કાવ્યાસ્વાદ- લોકસાહિત્યનું નજરાણું
ઊડી જાઓ, પંખી !
ઊડી જાઓ પંખી ! પાંખુંવાળાં જી...
વડલો કહે છે વનરાયું સળગી, મૂકી દીયો જૂના માળા.
આભે અડિયાં સેન અગનનાં, ધખિયાં આ દશ ઢાળાં જી,
આ ઘડીએ ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા.
બોલ તમારા હૈયામાં બેઠા, રૂડા ને રસવાળા જી,
કોક દી આવી ટૌકી જાજો, મારી રાખ ઉપર રૂપાળા...
આશરે તારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાં જી,
મરવા વખતે સાથ છોડી દે, એ મોઢાં મશવાળાં.
ભેળાં મરશું, ભેળાં જન્મશું, તારે માથે કરશું માળા જી,
'કાગ' કે આપણે ભેળાં બળશું, ભેળાં ભરશું ઉચાળા.
- દુલા ભાયા કાગ
ભાષા લિખિત સ્વરૂપે જળવાઈ-સચવાઈ છે એથી વિશેષ કંઠ્ય સ્વરૂપે વધુ જળવાઈ-સચવાઈ છે, ખીલી-વિકસી છે. બોલીનું સ્વરૂપ જ એવું કે એ સૌને સમજાય, પ્રત્યાયનનો પ્રશ્ન બહુ ન નડે. આપણી આ કંઠ્યપરંપરામાં જૂનાં ગીતો-કવિતા-ભજનો એવું ઘણું સાહિત્ય જળવાયું છે. લોકસાહિત્યનો વિશેષ છે કે એમાં તત્કાલીન સમાજનું તાદૃશ્ય વર્ણન આવતું હોય, જિવાતું જીવન જીવંત હોય, વળી, એમાં ઉપદેશનું તત્ત્વ પણ હોય, જીવનુપયોગી કશીક ને કશીક વાતનો-સિદ્ધાંતનો-નીતિનિયમનો કે આદર્શનો એને આધાર હોય.
ગામડાગામમાં વડલા હેઠે, સરવર-પાળે કે કૂવાકાંઠે, મંદિરના ઓટલે કે ચબૂતરે કે રાત્રે જામતા ખેતર-તાપણે કે ડાયરામાં કસૂંબા-ઘોળ ગોઠડીમાં લોકસાહિત્યના હલકદાર કંઠ ગાજ્યા-ગુંજ્યા રહેતા હોય છે. લગભગ દરેક ગામની મંદિરની ભજનમંડળી હોય, એ રાત પડ્યે ઢોલકી-મંજીરાં-તબલાં લઈ મોડી રાત સુધી ભજન લલકારતી રહે. એમાં શ્રોતાઓને ઘરે ઘરેનું નિમંત્રણ ન હોય, સૌ કોઈ મેળે-બેળે આવીને બેસે ને નિજાનંદ મેળવી પાધરા થાય. આ પરંપરા હજી આજેય અંતરિયાળ ગામડાંમાં જોવા મળે છે. શહેરોમાં હવે પ્રસંગોપાત્ત આવી ભજનની હલક બોલાતી હોય છે.
દુલા ભાયા 'કાગ'ની કવિતાઓ, ભજનો 'કાગવાણી'માં સંગ્રહિત છે. એમાંનું આ એક ભજન સંબંધ-સગપણના મર્મને ને એના ધર્મને રજૂ કરે છે.
કાવ્યનો વિષય સામાન્ય છે પરંતુ એમાંથી પ્રગટતો ભાવ ગર્ભિત છે. જંગલમાં આગ લાગી છે. એ જંગલમાં એક વડલો છે. એક જ છે એમ નહીં, પણ એક વડલો, જેના પર પક્ષીઓએ માળા બાંધ્યા છે. એ વડલો પંખીઓને ઉદ્દેશીને કહે છે કે હે પંખીઓ ઊડી જાઓ, આગ લાગી છે. હમણાં મને પણ આગની જ્વાળાઓ લપેટી લેશે, બાળીને રાખ-ખાખ કરી દેશે, જો મારે પાંખો હોત તો હું પણ ઊડી જતે...
"ઊડી જાઓ પંખી! પાંખુંવાળાં જી...
વડલો કહે છે, વનરાયું સળગી, મૂકી દિયો જૂના માળા.
આભે અડિયાં સેન અગનનાં, ધખિયાં આ દશ ઢાળાં જી,
આ ઘડીએ ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા."
'ધખિયાં આ દશ ઢાળાં' આ દિશા તરફ જ ધડાધડ ઢળતી જ્વાળાઓ હમણાં આવી પહોંચે તે પહેલાં તમે ઊડી જાઓ.
"બોલ તમારા હૈયામાં બેઠા, રૂડા ને રસવાળા જી,
કોક દી આવી ટૌકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં."
મૃત્યુને સમીપ જોતો વડલો પંખીઓને વિનવણી કરે છે. સાથે કહે છે કે તમારા મધુર કંઠે ગવાયેલાં કેટલાંય ગીતો મારા હૈયામાં છે, એને ભૂલી શકાય એમ નથી. હવે તો હું રાખ થઈ જઈશ... પછી કોઈક દિવસ વળી આવીને મારી રાખ પર બેસીને ટહુકાના બે બોલ સુણાવી જજો.
