‘સાહિત્યસેતુ’ ગુજરાતી ભાષાનું પ્રથમ વીજાણુ સામયિક છે.૧૫૦થી ૧૦૦ વર્ષ જૂના(અભિધા અને વ્યંજના-બંને અર્થમાં)ગુજરાતી ભાષાના, સંસ્થાકીય પ્લેટફોર્મ અને પીઠબળ ધરાવતાં અને વિશેષ નાણાભંડોળ ધરાવતા સામયિકો હજુ પણ ટપાલખાતા અને ટ્રેડલ પ્રેસ પર ભરોસો રાખી રહ્યા છે એવા સમયે એક દાયકા પહેલા ઈ-સામયિક શરુ કરવું એ દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે અને એ માટે એના વ્યવસ્થાતંત્રમાં સંકળાયેલા મિત્રો અભિનંદનના અધિકારી છે.
‘સાહિત્યસેતુ’માં એક દાયકા દરમ્યાન પ્રગટ થયેલા સંશોધન અને વિવેચનવિષયક લેખો વિષે લખવા માટે નરેશ શુક્લે કહ્યું ત્યારે મને પહેલો જ વિચાર એ આવ્યો કે આ મિત્ર મારા અ-મિત્રોની સંખ્યામાં વધારો કરીને ટ્રોલ આર્મીને વધુ એક તક આપવા માંગે છે અને એમ થશે એની ખાતરી-ખબર હોવાથી ન લખવું એમ પહેલો વિચાર આવેલો, પણ બીજા વિચારે લાગ્યું કે પહેલેથી જ ઘણા અ- મિત્રો અને ટ્રોલરો છે તો ચાલો, થોડાં વધશે તો ‘એકના ગોવાળ એમ બેના ગોવાળ’ થઈશું.
પ્રસ્તુત છે એક દાયકા દરમ્યાન પ્રગટ થયેલાં વિવેચન-સંશોધન વિશેની નામજોગ નોંધ. સમાંતરે અહીં પ્રગટ થયેલાં સમીક્ષા-અવલોકન લેખોનો પણ યથાસ્થાને ઉલ્લેખ કર્યો છે.
વિષયો અને વિચાર :
આ દાયકામાં પ્રગટ થયેલાં સંશોધનલેખોના વિષયોમાં કોઈ પ્રકારની નવીનતા કે વિશેષતા નથી.ખાસ કરીને ગુજરાતી સાહિત્ય વિશેના સંશોધનલેખો ચીલાચાલુ વિષયો પર લખાયેલા, દ્વૈતીયિક સ્રોતાધારિત અને ચર્વિતચર્વણ પ્રકારના છે. ગુજરાતી ભાષાના મોટા ગજાના ગણાયેલા લેખકો/પુસ્તકો વિષે પૂર્વે અનેક વિવેચકોએ લખ્યું છે અને અહીં મોટાભાગના લેખકોએ એને જ શબ્દ્ફેરે લખ્યું છે. જેના વિષે અનેક લેખકોએ લખ્યું હોય એવા કોઈ સર્જક-સર્જન વિશે લખવા ઉપર કોઈ પ્રતિબંધ નથી એવી દલીલને સ્થાન ત્યારે જ મળે જયારે એમ કરનારે કશુંક નૂતન પરિમાણ ઉપસાવી આપ્યું હોય. અહીં એકપણ લેખ એવો નથી. થોડાં આવા લેખો અને લેખોની યાદી જોઈએ. કૌંસમાં લેખકોના નામ આપ્યાં છે (લેખોના શીર્ષકોની અને લેખકોના નામોની જોડણી યથાવત રાખી છે)
આ યાદી હનુમાનની પુચ્છ જેવી છે એટલે અટકું. જુઓ, આમાં કોઇપણ વિષય એવો છે જેના વિષે આ પહેલા કોઈએ ન લખ્યું હોય? ના, ઉપરની યાદીમાંના દરેક વિષય પર પૂર્વે એકાધિક લેખકોએ લખ્યું છે અને અહીં જે લેખો છે એમનાથી અનેકગણું સારું-અને એપીઆઈની જરૂર વિના-લખ્યું છે. આ લેખોમાં નર્યું-બહુધા દિમાગનો વધુ ઉપયોગ કર્યા વિનાનું પુનરાવર્તન, ભાષા/શબ્દફેરે એની એ વાત કરવામાં આવી છે એટલું જ નહીં, વર્તમાન સાહિત્યિક વિચારધારાઓ, વલણો કે વિમર્શને કયાંય ધ્યાનમાં નથી લેવાયા. મોટાભાગના લેખકોએ પોતે જે વિષય પર સંશોધન કર્યું છે એને અને જો એ સર્જકકેન્દ્રી હોય તો એ સર્જકને મહાન સાબિત કરવાનો વંધ્યવ્યાયામ કર્યો છે. એક જ ઉદાહરણ જોઈએ.
