ગુજરાતી ટૂંકી વાર્તા વિશેનું વિવેચન
(૧૯૭૫ પછીના વર્ષોના સંદર્ભમાં)
છેલ્લા પચ્ચીસ-ત્રીસ વર્ષમાં ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા એ સર્જકોનો માનીતું સ્વરૂપ રહ્યું છે. આ ત્રણ સાડા ત્રણ દાયકામાં સાતસો કરતાં પણ વધારે વાર્તાસંગ્રહો પ્રકાશિત થયા હોવાનો અંદાજ છે. ટૂંકી વાર્તાના અનેક વિશેષાંકો, સંપાદનો, સંચયો પણ આ ગાળામાં મળ્યાં છે. એમાં સમાવાયેલી વાર્તાઓની સંખ્યા ખાસ્સી મોટી છે. છાપાઓ, ચીલાચાલુ સામયિકોમાં પ્રગટ થતી કહેવાતી વાર્તાઓને જોઇએ તો અધધ કહી શકાય એટલી મોટી માત્રામાં વાર્તા લખાય છે. આ પચ્ચીસીના ગાળાને કોઇકે ‘પરિષ્કૃત’ સંજ્ઞાથી ઓળખાવ્યો તો કોઇએ એને ‘અનુઆધુનિકતાવાદી’ કે ‘આધુનિકોત્તર’ કહ્યો. ‘દેશીવાદ’ તથા ‘જનવાદી ધારા’ ‘પ્રગતિશીલ સાહિત્ય’ – જેવી સંજ્ઞાઓના નામ હેઠળ આધુનિકગાળાથી અલગ પડવાની મથામણ ચાલી રહી છે. હું આ પચ્ચીસ ત્રીસ વર્ષમાં ટૂંકી વાર્તા વિશે સક્રિય વિવેચકો અને તેમના વિવેચન વિશે વાત કરવા જઇ રહ્યો છું.
આધુનિક ગાળામાં થયેલાં અતિશય પ્રયોગો અને પરિણામરૂપ જન્મેલી દુર્બોધ ટૂંકી વાર્તાથી ભાવકો દૂર થઇ ગયા હોવાની ફરીયાદ અનેક વિવેચકો દ્વારા અવાર નવાર કરવામાં આવી છે. એમાં કેટલાક અંશે સત્ય પણ છે. એનાથી કંઇક જુદા જ કારણે આજે વાંચવાની વૃત્તિ જ ઘટી હોવાના પૂરાવાઓ મળવા લાગ્યા છે ત્યારે જે કંઇ વંચાય છે એમાં ટૂંકી વાર્તાઓનું પ્રમાણ સારું છે – ત્યારે તે સ્વરૂપ વિશે હાલના વિવેચકો શું વિચારી રહ્યાં છે તે જોવાનો પ્રયાસ છે.
શરૂઆતમાં હું આ દોઢ-બે દાયકાઓમાં સક્રિય થયેલા નવા વિવેચકોથી કરીશ. ત્યાર પછી આધુનિક ગાળાથી જ સક્રિય એવા વિવેચકો વિશે વાત કરવાનું સ્વીકાર્યું છે.
આમ તો આધુનિકયુગથી સક્રિય થયેલા કેટલાક વિવેચકોએ જ પ્રયોગશીલતાના અતિપણા તરફ ધ્યાન દોરવાનું શરૂ કરી દીધેલું. અતિરેકના કારણે આવી રહેલ કૃતકપણાથી ચેતવાના સૂર નીકળવા લાગેલા પણ સ્પષ્ટ રીતે નિદાન કરી આપે છે અજિત ઠાકોર. આ ગાળાનું નિદાન કરતાં લખે છે- ‘‘(સિત્તેર પછીની) આ પેઢી માટે સ્વકીય મુદ્રા સિદ્ધ કરવા આગલી પેઢીના ઓથારમાંથી બહાર નીકળી જવું અનિવાર્ય હતું. આગલી પેઢીએ ભોંય ભાગવાનું જે કૌવત પ્રકટાવ્યું હતું, સંવેદન-અભિવ્યક્તિ-ભાષામાં સાહસોદુઃસાહસોથી ઉથલપાથલ કરી જે શક્યતાઓ ચીંધી હતી તેને માણી-પ્રમાણી-આત્મસાત કર્યા પછી પણ એની કુણ્ઠાઓને, એની કેટલીક મૂળભૂત મુશ્કેલીઓને ઓળખવાનું આવ્યું. પરંતુ આ પેઢીને એનો પોતાનો કોઇ ગાંધી કે સુરેશ જોષી ન મળ્યો. એની કાવ્ય વિભાવના આધુનિકતાવાદી પેઢી કરતાં ખાસ્સી જુદી હતી. આ પેઢીએ પોતે કોઇ ખરીતા બહાર ન પાડ્યા કે ન કોઇ આંદોલનો જગાવ્યા. બલ્કે સર્જન પ્રવૃત્તિ વડે જ એ પોતાની કાવ્યવિભાવના શોધતી, આકારિત કરતી રહી. પરંતુ વિવેચનની ઉદાસીનતાને કારણે એનું કાવ્યશાસ્ત્ર ન રચાયું. વિવેચને તો પશ્ચિમની આધુનિકતાવાદી અને અનુઆધુનિકતાવાદી વિભાવનાથી જ ’૭૦ પછીના સાહિત્યને તોલવાની કોશીશ કરી.’’[i] અજિત ઠાકોરે બહુ સભાન રીતે ‘પરિષ્કૃતિ’ સંજ્ઞા પ્રયોજીને આધુનિકયુગના અંતનો પાયો નાંખવાનો પ્રયાસ કરેલો. એમણે ’૭૦ ના દાયકાથી જ કવિતા, વાર્તા, ગઝલ આદિમાં આવી રહેલ પરિવર્તનની વાત કરી છે. એંસી-નેવુંના દાયકામાં તો એમણે જણાવેલ નવી ધારાનું સાહિત્ય વધું દૃઢ થયું હોવાનું નિદાન રજૂ કરે છે. અજિત ઠાકોરે આધુનિકતાથી અલગ પડતાં ગુજરાતી સાહિત્ય માટે ‘પરિષ્કૃત’ સંજ્ઞા પ્રયોજ્યા પછી એની સમજૂતી આપવાનો ગંભીરતાથી પ્રયાસ કર્યો છે. ખાસ તો એ સુરેશ જોષીના વિવેચન વિચારના – રૂપરચનાનો પુરસ્કાર, સર્જન એ અહૈતુક નિર્માણની પ્રવૃત્તિ-લીલારૂપ પ્રવૃત્તિ, ઘટનાનું તિરોધાન, પરિહાર કે ઉપયોગનું નિગરણ, કલામાં વસ્તુનું સાધારણીકરણ નહીં પણ વિલીનીકરણ થવું જોઇએ- જેવા મુદ્દાઓને સંસ્કૃત કાવ્યશાસ્ત્રના કોઇને કોઇ સિદ્ધાંત સાથે જોડતા જઇ છેલ્લે વિધાન કરે છે કે- ‘સુરેશ જોષીની વાર્તાવિભાવના સંદર્ભે પરિષ્કૃત વાર્તા સ્વીકાર, શોધન, સંમાર્જન અને સંવર્ધનનો અભિગમ પ્રકટાવે છે.’