વૃક્ષ અને પંખી વચ્ચેનો સંવાદ આ ભજનને વધુ સંવેદ્ય બનાવે છે. વડલો સંવેદનશીલ છે, તો સામે પક્ષીઓય નગુણા નથી. એક વડલો-વૃક્ષ કેટલા બધા જીવોનું રક્ષણ-પોષણ કરે છે, ફળ-ફૂલ આપે છે, છાંય આપે છે, બપોર-રાતવાસાનું ઠામ-ધામ બને છે. એ વડલાને પંખીઓ છોડીને જવા નથી માંગતાં - પહેલો સંવાદ વડલાનો છે તો બીજો, પંખીઓનો. પંખીઓ કહે છે –
"આશરે તારાં ઈંડાં ઊછર્યાં, ફળ ખાધાં રસવાળાં જી,
મરવા વખતે સાથ છોડી દે, એ મોઢાં મશવાળાં."
તારો આશરો લીધો છે. તારા ભરોસે, તારી ડાળીઓમાં માળા બાંધી ઈંડાં-બચ્ચાં ઉછેર્યાં છે. તારાં મીઠાંમધુરાં ફળ ખાઈને જીવન ટકાવ્યાં છે - તારો ઉપકાર છે અમારા પર. પછી જ્યારે મરવાનો સમય આવ્યો છે ત્યારે સાથ છોડી દેવાય એ તો સ્વાર્થી વૃત્તિ થઈ. ઉપકાર પર અપકાર થયો કહેવાય. 'મરવા વખતે સાથ છોડી દે' એનાં મોં મેશવાળાં જ હોય, કાળાં મોંના. નાલેશી કહેવાય, શરમ કહેવાય. અમે સાથ નહીં છોડીએ.
"ભેળાં મરશું, ભેળાં જન્મશું, તારે માથે કરશું માળા જી."
જીવનનો સાથ રચ્યો તો હવે મૃત્યુ વખતે પણ બન્ને સાથે જ મરી જઈશું. પછી આવતા શબ્દો લોકમાનસ પર છવાયેલી પુનર્જન્મની વાતને સમર્થન આપે છે. શરીર મૃત્યુ પામે છે, આત્મા અમર છે. જીવ એક શરીર છોડી બીજું શરીર ધારણ કરે છે. એટલે જ પક્ષીઓ કહે છે-
"ભેળાં જન્મશું, તારે માથે કરશું માળા જી."
મર્યા પછી, ફરી જન્મ લઈશું સાથે જ, પછી તારી ઉપર જ અમે માળા બનાવીશું, પણ તારો સાથ-સંગાથ-સહવાસ તો નહીં જ છોડીએ.
કાવ્યની છેલ્લી પંક્તિઓમાં પણ આ જ ભાવની અભિવ્યક્તિ છે-
"'કાગ' કે આપણે ભેળાં બળશું, ભેળાં ભરશું ઉચાળા."
જીવવું-મરવું સાથે, ઉચાળા ભરવા હોય તોય સાથે જ, એકલાં નહીં. આ કાવ્યથી તદ્દન જુદા ભાવની એક અન્ય આધ્યાત્મિક કવિતા પણ છે-
"મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી,
કહે છે કે મરી જઈશ, કોઈ મરતું નથી."
લોકકથા-વાર્તા-કવિતા-સાહિત્ય દ્વારા જનસમુદાયને એક સંદેશો પહોંચે છે - આપણો જે આધાર છે, જેના સહારે ટકી રહ્યા છીએ એની સાથેનો સંબંધ સ્વાર્થ પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ. જીવનપર્યંત એ ઉપકારનો બદલો સંબંધ જાળવી રાખીને વાળવો જોઈએ. ઉપકાર કરનાર પર કદાપિ અપકાર ન કરવો જોઈએ. મૃત્યુ આવે ત્યારે પણ ઉપકાર કરનારનો ગુણ ભૂલી ન જવો જોઈએ, એવો ભાવ આ 'કાગ'કાવ્યમાં-ભજનમાંથી વ્યક્ત થાય છે.
આપણી પરંપરામાં તિર્યકયોનિનાં પાત્રો દ્વારા ઉપદેશમૂલક સાહિત્ય રચાયું છે. પંચતંત્ર કે હિતોપદેશ, સૂડાબોંતેરી વગેરે આનાં ઉત્તમ ઉદાહરણ છે. એમાં પ્રાણીઓ, વનસૃષ્ટિ, પરીઓ કે રાક્ષસોની કથાઓ દ્વારા જીવનમૂલ્યોની રક્ષા થઈ છે અને આ પ્રકારની કથાવાર્તાઓ જનસમૂહમાં વધુ લોકભોગ્ય પણ રહી છે. એનો જ આધાર આ ભજનમાં પણ લેવાયો છે. વડ અને પક્ષીઓ વચ્ચેનો આ સંવાદ જીવન અને મૃત્યુ વચ્ચેના એકબીજાના સંબંધના તાણાવાણાની માર્મિક રજૂઆત કરે છે.
અજિત મકવાણા, સેક્ટર નં. 13-એ, પ્લોટ નં. 662-2, ગાંધીનગર - 382013 મોબાઇલ નં. 9137334249