લીલી છત્રીવાળાની કમાલ


પ્રવાસસાહિત્ય ગુજરાતી લલિતસાહિત્યમાં પોતાની ચોક્કસ ઓળખ સાથે મક્કમપણે અડિંગો જમાવી ચૂક્યું છે. અન્ય ગદ્ય સ્વરૂપોની જેમ ફૂટકળ નોંધો કે શુદ્ધ ગાઇડ જેવી પુસ્તિકાઓને સર્જનાત્મક કૃતિ તરીકે ખપાવવાના પ્રયત્નોનો હાઉ ગુજરાતી પ્રવાસસાહિત્યને પણ સતત રહ્યા કર્યો છે. પરંતુ જ્યારે કોઇ સબળ કૃતિનું અવતરણ થાય ત્યારે આ બાબતોનો છેદ સંપૂર્ણ ઊડી જતો હોય છે. એ રીતે ડો.પ્રવીણ દરજી કૃત ‘હિમાલયને ખોળે’ જેવી ઉમદા કૃતિ ગુજરાતી પ્રવાસસાહિત્યની ગરિમા પ્રગટાવવામાં નોંધપાત્ર ફાળો આપે છે.

‘સંદેશ’માં લેખ રૂપે પ્રગટ થયેલ આ પુસ્તકનું આવતરણ પણ ‘હરિઇચ્છા’નું જ પરિણામ છે તેવું દઢપણે તેઓ માને છે. આ શ્રદ્ધામાં કાંઇક પામવાની ઝંખના અને આનંદનું તત્ત્વ ભળે છે. લેખકનું વ્યક્તિત્વ અને પ્રવાસનો ભૂભાગ અહીં એકરૂપે અવતરે છે. ગંગા નદી, હિમાલય એ લેખકનો બાળપણનો ક્રેઝ છે, જ્યારે આલ્પસની પર્વતમાળા સુધી પ્રવાસનું લંબાવું એ લેખકની સૌંદર્યલુબ્ધ દ્રષ્ટિ છે. લેખકમાં રહેલી પ્રવાસઝંખના, સૌંદર્ય આસ્વાદની દ્રષ્ટિ, ઋજુ કવિહ્રદય અને અનુભૂતિઓને ઉજાગર કરતી કારયિત્રી પ્રતિભાનું સંયોજન થાય છે ત્યારે નવા નવા ઉન્મેષો આકાર પામે છે. સમગ્ર પ્રવાસકથામાં લેખક જેટલું મહત્વ પ્રધાન બાબતને આપે છે, એટલું જ મહત્વ તેનાં ઉપાદાનને આપે છે. તે જ તેની વિશિષ્ટતા છે. પરિણામ સ્વરૂપે લેખક ક્યારેય નથી અલગ થતા પ્રવાસાનુભૂતિથી કે નથી અલગ થતાં ભાવકથી. સળંગત્રુતામાં ક્યાંય ખંડિતતાનો અવરોધ નથી નડતો. બધું જ આપમેળે સાહજિકતાથી ચપોચપ ગોઠવાઇ જાય છે.

પ્રવાસ દરમિયાન ઉતરાખંડના અફાટ સૌંદર્યને લેખક પ્રવાહી સ્વરૂપે પી હયા છે. ત્યાંનું પ્રકૃતિસૌંદર્ય, સમાજજીવન, અધ્યાત્મિક વાતાવરણ તેમ જ પ્રસંગો સાથે જોડાયેલી ભાવનાઓ વગેરે ક્યાંકને ક્યાંક એવી રીતે અંતર્હિત થઇ ગઇ છે કે તેમની સર્જકપ્રતિભા આપમેળે ઉપસી આવે છે. હિમાચ્છાદિત પર્વતમાળા, વર્ષારાણીની આહલાદકતા, સુરજના કિરણોનું લાલિત્ય, ગંગાજીની મસ્તી અને મિજાજ, યમુના મહારાણીની આકર્ષક આભા, પશુ-પંખી, ફુલ-ઝાડ, નદી-નાળા,કુદરત,સાહસવૃત્તિ, ભયની લાગણી, રોમાંચની ઝણઝણાટી તેમ જ પ્રકૃતિ તમામ હ્રદય અને રસાળ શૈલીમાં પીરસાયેલ છે.

