‘સહનશીલ એવી ‘બે આંખની શરમ’ ’


સમયના પલટાતા પ્રવાહ સાથે પલટાતાં રહેતાં સમાજમાં નારીના સ્થાન અને માન પણ બદ લાતાં રહ્યા છે. દરેક યુગના સાહિત્યમાં એનો પડઘો ઓછે વત્તે અંશે પડતો પણ રહ્યો છે. જગત ભરના સાહિત્યમાં જ્યારે નારીવાદી વલણોનો વંટોળ ઉઠે છે ત્યારે ગુજરાતી સાહિત્યમાં પણ લગભગ સાતમા દાયકાથી નવલકથા‚ નવલિકા‚ નાટક અને કવિતા જેવા સાહિત્યસ્વરુપોમાં નારી સંવેદનને છતું કરવાના પ્રયત્નો થવા લાગે છે.કુન્દનિકા કાપડિયા‚ સરોજ પાઠક‚ ધીરુબહેન પટેલ‚ વર્ષા અડાલજા‚ ઈલા આરબ મહેતા‚ હિમાંશી શેલત અને અન્ય સર્જકોની જેમ વસુબહેને પણ પોતાના સાહિત્યમાં નારીને થતા સામાજિક અન્યાય‚ અત્યાચાર અને એની આંતરિક સંવેદનાની વાત મૂકી આપી છે. અહીં મારે એમના વાર્તા સંગ્રહ ‘બે આંખની શરમ’ (પ્રકાશન ઈ .સ ૧૯૯૭) નામના ‘વાર્તાસંગ્રહમાં સમાવિષ્ટ વાર્તા ‘બે આંખની શરમ’ વાર્તા અંગે વાત કરવી છે.

વાર્તાની નાયિકા રેણુકા એક દેખાવડી ભણેલી ગણેલી યુવતી છે.  જે બન્ને આંખે અંધ એવા પરાગ નામના યુવકના પ્રેમમાં પડીને એને પરણી જાય છે. રેણુકાના પગારથી તો ઘર ચાલતું હતું ત્યારે એનાથી વળી આવી રીતે ઘર છોડીને ભાગી જવાય ખરું? એક આંધળા સાથે આંધળુકિયા કરી બેસવાને કારણે પોતાના માતા−પિતા‚ ભાઈ સમાજ સામે કઈ રીતે ઊંચી આંખ કરીને જોઈ શકશે એનો સહેજ પણ વિચાર ન કરનારી રેણુકાને માટે પિયરના ઘરના દ્વાર બંધ થઈ જાય છે. એતો એમ જ હોય ને? અંધ પતિની પત્ની બનેલી રેણુકા પતિની અન્ય શક્તિઓને ઉજાગર કરી લોકો સામે એને મૂકી આપે છે. પતિનો પડ્યો બોલ ઝીલતી પત્ની રેણુકા પણ પતિ સાથે સમાજમાં સન્માન ભર્યું સ્થાન મેળવવા લાગે છે. ત્યારે પરાગના મનમાં અસૂયા જન્મે છે. એ પોતાના જેવા અંધને પરણવા પાછળ રેણુકાની પ્રશંસાભૂખને જવાબદાર માનવા લાગે છે. અંધને તે વળી કોઈ વિના કારણે થોડું જ પરણતું હશે? પોતાના અંધત્વનો ગેરફાયદો રેણુકા ઉઠાવી રહી છે એમ માનતો પરાગ રેણુકાને શંકા−કુશંકા‚ વહેમના જાળામાં વિંટવા માંડે છે. કલાકોના અબોલા દિવસોમાં પલટાવા લાગે છે અને અંતે એક ક્ષણ એવી પણ આવે છે જ્યારે રેણુકાને જિંદગીનો અંત લાવવાનો વિચાર સુધ્ધા આવી જાય છે. પરાગથી જુદા થઈ જીવવનો વિચાર પણ અંતે કાચની કરચો વચ્ચે પડી રહી બરાડતા પરાગને ઉઠાડતાં ઉઠાડતાં એના વાગ્બાણથી વિંધાયેલા હ્રદયના દુઝતા ઘા સાથે વહી જાય છે.

પોતાની આબરુના લીરા ઉડાડનારી દીકરી માટે ઘરના બારણા બંધ કરનાર મા−બાપ કે ભાઈ ના મનમાં એ સવાલ ઉઠતો જ નથી કે એવું કયું કારણ છે જેને લઈને પોતાની સમજુ દીકરીએ એક અંધ પર પોતાની પસંદગીનો કળશ ઢોળવો પડ્યો?

વારંવાર માતાપિતાના આદેશાનુસાર લગ્ન નામના બજારમાં ઉભી રહેલી અને પોતાની લાયકાત‚ રુપ કે ગુણની કોઈ કીમત નથી એવા દહેજના લાલચુ અને લોભીયા પુરુષોથી પણ નકારાયેલી રેણુકાના મનની સ્થિતિને એ સમજી નથી શકતા. ‘દેખતા જે અંધ છે એના કરતાં અંધને અંધ તરીકે અપનાવવામાં શું ખોટું છે!’ (પૃ-૮)એમ માનતી રેણુકાએ ઘરમાંથી ભાગી જઈ લગ્ન કર્યા હોઈ પોતાને એના લગ્ન માટે કોઈ ખર્ચ નથી ઉઠાવવો પડયો તેમ છતાં દીકરીએ  પોતે પોતાના લગ્ન અંગે કરેલા નિર્ણયને એ સ્વીકારી શકતા નથી. એમને કમાતી દીકરીને એક આંધળો પરણી ગયો એનો વલવલાટ છે.

 લાલચના પાટા આંખે બાંધી કન્યાને ત્રાજવે તોળતા સમાજ સામે બગાવત કરી આંધળા પુરુષ સાથે પરણવા પાછળના સાચા કારણને જાણવાનો કોઈ પ્રયત્ન કરતું જ નથી. દરેક વ્યક્તિ રેણુકાના પગલાને પોતાની નજરે મૂલવે છે. છતાં કોઈ એના મૂલ્યને પારખી શકતું નથી. જે સમાજમાં જોડી ભગવાનના હાથે નહીં દહેજ નામના દાનવના હાથે નક્કી થાય છે એવા સમાજની વરવી વાસ્તવિકતામાંથી પસાર થયેલી અને થતી રહેતી રેણકા જેવી અનેક યુવતીઓના આંસુ પરાગ જેવા શંકાથી અસુયાથી અંધ પતિઓની પત્ની બનીને કે ઊંચા ભાવે પત્ની મેળવીને ખુશ થતા પતિઓની પત્ની બનીને વહી જતા હશે એ જાણવાની કોઈને પડી નથી.

આ વાર્તામાં દહેજ નામના ખપ્પરમાં હોમાઈ જતી બચવા માટે હવાતિયા મારતી સ્ત્રી માટે સમાજે કોઈ રસ્તો ખૂલ્લો રાખ્યો જ નથી. એને તો આગળ કુવો ને પાછળ ખાઈ જેવી સ્થિતિ છે. એની ભાવના‚ લાગણી કે એના સ્ત્રીત્વને ઓળખવા માટેની આંખો ખોઈ બેઠેલો સમાજ પોતે કેટલો અંધ છે એ વરવી વાસ્તવિકતાને લેખિકાએ સુંદર રીતે મૂકી આપી છે.

ડૉ. અર્ચના જી.પંડ્યા, ગુજરાતી વિભાગ, એસ.એલ.યુ આર્ટસ એન્ડ એચ એન્ડ પી ઠાકોર કૉમર્સ કૉલેજ ફોર વિમેન, અમદાવાદ