ભરત નાયક અજિત ઠાકોરના વિવેચન વિચારને આવકારતા કહે છે – ‘‘સુરેશ જોષી પછીના વિવેચનક્ષેત્રે સર્જાયેલા આ શૂન્યાવકાશમાં અજિત ઠાકોરના ‘સ્થિત્યંતર’નો પ્રવેશ ફરીથી આપણી વિવેચનામાં પ્રાણ ફૂંકે છે. સાહિત્ય સર્જન માટેના આજના લેખકોના નવા મનોવલણને, વિત્તને અજિત ઠાકોર પારખી શક્યા છે. આજની આપણા ઉત્તર આધુનિકકાળની રચનાને એ ‘પરિષ્કૃત’ સંજ્ઞા વડે ઓળખાવે છે.’’[ii] આમ આધુનિકોના યુગસમાપ્તિની ઘોષણા કંઇક અંશે અજિત ઠાકોર દ્વારા કરવામાં આવી એવી છાપ ઉપસે છે. અજિત ઠાકોરની આ વિવેચન વિચારણા માટે શરીફા વીજળીવાળા કહે છે- ‘છેલ્લાં પંદર વર્ષોમાં ટૂંકી વાર્તાના વિકાસમાં ‘ગદ્યપર્વ’ અને |वि| નો ફાળો નોંધવો જ પડે. |वि| ના ‘પરિષ્કૃતિ’ તથા દલિત વાર્તા વિશેષાંકે જંપી ગયેલાં જળ ડહોળવાનું કામ કર્યું છે. અજિત ઠાકોરની વાર્તા વિભાવના, એમની પરિભાષાની ક્લિષ્ટતા સામે વાંધા હોઇ શકે, મને પણ છે, પણ વાર્તા વિશે નિષ્ઠાપૂર્વક સતત વિચારતા રહી, વિધાનો કરતા રહી, બીજાને વળતો વિચાર કરવાની ચાનક ચડાવનાર અભ્યાસી તરીકે એમની નોંધ લેવી જ રહી.’ [iii]
મણિલાલ હ.પટેલ, અજિત ઠાકોરની સાથે ‘પરિષ્કૃતિ’ નામે ચાલતી ચળવળમાં સક્રિય રહેલા. ‘પરિષ્કૃતિ’ સંજ્ઞાને રૂઢ કરવા, એને પ્રચલિત કરવાના પ્રયાસો એટલા સફળ નથી થયાં પણ એમણે કરેલ વાર્તા વિશેની ચિન્તા પ્રસંશનિય છે. મણિલાલ હ. પટેલે આજની વાર્તાના વલણો, લાક્ષણિકતાઓ અને વિશેષો તારવી આપ્યાં છે. એક આદર્શ અધ્યાપકની અદાથી ગાંધીયુગથી આધુનિકયુગની વાર્તાઓ અને આધુનિક યુગથી આજની નવી વાર્તાઓ કઇ રીતે જૂદી પડે છે, શા માટે જૂદી પડે છે ને કઇ રીતે આધુનિકતાભરી ટૂંકી વાર્તાઓ ભાવકથી, સમાજથી દૂર થઇ તેની સર્જનાત્મક શૈલીએ વિવેચના આપે છે. જો કે, એમની સમીક્ષામાં એક અને બીજા વિધાન વચ્ચે વિરોધાભાસ પણ જણાઇ આવે તેવો સરળ હોય છે. જેમકે, ‘ ટૂંકી વાર્તા ‘બિરાદરી’ રચે છે. વાર્તા ‘બિરાદરી’ની, ‘બિરાદરી’ માટે અને ‘બિરાદરી’ વડે જ સર્જાય છે-વંચાય છે-ભોગવાય છે. બિરાદરીમાં પહોંચ્યા વિના જાણે એ પરિપૂર્ણ થતી નથી. એટલે ક્યારેક જીવનલોકથી ભૂલી ભટકી ગયેલી વાર્તાએ પાછાં જીવનલોકમાં આવ્યા વિના ચાલતું નથી. ૧૯૮૦-૮૫ પછીની (આધુનિકોત્તર) વાર્તા, પાછી પોતાની અસલ બિરાદરીમાં આવી નાંગરી છે…’[iv] અહીં આધુનિકોત્તર વાર્તા પાછી પોતાની અસલ બિરાદરીમાં એટલે કઇ બિરાદરીમાં ? ગાંધીયુગની ધુમકેતુશાઇની બિરાદરીમાં આવી છે ? એવો અર્થ કરીએ તો એ ગાળાની બધી મર્યાદાઓ ખરેખર મર્યાદાઓ નહોતી- તેમ સમજવાનું થાયને ? એ ઉપરાન્ત બીજા પ્રશ્નો પણ જન્મી આવે છે.
નવી પેઢીના વિવેચકોમાં શરીફા વીજળીવાળાનું નામ અનિવાર્યપણે લેવું પડે તેવું ઝીણું કાંતવાનું કામ એ કરી રહ્યાં છે. સીધાં સટ અને સ્પષ્ટ નિરીક્ષણો અને સરળ શૈલી એમના વિવેચનની વિશેષતા રહી છે. પીએચ.ડી. નિમિત્તે કરેલ સંશોધનકાર્ય છે ‘ટૂંકી વાર્તામાં કથનકેન્દ્ર’ અને અન્ય વિવેચન ગ્રંથ એટલે ‘વાર્તાસંદર્ભ’- આ બંને ગ્રંથોમાં આપણને ટૂંકીવાર્તાના સ્વરૂપ અને લાક્ષણિકતા અને વિવિધ અંગો વિશે, ગુજરાતી વાર્તાપ્રવાહો વિશેની એમની વિચારણા મળે છે. દેશી અને વિદેશી વાર્તાઓની પ્રત્યક્ષ સમીક્ષાઓ અને વાર્તા વિશેના ગુજરાતી વિવેચકોના વિવેચનકાર્ય વિશે જાગૃત ચોકિદારની અદાથી સક્રિય છે. ટૂંકી વાર્તાના કથનકેન્દ્ર વિશે ગુજરાતીમાં સૌ પહેલી વાર એમણે ઊંડાણપૂર્વકની વિચારણા કરીને ટૂંકીવાર્તાના વિવિધ ઘટકો વિશે કેટલી સૂક્ષ્મ વિચારણા થવી જરૂરી છે તેનું દિશા નિર્દેશન પણ કરી આપ્યું છે. આધુનિક વાર્તાઓમાં થયેલી પ્રયોગખોરીને તે ઉદાહરણ સાથે ચીંધી આપે છે. સુરેશ જોષી અને એમના અનુગામી વિવેચકોના ટૂંકી વાર્તા વિશેના આગ્રહો-દુરાગ્રહોના કારણે વાર્તાને કેવું નુકશાન ગયું તેની વાત કરવા સાથે એ ગાળામાં જન્મી આવેલ સારી બાબતોને પણ તારવી આપે છે. ભૂપેશ અધ્વર્યુ, હિમાંશી શેલત, મોહન પરમાર, વીનેશ અંતાણી, અંજલિ ખાંડવાલા જેવા વાર્તાકારોને આધુનિકોત્તર ગાળાના મહત્વના સર્જક તરીકે પોંખવાની ઉદારતા પણ દાખવે છે. ને જરૂર પડ્યે એ જ વાર્તાકારોની નબળી વાર્તાઓની ટીકા પણ સ્પષ્ટ રીતે કરે છે. ટૂંકી વાર્તાનું સત્ય અને સામગ્રીનું રૂપાન્તર, જૈવિક સંવાદિતા, વાર્તાનો ચમત્કૃતિભર્યો અંત, નારીવાદી દૃષ્ટિથી આલેખાયેલી વાર્તાઓ, છેલ્લી પચ્ચીસીની વાર્તાઓ- એમ ટૂંકી વાર્તાના તમામ પાસાઓને સ્પર્શવાનો નિષ્ઠાભર્યો પ્રયાસ એમનામાં મળે છે. આગળની પેઢીના વિવેચકોએ કરેલા સંદિગ્ધ વિધાનોને શોધવાનું કાર્ય રસપૂર્વક કરતા જણાય છે. ગુજરાતી ભાષામાં વિવિધ ડિગ્રી મેળવવા થતાં સંશોધનો, સંપાદનો, પાઠ્ય પુસ્તકોની પસંદગી બાબતે પણ એમની વીજળી જેમ ત્રાટકવાની ત્રેવડ અભ્યાસતેજથી સજ્જ હોય છે. એમની મર્યાદાઓ રાધેશ્યામ શર્માએ ‘છેલ્લી પચ્ચીસીની વાર્તા વિશે વિવેચનનું વિવેચન’[v]નામના લેખમાં થોડાં વધુ આકરા બનીને રિએક્શનરૂપે આલેખી હોવા છતાં તાર્કિક અને સાધાર છે.