ઋષિકેશને ઉત્તરખંડના પ્રવાસનું પ્રથમ ચરણ ગણાવતા લેખકના પ્રવાસી હ્રદયમાંથી ઉદગાર સરી પડે છે : ‘હું જાણે કે અહીં મને પ્રથમવાર પામું છું. મારા હોવાનો અર્થ સમજવા લાગું છું. જેને ગતિ કહું છું એ ગતિની રેખાઓ અહીં ઉઘડતી જણાય છે. હા, આજની આ સવાર ઋષિકેશની સવાર છે. ઘડિયાળનો કાંટો બરાબર પાંચ વાગ્યાનો સમય બતાવે છે. હોટેલ નટરાજની બહાર આવીને ઊભો રહું છું તો અવકાશ મને એનામાં લપેટી લે છે, ગંગા મને એની કથાઓ કહેવાનું શરૂ કરે છે. પહાડો ઋષિઓ બની જાય છે….’ ગંગાના સાનિધ્યમાં વિતાવેલી અદભુત ક્ષણો પ્રવાસીની એકલાની નથી બની રહેતી; સમસ્તમાં ફેલાઇને હરકોઇ જિજ્ઞાસુને ત્યાં દોડી જવા માટે પ્રેરે છે, એ જ રીતે લક્ષ્મણઝુલા ઉપર ઉત્પન્ન થતી ભાવોર્મિઓ પણ આ બાબતનું સચોટ ઉદાહરણ છે. રિવર રાફટિંગને ‘ડ્રીમ લાઇક એડવેન્ચર’ ગણાવીને તેની હરેક ક્ષણને રોમાંચક વર્ણન દ્વારા નિરૂપિત કરે છે : ‘તરાપો વંકાય, ફંટાય, આડો-ઊભો કે ઉંધો પણ થઇ શકે. એ નર્યો હાલક-ડોલક થઇ રહે. ઊંચા-ચંડ મોજાં આખા અંદર-બહાર ભીંજવી મૂકે. હમણાં ગયાં, ડૂબ્યાં એવી ભયની ધૃજારી પણ અનુભવી રહેવાય પણ ગંગાનું જલ અને ગંગા – બંને કંઇક એવી રીતે અંદરથી અમારા થઇ રહ્યાં હતાં કે કશીક નિર્ભીકતાનું કવચ મળી ગયું હોય એમ લાગ્યું. રેપિડ પસાર થતાં હાશકારો થયો, ડોલ વડે અંદર તરાપામાં ભરાયેલું પાણી બહાર કાઢીએ, વળી પાછો તરાપો સડસડાટ ગંગાના પ્રવાહમાં આગળ વધે…’ આજ રીતે ટટ્ટુ પરની સવારી, સુખ્યાત ઓલીના રોપ-વેમાં બેસવાનું સૌભાગ્ય, હિમશિખરોની ભવ્યતા વગેરે લેખકચિત્તમાં રોમાંચ પેદા કરાવે છે. પરંતુ ક્યારેક આવી રોમાંચક ક્ષણો ભયાનક પરિસ્થિતિમાં પણ મૂકી દે છે. લેખક પત્ની સાથે ટટ્ટુ સવારી દરમ્યાન બનેલો અઘટિત બનાવ થોડા સમય માટે આખા ગૃપનો શ્વાસ અદ્ધર કરી દે છે. તો વળી, કેદારના સાંકડા રસ્તા પર લેખકનો થયેલો અદભુત બચાવ સમગ્ર પ્રવાસી ગૃપની કુદરત પ્રત્યેની અડગ શ્રદ્ધાને જ આભારી છે.