કવિશ્રી વિનોદ જોશીની ગીત કવિતામાં નારી સંવેદના (Year-8, Issue-3, Continuous Issue-45, May-June2018) શીર્ષકથી લખાયેલા લેખમાં લેખક શ્રી રાણા બાવળિયાએ વિનોદ જોશીને મહાકવિ સાબિત કરવાનો જે પ્રયાસ કર્યો છે તે આરંભે હાસ્ય, મધ્યમાં ઉલટી અને અંતે ઘૃણાની અનુભૂતિ આપે છે. વિનોદ જોશીની કાવ્યરચનાઓની તમામ નાયિકા ગોરી છે અને ‘ગોરી’ તથા ‘ગોરાંદે’ જેવા પ્રયોગો એમના સમગ્ર કાવ્યવિશ્વમાં આવ્યા જ કરે છે જેને રાણાજી બાવળિયાજીએ વિશેષતા માની છે. નારીવાદ કે ઉત્તરઆધુનિકતા જેવા સાહિત્યિક-સામાજિક વિમર્શ અને વિચારધારાથી લાખો પ્રકાશવર્ષ દૂર વસતા આ લેખકને ખબર નથી કે આ ધોળી ચામડીનું વળગણ એ "Colonial Hangover" છે, sexist mindset છે અને નારીને ફક્ત એની ચામડીના રંગના આધારે નાયિકાપદ આપવું કે નાયિકાને ગોરી જ દેખાડવી એ નારીનું અપમાન છે (જો કે વિનોદ જોશી સાહિત્ય અકાદમી, દિલ્હીના ગુજરાતી ભાષાના કન્વીનર હોવાથી લાભચટ્ટા લેખકો અને કથિત નારીવાદીઓ નાનામોટાં ટુકડાની અપેક્ષાએ આજ સુધી આ અંગે મૌન રહ્યા છે અથવા તો એમના મોં ટુકડાથી ભરેલા છે).
ભાષા, વ્યાકરણ, જોડણી: ભૂર વળગ્યું જ છે
આ દાયકાના તમામ લેખોમાંથી વારંવાર પસાર થયાં પછી એવું તારણ મળે છે કે ગુજરાતી લેખકોને ગુજરાતી ભાષા આવડતી જ નથી અને એમાં પણ અનુસ્નાતક વિભાગોના અધ્યાપકોને તો જરાય આવડતી નથી (વિભાગોમાં એમની પસંદગી/ નિયુક્તિનું એ કારણ હશે).
વાક્યરચના, જોડણી, વ્યાકરણ, અન્વય અને વિરામચિહ્નોને આ લેખકોએ વિસારી દીધાં છે. આવા નામોમાં રાજેશ્વરી પટેલ, વિપુલ પુરોહિત, દિક્પાલસિંહ જાડેજા, કવિત પંડ્યા, સંજય મકવાણાનો સમાવેશ થાય છે તો સરકારી કોલેજોના બીના પંડ્યા, વીરેન પંડ્યા, હિમ્મત ભાલોડિયા, જિજ્ઞાબા રાણા, નિયતિ અંતાણી વગેરે ભાષાભૂલો કરવામાં અનુસ્નાતક વિભાગોના અધ્યાપકો સાથે હરીફાઈમાં ઉતર્યા છે. સૌથી વધુ ખરાબ ભાષાકર્મ વિપુલ પુરોહિત અને સંજય મકવાણાના લેખોમાં જોવા મળે છે. વિપુલ પુરોહિતે તો વળી અંગ્રેજીના ખોટા શબ્દ વડે વધુ હાસ્યાસ્પદ બનવાનું નક્કી કર્યું હોય એમ abusurd, improvisation જેવા અંગ્રેજી સ્પેલિંગ તો ખોટા લખ્યા જ છે (રાજ્યતંત્ર અને સમાજજીવનની જડબેસલાક વ્યવસ્થા : 'લાઈન' (ચન્દ્રકાન્ત શેઠ કૃત એકાંકી) Year-8, Issue-5, Continuous Issue-47, September - October 2018) સાથે ‘ડીસએટેચમેન્ટ’ જેવો શબ્દ પ્રયોજીને હાહાકાર મચાવ્યો છે. (માનવભાવોની સંકુલતાઓનું વાર્તાવિશ્વ : 'વન્સ અગેઈન', Year-8, Issue 6, Continuous Issue 48, November-December 2018). અંગ્રેજો હજુ હોત તો એમનું અંગ્રેજી વાંચીને દેશ છોડી જ ગયા હોત.