ભરત મહેતા છેલ્લા દોઢેક દાયકામાં ઊભરી આવેલા વિવેચક છે. કથા સાહિત્યના વિવેચનમાં વધારે સક્રિય એવા ભરત મહેતા ‘સ્પષ્ટ કહેનારાં’, બેધડક કહેનારાં વિવેચક તરીકે જાણીતા બન્યાં છે. એમણે ટૂંકી વાર્તાની પ્રત્યક્ષ વિવેચનાનો માર્ગ લીધો છે. એમની પાસેથી સિદ્ધાંતલક્ષી ચર્ચા-વિચારણાને બદલે કૃતિલક્ષી, કર્તાલક્ષી વિવેચન વધું માત્રામાં મળ્યું છે. અત્યાર સુધીમાં દસેક જેટલાં વિવેચન-સંપાદનના પુસ્તકો પ્રકાશિત થઇ ચૂક્યાં છે. કથામંથન, વિવેચનપૂર્વક અને સંદર્ભસંકેત જેવા સંગ્રહોમાં ટૂંકી વાર્તા વિશેની એમની વિચારણા મળે છે. ટૂંકી વાર્તાના આરંભકાળથી શરૂ કરીને ઐતિહાસિક ક્રમે અને સ્તિત્યંતરરૂપે પણ સિદ્ધ થઇ હોય તેવી ઘણી વાર્તાઓ અને વાર્તાકારો વિશે તેઓ મુલ્યાંકન કરતાં રહ્યાં છે. આધુનિક યુગની અને તે પછીની સાંપ્રત વાર્તાઓ અને વિવેચન વિશે એ લખે છેઃ ‘જે સમયગાળો ટૂંકીવાર્તામાં મંદપ્રાણ હતો ત્યારે સુરેશ જોષીએ બળકટ વિવેચન દ્વારા ટૂંકીવાર્તાની સૈદ્ધાંતિક વિચારણા પૂરી પાડી હતી. આજે જ્યારે નોંધપાત્ર વાર્તાસંગ્રહોની સંખ્યા વધી છે ત્યારે ટૂંકીવાર્તાની સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ વિચારણા મંદપ્રાણ લાગે છે…’ [vi] ભરત મહેતાએ ઘણાં વાર્તાકારોના વાર્તાસંગ્રહો અને છૂટક વાર્તાઓની પ્રત્યક્ષ સમીક્ષા કરી છે. આધુનિક વાર્તાકારોથી શરુ કરીને એ પછીના સાંપ્રત સમયમાં લખતાં લેખકોમાં આવી રહેલા બદલાવને એમણે ધ્યાનપૂર્વક આલેખી આપ્યાં છે. ટૂંકીવાર્તાના કથાનકો, રજૂઆતની પદ્ધતિઓ, સામાજિક પ્રતિબદ્ધતા, કળા સાથેની પ્રતિબદ્ધતા જેવા મુદ્દે તેમની સમીક્ષાઓ મળતી રહી છે. ટૂંકીવાર્તાના વિવિધ અંગોને ધ્યાનમાં રાખીને તે વાર્તાઓમાંથી સદૃષ્ટાંત ચર્ચા કરે છે. એક વાર્તાની અન્ય સાથેની તુલના, દેશ વિદેશની વાર્તાઓના સંદર્ભોની પ્રચુરતા વિશે સતીશ વ્યાસે પણ ટકોર કરેલી કે ‘ક્યાંક અપ્રસ્તુત વાચનસંદર્ભો પણ ઉત્સાહને કારણે આવી જતા લાગે પણ એનો આશય જે તે રચનાની સમીપ પહોંચવાનો જ હોય. એમાં નિષ્ઠાનો અભાવ લાગતો નથી.’[vii]
એમના વિવેચનમાં મને અવાર નવાર જે વાત ધ્યાન પર આવ્યા કરી તે છે કશાક નિર્ણય પર આવવાની અધિરાઇ. એમના ચિત્તમાં જે તે વિધાન કરતાં પહેલા તાર્કીક માળખું જન્મતું હશે પણ એ લખાણમાં પૂરેપુરું ન ઝીલાવાના કારણે આંચકાજનક વિધાનરૂપે પ્રગટ થતું અનુભવાય છે. દા.ત. ‘‘પ્રવીણ ગઢવીની ‘એકલવ્ય’ અને ‘મત્સ્યગંધા’ પુરાકથાની મદદથી દલિતત્ત્વને તીવ્રતાથી વાચા આપે છે. સિત્તેર વર્ષનો વયોવૃદ્ધ એકલવ્ય તૈયાર કરેલા એક સૈનિકને મોકલી કૃષ્ણ -The King Maker- ને ખતમ કરાવે છે. ઇતિહાસને આવા વિશિષ્ટ દૃષ્ટિકોણથી જોવાનો અભિગમ જ, કલ્પનાશક્તિ જ અન્ય કોઇ પ્રયુક્તિની મદદ વિના કૃતિને અદ્યતનતા આપે છે. આમ, વાર્તામાં ઘટનાહ્રાસ જ વાર્તાને કળાત્મક બનાવે તે સમીકરણ ટકતું નથી.’’ [viii]
આ વિધાનને જોઇને કેટલાક પ્રશ્નો જન્મેઃ કૃષ્ણને યુક્તિથી મરાવતાં એકલવ્યની વાત- ખરેખર અપૂર્વ છે એનો સ્વીકાર પણ કરીએ. પણ મને પ્રશ્ન છે પછીના વિધાનનો જેમાં કહેવાયું છે કે- ઇતિહાસને આવા વિશિષ્ટ દૃષ્ટિકોણથી જોવાનો અભિગમ જ, કલ્પના શક્તિ જ અન્ય કોઇ પ્રયુક્તિની મદદ વિના કૃતિને અદ્યતનતા આપે છે.- આ વિધાનને આપણે કઇ ભૂમિકાએ સ્વીકારી શકીએ ? સવાલ અહીં ઇતિહાસને કે કોઇ પાત્રને કઇ રીતે જોવામાં આવ્યું છે તે નથી પણ ‘ટૂંકી વાર્તા’ બની છે કે નહીં તે મહત્વનું છે. ભલે પછી એ સુરેશ જોષી કહેતા હતા તે મુજબની નહીં, તો ગમે તે રીતની પણ એ ટૂંકી વાર્તા કઇ રીતે બને છે તે જણાવવું અને અદ્યતન કઇ રીતે બને છે તે જણવવાનું પણ એટલું જ મહત્વનું છે. અને છેલ્લું વિધાન તો કોઇ રીતે ગળે ઉતરે તેવું નથી. ‘આમ, વાર્તામાં ઘટનાહ્રાસ જ વાર્તાને કળાત્મક બનાવે તે સમીકરણ ટકતું નથી.’- આવું વિધાન સાવ ઊભડક જ ઠરે. સુરેશ જોષીએ ઘટના તિરોધાન ઉપરાન્ત બીજા પણ ઘણાં આગ્રહો રાખેલા એ વિશે સૌ જાણે જ છે એટલે આ વાતે અહીં અટકું.