પ્રવાસવર્ણનમાં આવતું ચિંતન એ પણ ધ્યાનાકર્ષક જમા પાસું છે. હિમાલયની ગરિમા નદીઓની સાથે જોડાયેલી હિંદુ સંસ્કૃતિ, ઇશ્વર પ્રત્યેની લેખકની શ્રદ્ધા, પ્રકૃતિને કુદરત સમકક્ષ અનુભવવાનો ચૈતસીક વ્યાપાર, સાંસ્કૃતિક સંદર્ભો, પૌરાણિક કથાઓ, કિવદંતીઓ, માનવજીવન સાથે સંધાતું કુદરત પ્રત્યેનું સંધાન, અમાપ-અફાટ સૌંદર્ય, વિશ્વવિખ્યાત વિભુતિઓનું સંસ્મરણ લેખકના ચિંતનનો વિષય રહ્યો છે. લેખકનું ચિંતન કોઇ ગહન, ગૂઢ વિચારધારાના ભારણવાળું નથી. પરંતુ કુદરતના શૈત્ય સ્વરૂપનું દર્શન કરાવવનારું છે. ‘જેઓના આંખ-કાન ને નાક-ચિત્ત કહો કે સઘળી ઈન્દ્રિયો, સક્રિય છે એ લોકો ક્ષણેક્ષણે બદલાતા સૌંદર્યને પામી શકે છે. હું તો એન્ને લીલાવિસ્તાર જ કહું છું. શ્રદ્ધાનો માર્ગ જેમ આત્મશ્રીથી ભર્યો ભર્યો હોય છે તેમ પ્રવાસના આવા માર્ગો સૌંદર્યશ્રીથી ભર્યા ભર્યા હોય છે. એ સૌંદર્ય પછી પહાડનું હોય કે નદીનું, રણનું હોય કે દરિયાનું અને આ તો સાક્ષાત ગંગોત્રીમાર્ગ છે ! જે માર્ગ ઉપર અનિરુદ્ધ સૌંદર્યલીલાઓ છે અને અનિરુદ્ધ પૌરાણિક કથાલીલાઓ પણ છે ! જે લોકો ઈશ્વરના સાચાં નામ-ઠામ-સરનામા ખોળી રહ્યા છે તેવાઓને તે કદાચ અહીં, આવી જગાએથી જ મળવાનો વધુ સંભવ રહ્યો છે. હું ભરીભરી આવી રૂપસૃષ્ટિને અપલખ આંખે અત્યારે નિહાળી રહ્યો છું. અહીં બીજી કશી ફિલસૂફી, તત્ત્વજ્ઞાન સ્મરણમાં આવતાં નથી. સૌંદર્ય પાસે ખેંચી જાય, સૌંદર્ય બનાવી મૂકે એ જ એક માત્ર ફિલસૂફી, ખપમાં આવે છે… અહીં કવિ ઉમાશંકરને યાદ જ કરવા પડે – ‘મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો…’ બસ એ મૌન શિખરોને, મૌન વૃક્ષોને અને એવી જ મૌન ધરાને પામતા જવાનું છે, એની સાથે એકલય થતા જવાનું છે. આ સૌંદર્યાનુભૂતિ એ જ સાક્ષાત્કાર, એ જ પ્રમ-ચરમ ઉપલબ્ધિ’ આમ જ તેમના વ્યક્તિત્વના અવનવીન છેડાઓ પ્રગટતાં રહે છે. લેખકની સર્જકચેતના પ્રવાસના કોઇ પણ પહેલુઓથી ક્યારેય અળગી થતી નથી. તેને તો અસલ તાસીરને રજૂ કરવી છે.

 ‘સ્વ’ને ભારઝલ્લો કર્યા વિના સર્જકીય વ્યક્તિત્વની મુદ્રા ઉપસાવતા રહેવું એ કોઇ પણ પ્રવાસ લેખક માટે સાહિત્યની એરણે ચડવા જેવો કુટપ્રશ્ન છે. એ બાબતમાં ‘હિમાલયને ખોળે’ના લેખક સફળ રહ્યાં છે. જે તે સ્થળ, પ્રસંગના વર્ણનમાં ઔચિત્ય જાળવી શક્યા છે. પ્રકૃતિલીલાનું સૌંદર્ય દ્રષ્ટિથી થયેલું ગાન, ધર્મનું શૈત્ય, જનસમુદાય અંગેનો દ્રષ્ટિકોણ; રોમહર્ષિત ક્ષણોનું આલેખન – બધું જ સાહજિક રીતે પ્રગટ થતું રહ્યું છે : ‘ગંગા એની મસ્તીમાં ઊછળતી-કુદતી સંગીત રલતી આગળને આગળ વહેતી હતી. હું રેતી, પથ્થરોને વટીને ગંગાની નજીક આવીને ઊભો હતો. એના સ્પર્ષ માટે હું લાલાયિત હતો. આ પેલી ગંગા, જગન્નાથ કહે છે એ ગંગા, સકળ પૃથ્વીના સૌભાગ્યરૂપ ગંગા, પૃથ્વીના અનિર્વચનીય સૌંદર્યરૂપ ગંગા, સુધાશુભ્ર જળવાળી, અકલ્યાણને નષ્ટ કરનારી ગંગા, શિવે જેને અહર્નિશ પોતાના મસ્તકે ધારી છે એ ગંગા, સગરપુત્રો જેનું આનંદપૂર્વક ગાન કર્યા કરે છે એ સહજ, સ્વચ્છ, શીતળ જળવાળી ગંગા...’