વધુ રમૂજની વાત એ છે કે સંપાદક મંડળીએ આ બધાં લેખો as it is છાપી નાખ્યા છે અને એમાં એમનું ઔદાર્ય છે કે આળસ એ સમજી શકાતું નથી.
સંદર્ભ અને શાસ્ત્રીયતા:
આ દાયકાના તમામ સંશોધન-વિવેચન (આસ્વાદ-સમીક્ષા અને અવલોકન પણ)માંથી એકપણ, રીપીટ, એકપણ લેખમાં કોઈએ પણ સંદર્ભ આપવાની દરકાર કરી નથી. સ્પષ્ટ શબ્દોમાં કહું તો સૂચિ અને સંદર્ભસૂચિનો ભેદ કોઈને સમજાયો જ નથી. લેખના અંતે એક યાદી આપી દઈને હાથ ધોઈ નાખ્યા છે આ લેખકોએ. સંદર્ભસૂચિની શાસ્ત્રીય પદ્ધતિ કે એની ઉપયોગીતા વિષે જે અધ્યાપકોને ખબર જ નથી એમના શોધછાત્રો કેવું સંશોધન કરતાં હશે કે કર્યું હશે એ જ સંશોધનનો વિષય છે. ઉપર જે નામો આપ્યાં છે એ બધાં જ લેખકોએ આમ કર્યું છે અને ઉદારચિત સંપાદકત્રયીએ એને એમ રહેવા પણ દીધું છે! કોઇપણ પુસ્તકોનો સૂચિમાં ઉલ્લેખ એના પ્રકાશક, આવૃત્તિનિર્દેશ, વર્ષ અને પ્રકાશનસ્થળ વિના અધૂરો કહેવાય એવી જાણકારી આ લોકોને નથી.(એકએક વાત ઉદાહરણ સાથે સાબિત કરી શકું છું) ઉદાહરણ વિપુલ પુરોહિતના લેખમાંથી જોઈએ.
રઘુવીર ચૌધરીની કવિતામાં કૃષિપદાવલિ’ લેખમાં એમણે (પૃ.૬૪, 'તમસા'માંથી), (પૃ.૧૧૧, 'ધરાધામ' માંથી), (પૃ.૧૧, 'વહેતાં વૃક્ષ પવનમાં' માંથી)-આ પ્રમાણે સંદર્ભ ટાંકીને આપણને એ વિચારવાની તક આપી છે કે એમણે પોતાના મહાનિબંધમાં શું રંગોળી પૂરી હશે અને એમના માર્ગદર્શકે એમને કેવી રીતે આવી છૂટ આપી હશે અને પરીક્ષકોએ કેવી ઉદારતાથી એમનો મહાનિબંધ પાસ કર્યો હશે.
‘રઘુવીર ચૌધરીની કવિતામાં કૃષિપદાવલિ’ (Year-8, Issue-2, Continuous Issue-44, March-April 2018) લેખને અંતે એમણે આ રીતે સંદર્ભસૂચિ આપી છે જે સૂચિ(Bibliography) નથી પણ યાદી(list) છે. આવી યાદી આપણે શાકભાજી ખરીદવા જતી વખતે બનાવતા હોઈએ છીએ. જુઓ :
સંદર્ભગ્રંથ :
આમાં ક્યાંય પુસ્તકના પ્રકાશક, પ્રકાશનસ્થળ, આવૃત્તિ કે કિંમતનો ઉલ્લેખ નથી. આમને ગુરુકૃપા અને સંપાદકકૃપા બન્ને સાંપડ્યા છે.
જે ચૂકી જવાયું છે,જે વિસારી દેવાયું છે
આ દાયકામાં ઘણા લેખકોની શતાબ્દી અને સાર્ધ શતાબ્દી ગઈ. એમાંના એકપણ લેખક વિષે લખવાનું કે એમના પુન:મૂલ્યાંકનનું કામ કોઈને સૂઝ્યું નથી કેમ કે તમામ લેખકોનું ધ્યાન દ્વૈતીયિક સ્રોતનું દોહન કરીને પોતાના નામે લેખસંખ્યા (અને API) વધારવાનું રહ્યું છે તો કેટલાકોએ વળી વિદ્યમાન ગુરુઓ, સંસ્થાધિપતિઓ અને વિભાગાધ્યક્ષોને લળીઝૂકીને લાભપ્રાપ્તિનું લક્ષ્ય રાખ્યું છે અને એમની કૃતિઓને મહાન અને એ લોકોને મહાનતમ સાબિત કરવા માટે કીબોર્ડ ખખડાવ્યું છે.
સૌપ્રથમ યાદી જોઈએ કે ૨૦૧૦-૧૧ થી ૨૦૨૦-૨૧ના વર્ષોમાં કોની શતાબ્દી હતી.
(આ યાદીમાં ફક્ત પ્રસિદ્ધ લેખકોનો જ સમાવેશ કર્યો છે, અલ્પખ્યાત લેખકોના નામો ઉમેર્યા નથી)
હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય વિશેના લેખોમાં ધોરણ, ભાષા, શાસ્ત્રીયતા વગેરે ગુજરાતી લેખોની તુલનાએ વધુ રાહત આપે એવા છે.
आज बाजार बंद है’, कबीर और गुजरात में कबीर – सम्प्रदाय, ख्यात साहित्य और इतिहास: एक विश्लेषण, हिन्दी कहानियों के सिनेरूपान्तरण की समीक्षा, राजेश जोशी की कविताओं में उत्तर आधुनिकता-बोध, बवंडर’ एवं ‘अंतिम बयान’ कहानियों में अभिव्यक्त दलित जीवन के सामाजिक सन्दर्भ, ‘काला पादरी’ उपन्यास की समस्याएँ
જેવા હિન્દી સાહિત્ય વિશેના લેખો ગમ્ભીર અને પરિશ્રમથી લખાયેલા છે એટલે ગુજરાતી લેખો વાંચ્યા પછી અનુભવાતી પ્રાણવાયુની અછત અહીં પૂરી થતી લાગે છે. Depiction of Individual Identity and Social Existence in Vijay Tendulkar’s A Friend’s Storyમાં સૃષ્ટિ ચૌધરીની મહેનત અને ચીવટ દેખાય છે. Literature and Philosophy: A Symphonic Fusion લેખમાં સંજય ચોટલિયાએ જે સમજ અને પદ્ધતિ દર્શાવી છે એ જોઇને ગુજરાતીના માસ્તરોએ શીખવું જોઈએ. Contribution of Literature in Development Aspects of Society અને the role of information& communication technology (ict) in teaching english language and literature ((માધવી આચાર્ય), Rewording the Myth of Yayati: A Comparative Study of Yayati by V.S. Khandekar and Girish Karnad (મહેશ ભટ્ટ) જેવા લેખોમાં અગાઉના આ જ વિષય પરના લેખોને નવા અભિગમથી જોવાનો ઉદ્દેશ અને રજૂઆતની નવી શૈલી છે.
प्रमाणिकेऽध्वरे रामः (જૈમીન દવે), महाकविकालिदासस्य नाटकेषु रसनिरूपणम् ॥ (જય દવે), रसगङ्गाधरे उत्तमोत्तमकाव्यस्योदाहरणे व्यङ्ग्यविमर्शः (જિગર ભટ્ટ) संस्कृत साहित्ये "पर्यावरणं वेदविज्ञानञ्च"एकं समिक्षात्मकं अध्ययनम्। (દેવેન્દ્ર જોશી)જેવા લેખો તાજગીભર્યા છે.
વિવેચકનું કામ ધૂળધોયાનું અને પારકો ઝઘડો વહોરવાનું છે એ હું જાણું છું અને મેં ગુજરાતી સાહિત્યથી અને ગુજરાતીમાં લખવાથી સન્યાસ લીધો એને પણ સંયોગથી એક દાયકો પૂરો થાય છે. દાયકા પછી મિત્ર નરેશ શુક્લના પ્રેમાગ્રહે આ ‘ઉઠ પાણા પગ ઉપર’ કરી રહ્યો છું.
પુનશ્ચ : અહીં જે લેખકોના નામો-લેખોનો ઉલ્લેખ કર્યો છે એ બધાં જ લેખોને Review Modeમાં રાખીને લાલ રંગથી ભૂલો દર્શાવવાનો પરિશ્રમ છ મહિનાથી કરી રાખ્યો છે. આધાર –પ્રમાણ વિના હું કશું લખતો નથી એ સૌએ યાદ રાખવું. જેમને આ ભૂલો સુધારેલા લેખો જોઈતા હોય એમણે મેઈલ કરવો.
રાજેન્દ્ર મહેતા
E-mail: poorvayan@gmail.com
Cell -9718475928.