જયેશ ભોગાયતા ધીમ ગતિએ, મક્કમ રીતે ચોક્કસ શૈલીએ ચાલતાં વિવેચક છે. એમણે પોતાનું સમગ્ર ધ્યાન જાણે ટૂંકી વાર્તા અને વિવેચન પર જ કેન્દ્રિત કર્યું હોય તેમ ટૂંકી વાર્તાના વિવિધ ઘટકો પર સૂક્ષ્મ ચિન્તન રજૂ કરે છે. ‘ટૂંકી વાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’ જેવો વિષય રાખીને સંશોધન કરનારાં જયેશભાઇ વાર્તાઓની નિરૂપણરીતિને કેન્દ્રમાં રાખી તેના વિવધ પ્રકારો દર્શાવતી વાર્તાઓના સંચયો સંપાદિત કરવા સાથે મજબૂત વિચારણા પણ રજૂ કરે છે. તે જ રીતે ગુજરાતી વાર્તામાં ‘પરિવેશ’ પર ચિન્તન કરે. કલામીમાંસામાં રસ ધરાવતાં આ વિવેચક પાશ્ચાત્ય મીમાંસકોના સંદર્ભો આપવાનું રોકી નથી શકતાં. એમની શૈલી વમળાકારે ચાલે છે એટલે એમને વાંચનાર માટે ધીરજનો ગુણ હોવો ફરજિયાત છે. ટૂંકીવાર્તા વિશેની સમીક્ષાઓ, સિદ્ધાંતચર્ચાઓ, ગુજરાતી વિવેચકોના ગ્રંથ વિશેની એમની સમીક્ષાઓ, ટૂંકી વાર્તાના એમણે કરેલ સંપાદનો અને હાલ જે સામયિકનું સંપાદન કરી રહ્યાં છે તે ‘તથાપિ’-ને જોવાથી એમની સજ્જતા અને વિવેચનની દિશામાં વિસ્તરતી એમની ક્ષિતિજો ભવિષ્યના મજબૂત વિવેચક તરીકે માનવા પ્રેરે તેમ છે.[ix] ઇલા નાયક પાસેથી આપણેને વિવિધ સ્વરૂપોની રચનાઓ વિશે, વિવિેચનના ગ્રંથો વિશેની સમીક્ષાઓ પ્રાપ્ત થાય છે. એમણે આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં કપોલકલ્પનાનો વિનિયોગ- વિષય પર ઊંડાણપૂર્વકનું સંશોધનકાર્ય કર્યું હોવાથી પણ ભવિષ્યમાં આ સ્વરૂપ વિશેની વર્તમાન સ્થિતિ વિશે સિદ્ધાંતલક્ષી સમીક્ષા મળશે તેવી શ્રદ્ધા બેસે છે.
હરિકૃષ્ણ પાઠકે વર્તમાન વાર્તાઓ વિશે સરસ નિરીક્ષણ રજૂ કર્યું છે એ જોવા જેવું છેઃ ‘છેલ્લા દાયકામાં વાર્તાસર્જનમાં બોલીના અતિ પ્રયોગ થયા છે તેનાથી વાર્તા પામવામાં જ વ્યવધાન ઊભાં થાય તો વાર્તાકાર કે ભાવક કોઇને કશો લાભ ન થાય. વળી બોલીને વાર્તાનો પર્યાય માની લેવાના વલણથી યે સાચવવું પડે. અને ક્યારેક તો એવું પણ બને છે કે બોલીના વ્યામોહમાં તણાતો વાર્તાકાર પોતે તળપદના વ્યવહારો, સમાજ, તેમના રીતિરિવાજ, ત્યાં પચલિત રૂઢિઓ અને કહેવતો વિશે પોતે શું શું જાણે છે તે કહી દેવાની લાલચમાં આણું પાથરી બેસે છે….[x]’ તો હર્ષદ ત્રિવેદી ભાગ્યે જ વિવેચન કરે છે પણ કેટલાક લેખો એમના તરફથી મળ્યા છે એમાં નિરીક્ષણો સ્પષ્ટ અને તાર્કિક હોય છે. એ અત્યારની વાર્તા વિશે બે ધડક કહે છેઃ ‘જૂદી કેડી પાડનારનો મહિમા અળપાઇ જાય એ હદે હવે અનુકરણો અને અનુરણનો થવા લાગ્યાં છે. તળપદનાં રૂને તૂણી તૂણીને પૂણીઓ બનાવી એકપગે તકલી ફેરવનારાઓ વધી પડ્યા છે. તો વળી, કોઇએ તો અંબર ચરખાઓ સતત ચાલતા રહે એની પણ ખેવના કરી છે. પરિણામે આરંભ-મધ્ય અને અંત સમેતની, પોતપોતાના પ્રદેશોની ભાષાના વળાટોના પહેલા બીજા સ્તરને સારી રીતે પ્રગટ કરતી વાર્તાઓ તો ઢગલાબંધ મળી, પરંતુ ખરી નિસ્બતથી લખાયેલી ખરેખરી ‘વાર્તા’ પ્રમાણમાં ઓછી પ્રાપ્ત થાય છે.’[xi]
મોહન પરમાર, હરિશ મંગલમ, દલપત ચૌહાણ, ભી.ન. વણકર, મધુકાન્ત કલ્પિત, ડો. પથિક પરમાર આદિએ ગુજરાતી દલિત સાહિત્યની વિભાવનાને સ્પષ્ટ કરતાં વિવેચનો કર્યા છે. મોહન પરમારમાં જેટલી વિવેચન કરવા માટેની સજ્જતા જણાય છે તે અન્યમાં જણાતી નથી. મોહન પરમારનું ચિત્ત કળાના ધોરણો અને સામાજિક પ્રતિબદ્ધતાના બે અંતિમો વચ્ચે અફળાતું અનભવાય છે. તેમ છતાં દલિત ટૂંકી વાર્તામાં શું અભિપ્રેત છે તે એમણે તારવી આપવાના પ્રયત્નો કર્યા છે. દલપત ચૌહાણ પણ આ દિશામાં હજી વધારે કરી શકે તેમ જણાય છે.
રમણ સોનીએ પ્રત્યક્ષના સાતત્યભર્યા સંપાદનથી પણ પોતાની વિવેચન દૃષ્ટિનો પરિચય આપ્યો છે. એ આજની ટૂંકી વાર્તા વિશે કહે છેઃ ‘હવે પેલી દુર્વાચ્ય ને દુર્બોધ વાર્તાઓ તો લગભગ ગઇ.(અલબત્ત, જરા જુદી રીતે, અવાચ્ય વાર્તાઓ લખાય છે ખરી) સુવાચ્ય, પકડી રાખનારી, ચોખ્ખા ઘટનાવહનવાળી વાર્તાઓ મળવા લાગી છે. જે વધુ સારી છે તે ભાષાના મર્મો ઉપસાવીને પણ અસંદિગ્ધ રહેનારી છે….’ એટલું કહીને આજની વાર્તાઓની મર્યાદાઓ પણ ચીંધી આપે છેઃ ‘આપણી વાર્તા જીવનના વ્યાપક સંદર્ભોને બહુ હાથ ધરતી નથી. અન્ય ભારતીય કે વિદેશી ભાષાઓની ઉત્તમ વાર્તાઓ વ્યાપ અને ઊંડાણનો જે અનુભવ આપે છે ત્યાં પહોંચવાનું આપણી વાર્તાથી બહુ ઓછું બને છે. કદાચ આપણાં જીવનપ્રણાલી અને અનુભવજગત એ પ્રકારનાં છે કે કેટલાક સંદર્ભોથી બહાર કૂદી જવાનું શક્ય ન બનતું હોય. આપણો લેખક સામે મળેલા અનુભવનું સાહિત્ય રચશે, સામેથી અનુભવ લેવા, કોઇ ક્ષેત્રકાર્ય કરીને નવા સંદર્ભોનું સાહિત્ય રચવા એ ઉદ્યુક્ત થતો નથી. એટલે, આપણી આ બધી સ્થિતિઓની વચ્ચેથી જે ઉત્તમ નીપજી આવે છે એને જ જોવાનું હોય.’[xii]
ગણેશ દેવીએ ‘સ્મૃતિભ્રંશના પગલે પગલે..’માં દેશી-તળના સાહિત્ય, વિચાર તરફ પાછા ફરવાની વાત કરવા સાથે મધ્યકાળમાં ખૂંપેલા આપણાં મૂળની શોધ ચલાવી છે, તે ઉપરાન્ત પણ લેખો, સેમિનાર, આદિવાસી વિસ્તારોમાં વિદ્યાકિય કામગીરી સાથે સક્રિય રહીને સાહિત્યની સમાજાભિમુખતાને મજબૂત બનાવવા મથી રહ્યાં છે.
નીતિન મહેતા વિશ્વસાહિત્ય સાથે નાતો ધરાવતાં સજ્જ અધ્યપક અને વિવેચક છે. એમણે આ ગાળાના સાહિત્યને પરિષ્કૃત જેવા કોઇ નામોથી નહીં પણ અનુઆધુનિકતાવાદ સાથે સાંકળતા લખ્યું છે- લગભગ ૧૯૭૦ની આસપાસથી ઇતિહાસ, પરમ્પરા તથા પોતાનાં મૂળિયાં તરફ પાછા વળવાની શોધનો આરંભ અનુઆધુનિકતાવાદી વિચારકો-અભ્યાસીઓ કરે છે. અલબત્ત આ શોધ મુગ્ધતાભરી નિર્દોષતાથી મુક્ત છે. આધુનિકતાની ઓળખ પછીની જાગેલી તરસમાંથી જન્મેલી આ શોધ છે. આ માત્ર નોસ્ટેલજિયા નથી. આ દ્વારા આપણે અનેક ચહેરાવાળી ને વિવિધ પ્રકારના ભૂતકાળનો સામનો કરીએ છીએ. અનુઆધુનિકો ભૂતકાળનો આધાર લઇ એમાંથી જ એક વૈકલ્પિક ભૂતકાળ રચવા માંગે છે. સ્ત્રીઓના ઇતિહાસને આધારે અનુઆધુનિકતા વાદે વિશિષ્ટ સંદર્ભો સાથે નારીવાદની રચના કરી છે. વિસ્થાપિતો, ઉપેક્ષિતો ને સદા સહન કરનારાના ઇતિહાસને આધારે વિભેદનું કાવ્યશાસ્ત્ર રચાઇ રહ્યું છે. જેમાં હાંસિયામાં ધકેલાઇ જનારની વાત જુદા પરિપ્રેક્ષ્યથી કરવામાં આવે છે. પર્યાવરણવાદની શોધ દ્વારા પ્રકૃતિ સાથે એક વૈકલ્પિક સંબંધ રચવાનો પ્રયત્ન વાર્તાઓમાં થઇ રહ્યો છે…અનુઆધુનિકતાવાદ અનેક છે. એને કારણે આપણને સાહિત્ય-કળાને સમજવાનાં અનેક કેન્દ્રો પ્રાપ્ત થયાં છે.’[xiii]
ભોળાભાઇ પટેલ, નરેશ વેદ જેવા વિવેચકોએ ભારતીય ભાષાઓના સંદર્ભો સાથે ટૂંકી વાર્તાને સમજવા, સમજાવવાની મથામણ કરી છે. અન્ય સ્વરૂપોની સરખામણીએ ટૂંકી વાર્તાનું સ્વરૂપ કઇ રીતે અલગ છે તે વિશેની વિચારણામાં આ બંને વિવેચકોનુ પ્રદાન નોંધપાત્ર રહ્યું છે.
સુમન શાહ, ચંદ્રકાન્ત ટોપીવાળા અને શિરીષ પંચાલના વિવેચનકાર્ય વિશે વિગતે સ્વતંત્ર લેખ કરવો પડે તેવું માતબર ખેડાણ છે એમનું. ગુજરાતમાં ચાલતી સર્જન પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ પ્રમાણવાની મથામણ તો કરતાં જ રહે છે પણ એ સર્જન કાર્યને સૈદ્ધાંતિક પિઠિકા પ્રાપ્ત થાય તે માટેની એમની મથામણ જાણીતી છે. પ્લેટો એરિસ્ટોટલથી શરૂ કરીને યુરોપ અમેરિકાની વર્તમાન વિવેચન વિચારણાઓ સાથે, વિશ્વના સૌંદર્યશાસ્ત્ર સાથે અને ભારતીય કાવ્યશાસ્ત્ર સાથે પોતાને જોડી રાખી ગુજરાતમાં એ વિચારોને મુકી આપવા મથે છે. ઘણાને એનું સીધું મહત્વ નહીં લાગતું હોય, પશ્ચિમ તરફ મોં રાખીને બેઠેલા વિવેચકો- તરીકે ઓળખાવાની જૂની ફેશન પ્રમાણે એમની મથામણને પ્રમાણનારાં ઓછા હશે પણ એ દેશ-વિદેશની વિચારસરણીનું, એ સૌંદર્યશાસ્ત્રની ચર્ચાનું મહત્વ છે. જરૂરી નથી કે બધું જ આપણાં સર્જકોએ સ્વીકારવું, એ પ્રમાણે જ વિચારવું ને સર્જવું – પણ વિશ્વ પ્રવાહોથી અવગત રહેનારાં કેટલાં વિદ્વાનો સક્રિય છે આજે ? વળી ચંદ્રકાન્ત ટોપીવાળા તો છેલ્લા પાંચ-સાત વર્ષોથી ‘માર્જિનલ લિટરેચર’- પાછળની તત્ત્વજ્ઞાનિય પિઠિકા રચવા જે રીતે પ્રયત્નશીલ છે તે નોંધપાત્ર જ નહીં ગુજરાતી સાહિત્યનું ઉજળું જમાપાસું છે. આધુનિક સાહિત્યમાં કૃતિ જ કેન્દ્રમાં હતી. આજે કેન્દ્ર બદલાયું છે. એક નહીં પણ અનેક કેન્દ્રો સાહિત્યના કેન્દ્રમાં આવ્યાં છે. દલિત સાહિત્ય, શહેરી સંવેદનાનું સાહિત્ય, નારીવાદી સાહિત્ય, પર્યાવરણનું સાહિત્ય, વિકલાંગોનું સાહિત્ય જેવા કેન્દ્રોમાં વહેચાઇ રહ્યું હોવાનું નિદાન ટોપીવાળા પાસેથી પ્રાપ્ત થાય છે. ભાષાશાસ્ત્રીય દૃષ્ટિકોણ, નવ્ય વિવેચન, અનુઆધુનિકતાવાદ વિશેની આ વિવેચકોએ નક્કર કામગીરી કરી આપી છે. આ વિવેચકોએ પોતાના વિચારોને સતત વિકસાવતાં, સંશોધતા અને પરિવર્તનશીલ રાખી શક્યા છે. આધુનિકગાળાથી શરૂ કરીને આજના સાહિત્યને પ્રમાણવાના એમના ગજ બદલાયા છે, સુમન શાહ એટલે જ તો ‘સંરચનાવાદ વિશે વળી થોડું-પણ આજે’ [xiv]– નામે લેખ કરી શકે છે. વિવેચકનું આ તો કર્તવ્ય છે. સુમનભાઇની વિવેચનભાષા સરળ નથી એવી ફરિયાદ સતત રહી છે તેમાં પણ બદલાવ આવ્યો હોવાનું તેમના છેલ્લા ચાર વિવેચનસંગ્રહ જોઇને કહી શકાય તેમ છે.
રાધેશ્યામ શર્મા સર્જન ઉપરાન્ત સતત અને સાતત્યપૂર્ણ વિવેચન કરતાં રહ્યાં છે. ખાસ કરીને કૃતિલક્ષી સમીક્ષાઓમાં એમનું પ્રદાન અપૂર્વ ગણી શકાય એવું છે. આધુનિક વાર્તાઓ સાથે સીધી રીતે સંકળાયેલા રાધેશ્યામ બદલાતાં વહેણની વાર્તાને પણ એટલી જ સહ્યદયતાથી સ્વીકારવાની તૈયારીવાળા વિવેચક છે.પણ આજના વાર્તાકારો અને ખાસ તો સુરેશ જોષીની કળાવિભાવનાને ભાંડવામાં ઉત્સુક એવા વિવેચકોને ચેતવતા લખે છેઃ ‘યાદ રાખવું જરૂરી છે કે જેટલી દુર્બોધતા, ક્લિષ્ટતા કલાને હાનિકારક મનાઇ છે એના કરતાં પણ ભલાભોળા ભાવકોને સદ્ય સંડોવતી, સંવેદનાના નામે છેતરતી, વારતારસના ઘૂંટડા ગળાવતી તેમજ કૂંડા ઠાલવતી સુબોધતા અને સરલીકૃત સંક્રમણશીલતા અધિક ખતરનાક છે. વાર્તારચના વર્તમાનકાળની, વિષયગ્રસ્ત સમસ્યાઓના નાનામોટા નિબંધ બની જવાની સવિશેષ સંભાવના પાકી છે.’[xv]
રઘુવીર ચૌધરીએ સતત વિવેચનકાર્ય કર્યું છે. એમના વિવેચન ગ્રંથોમાં, લેખોમાં નવલકથાથી માંડી મોટાભાગના ગદ્ય સ્વરૂપો વિશેની વિચારણા અને પ્રત્યક્ષ કૃતિલક્ષી સમીક્ષાઓ મળે છે. છેલ્લે શબ્દસૃષ્ટિના દિવાળી અંકમાં પણ એમના ટૂંકી વાર્તા વિશેનું દૃષ્ટિબિંદુ પ્રાપ્ત થાય છે[xvi]. એમના ચિત્તમાં હજી પણ સુરેશ જોષીએ છેડેલ ઘટના તિરોધાનનો મુદ્દો એટલું જ મહત્વ ધરાવે છે તે એમાં જોઇ શકાય છે. વાર્તામાં જેની અનિવાર્યપણે વિચાણા કરવી પડે તે બાબતો- સમય સંકલના (હેન્ડલિંગ ઓફ ટાઇમ), ઘટનાતત્ત્વ (હેપનિગં ઇન સ્ટોરી) અને સંવેદન (સેન્સિબિલિટી) વિશે પણ વાત કરે છે. એમના વિચારોમાં સાતત્ય છે. વિચારને વ્યક્ત કરવાની આગવી રીત છે અને ખાસ તો સમાજ સાથેની પ્રતિબદ્ધતા વિશે એ પહેલેથી જ નિશ્ચિત દિશામાં ચાલ્યા છે. કલાવાદી છે પણ માત્ર કલાવાદી નથી.
આ ગાળામાં જયંત કોઠારીએ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોને આધુનિક કૃતિવિવેચનમાં પ્રયોજવાની મથામણ કરી પાતળા ચીલારૂપે આવતા પ્રવાહને મજબૂત કરવાના પ્રયાસ કર્યા છે. એમણે કરેલ ‘ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા’ નું સંપાદન ગુજરાતી સાહિત્યમાં થયેલ ટૂંકી વાર્તા વિશેની વિચારણાને એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવી આપવા સાથે પોતાના ચોક્કસ દૃષ્ટિકોણના કારણે ગુજરાતી વિવેચનામાં સદૈવ સંસ્મરણિય બની રહેવાના છે. ભારતીય અને પાશ્ચાત્ય બંને ધારાઓના સિદ્ધાંતોના સમન્વયનું, સમાર્જનનું કાર્ય કોઠારી સાહેબે ખંતપૂર્વક કર્યું છે. એમના ચીવટભર્યાં નિરીક્ષણો, સ્પષ્ટ અને નિર્ભીક રહ્યાં છે.[xvii]
પ્રમોદકુમાર પટેલ આપણાં જાણીતા, પ્રતિષ્ઠિત વિવેચક રહ્યાં છે. એમણે ગુજરાતી ટૂંકી વાર્તાના દરેક પાસાઓ અંગે સૂક્ષ્મ વિચારણા આપી છે. તેઓ ગુજરાતી અને વિશ્વકક્ષાએ પણ ટૂંકી વાર્તાની થયેલી વિવેચનાથી સંતુષ્ટ નથી. મુલ્યાંકન કે સમીક્ષા સુધી વિસ્તરતી ત્રિજ્યામાં જ ટૂંકી વાર્તાનું વિવેચન થતું હોવાની ફરિયાદ કરે છે.[xviii] તેમણે પણ છેલ્લા દોઢ દાયકામાં ટૂંકી વાર્તા ક્ષેત્રે આવી રહેલા બદલાવને નોંધ્યો છે. પ્રમોદકુમાર પટેલ કહે છે- ‘પણ અહીં જ આપણે થંભીએ, નવી નવલિકાએ આંતરચૈતન્યની ઊંડી ખોજમાં બહારની કઠોર વિષમ વાસ્તવિકતાઓનો સ્પર્શ ખોયો છે. અને, એ રીતે, એ કેવળ આત્મલક્ષી વિશ્વમાં પરિબદ્ધ થઇ ગઇ હોય, એવી એક તીવ્ર લાગણી પણ રહી જાય છે, તો એવા બાહ્ય વાસ્તવની સંકુલતા અને તેની ભૌતિકતાનેય એ ફરીથી ગ્રહણ કરે, એ જરૂરી છેઃ આંતર અને બાહ્ય વાસ્તવ, સ્વપ્ન અને કઠોર વિષમ વ્યવહાર, બૃહદ્ અને અણુમય-બંને ધ્રુવો વચ્ચેથી સર્જક વાર્તાની સંકુલ ઘટના શોધે, તો કદાચ તેની પ્રવૃત્તિ રસપ્રદ અને પ્રભાવક બની રહે, એમ લાગે છે’[xix]
નવીન કા. મોદી, સતીશ વ્યાસ, વિજય શાસ્ત્રી, જયંત પારેખ, બાબુ સુથાર, બાબુ દાવલપુરા, ઇલા નાયક, બિન્દુ ભટ્ટ, કાનજી પટેલ, ગીતા નાયક, કિરિટ દૂધાત, રમેશ ર. દવે, રાજેશ પંડ્યા, અજય રાવલ, ગંભીરસિંહ ગોહિલ, અરૂણા બક્ષી, ગુણવંત વ્યાસ, કિશોર વ્યાસ, મહેન્દ્રસિંહ પરમાર, દર્શિની દાદાવાલા પાસેથી આપણને કૃતિ આસ્વાદો અને સમીક્ષા લેખો મળતાં રહ્યાં છે. એમની પાસે રહેલી સ્વરૂપ વિશેની સમજ ભવિષ્યમાં એમની પાસેથી સિદ્ધાંતલક્ષી વિવેચના પ્રાપ્ત કરાવશે એવી શ્રદ્ધા બેસે છે. બિપિન પટેલે ‘આધુનિકોત્તર વાર્તાઃ દેશીવાદ સંદર્ભે’ લખ્યો છે તે પણ નોંધપાત્ર છે.[xx] ડો. રંજના હરીશ દ્વારા કરવામાં આવેલ શક્તિ- નામનું સંપાદન નારીવાદની વિચારણાને વેગ આપનારું સંપાદન છે.
સરુપ ધ્રુવ, હિરેન ગાંધી, મયંક ઓઝા આદિએ જનવાદી દૃષ્ટિકોણથી આધુનિકોની કલાવાદી ભૂમિકાનો, સાહિત્યકારો સામે ઉહાપોહ કરવાનો પ્રયાસ કર્યો છે પણ એમની આખીએ વાતમાં સાહિત્ય કરતાં સમાજ આંદોલન મુખ્ય હોવાનું જણાય છે. એના સાહિત્યરુપાન્તરણ વિશેની કોઇ નક્કર વાત એમની પાસેથી મળતી નથી.[xxi]
આ ઉપરાન્ત પણ ઘણાં નામો હજી ઉમેરી શકાય.
એક રીતે જુઓ તો ટૂંકી વાર્તાની કૃતિલક્ષી સમીક્ષાઓ ખૂબ મોટા પ્રમાણમાં થઇ રહેલી જોઇ શકાય છે. પણ જે રીતે ધુમકેતુ-દ્વિરેફ દ્વારા વાર્તાવિવેચનની પીઠિકા રચી આપવામાં આવી, ત્યાર પછી ઉમાશંકર જોશી, ચુનિલાલ મડિયા, મનસુખલાલ ઝવેરી, હરિવલ્લભ ભાયાણી જેવા વિવેચકોએ વાર્તાની લાક્ષણિકાતાઓ વિશે પ્રમાણમાં ઓછી પણ નક્કર વિવેચનાત્મક ભૂમિકા રચી આપવામાં આવી હતી. એક બાજુ ભારતીય પરંપરામાં કથાના મૂળ શોધવાની મથામણ અને બીજી બાજુ યુરોપ-અમેરિકન વિવેચનમાં ટૂંકી વાર્તાનું મૂળ જોતી વિચારણાઓ મળે છે. તેમ છતાં એ વિવેચન પ્રમાણમાં ઓછું મૂળગામી જણાય છે.
સુરેશ જોષીથી શરૂ થાય છે કંઇક વધારે સઘન એવી વાર્તા વિશેની વિવેચના- વાર્તામાં ઘટનાનું સ્થાન ત્યારે ‘હોટ કેક’ જેવો મુદ્દો બની રહે છે. એ જ રીતે વાર્તામાં પ્રયોજાતી વિવિધ પ્રયુક્તિઓ વિશે પણ ખાસ્સી વિચારણા મળી. રૂપરચના-સંરચનાવાદી અભિગમ કેન્દ્રમાં રહે છે પરિણામે વાર્તાના દરેક અંગનું એકત્વ કઇ રીતે સધાય તે મુદ્દો તત્ત્કાલીન વિવેચકો વિચારે છે. પણ ટૂંકીવાર્તાના ઘટક તત્ત્વોને સ્વતંત્ર રીતે, કૃતિઓના આધારે ફોડ પાડીને નિદાન કરનારી મૂળગામી વિવેચના પ્રમાણમાં ઓછી થયેલી જણાય છે. તેમ છતાં જયંત કોઠારી, હરિવલ્લભ ભાયાણી, અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ, સુમન શાહ, રાધેશ્યામ શર્મા, રઘુવીર ચૌધરી, શિરીષ પંચાલ, પ્રમોદકુમાર પટેલ આદિ વિવેચકોએ ટૂંકી વાર્તા વિશે પ્રમાણમાં આશ્વાસન લઇ શકાય તેવી વિવેચના આપી છે.
છેલ્લા દોઢ-બે દાયકાથી સક્રિય થયેલા વિવેચકોમાં પાસેથી હજી વધારે સઘન, વધારે સિદ્ધાંતકેન્દ્રિ, વધારે સ્વસ્થ વિવેચન પ્રાપ્ત થઇ શકે એવી શક્યાતાઓ જણાય છે. બાકી તો સુમન શાહે વર્તમાન વિવેચન વિશે કહ્યું છે – ‘ગુજરાતી વિવેચનાને આજકાલ નવલિકાના પુનર્મુલ્યાંકનની ચળ ઉપડી છે. પરન્તુ ક્યાં કેટલું ખંજવાળવું ને શેની તપાસ કે વાઢકાપ શા માટે અને શી રીતે કરવી તેની એને જાણ નથી. કેટલાક તો આપણને એ પચીસીની માત્ર મર્યાદાઓ જ દેખાડ્યા કરે છે. એમનામાંના કોઇ કોઇ તો ટ્રેઇન્ડ ગુનાશોધકો જેવા લાગે છે. એઓ બેધડક નવલિકાનો બધો દોષ સુરેશ જોષી પર નાખે છે…ગુજરાતી નવલિકાને સુરેશ જોષીએ રૂંધી નાંખી કે મારી નાંખી એમ કહેવું એ આપણા સમયની મોટામાં મોટી ધ્રુષ્ટતા છે’[xxii] એવું વિધાન કંઇ સાવ નિરાધાર તો નથી જ.