 ‘હિમાલયના ખોળે’માં પડેલી પ્રકૃતિ તમામને ભરી પીતાં કવિ-લેખક ગદ્યાવલીના લયથી લાલિત્ય બક્ષે છે. તેમ પોતાની કવિત્વશક્તિને પણ ખપમાં લાવે છે : ‘મારે અહીંથી બીજું કશું લઇ જવું નથી. હું કવિ છું અને માત્ર કવિ છું મારે મારી આંખમાં જે નકશો આંકવો છે તે આંકીને જ રહીશ…મારા મનને હું વધુ ને વધુ દૃઢ થતું જોતો ગયો’ એક એક ક્ષણને પોતાની કરી લેવી છે. આ માટે તેઓ વિશ્વશ્રેષ્ઠ કવિઓને અવારનવાર સ્મરણમાં લાવે છે. એક તરફ ઉમાશંકર જોષી, પ્રિયકાંત મણિયાર જેવા ગુજરાતી કવિઓ તેમ જ શ્રીમદ વલ્લભાચાર્યના યમુનાષ્ટક તથા ભર્તુહરી, જગન્નાથના ગંગાસ્તવન, મહર્ષિ વાલ્મીકી જેવી વિભૂતિઓના સંદર્ભોથી ભારતીય સંસ્કૃતિને બિરદાવે છે. તો બીજી તરફ બોદલેર, મિલે, વર્લેન, રોફેલ આલ્બર્ટી, સ્પીનોઝા, હોલ્ડર લીન જેવા પાશ્ચાત્ય કવિઓનું સ્મરણોનું પણ સાનુકુળતાઓ કરી લે છે.

પ્રવાસ દરમિયાન બનેલી રમૂજી ઘટનાઓ લેખકે સાહજિકતાથી વણી લીધી છે. ગઢવાલી મિજાજવાળી શૈલીમાં પડાવેલા ફોટાઓ, નેતાલાથી ટિહરી તરફની મુસાફરી, હનુમાનચટ્ટી પહોંચવા ટટ્ટ સવારી છોડી જીપ મુસાફરી સમયનો અનુભવ તેમજ કાકડી, મૂળા, પાપડીની મિજબાની – આ બાબતો ‘પ્રવાસ’ની હળવી શૈલીથી મજા કરાવે છે. લેખક રમૂજી પ્રસંગોની સાથે હળવાશની પળોમાં નિખાલસ મનને તાજગી બક્ષનારી વાતોની આપ-લે કરતા રહે છે. તેમાં ભળે છે ગુજરાતી તળપદા શબ્દો, હળવી કટાક્ષમય શૈલી, કાવ્યાત્મક કથનરીતિ – જે પ્રવાસકથાને સુચારુ ઘાટ આપવામાં મદદરૂપ થાય છે. આમ, સમગ્ર પ્રવાસકથામાંથી પસાર થયા બાદ ભાવક પક્ષે કુતુહલ રહી જાય છે; પ્રવાસકથામાં આવતી ‘હનુમાનચટ્ટી’, ‘ગરુડચટ્ટી’, ‘રાણાચટ્ટી’, ‘જાનકીચટ્ટી’- અલબત્ત પ્રવાસકથા આપણી પ્રવાસવૃત્તિને ઉત્તેજિત કરી જાય છે. આપણને હિમાલય જોવા ઉશ્કેરે છે. આ જ કદાચ ‘હિમાલયના ખોળે’ની સાચી સમૃદ્ધિ છે.

ગુજરાતી ભાષાની પ્રવાસકૃતિઓમાં ‘હિમાલયના ખોળે’ – એમ પ્રથમ પંક્તિમાં સ્થાન પામે તેવી સાહિત્યિક સમૃદ્ધિ ધરાવે છે.

ડો.ભાવેશ જેઠવા, ગુજરાતી વિભાગ, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી