમ્મી’ ની બૂમો સંભળાઈ. એ ઊભી થઇ ગઈ. બેઉ દોડતા આવી ગળે વળગી ગયા. સાથેનો સામાન અને ચપ્પલનો આમથી તેમ ઘા થઇ ગયો.
બેઉને વ્હાલ કરતા એ બોલી, ‘હાશ…હવે દિવસ ઉગ્યો.’