આજની વાર્તામાં વિવિધ વાડા, જાતિઓ-જ્ઞાતિઓમાં વહેંચાયેલો સમાજ, સ્થાનિક પ્રશ્નો, સ્ત્રીઓ-દલિતોની સમસ્યાઓ, જાતિયતાના પ્રશ્નો, વાર્તા જો શહેરને કેન્દ્રમાં રાખતી હોય તો દેખાદેખી, નોકરી-ધંધાની રેસના પ્રશ્નોથી સર્જાતી કૌટુંબિક સમસ્યાઓ, વિદેશી ધરતી પર વસનારાંઓની સંવેદનાને આલેખતું સાહિત્ય, નર-નારીના આપસી સંબંધોનું આલેખન સવિશેષ થાય છે. એમાંય વિવિધ બોલીઓ, લ્હેકાઓ, પરંપરા સાથે નાતો જોડતાં ભાષા-પ્રયોગો, પ્રસંગો, જાતિગત ધંધાઓના વર્ણનો, અપંગો-વંચિતોની સમસ્યાઓ અને પર્યાવરણ, ઉદ્યોગોની સમસ્યાઓ પર વાર્તાઓ લખાય છે- હિમાંશી શેલતને બાદ કરતાં વાર્તાકાર સુમન શાહ, મોહન પરમાર, ( આ વાર્તાકારોને શરીફા વિજળીવાળા, ભરત મહેતા, જયેશ ભોગાયતા આદિ નવ-વિવેચકોનું સમર્થન છે એટલે દૃષ્ટાંત રૂપે ધરું છું.) અને વર્તમાન પ્રવાહના મોટાભાગના વાર્તાકારોની વાર્તાઓ પાનાંઓની સંખ્યાની રીતે વધારે લંબાતી જાય છે. ઘટના અને પરિવેશના આલેખનમાં અને બોલી વૈભવ સર્જતા સંવાદોમાં વાર્તાની મૂળભૂત શરત ‘અંત તરફની ધસમસતી ગતિ અને સઘન છાપ (એક ઇમ્પ્રેશન) દરેક વાર્તામાં અનુભવાય છે ખરી ? હરિકૃષ્ણ પાઠકના શબ્દોમાં કહું તો વાર્તાકાર જાણે આણું પાથરી આપે છે, નિરાંતવો ગતિ કરે છે, કથાવેગ પ્રમાણમાં ઠંડો અનુભવાય છે- જેવા મુદ્દે વિચારવું પડે તેવી સ્થિતિ છે.
અત્યારનું છે એટલે સારું, સમજાય છે સરળતાથી એટલે સારું, વિષયો વણ સ્પર્શ્યા ક્ષેત્રમાંથી આવે છે એટલે વાર્તા સારી, વિદેશી વિચારથી ગ્રસ્ત નથી અને આપણી દેશી જ છે એટલે સારું અથવા તો વિદેશી છે એટલે જ સારું – એવા કોઇ વર્તુળોમાં આપણી વાર્તા પૂરાઇ ન જાય તે જોવાનું કામ જેટલું સર્જકોનું છે એથીએ વધારે વિવેચકોની જવાબદારીમાં આવે છે. એ સુજ્ઞોને કહેવાનું થોડું હોય ?
અત્યારે તો માતૃભાષા, ગુજરાતી કલ્ચર, સાહિત્યનો વારસો જ ટકાવવાના પ્રશ્નો મોં ફાડીને ઊભા છે તેવા આ અતિ આધુનિક સમયમાં સાહિત્ય પ્રવૃત્તિના મૂળમાં જ કશુક ખૂટવા લાગ્યું છે ત્યારે એના આધારિત ટકેલી વિવેચન પ્રવૃત્તિની સ્થિતિ વિશે તો વાત જ શી કરવી ? નવા જ વિવેચન ઓજારની જરૂરત ઊભી થતી જોઉં છું. અમૃત ગંગર, ભરત મહેતા, આદિએ નવા માધ્યમો- ઓડ્યોવિઝ્યુઅલ માધ્યમો સાથે શબ્દની આ સાહિત્યકલાને જોડવાની વાત શરુ કરી દીધી છે – એ દિશામાં પણ વિચારવું પડશે તેમ જણાય છે.
પાદટીપ
[i] . પરિષ્કૃતિઃઆ પાર, ઓ પાર. અજિત ઠાકોર.
[ii] . સહ્યદયતાને આવકાર-લેખ. સ્થિત્યંતર.
[iii] . વર્તાસંદર્ભ- શરીફા વીજળીવાળા. પૃ-૧૦૭
[iv] . નવી વાર્તાસૃષ્ટિ. સંપા. મણિલાલ હ.પટેલનો સંપાદકીય લેખ. પૃ.૧૨-૧૩
[v] . સાહિત્યસંકેત (રાધેશ્યામ શર્મા) પૃ-૧૩૪
[vi] . ભરત વાક્ય. ૨૦૦૩, પૃ-૧૩૫
[vii] . ‘કથામંથન’ની પ્રસ્તાવનાનો લેખ.
[viii] . ભરતવાક્ય. ૨૦૦૩, પૃ.૧૩૬
[ix] . અર્થવ્યક્તિ, આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ, અનુબંધ, કથાનુસંધાન, આવિર્ભાવ આદિ ગ્રંથો અને સંપાદકિય લેખો.
[x] . વાર્તાપર્વ- (બાબુ દાવલપુરા)નો પ્રસ્તાવના લેખ.
[xi] . શબ્દાનુભવ (હર્ષદ ત્રિવેદી) પૃ-૨૩૧
[xii] . ૨૦૦૧ની શ્રેષ્ઠ વાર્તાઓ. સંપાદકીય લેખ(રમણ સોની), (૨૦૦૨) પૃ.૧૦-૧૧
[xiii] . નિરંતર (નીતિન મહેતા) ૨૦૦૭. પૃ.૧૨૨-૧૨૩.
[xiv] .શબ્દસૃષ્ટિ અંક- ૯, સપ્ટેમ્બર ૨૦૦૯. પૃ.૫૯
[xv] . સાહિત્યસંકેત (રાધેશ્યામ શર્મા) પૃ.૧૩૮
[xvi] . શબ્દસૃષ્ટિ વિશેષાંક-૩૧૩-૩૧૪, વર્ષ-૨૬, અંક-૧૦-૧૧.
[xvii]. ગુજરાતી સાહિયવિવેચન (જયંત કોઠારી) (૧૯૯૪)
[xviii] .કથાવિચાર (પ્રમોદકુમાર પટેલ) પૃ.૭-૩૫
[xix] સ્વાતંત્ર્યોત્તર સમયની ગુજરાતી નવલિકાઃરૂપરચનાની દૃષ્ટિએ.(૧૯૮૧)
[xx] .આધુનિકોત્તર સાહિત્ય (સં.સુધા નિરંજન પંડ્યા) પૃ.૧૦૬-૧૨૧
[xxi] .સર્જક ચેતના- પ્રશ્નો અને પડકારો (સંપા. સરૂપ ધ્રુવ, હિરેન ગાંધી, મયંક ઓઝા)
[xxii] .કથાસિદ્ધાંત (સુમન શાહ). પૃ.૧૧૪
- અન્ય વિવેચન ગ્રંથોના સીધા અવતરણો ન હોવાથી અહીં ઉલ્લેખ કરેલ નથી.